અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/શ્રાવણ નીતર્યો

Revision as of 11:35, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


શ્રાવણ નીતર્યો

બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
         પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
         પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
         પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
         પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
         આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.

આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
         આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
         એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
         આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
         પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
         પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

(કુન્તલ, પૃ. ૯૦)