ભજનરસ/સમસ્યા માં સંત જાણે

Revision as of 11:30, 20 May 2025 by MeghaBhavsar (talk | contribs)


સમસ્યા માં સંત જાણે

સમસ્યામાં સંત જાણે, કહ્યું ન કહેવાય,
થારથ જેમ તેમ, લઈએ તો લેવાય;

વાણીએ વિચાર ન આવે, ગાનારો તે ગાય,
પરિબ્રહ્મ પોતે સદા, જોનારો તે જાય;

સંગતથી સૂધ આવે, વખાણે તે વાય,
સ્વરૂપની સાન એવી, સ્થિરતા ન થાય;

હદ ને બેહદ થકી પડ્યું પરમ પાય,
મૂળદાસ કહે જો, મન ન આવે વાણીમાંય.

પરમ તત્ત્વને કેવી રીતે પ્રાપ્ત કરવું એનો કોઈ હાથવગો કીમિયો નથી. અને છતાં એની ક્યાંક ક્યાંક નિશાની ને ઝલક મળી રહે છે. આ ભજનમાં મૂળદાસ એના કેટલાક સંકેતોની ભાળ આપે છે.

સમસ્યામાં... લેવાય

કોઈ સિદ્ધ પુરુષને પૂછવામાં આવે કે તમે પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કર્યા? તમને આત્મ-જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું? તો આ પ્રશ્નનો જવાબ એ શું આપે? જેને મનથી કલ્પી ન શકાય અને મુખથી કહી ન શકાય એવા અનુભવ વિશે એ શું કહે? જે કોયડો એણે ઉકેલ્યો, જે જાણપણું એણે આત્મસાત્ કર્યું તે અણકથ્થું રહી જવાનું. મૂળદાસ એક બીજા પદમાં કહે છે :

વસ્તુનો વિચાર એવો, જાણ્યા વિના જાણ.
મૂળદાસ મૂળ જોતાં, હરિને નહીં હાણ.
તો આવી મૂળની કથા છે. રવિસાહેબ કહે છે :
રહે અડોલા, બોલ અબોલા,
જાણપણા જલ જાઈ.

આત્મજ્ઞાનીનો જવાબ સુખદુઃખ વચ્ચે તેના અડોલ આસનમાં, વાદ-વિવાદની ગાજવીજ વચ્ચે તેના ગંભીર મૌનમાં. જાણિર ભયે અજાણ’ એ તેની શાનાવસ્થા. પરમ તત્ત્વને ‘જ્યારથ’, ‘જેમનું તેમ’ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કેમ કરવું? ‘લઈએ તો લેવાય’ એ તો પ્રાણ ખોલીને ઝીલી લેવાની વસ્તુ છે, મોઢે ચડીને માગી ખાવાની વસ્તુ નથી. પોતે પોતાને જ સાન કરી સમજાવવાનું છે. મૂળદાસ કહે છે :

અરીસામાં આપે જોતાં, સામો રે સાન,
બિંબ માટે બીજો દીસે એ જ અજ્ઞાન.

સૂરતમાં મૂરત દીસે, સફ્ળ સમાન,
મૂળદાસ માની લેવું સમસ્યામાં સાન.

પરમ શુદ્ધ ચૈતન્યને પામવું હોય તો પોતાના ચિત્તનો અરીસો ચોખ્ખો કરવો એ એક જ ઉપાય છે. વાણીએ વિચાર... જોનારો તે જાય પરમની શોધમાં જયાં વાણી સ્તંભિત બની જાય, મન વિચારશૂન્ય બની જાય અને પ્રાણ નિસ્યંદિત બની જાય ત્યારે શી ઘટના આવિર્ભાવ પામે છે? ‘ગાનારો તે ગાય’ શરીરની અંદર જ મહદાત્મ બેઠો છે તે અનાહત ‘હંસ-ગાયત્રી’ ગાવા લાગે છે. શ્વાસઉચ્છ્વાસ સાથે અનાયાસ અને અવિરત ‘સોડહં’ નાદ ઊઠે તે ‘હંસ-ગાયત્રી.’ જે તત્ત્વઝંકાર બ્રહ્માંડ ભરીને થઈ રહ્યો છે તે માનવ-શરીરના રોમે-રોમમાં ઝંકૃત થતો સંભળાય છે. પરિબ્રહ્મ હવે આઘો કે અળગો નથી રહેતો પણ પિંડમાં જ આવી વસેલો અનુભવાય છે. પણ એને જોનારો તે જાય’ — જોવા માગતો જીવ પોતે જ લય પામે છે. સંતોની વાણીમાં : ‘લુણ કી પુતલી ગીર ગઈ જલ મેં’ મીઠાની પૂતળી સમુદ્રમાં ઓગળી ગઈ, પછી એ બહાર શી રીતે આવે? સંગતથી સૂધ... સ્થિરતા ન થાય સત્સંગનો મહિમા ગાતાં સંતો થાકતા નથી. માટીના ખોળિયામાં આવીને માનવીની સૂધબૂધ હરાઈ ગઈ છે. નથી એને અસલ ઘરની ખબર, નથી અવ્વલ રૂપની ખબર. પોતાને ઘેર પહોંચેલા સંતો એને પંથે અજવાળું પાથરે છે, વર્તનનો દીવો હાથમાં લઈ એ મૂંગા મૂંગા કહેતા જાય છે ઃ ‘વરતન જોઈ વસ્તુ વોરીએ’. સંતોની સંગતથી સાચા-ખોટાનું ભાન થાય, મન એમના ગુણોની આપમેળે પ્રશંસા કરવા માંડે ત્યારે આ ગુણોને સંભારનારો અગમની વાટે વહેતો થઈ જાય છે. વખાણે તે વાય’ આ સાદા શબ્દોમાં મને તો પ્રાણની ઉત્થાન ભૂમિકાનાં દર્શન થાય છે. ‘ગુણ વખાણું અતિ ભારી, અલકા ગુણ વખાણું અતિ ભારી’ ગાતો ગુણજ્ઞ આત્મા એ મહિમાના સૂરેસૂરે હદ-બેહદની પાર પહોંચી જાય છે. મૂળદાસે જે ‘ગુરુ મહિમા’ લખ્યો છે તેમાં એ કહે છે :

હું વળી વળી ગુરુને વખાણું,
સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,
*
ગુરુનાં વચન સરવે વૈએ
તો તો મોટી દશા હૈએં

સતગુરુ દ્વારા સ્વરૂપની સાન’ મળે છે. પણ એ સાન કેવી છે? સાન એવી સ્થિરતા ન થાય.’ કોઈ ચોક્કસ રૂપ, રંગ, માપ, માત્રામાં ઠરાવી શકાય એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈ સ્થિરતાના આધારમાં તેને પૂરી શકાતું નથી. રામકૃષ્ણ પરમહંસ કાચંડાના વિવિધ રંગોની વાત કરતા એ અહીં યાદ કરવા જેવી છે. આત્માનું સ્વરૂપ આવું છે’ એમ આંગળી મૂકતાં જ એ ત્યાંથી સરકી જાય છે. મૂળદાસ કહે છે :

મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.
વળી કહે છે :
નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ
મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.

પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી.

હદ ને બેદ... આવે વાણીમાંય

પરમ પદ હદ અને બેહદથી પર છે. સંસાર કે મોક્ષ, માયા કે માયાતીતના એમાં ભેદ નથી. મૂળદાસ અંતમાં પણ ભાર દઈ કહેતા જાય છે કે મન-વાણીની પકડમાં તત્ત્વ આવે એમ નથી. અને છતાં કહેવતરૂપ થઈ પડે એવાં સચોટ ને ટૂંકાં વચનોમાં એમણે અહીં ઈંગિતો આપ્યાં છે. જેના પય હદ ને બેહદની સીમારેખાને ભૂંસી નાખતાં સ્વચ્છંદ વિચરે છે, તેમના વિશે એક સાખી છે :

હામાં રમે સો માનવી, બેહદ રમે સો પીર,
હદ-બેહદથી ન્યારા રહે, ઉનકા નામ ફકીર,