અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ

Revision as of 09:46, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
વાવોલ

ભાનુપ્રસાદ ત્રિવેદી

જળ જંપે ત્યાં કોઈ રે આવી
         રૅણ-ઢબૂર્યાં નૅણમાં મારાં ઘોળજો વાવોલ,
તાંદુલ કેરી ગઠડી છોડી
         હળવે હળવે ગોઠડીમાં ઝબકોળજો વાવોલ...

         તાણ ઘોડાપૂર, કૂણી વેળૂ,
                  એમ વિસારી રમતા — દેરી.
         રાંગમાં વાળી ખેપની હેરુ,
                  સાત સાગરની સાંભળી ભેરી.

સાવ ઊંડે અંકાશ ઠરી તે —
         છીપના ગભૂર ભેજમાં કોઈ ખોળજો વાવોલ...

         કો’ક પરોઢે ગામ એ મારું
                  બોઘરણે જેમ શેડ પડી જાય,
         ગળતી રાતની થૈને સાવળ
                  તુલસી-કષાય નાદ અડી જાય.
ઝૂલતાં મારાં પોપચે પાદર:
                  હીરને દોર અંઘોળજો વાવોલ...

         વાટમાં મેજળ તફડ્યાં ઝાઝાં,
                  મૉલ લચ્યા મનભાવતા થોડા,
         ઉઝરડા અણદીઠ હો માડી,
                  ર્‌હૈ ગ્યા તારા થાન-વછોડ્યા,
કોઈ વેળા આ હોઠથી મારા
         ગીત દ્રવે ક્યારીએ એકાદ કૉળજો વાવોલ...