અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/નિરુત્તર

Revision as of 05:23, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
નિરુત્તર

ધીરુ પરીખ

ગાડીમાં બેસવું એટલે શું?
બાજુમાં બેઠેલા પ્રવાસીએ મને પૂછ્યું.
કેમ, હું બરાબર બેઠેલો નથી?
મેં વળતો પ્રશ્ન કર્યો.
ના, એમ તો બરાબર બેઠેલા છો;
પણ આમ અધ્ધર શ્વાસે કેમ બેઠા છો?
ઓત્તારી! સ્ટેશન આવશે ત્યારે ઊતરવું તો પડશેને ?
તે મારે ય ઊતરવાનું તો છે જ,
એટલે કહું છું કે બેઠા ત્યાં સુધી હેઠા શ્વાસે બેસો
અરે ભાઈ, અધ્ધર શ્વાસે કે હેઠા શ્વાસે —
ગાડી કંઈ ઘર નથી, ઊતરી તો જવું જ પડશે.
વાત સાચી; પણ જરા વિચારો તોઃ
જ્યાં સુધી ગાડીમાં છો ત્યાં સુધી ઘરમાં બેઠા છો
ને ઘરમાં છો ત્યાં સુધી ગાડીમાં બેઠા છો.
એટલે તમે શું કહેવા માગો છો?
મારાથી પુછાઈ ગયું.
તમને નથી ગાડીમાં બેસતાં આવડ્યું.
કે નથી ઘરમાં પેસતાં આવડ્યું.
ગાડી એ તો ચાલતું ઘર છે
અને ઘર છે ઊભેલી ગાડી.
બોલો, જવાબ દો, ગાડીમાં બેસવું એટલે શું?
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી શાન્તિથી બેસી રહેવું
ઊભી રહે ત્યારે ભ્રાન્તિ છોડી ચાલવા માંડવું.
એમ જ ને?
પેલો પ્રશ્ન પૂછનાર નિરુત્તર રહ્યો.
હાથમાં લીધાં કલમને દોત.