દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/સર્જક-પરિચય

Revision as of 16:28, 25 August 2025 by Meghdhanu (talk | contribs) (+ {{SetTitle}})
સર્જક-પરિચય
Writer Chandrakant Topiwala.jpg


ચન્દ્રકાન્ત ટોપીવાળા

ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્‌ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.

તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.

અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.

—રમણલાલ જોશી
(ગુજરાતી ગ્રંથશ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)