મર્મર/શરદ–રજની

Revision as of 01:44, 15 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


(૨)
શરદ–રજની

ક્ષિતિજશશીના ધીમે સીમે અહો પ્રસરે કર!
પ્રકૃતિ સકલ પ્રીતે ઝીલે સુધાજલસીકર.
ગગનનદના નીલા નીરે સરે શશીનાવડી;
કુમુદખચિતા ડ્હેકે રૂપાજલે શી તલાવડી!

પીત કણસલાં વાયુલ્હેરે મૃદુ મૂક ડોલતાં
મુદિત રજનીરોમે જાણે સ્ફુરંત પ્રહર્ષણ!
સમયશીશીમાં કેવી ધીરે ધીરે સરતી ક્ષણ!
સતત તમરાંસૂરે તીણા તમદ્રુમ કંપતાં.

હળવું ફૂલ આ હૈયું કેવું જલે મીનશું તરે
દ્યુતિજલતરંગોની ટોચે નચાવત દેહને
અગર ખગશું ખોલી પાંખો નભ પ્રતિ સંચરે
ગહન ટહુકે આકાશોની ગુહા ઊંડીને ભરે.

શિરે ધવલ ચાંદ, ને ચરણ ભૂમિમાટી ચૂમે
અહો નિકટ બેયની હૃદય મારું કેવું રમે!