અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/બળદ

Revision as of 08:48, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
બળદ

પ્રિયકાન્ત મણિયાર

અત્યારે એક એકામાં બાંધેલો સૂતો છું
(ગુડ્ઝ ટ્રેનમાં લઈ જવાતા સામાનને બાંધે તેમ)
એક વાર આખાય રસ્તે
         મારી માતી નતી કાય
મારો ડુંગરિયો દેહ આડો પડી ગયો છે.
ડોકું આડાંની બહાર લબડી રહ્યું છે,
જાણે એમાંથી આંસુની જેમ હમણાં આંખ ટપકી પડશે
અરે અરે હવે એટલોય સંચાર થાય તો તો કેવું સારું—
એક આંખ-મેં ખેડેલો નિત્ય તે રસ્તો
         આ જ? એમ વિમાસે છે —
એક આંખ નિષ્પલક આખા આકાશને જુએ છે
એ આંખ તો મૃત્યુ પામેલા આકાશનો એક અંશ થઈ ગઈ
મારી આટલીક અમથી આંખ મૃત્યુ પામતાં
         આખું આકાશ મૃત્યુ પામ્યું.
હવે રસ્તો પણ ધીમે ધીમે શ્વાસ છોડી રહ્યો છે
જે કાંધ પર એકાનું લાકડું રહેતું ત્યાં માખીઓ
         ભાગ્યે જ બણબણતી.
હવે બધી માખીઓ ત્યાં જ બેસે છે
આપણે મરી ગયા પછી આપણ ઉપર માખીઓ બેસે ત્યારે
         કેવું સતપત સતપત થાય
હે ભગવાન માખીઓને મોત હજો
હું તો બધો બોજો લઈ જતો હતો
રોજ થોડો થોડો ભાર વહી શકાતો —
મૃત્યુમાં કયું લોઢું હશે તે મારાથી એ તો
         વહી શકાતું જ નથી
મારું અણિયાળું શિંગડું કોઈ વાર એવું ડોલાઈ જતું
         કે સુકોમલ સમીરને રક્તની છાંટ ફૂટી નીકળતી.
શિંગડાં તો એનાં એ જ છે પરંતુ
ઊતરી ગયેલા પગ જેવાં
જે તસુય રસ્તો કાપી ન શકે.
મારા પૂંછડામાંય એક ઝાડ હતું
એની ડાળીઓ જેમ ડોલાવવી હોય તેમ હું ડોલાવતો—
એ તો કોઈ મૂળમાંથી કાપી ગયું.
કેટલા યુગોથી હું ષંઢ
         પણ બોજો વહવામાં બલવાન
મારી ઇચ્છાની ઇન્દ્રી તો આદિથી કપાઈ ગઈ હતી
છતાં હું કેવું તરફડી તરફડી રસ્તો કાપતો હતો.
આ મૃત્યુએ અણદીઠા હાથે કઈ પરોણી મને ઘોંચી
         કે મારું કંઈ ચાલ્યું નહીં.
જુઓ પેલા સુકાઈ ગયેલા ખડમાં કે જેમાં સૂરજ
         સાત કરોડ વાર આળોટ્યો છે.
તે ખડના ખડકલામાં પૂળેપૂળો ઊંચકતા—
તેને ખાવાની મારી જીભ જડી આવશે—
હજીયે મારું ઘણુંયે ઘાસ ધરતી પર બાકી છે.
હું ગાડું તાણતો હતો
મને મૃત્યુ તાણી ગયું.
પૈડાં વિનાના ગાડામાં ઢસરડીને
હજી તો હમણાં જ નાળ જડેલી નકામી ગઈ.
બીજો બળદ મને ખાલ ઉતરડવાના
અને ખાડામાં નાખવાના સ્થળે લઈ જઈ રહ્યો છે —
ને મને લઈ જઈ રહ્યો છે?
એનેય લઈ જઈ રહ્યો છે.
ત્રીજો વળી તેને —
         મૂંગાં મૂંગાં ચક્રો —
પૈડાના ચાકડા ઉપર
         ઊતર્યો
                  હોય!