જાગજો તમે ચેતજો, છેલ્લી સંનધનો પોકાર રે,
હરભજનમાં ભરપૂર રહેજો,
હરિનામનો ઓધાર રે —
થડકશો મા, ને સ્થિર રહેજો, રાખશે ગોપાળ રે,
સત્યવચની, સદા શીતળ,
તેને શું કરે કળિકાળ રે —
ધન્ય ધન્ય મારા સંતને, જેણે બતાવ્યા પરિબ્રહ્મ રે,
સંત સાધના જે કરે,
જેનો દયા સમો નહીં ધર્મ રે —
ભક્તિ છે વિશ્વાસની, તમે કરો સંતની સેવ રે,
સંત સાહેબ એક જ જાણો,
જેના દર્શન દુર્લભ દેવ રે —
આગે તો તમે અનેક તાર્યા, તમે છો તારણહાર રે,
મૂળદાસ કહે મહારાજ મોટા,
તમે કરો સંતની સાર રે —
જાગજો તમે ચેતજો!
મૂળદાસે સમાધિ લેતાં પહેલાં કહેલું આ છેલ્લે ભજન ગણાય છે. છેલ્લા શ્વાસ સુધી જાગતો રહેલો પુરુષ જાણે જતાં જતાં ‘સંનદ્ઘ રહો! સજ્જ રહો! જાગતે રહો!’નો પુકાર કરતો જાય છે. સરળ ભજન છે. ઘણા ભજનિકો છેલ્લી સનંદ’ કે છેલ્લી સંધિ એમ ગાય છે. ભજનનાં પુસ્તકોમાં પણ સનંદ, સંધિ, સનધ’ છાપવામાં આવેલું જોવા મળે છે. એમાં ‘સંનધ’ મને મૂળની સહુથી નિકટનો લાગે છે. પોતાના અંતેવાસીઓને છેલ્લો સંદેશો સુણાવી મૂળદાસ જાણે અંતિમ કડીમાં પોતાની અંદર અને સંમુખ રહેલા સનાતન સાથીને સંબોધે છે. ભજનનો આ એક અપૂર્વ વળાંક છે. પોતાની પાછળ રહી જનારાને, ‘થડકશો મા! સ્થિર રહેજો! સાચાને વળી આ કળજગુ શું કરી શકવાનો છે? માથે ગોપાળ બેઠો છે,’ એવી અભયવાણી સંભળાવી મૂળદાસ એ ગોપાળને જ નજરે નિહાળતા હોય એમ ભલામણ કરે છે : તમે આજ લગી અનેકને તાર્યાં, તમે જ છો તારણહાર, સંતોની સંભાળ તમે જ લેજો. મૂળદાસનો માનવ પ્રત્યેનો પ્રેમ વધે કે ભગવાન પ્રત્યેનો એ કહેવું કઠિન છે. સહુ સાધન-ભજનમાં છેલ્લે તેમને દયા-ધરમનું પલ્લું જ નમતું દેખાયું છે, અને જેમના હૃદયમાંથી દયા, અનુકંપા, સહુ પ્રાણી પ્રત્યે સમભાવ ઝર્યા કરે છે એ સંતમાં જ તેમને સાહેબના દર્શન થયાં છે. મૂળદાસ પોતે પણ મોટા મહારાજનાં ગુણ-કીર્તન કરતા કરતા મહારાજ સાથે એકરૂપ થઈ ગયા છે. ગુજરાતી વાણીમાં તેમના શબદ આજે પણ આપણને જગાડતા રહે છે :
જાગ્યા તે હરિજન શબદ સાંભળી રે,
હાં રે ભાઈ, મહાજન કહે મૂળદાસ.