અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુકુન્દ પરીખ/ઝાકળ ઝાકળ

Revision as of 06:13, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાકળ ઝાકળ|મુકુન્દ પરીખ}} <poem> {{Center|'''(૧)'''}} જલ-પરીને આવ્યું સમણું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઝાકળ ઝાકળ

મુકુન્દ પરીખ

(૧)


જલ-પરીને
આવ્યું સમણું
ધરતીએ અવતરવાનું!
એણે
વાત કરી પવનને...
‘એમાં શું?
પરોઢે આવજે મારી સાથે!’
બસ,
પછી તો
પરી ને પવન
ક્રીડાએ લીન!
રમતા ઝાકળ ઝાકળ
ને
મઘમઘતો
મોગરો
રોજ ફોરે
મારા આંગણ...

(૨)


પ્રભાતે
ઊઠે
વહેલાં મા...
નાહીધોઈ
તુલસીક્યારે
પ્રગટાવે દીવા
ને પ્રેમે
ઝારીનાં જળ સીંચે!
સવારે પતાવી પ્રાતઃકર્મ
નીકળું લટારે
ને થોભી સહજ
નીરખતો
તુલસીક્યારો!
માના હેતભીનો...
અનુભવાય અકથ્ય અચરજ!
માનાં ઝારીનાં જળ
તુલસી પર્ણે
તગ તગ ઝાકળ!
સાવ ભોળી મા!
કો’ક વાર તો
અમને અર્પો
તુલસીપત્ર જેવા
તગ તગ ઝાકળ...!

(૩)


ઝાકળજળ
બહુ મીઠાં
પરોઢ પહેલાં
ઝબકી જાગે
પુષ્પ
તૃણ
ને વેલા...
કવિલોક, સપ્ટે.-ઑક્ટો