અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /દિયો

Revision as of 11:42, 10 July 2021 by MeghaBhavsar (talk | contribs)


દિયો

પિનાકિન ઠાકોર

હે ભુવનભુવનના સ્વામી!
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
         લહો હે અંતરયામી! હે ભુવન.

આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ, સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પ્રતિપલ થાક લથડતાં ડગડગ થરથર
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર
         શરણ ર્‌હે ચરણે પામી. હે ભુવન.

અંતરને સ્મરણો સૂનાં ત્યાં અગણિત પલ પલ,
તે જાગી દેતાં દાહ, દુઃખદાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરો, દો શાતાસુખ હે શીતલ વત્સલ,
અને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
         અમલ, હે પાવનનામી! હે ભુવન.

(મેહુલો ગાજે ને માધવ નાચે, સંપા. ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, ૧૯૮૭, પૃ. ૬૧-૬૨)