૧૨૦. પ્રણય
જશવંત લ. દેસાઈ
પ્રિયે! મારો તારા પ્રતિ પ્રણય ના એવી રીતનો-
તને જોતાં મારી રગરગ ઊઠે અગ્નિ પ્રજળી,
ખમાતી ના એક્કે ક્ષણ પણ પછી જ્યાં વિરહની,
તવાશ્લેષે થાયે મરણ – પરમાનંદની ઘડી!
પ્રિયે! મારો તારા પ્રતિ પ્રણય ના એવી રીતનો–
નિહાળી આકાશે નમણી ઝૂકી કો વાદળી મૂક,
(નહીં, ઝીલે કંઠે અમી તદપિ ના ધૈર્ય) વ્યથિત
પુકારોથી – આર્દ્ર સ્વરથી – કરતો ક્ષુબ્ધ જગત!
પ્રિયે! મારો તારા પ્રતિ પ્રણય અંભોધિ સરખો
અષાઢે હું તારાં ઊછળી ઘૂમરી આવત જળ
તણા આવેગોને ગભીર ઉર ઝીલંત પ્રબળ,
વિલોપું ના માઝા તદપિ તટની સ્વસ્થ અચળ;
ધીમી આછી લ્હેરે પણ રૂપ ધરી ઊર્મિ મૃદુલ,
તને હું ચૂમી લૌં—જ્યમ અનિલ કો નાજુક ફૂલ!
(‘આરઝૂ’)