સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કિસન સોસા/ઠીક થયું!

Revision as of 04:48, 28 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કો’ અમારું ન રહ્યું, પર ન રહ્યું, ઠીક થયું; ગામ અકબંધ રહ્યું, ઘર ન ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કો’ અમારું ન રહ્યું, પર ન રહ્યું, ઠીક થયું;
ગામ અકબંધ રહ્યું, ઘર ન રહ્યું, ઠીક થયું!
ઓળખી લે’ય બધા કશ્શીયે ઓળખાણ વગર,
કૈં જ ગોપિત કે ઉજાગર ન રહ્યું, ઠીક થયું.
પંખીઓ એક પછી એક ઊડી સાવ ગયાં,
નામ એકેય અધર પર ન રહ્યું, ઠીક થયું.
આમ દેખાય જગત શુષ્ક અને આમ સજળ;
નેણ સુક્કું ન રહ્યું, તર ન રહ્યું, ઠીક થયું.
જળ હવે ફક્ત મને જળ રૂપે દેખાય જળે;
કોઈ ખાબોચિયું-સાગર ન રહ્યું, ઠીક થયું.
ભગ્ન ભેંકાર હવેલી-શો મને થાઉં પ્રતીત;
કોઈ પણ બહાર કે અંદર ન રહ્યું, ઠીક થયું.
વાયુ વૈશાખ તણા ગામમાં વાતા જ ગયા;
એક પગલુંય તે ભીતર ન રહ્યું, ઠીક થયું.
[‘કંકાવટી’ માસિક]