૭૩. વાતો
પ્રહ્લાદ પારેખ
હજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે;
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.
હજુ ધીમે! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.
અને કૈં તારા જો નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા.
પછી તો ના વાતો, પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.