૧૦૧. બેડી નથી
અહીં વહેતી હવામાં એક અણદીઠું ફૂલ,
એની સોડમના એંધાણે ક્યાંય ના જવાય,
મળ્યા મારગ રૂપાળા, ત્યાં રૂપાળી શૂળ.
તમે સાથે નથી ને તોય સંગે અણસાર
મારાં લોચન આ મનખામાં ભટકે અણજાણ,
મારા રુદિયાને સંભળાતો સૂર આરપાર.
નભે તરતાં વાદળમાં કોઈ ચુંદડીનું પોત,
સ્હેજ ચૂએ, ને ભીતર રંગાય, એ જણાવવા
જો મારું ચાલે, તો દેહ પિંજરને ખોત.
એના કંકુમાં હળદરનો સહેજ વધુ પાસ,
એની બિંદીને ઝળહળતી જોઈ મને થાય,
રહ્યો એક જ સિતારો, ને ઘેર્યું આકાશ.
બધો કોલાહલ સાંભળુ ને કેડી નથી,
સ્હેજ અહીંયાંથી જાઉં ફરી અહીંયાં કળાઉં,
મને કોણે બાંધ્યો છે ને બેડી નથી!
૧૫–૮–૧૯૭૬