સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/ગુરુદયાલ મલ્લિક
તે વખતે હું અગિયારેક વરસનો હોઈશ. એક દિવસ હું રસ્તા પરથી પસાર થતો હતો. એવામાં એક ફકીરબાબા સામેથી આવ્યા. તેમણે મને ઊંચકી લીધો અને મારી આંખમાં આંખ મિલાવીને બે ઘડી તે જોઈ રહ્યા. પછી મને નીચે મૂકી દીધો. ફરીથી તેમણે મને ઉપાડી લીધો ને એ જ પ્રમાણે નિહાળીને પાછો નીચે મૂક્યો. આમ તેમણે ત્રણેક વાર કર્યું. પછી ફકીરબાબાએ કહ્યું, “બચ્ચા, એક વાત તું હંમેશાં યાદ રાખજે. જ્યારે તું કંઈ પણ કરે, બોલે, વિચારે ત્યારે તારા દિલને એક સવાલ પૂછજે કે, ‘મારી માને આ ગમશે કે નહીં?’ એટલું કહીને ફકીરબાબા ચાલ્યા ગયા. એ પછી મેં તેમને કદી જોયા નથી. પણ તેમની એ શિખામણ મારા દિલમાં જડાઈ ગઈ છે. ત્યારથી મને એક ટેવ જ પડી ગઈ છે કે, કંઈ પણ હું કરું, બોલું અથવા વિચારું ત્યારે મારી આંખ સામે સવાલ ખડો થઈ જાય છે કે, “મારી માને આ ગમશે કે નહિ?” આ શિખામણથી હું ઘણા દોષમાંથી બચી ગયો છું. માને હંમેશાં નજર સામે રાખવાની મને ટેવ પડી ગઈ છે. તેથી કંઈ પણ અનિષ્ટ વિચારતાં, બોલતાં કે કરતાં મને સંકોચ થઈ આવે છે અને એ કુવિચાર, કુવચન કે કુકર્મના દોષમાંથી હું બચી જાઉં છું. (અનુ. મુકુલ કલાર્થી, નિરંજના કલાર્થી)