ગુજરાતી સૉનેટકાવ્યો/નીલકંઠ (બદ્રીથી એનું દર્શન)
૯૩. નીલકંઠ (બદ્રીથી એનું દર્શન)
ચન્દ્રકાન્ત ટોપીવાળા
સવાર બહુ સુસ્ત ફિક્કી, ફૂગ જેમ ફેલાયેલું
તળે ઉપર આજુબાજુ ખૂબ ઝાંખું ઝાંખું બધે
હવાથી અમળાય ધુમ્મસ, કપાસ જૂનો થતાં
થતો કઠણ તેમ સાવ ચપટાં પડ્યાં વાદળાં.
અથંભ બસ રાત આખી અતિ તીક્ષ્ણ તારાનખે
વીંખાતી રહી ચાંદની-ની મૃતખાલ જેવું નર્યું
વિરૂપ પથરાયેલું હિમ, વચેથી મોં કાઢતી
સપાટી શત ભૂખરી કકરી પ્હાડ-પાષાણની.
અડ્યું કિરણ, ચાક કો શરૂ થયો, ઘસાયે જતાં
સળંગ સહુ અંગ અંગ, ગતિ તીવ્ર વેગે ગતિ
પ્રચંડ ચકરાવ, ઉગ્ર તણખા ખરે, નીખરે
પહેલ પર પહેલ તેજ વછૂટે, સ્ફુરે, વિસ્ફુટે.
ઝગારતી દશે દિશા ઘુમતી આ અણી યે અણી
કપાય નભ! નીલકંઠની વિરાટ હીરાકણી.
૮-૧૦-૯૫