અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/બટકણી ભાષાના ધાગાથી

Revision as of 09:05, 13 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બટકણી ભાષાના ધાગાથી|લાભશંકર ઠાકર}} <poem> બટકણી ભાષાના ધાગાથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બટકણી ભાષાના ધાગાથી

લાભશંકર ઠાકર

બટકણી ભાષાના ધાગાથી સીવતી કોટ રે
છે શિયાળો.
નિર્વસન, વસન આશાનું પકડી
એકાગ્ર આંખથી
દરજન કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.
નથી માપપટ્ટી કે કાતર,
કાનામાતરના રણકારે, કાન સહારે
ગણગણતી.
વગર અણીની સોય લઈને કોડભરી ઉત્સુક
સીવતી કોટ રે, છે શિયાળો.
સીવતાં સીવતાં ધાગો બટકી જાય
પરોવતાં રે ગાંઠ વગરનો ધાગો સરકી જાય
શતકોનાં શતકો ઊંટોનાં
સોયના કાણામાંથી
સરક સરકી જાય રે.
વ્હાણાથી બેઠી બેઠી, કાણાને શોધી
મમળાવી ધાગો મોંમાં
ધીરજ ખંતથી પરોવવા તત્પર
દરજણ કવિતા
સફળ યત્નથી સ્મિતભરી, સીવતી કોટ રે
છે શિયાળો.
કંપિત અંગ-આંગળાં
લયમાં
સંકોરી કાવ્યભાન
ખંતીલી તંતીલી
વેદના વારાથી
દરજણ કવિતા
સીવતી કોટ રે, છે શિયાળો.