અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/રાનેરી

Revision as of 05:21, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાનેરી|મણિલાલ દેસાઈ}} <poem> પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાનેરી

મણિલાલ દેસાઈ

પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

પલમાં જાણે લાગતું ખરે આભની નીલમ છત!
લાગતું જાણે ઝળકી રહ્યું રાનપરીનું સત!
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું જાણે ભીતર ઝીણું રાનપરીનું જલ!

વેલથી ઝાઝાં ઝાડ ને તેથી પૂર પડ્યું અંધારું
આગળ દોડી મનને મારી ઊડતું આઘું વારું,
અવળા રે વંટોળની અહીં સવળી પડે છાયા,
કોઈએ જાણે ફરતી મેલી પાંદડે પાંદડે માયા!
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,
વ્હેતું તેની ભીતર ઝીણું રાનપરીનું જલ.

વાદળાં ભેળી વાદળું બની ઊડતી પ્હાડની ટૂંક,
પ્હાડને કીધા ગુમ મારીને પલમાં કોઈએ ફૂંક,
વ્હેતું ભીતર બ્હાર બધે યે રાનવાયુનું જલ.
પ્હાડની ઊંડી ખીણ રાનેરી ભાવથી છલોછલ.
‘રાનેરી’