નારીસંપદા : ટૂંકી વાર્તા/અસ્તુ

Revision as of 02:27, 6 June 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અસ્તુ

શૈલા જગદીશ શાહ

“હવે તું ક્યારે આવવાનો છે?” ગ્રેસી અપસેટ થઈ ગઈ હતી. “શું કરું? પપ્પાનું બારમું-તેરમું નહીં થાય, આઈ મીન ઓલ રીચ્યુઅલ્સ નહીં પતે ત્યાં સુધી હું નહીં આવી શકું .યૂ નો આઈ એમ ધી ઓન્લી ચાઇલ્ડ.” “હા, મને ખબર છે પણ તને ખબર છે ને, ઈટ વિલ બી મોર ધેન અ મંથ.” “યા ડોન્ટ વરી. આઈ હેવ આસ્ક ફોર મોર લીવ.” છેલ્લા દસ વરસમાં પાંચથી છ વખત નિનાદે લંડનથી ઇન્ડિયા દોડવું પડ્યું હતું. નિનાદ મારો ખાસ મિત્ર. એક હસતો ચહેરો. અમે મેડિકલ કૉલેજમાં સાથે ભણતા હતા. ખૂબ શાંત અને લાગણીશીલ. મા બાપનો એકનો એક દીકરો. મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલો નિનાદ જાણતો હતો કે એને અહીં સુધી ભણાવવા માટે મા-બાપે કેટલો ભોગ આપ્યો હતો. એના જેવી જ શાંત સ્વભાવની સરળ સિમ્પલ છોકરી એટલે ગ્રેસી, અમારાથી બે વરસ જુનિયર. બંને વચ્ચે ક્યારે મિત્રતા થઈ અને પ્રેમમાં પરિણમી એ કહેવું મુશ્કેલ હતું. અલગ રિલીજીયસ અને અલગ રહેન-સહેનવાળાં બંનેને સમજાવવાનો મેં અને બીજા મિત્રોએ મિથ્યા પ્રયાસ કર્યો હતો પણ લવ ઈઝ બ્લાઇન્ડ. અમારી વાત એ હસીમાં ઉડાવતો. એ કહેતો, જિંદગી જેવી રીતે સામે આવે એમ જીવવાનું, ડરવાનું શું છે? એ રાજેશ ખન્નાનાં ગીતોનો ફેન હતો. હંમેશા ગીતો ગાતો રહેતો. બંને પોતાના નિર્ણય પર અડગ હતાં. જ્યારે નિનાદે લગ્નની વાત કરી ત્યારે ગ્રેસીએ ચોખવટ કરી હતી કે એની પાસે પોર્ટુગલ પાસપોર્ટ છે. એ આગળ ભણવા લંડન જવાનું વિચારે છે અને ત્યાં ગમશે તો કદાચ સેટલ પણ થઈ જાય. નિનાદને હવે પીછેહઠ કરવાનું મંજૂર ન હતું. એણે ગ્રેસીની વાતને માન્ય રાખી પણ એમ વિચારવાથી શું થાય ! લંડન એમ જવું થોડું આસાન હતું? તમને કોઈએ સ્પોન્સર કરવા પડે અથવા ભણવાની ફીસ ભરવી પડે. ગ્રેસી પાસે રાઇટ્સ હોવાથી એ લંડન ભણવા ઊપડી ગઈ અને પાછળથી એ નિનાદને સ્પોન્સર કરી બોલાવશે એમ નક્કી થયું. એમાં ઘણો સમય લાગે એમ હતો. દરમિયાન ઈન્ડિયામાં જ નિનાદ એમ.એસ. કરી જનરલ સર્જન બની ગયો. હવે નિનાદે મોટી હોસ્પિટલમાં એટેચમેંટ લઈ કામ શરૂ કર્યું. એ ધીરે ધીરે અહીં સેટલ થઈ રહ્યો હતો. ગ્રેસીનું પણ ભણવાનું પૂરું થઈ ગયું હતું. એને ત્યાં હોસ્પિટલમાં કામ મળી ગયું હતું અને એણે ઘર પણ લઈ લીધું હતું. ગ્રેસી હવે અહીં આવવા તૈયાર ન હતી એટલે ડિસાઇડ થયા પ્રમાણે નિનાદે લંડન જવાનું નક્કી કરવું પડ્યું. પતિ-પત્નીમાંથી એકે તો નમતું જોખવું જ પડે એમ હતું. એમ તો નિનાદને પોતાનાં માતાપિતા અને કામને છોડવાનું મન ન હતું પણ પરિસ્થિતિ પ્રમાણે એ ચાલનારો હતો. લંડન જઈ નિનાદે ફરીથી ત્યાંની ક્વોલિફાઇડ ઇગ્ઝૅમ્સ આપવી પડી. લંડનમાં એમ.એસ. ની ડિગ્રી માન્ય ન હતી. એક જનરલ સર્જન લંડનમાં જનરલ પ્રેક્ટિશનર બની ગયો. પણ ગ્રેસી સાથે એ ખૂબ ખુશ હતો. પૈસાની દૃષ્ટિએ અહીં કમાણી સારી હતી. મોટું ઘર, ગાડી, લક્શરી કાર અહીંની જરૂરિયાતો હતી. બે દીકરાઓના જનમ પછી તો નિનાદ, સર્જરી કરવા ન મળવાનું દુ:ખ પણ ભૂલી ગયો હતો. પરિસ્થિતિએ એ પાંગળો હતો. મા-બાપ માટે અવારનવાર ઈન્ડિયા આવવું પડતું. પણ એ હંમેશા હસતો રહેતો. પપ્પાને હાર્ટએટેક આવવાથી એ ઈન્ડિયા આવ્યો હતો. પંદર દિવસ આઈ.સી.યૂ. માં રહ્યાં પછી એ ગુજરી ગયા હતા. એકનો એક દીકરો હોવાથી બધી જ વિધિ એણે કરવી પડે એમ હતું. એ પોતે પણ ઇચ્છતો હતો કે એ બધી ક્રિયાઓ બરાબર સંપન્ન કરે. મમ્મીનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી હતું. મહિના પછી નિનાદ પાછો આવી ગયો. મમ્મીને છોડીને આવતા મન કોચવાતું હતું. સમય સમયનું કામ કરે એમ વરસો વિતતાં ગયાં. વરસમાં બે વખત તો અચૂક નિનાદ મમ્મી પાસે આવી જતો અને ત્યારે અમને સૌને એ મળતો. એને જોઈને થતું કે એ કેટલો સહજ રહી શકે છે. કદાચ એની પેલી ચહેરાની સ્માઇલથી પરિસ્થિતિને અપનાવવાની એનામાં શક્તિ આવી જતી હશે. ગ્રેસીને બ્રાહ્મણ પરિવારે સ્વીકારી ન હોવાથી એ ઈન્ડિયા આવતી તો પણ મમ્મીને એક દિવસ મળી પોતાના પરિવાર પાસે ગોવા જતી રહેતી. એને લીધે બંને બાળકોને પણ દાદી માટે ખાસ લગાવ વધ્યો ન હતો. એક દિવસ મમ્મીના બાથરૂમમાં પડી જવાના સમાચાર આવ્યા અને નિનાદે ફરી ઈન્ડિયાની વાટ પકડી. મમ્મીના થાપાનું હાડકું ભાંગી ગયું હતું. નિનાદ જાણતો હતો, હવે મમ્મીનું ખાટલામાંથી ઊભાં થવું શક્ય નહીં બને. આ ઉંમરે ઓપરેશન પણ શક્ય ન હતું. કદાચ કરાવે તો પણ સફળતા મળવાની શક્યતા નહીંવત્ હતી. ચોવીસ કલાકના કામવાળાં બેન તો વરસોથી હતાં જ, હવે એક નર્સને પણ રાખવી પડી હતી. ગ્રેસીનો રોજ પાછા આવવા માટે ફોન આવતો. “હું નક્કી કરી તને જણાવું છું.” નિનાદનો એક જ જવાબ રહેતો. મમ્મીને એકલી કેવી રીતે મૂકવી? “હું હવે તારા જવાબથી કંટાળી ગઈ છું. છેલ્લા ત્રણ મહિનાથી તું કંઈ નક્કી જ નથી કરી શકતો.” “ગ્રેસી, તું તો સમજ. અત્યારે મમ્મીને મારી જરૂર છે. હું કોના ભરોસે એને આમ મૂકીને આવું?” “સુવર્ણાબેન છે, નર્સ પણ છે. પછી? આમ પણ તારે શું કરવાનું છે?” “ગ્રેસી, મમ્મીને દીકરાની હૂંફની જરૂર છે. હું એની આંખોમાં લાચારી જોઈ રહ્યો છું. હું હમણાં ત્યાં નહીં આવી શકું.” “તેં જોબ રિઝાઇન કરી ત્યારે જ હું સમજી ગઈ હતી. રોનક અને રિકી હવે હાયર સ્કૂલમાં આવી ગયા. શું એમને તારી જરૂર નથી?” “હું સમજું છું ગ્રેસી, પણ તું બંનેને સંભાળી લેશે એની મને ખાતરી છે.” “પણ અમે બધાં તને મિસ કરીએ છીએ...”, રડતાં અવાજે ગ્રેસીએ કહ્યું હતું. “હું પણ તો તમને બધાંને મિસ કરું છું, પણ લાચાર છું.” નિનાદ જાણતો હતો કે નજીકના ભવિષ્યમાં એ પાછો નહીં જઈ શકે. મમ્મી માટેનો પ્રેમ અને ફરજ એને રોકી રહ્યા હતા. જે મા-બાપે જીવનભર ભોગ આપ્યો હોય એમનાં માટે શું એ થોડાં વરસો ન આપી શકે! નિનાદ બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. પહેલી વખત એને લંડન સેટલ થવાનો અફસોસ થયો હતો. હવે પરિસ્થિતિ એવી હતી કે ન મમ્મીને છોડીને જવાથી ખુશ થઈ શકાય, ન પોતાના પરિવારથી દૂર રહીને. મમ્મીએ એને પાછા જવા માટે ઘણો સમજાવ્યો હતો પણ એ માન્યો નહીં. બસ, જિંદગી જેમ રાખે એમ રહેવાનું હતું. અંતે એણે નજીકની હોસ્પિટલમાં એટેચમેંટ લીધું. પોતાના મિત્રોને સર્જરી કરતા જોઈ ક્યારેક એ અપસેટ થતો પણ સ્વભાવે પરિસ્થિતિ અપનાવી આગળ વધવાવાળો નિનાદ એમ હાર માને એમ ન હતો. એ ફક્ત કન્સલ્ટેશન કરી ખુશ રહેતો. વરસો પછી ઓપરેશન પર હાથ બેસાડવો આસાન ન હતું. ધીરે ધીરે એ અમને સૌ મિત્રોને મળવા લાગ્યો. સૌ એના દીકરાપણાંના વખાણ કરતા. પોતાની મા માટે પોતાનું ભવિષ્ય હસતાં મોઢે દાવ પર લગાવે એ દીકરાને શ્રવણ જ કહેવો પડે. ઘણી વખત ગ્રેસી અને બાળકોને મળવાનું એને મન થતું. ગ્રેસી અને બાળકો આવ્યાં પણ હતાં. પણ એમની તબિયત બગડી જતાં બીજી વખત અહીં આવવા તૈયાર ન હતાં. કહેવાય છે ને, દુ:ખનું ઓસડ દા’ડા. ધીરે ધીરે સૌ પોતાની લાઈફમાં એડજસ્ટ થતાં ગયાં. ગ્રેસી પોતાના કામમાં અને બાળકોનાં ધ્યાનમાં ઓતપ્રોત થતી ગઈ. નિનાદ અહીં હોસ્પિટલમાં બીઝી થતો ગયો. મમ્મી માટેની ફરજ બરાબર બજાવતો હોવાથી એને કોઈ રંજ ન હતો. ગ્રેસી અને નિનાદ વચ્ચે ઘણી વાતો થતી, પણ ન ગ્રેસી એને લંડન આવવાનું પૂછતી, ન નિનાદ એ વાત છેડતો. વરસો વીતી ગયાં. દાયકો ક્યાં નીકળી ગયો એ સમજાય એ પહેલાં તો પાણીની જેમ એ વહી ગયો. એક સાંજે નિનાદની મમ્મી દીકરાની લાગણી અને સેવાનો સંતોષ લઈ આ દુનિયામાંથી ચાલી ગઈ. એ સમયે ગ્રેસી, રોનક અને રિકી એક વીક માટે આવ્યાં હતાં. હોસ્પિટલમાં મહિનાની નોટિસ આપી નિનાદ પણ લંડન પરિવાર પાસે જવા હવે થનગની રહ્યો હતો. સેન્ડઓફને દિવસે હોસ્પિટલ મેનેજમેન્ટે એના કામનાં ખૂબ વખાણ કર્યાં હતાં. અમે સૌ દ્વિપક્ષી લાગણી અનુભવી રહ્યા. એને છોડવાનું દુ:ખ પણ હતું અને એ પરિવાર પાસે જઈ રહ્યો હતો એટલે ખુશી પણ હતી. એ દિવસ મને બરાબર યાદ છે, એ કહેતો હતો: “મનોજ, મેં જીવનમાં ઘણાં એડજસ્ટમેંટ કર્યાં પણ મને સંતોષ છે. ગ્રેસી પણ ખૂબ સમજદાર છે. એણે મને કાયમ સાથ આપ્યો છે.” એનો હંમેશા હસતો ચહેરો આજે ખૂબ ખુશ હતો. પણ થોડા મહિનાઓ પછી મેં એની સાથે જ્યારે વાત કરી, મને એ હતાશ લાગ્યો હતો. મેં સહસા પૂછ્યું પણ હતું, “નિનાદ, શું વાત છે? તું નિરાશ લાગે છે આજે.” “ના, ના, મનોજ, એવી કોઈ વાત નથી. આ તો વરસો પછી અહીં આવ્યો એટલે મારા જ ઘરમાં મને અજૂગતું લાગે છે. એવું લાગે છે જાણે હું અહીં મહેમાન છું. દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે. ગ્રેસી પોતાની તકલીફ કે ખુશી મારી સાથે શેર નથી કરતી.” વચ્ચે બોલવાનું મેં ટાળ્યું. હું સાંભળી રહ્યો. એ જાણે પોતાના મનની વાત મને કહેવા આતુર હતો. “રોનક અને રિકી હવે મોટા થઈ ગયા છે. પોતાના નિર્ણયો એ લોકો પોતે કરે છે. હું એમનો મિત્ર બનવા માગું છું પણ મને આગળપાછળની વાતો ખબર નથી એટલે હું ઇન્વોલ્વ નથી થઈ શકતો. અહીં મને ઘણું એકલું એકલું લાગે છે.” હું સાંભળી રહ્યો, “હું આખો દિવસ ઘરમાં રહું છું. ગ્રેસી હજી બે વરસે રિટાયર્ડ થશે. હોસ્પિટલમાં એને ખૂબ કામ રહે છે. મનોજ, હું આ બધાંને નડતરરૂપ તો નહીં હોવ ને? સૌ મને પ્રેમ કરે છે પણ એથી વિશેષ મારું એમની લાઇફમાં કોઈ મહત્ત્વ લાગતું નથી. મારું હોવું ન હોવા બરાબર છે.” નિનાદે એનું હૃદય ખોલી નાખ્યું. સદાય હસતો ચહેરો આજે વિલાયેલો લાગ્યો. “અરે, ના ના, આ શું વિચારે છે? થોડો સમય જવા દે નિનાદ. ઓલ વિલ બી ફાઇન.” મેં ધરપત આપી. આવી કેટલીયે વાતો અમારી વચ્ચે થતી રહી. એક દિવસ સવારના પહોરમાં ટી.વી. ખોલતાં સમાચાર સાંભળી હું ડઘાઈ ગયો. એક ભાઈએ કુટુંબની અવગણના અને એકલતાથી કંટાળી જીવન ટૂંકાવ્યું અને મને નિનાદની યાદ ઘેરી વળી. લંડનમાં સવાર પડવાની રાહ પણ મેં માંડ માંડ જોઈ. નિનાદને ત્રણ વખત ફોન જોડ્યો પણ એણે ન ઉપાડયો. મારી બેચેની વધી ગઈ. હમણાં છેલ્લા બે-ચાર મહિનાથી વાત પણ નહોતી થઈ. ઘરમાં આંટા મારતાં મારતાં મેં સમય પસાર કર્યો. અંતે ન છૂટકે મેં ગ્રેસીને ફોન લગાડયો. “અરે મનોજ, સવાર સવારમાં! શું વાત છે?” “ગ્રેસી, નિનાદને હું ક્યારનો ફોન કરી રહ્યો છું, ઉપાડતો જ નથી. લાસ્ટ વીક પણ ટ્રાય કરી હતી.” “અરે, એ હજી ઊઠ્યો જ નથી.” ગ્રેસી બોલી, “ગઈ કાલે રોનકના એંગેજમેંટ નક્કી કરવા ગયાં હતાં. જેનિફર, લબ્રટીશ છોકરી છે, એના પિતા આ રિલેશન માટે તૈયાર ન હતા. ચાર મહિનાથી રોનક ખૂબ મુંઝાયેલો હતો. પણ યૂ નો નિનાદ ! સચ એન અંડરસ્ટેંડિંગ પરસન હી ઈઝ ! એણે જેનીના ફાધરને સમજાવ્યા. આપણે ત્યાં એની દીકરીને ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ મળશે એવું વચન આપ્યું અને એ માની ગયા. રોનક ઇઝ વેરી હેપ્પી. છેલ્લા કેટલાય મહિનાથી અમારા ઘરમાં ફેસ્ટિવલ જેવું વાતાવરણ થઈ ગયું છે. મારા બંને દીકરા નિનાદના મિત્ર બની ગયા છે. રિકી તો નિનાદને બડી બોલાવે છે.” ગ્રેસી હસી પડી. “મનોજ, વી આર સો લકી ટુ હેવ નિનાદ ઇન અવર લાઇફ. આઇ એમ બ્લેસ્ડ.” મારી નજર સામે નિનાદનો હસતો ચહેરો ઊભરાઈ આવ્યો, જાણે ગાતો હોય. ‘જિંદગી એક સફર હૈ સુહાના’ ...સહસા મારા મોંમાથી નીકળ્યું, “અસ્તુ!”