અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/ખંડેર પરનો પીપળો

Revision as of 10:51, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


ખંડેર પરનો પીપળો

બાલમુકુન્દ દવે

ઊગ્યો ક્યાંથી અહીં તું અધવચ અટૂલો ભગ્ન ખંડેર માથે?
ઊગ્યો ક્યાંથી અહીં તું રમણીય તજીને સ્વચ્છ કો આંગણું જ્યાં ચંપાના ફૂલ જેવી તરલ ઊઘડતી કન્યકા સુપ્રભાતે
ઘોળેલી ઊર્મિઓનાં કુમકુમ અરચે રમ્ય કંકાવટીથી?
તારે ભાગ્યે શું એવા જીવનવિભવના લા’વ નિર્મ્યા ન લેવા?
ઊગ્યો અશ્વત્થ! હ્યાં ક્યાં રસકસસભરા છોડીને આ ધરિત્રી?

કિન્તુ હે વૃક્ષવિપ્ર! ભવભટકણમાં હુંય ખંડેર વચ્ચે
એકાકીલો ઊગ્યો છું, અવરજવર ના કોઈની આ દિશાએ!
ઝીલ્યો મેં એકલાએ જલધર અનરાધાર ઝૂકી પડેલો,
ઝીલી ઝંઝાથપાટો, શિશિર રત તણા સુસવાટાય ઝીલ્યા —
ઝીલ્યા અંગાર ગ્રીષ્મે, લઘુક જીવનમાં કૈંક મેં રંગ જોયા!
મારે પોચી ધરાની અવ ન અબળખા, જ્યાં ઊગ્યો ત્યાં જ રાચું;
શોભા ખંડેરની થૈ, કઠણ વજરશી ભોંયમાં મૂળ રોપી,
જન્મ્યો તો જીવી જાણું પલ પલ કપરી જોગવી જિંદગાની!

૫-૩-’૪૨