અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની
Revision as of 07:27, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
સીમંતિની
સુશીલા ઝવેરી
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું…
વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
ર્હૈ હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે...
પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.
હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.
પ્રાણમાં પમરી અાવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…
(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)