હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/વ્યવહારમાં જ

Revision as of 00:14, 22 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વ્યવહારમાં જ

વ્યવહારમાં જ સામટો વપરાઈ હું ગયો,
જાહેર સૂચના સમો વંચાઈ હું ગયો.

મારે તો જોઈતું હતું બસ એક ફૂલ પણ,
ફોરમના કારભારમાં અટવાઈ હું ગયો.

વાચાને પાછી આપીને મેં વાંસળી લીધી,
તો પાંદડાંના કાનમાં સચવાઈ હું ગયો.

આકાશ, તારલા, પવન, દરિયો અને ધરા,
સર્જનક્રિયામાં ક્યાંનો ક્યાં ફંટાઈ હું ગયો.

મારું શરીર પણ મને અનુરૂપ રહ્યું નહીં,
થોડા સમયમાં કેટલો બદલાઈ હું ગયો.

દોસ્ત, ૧૧૨