અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/ઉંદર

Revision as of 05:52, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs)
ઉંદર

પન્ના નાયક

ઘર નવું છ.ે
પુષ્કળ હવાઉજાસ છે.
હમણાં જ સફેદ રંગ થયો છે એટલે
ચોખ્ખી દીવાલો છે.
બારી પર પડદા છે.
ઓરડાઓમાં wall-to-wall કાર્પેટ છે.
બધું જ નવુંનક્કોર, ચોખ્ખુંચણક.
આવા ઘરમાં
કોઈ છૂટ ન હોઈ શકે
ધૂળને હરવાફરવાની
કે
વાંદા-ઉંદરને પ્રવેશવાની.
(મને કેટલી સૂગ છે
આવા પેટ ઘસડતા જીવજંતુઓ માટે!)
અને છતાંય
એક દિવસ
પુસ્તક વાંચતાં વાંચતાં
આંખને ખૂણેથી જોવાઈ ગયું
કે
એક ઉંદર દોડીને
ટીવીના ટેબલ નીચે ઘૂસી ગયો.
(હું ઘરમાં નહીં હોઉં ત્યારે
એ ટીવી ચાલુ કરતો હશે?!)
મારા આવા નવા ઘરમાં
ઉંદર હોય
એ ખ્યાલ માત્ર
હું સહન ન કરી શકી.
હું પણ
દોડીને બહાર ગઈ
અને
ઉંદરને પકડવાનું પીંજરું ખરીદી લઈ આવી.
આધુનિક દેશમાં
આધુનિક શહેરમાં
આધુનિક ઘરમાં
પીંજરું પણ આધુનિક!
કાર્ડબોર્ડનું બનેલું આ પીંજરું
(કાગળના કપ અને નૅપ્કિનની જેમ
એક જ વાર વાપરીને ફેંકી દેવાનું!)
જેમાં જવા-આવવાના રસ્તા સાવ ખુલ્લા.
લોખંડના કોઈ સળિયા નહીં.
કટકો રોટલો
કે
ચીઝનો ટુકડો
કે
મીઠી દવા—એવી કશીય લાલચ દેવાની નહીં!
ફક્ત
જવા-આવવાના રસ્તા પર
કોઈ એવું રસાયણ પથરાયેલું હોય
કે
એમાં એક વાર દાખલ થયા પછી
એવા સજ્જડ ચોંટી જવાય
કે
ઊખડી શકવાની
છટકી શકવાની
કોઈ શક્યતા જ નહીં!
આ પીંજરું
દિવસો સુધી
એમ ને એમ પડી રહ્યું.
(ઉંદરને
વિચાર કરવાની
નિર્ણય પર આવવાની
તક મળે એ કારણે?)
એક મધરાતે નીરવ શાંતિ ને ભેદતું પીંજરું હલ્યું.
ખૂબ ખળભળાટ સંભળાયો.
મેં આંખો ખોલી
દીવો કરી
પીંજરા સામે
ટીકીટીકીને જોયા કર્યું.
જવા-આવવાના રસ્તા ખુલ્લા હતા.
બન્ને દિશામાં માથું ફેરવી શકાતું હતું.
અને છતાંય
આમ કર્યું હોત તો
આમ ન કર્યું હોત તો
એવી મનની કટકટ વચ્ચે
સજ્જડ ચોંટી ગયેલા પગને કારણે
it was a point of no return.