અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/એક બપોરે

Revision as of 06:47, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક બપોરે|રાવજી પટેલ}} <poem> મારા ખેતરને શેઢેથી ’લ્યા ઊડી ગઈ સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


એક બપોરે

રાવજી પટેલ

મારા ખેતરને શેઢેથી
’લ્યા ઊડી ગઈ સારસી!
મા,
ઢોચકીમાં છાશ પાછી રેડી દે.
રોટલાને બાંધી દે,
આ ચલમની તમાકુમાં કસ નથી;
ઠારી દે આ તાપણીમાં
ભારવેલો અગની.
મને મહુડીની છાંય તળે
પડી રહેવા દે.
ભલે આખું આભ રેલી જાય,
ગળા સમું ઘાસ ઊગી જાય,
અલે એઈ
બળદને હળે હવે જોતરીશ નઈં…
મારા ખેતરને શેઢેથી —
(અંગત, પૃ. ૧)