ગુજરાતી સૉનેટકાવ્યો/પજવણી

Revision as of 16:17, 9 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮૭. પજવણી

ચિનુ મોદી

થયો ઝાઝો એને સમય પણ, જ્યારે પ્રણયમાં
વફાદારી તૂટ્યે અલગ જ થયાં બેય ઝઘડી.
છતાંયે તે આજે પથ ઉપર ક્યારેક તમને
જતાં જોઉં ત્યારે હૃદય હળવેથી ધબકવું
જતું ભૂલી, શાને? ઘર તરફ છેલ્લી ‘બસ’ વિશે
જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી
નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને?

કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી
તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય આ
વિવેક ચૂકે કાં?; કદીક નવરાશે, ફુરસદે
કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે
અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો?

મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને
તમારું હૈયું શું કદીય પજવે આ...મ?