અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુ કોઠારી/આ શહેર

Revision as of 04:57, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આ શહેર|મધુ કોઠારી}} <poem> આકાશને ટચલી આંગળીએ ઊંચકી ઊંચકી થાકી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


આ શહેર

મધુ કોઠારી

આકાશને
ટચલી આંગળીએ
ઊંચકી ઊંચકી
થાકી ગયેલું શહેર
રાત્રે પણ સૂઈ શકતું નથી.
તરફડે છે
કોઈક પશુની આંખની જેમ.

શહેરને મન
નથી રહ્યો ભેદ
સવાર કે સાંજનો.
મશીનમાં બનેલાં એકસરખાં
ખોખાંની પેઠે
ખડકાયે જાય છે સવાર સાંજના આકારો.

ગલીઓમાં ઘૂમ્યા કરે છે
ચિંતાના કૃત્રિમ ઉપગ્રહોના પડછાયા
અને દોડ્યા કરે છે
આકારહીન અવાજો
પાગલખાનામાંથી છૂટેલા શબ્દની જેમ
અથડાયા કરે છે તમને અને
પોલી કરી નાખે છે
તમારી ચામડીને.

હાશ,
ત્યાં અચાનક
મિત્રનો પરિચિત અવાજ
ટપકી પડે છે
દરિયા વચ્ચેના ટાપુની જેમ.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧, સંપા. હર્ષદ ત્રિવેદી, પૃ. ૪૯)