રામચન્દ્ર પટેલની કવિતા/એક શોકપ્રશસ્તિ

Revision as of 02:23, 10 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
એક શોકપ્રશસ્તિ

કંકુ રોવે રે કંકાવટીમાં
ચૌટે રોવે ચંદન ઝાડ,
કેશ રોળાયા ઘર આંગણે
મેંશે રંગાણાં કમાડ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...

કેશર છાંટીને ઝબક્યો આગિયો
ચાંલ્લો ખર્યો સવા લાખનો,
મ્હેલ વચાળે મંડાણા આડાં વાંસડા
ચોકો ચીતરાણો રાખનો,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...

મોભે આવી બેઠો ઘુવડ રાજવી
સેરમાં ઊડી રે વાગોળ,
ઊભું બજાર છંટાયું ધૂળથી
તૂટી પડી રે હીરાભાગોળ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...

ધરો-ફૂલ લઈને શું કરું વીરા?
જ્વારો રોપ્યો મસાણ,
અંધારાં વાયાં પ્હેલા પણોઢલે...