પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ

Revision as of 08:08, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૫. મણિલાલ હ. પટેલ

કાવ્યસંગ્રહોઃ

પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, વિચ્છેદ અને સીમાડે ઊગેલું ઝાડવું.

પરિચય:

કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર, આત્મચરિત્ર અને વિવેચન – એમ સાહિત્યના મહત્સ્વરૂપોમાં સફળતાપૂર્વક કલમ અજમાવી ચૂકેલા, સતત લખતા રહેલા સવ્યસાચી લેખક. માતબર લેખન. વિદ્યાર્થી-વત્સલ અધ્યાપનકળાના, હવે વિરલ બનતી જતી પ્રજાતિના નૈષ્ઠિક અધ્યાપક. સાહિત્યના રસાળ વ્યાખ્યાતા, પ્રભાવક વક્તા. મિશનરી જોસ્સાથી સાહિત્ય અને સાહિત્યશિક્ષણના નિમિત્તે લગભગ આખું ગુજરાત ખૂંદી ચૂકેલા પ્રવાસી. કવિતાના પાંચ સંચયો ઉપરાંત એમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો, બે પ્રવાસગ્રંથો, ત્રણ ચરિત્ર-આત્મચરિત્ર, છ નવલ-લઘુનવલો, ચૌદ નિબંધસંગ્રહો, પંદર વિવેચનના ગ્રંથો અને પુષ્કળ સંપાદનો મળ્યાં છે. કાવ્યપાઠ અને વ્યાખ્યાન નિમિત્તે યુકે અને યુએસએના પ્રવાસો કર્યા છે. તરલ પારદર્શક કલ્પનો વડે અતીતરાગથી રંજિત જાનપદી ચેતનાને વ્યક્ત કરતા કવિ. ધ્યાનપાત્ર સૉનેટો પણ આપ્યાં છે. દશમો દાયકો અને પરસ્પરઃ એમનાં સંપાદનમાં પ્રકટેલા સામયિક ઉન્મેષો છે.

= કાવ્યો:

૧. વાટઃ બે કાવ્યો


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
આભલે આબી* નીકળશે
તરસ્યાં સીમવગડામાં કોળમડી** વળશે
ખાખરીનાં કાચાં પાન જેવી
હવાઓ અંગેઅંગે રાગ જગવશે
દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
જળ ભરીને પાછી વળશે... ને
તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
પણ આ તો કેવી અંચાઈ!
થોડાક છાંટાઓએ જ (ધૂળની જેમ)
છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
લ્હાય લાગી છે લ્હાય...!
હે યજ્ઞવેદીના દેવતા!
અમને કયા ગુન્હાઓની
સજા થઈ રહી છે... આ?
કેમ??

મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કે, મેઘો મ્હેર કરશે
ને કાંટાળી વાડે કંકોડીના વેલા ચઢશે
સીમ લીલછાઈ જશે
પ્હાડ થયેલો હૂમો ઑગળીને
પાદર સુધી વહી આવશે
રતુંબડી સાંજ વાડવેલાનાં
વાદળી ફૂલોમાં જાંબલી જાદુ લાવશે
ફળિયાને ત્રિભેટે ભીની માટી થાપીને
સાથે ઘર ઘર રમતી છોકરી પછી
ભાથું લઈને આવશે... ને
ભૂખ્યા દેવને જમાડશે...
ત્યાં જ માની હાક પડશેઃ
‘સાંજ પડી... ચાલ્યો આવ...’
પણ આ શું? –
ઋતુએ રસ્તા બદલી લીધા કે શું? –
માતાના રથ પાછા વળી ગયા – અડધેથી?
કંકોડીને કાતરા ખાઈ ગયા
ચૂલામાં શીતળા માએ વાસો કર્યો છે
ને કાચાં કોરાં ધાન એમ ને એમ
કોઠારોમાં સડી રહ્યાં છે
ચપટી કૂલેર પણ નસીબ ન થાય –
એવા તે કિયા જનમના ગુન્હાઓની
શિક્ષા થાય છે... આ?!

૨. સારણેશ્વરમાં સાંજે

વનવટો પામેલાં
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.

ભીને પગલે વહી જતી ઓસરતી નદી
ઊભી રહી જાય કદીકકદી
વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં
એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર
ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ,
સૂકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો
મૈથુનમગ્ન શિલ્પયુગલ પર
સુક્કા પંખ સમયની હવડ જીભ ફુગાયેલી
તડકાનો કાચિંડો રંગો બદલે

ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ
જીર્ણ મંદિરના પ્રાંગણમાં,
કબૂતરિયા રંગો રઝળે હવામાં
ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે
થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે.

વાઘ જેવું જંગલ
રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે
લક્કડખોદ મને ખોદ્‌યા કરે
ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા?
કાલે કદાચ
પુષ્પોને લઈને પતંગિયાં
છવાઈ જશે જંગલ ઉપર...
.........!

૩. દીવો બળતો નથી

હળથી થાકીપાકી છૂટેલા બળદ જેવું મનઃ
સાગરનાં મોજાં જેવો ધસી આવતો અંધકાર
ક્યાંય દીવો બળતો નથી...

શું હશે પહાડોમાં?
પહાડોની પેલે પાર શું હશે?
રતિશ્રમિત ઊંઘેલા પંખીઓના શ્વાસ સંભળાય છે,
ભૂંસાઈ ગયું છે બધું જ!
ટોળું-વિખૂટ્યા પંખી જેવો પવન
અજાણી કન્યાની આકર્ષક આંખો જેવાં નક્ષત્રો,
કામોત્સુક વન્યપશુઓના લીલા અવાજના
લોહીમાં વાગતા ભણકારા...
ને રીંછની જેમ સામેથી સૂંધતી હવા,
ખરેલાં પાંદડાંની ભૂખરી સકી ગંધ
કાગળ જેવી સપાટ હથેલી,
નકશાની નદીઓ જેવી હથેલીની રેખાઓ
નાગ જેવું પગમાં વીંટાતા રસ્તાઓ...
ગૂંચવાઈ ગયેલી દોરી જેવી સ્મૃતિઓ
વૃક્ષોની લાલ કાળી ખાટી તૂરી ગંધના ફુવારાઓ
બાળભેરુ જેવું ક્યાંક પગને પકડતું ઝરણું...
ને તાવ સમો કડવો બેસ્વાદ થાક...
– મારા પ્રવાસમાં રોજરોજ જોઉં છું,
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
શું હશે પ્રવાસમાં?

૪. શું હોય છે પિતાજી...?

તે દિવસે ક્યારીમાં પાણી વાળતા
વિધૂર પિતાજીની આંખોમાં
ઉંચાણે નહિ પલળેલી માટી જેવી
ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને
ભૂલી ગયો હતો કાળી ભૂખ...

ઓતરા ચિતરાના નિષ્ઠૂર તડકાની
વાઘ જેવી વેળામાં સોનાવરણી ડાંગરનું –
ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને
જલદી જલદી મોટા થવાનું મન થયું હતું...

ખેતર ખેડીને ઘેર આવતા
થાકેલા દિવસના પડછાયાની આંખોમાં
રસોડામાં નહિ સળગેલા ચૂલાનો ખાલીપો
અને તમ્બાકુ પીવાની તલબઃ
જોવાતાં – જીરવાતાં ન્હોતાં
મને ખીચડી રાંધતાં ને
‘હુક્કો ભરી આપતાં’ અમસ્થું નથી આવડ્યું!

જે જાણે છે તે જ જાણે છે –
અભાવોના કાફલાઓને આવતા રોકવા
અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને –
વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...

ભાવથી ભરપૂર –
પ્રમાણી શકાતા નથી પિતાને
એ તો હોય છે રાખ વળેલો અંગારો
અંદરથી બળબળતો
ખોળો ઝંખતો ટળવળતો તીખારો...
થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે?
– એ લાગણીઓને સમજાતાં વાર લાગે છે!
ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે –
એવા ઝાડની જેમ –
ધીમે ધીમે સુક્કાતા જતા પિતાને મેં જોયા છે...

પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં
ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં
હતાં...
મા શું હોય છે? –
એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે...
પરંતુ
પિતાજી શું હોય છે? –
એ તો એમના ગયા પછી જ
સમજાય તો સમજાય કોઈકને....!!

૫. સાદ

કોઈ સાદ પાડે છે વર્ષોથી
ડુંગર માળાઓની પેલેપારથી
વનવગડામાં રમતીભમતી કેડી જેવો
ફળિયે ફળિયે આમ ઝગમગતો
દીવાઓની જ્યોત શો જાગતો
કોઈ સાદ પાડે છે એકધારો, ધીમો
અધરાતે મધરાતે બળબળતી બપોરે
શહેરની સડકોની ભીડમાં
કાળવી-બીકાળવી વેળાઓમાં
સંભળાયા કરે છે સાદ સતત...
માની ભીની બોલાશ અને
માથું પસવારતો હાથ થૈ
છાતી-સરસો ચાંપતો
ડૂસકે ચઢેલા મૂંઝારાને થપથપાવતો
સાદ... ક્યાં છે? કોનો છે?
હજી આઘો અને અળગો કેમ છે?

ક્યારેક પહાડોમાં લાગેલા દવ જેવો
સત્‌ દાખવતો ને દઝાડતો... પીડતો
ચીરતો અંધકારને ઊલ્કા થૈ!

કોળમડી વેળા થૈને ઠંડક વાળતો
વરસતો ઝરમર... કે નેવાં
છલકાવતો –
સાદ... ઝાકળ થૈ સરી જાય...
સરી જાય એકલા મૂકીને
તરસાવતો તડપાવતો સાદ
વરસોથી કોઈ સાદ પાડે છે
મારી અંદર
છેક
ઊં
ડે
થી... એમ જ...

૬. હોવાપણું

છીએ ત્યારથી જ
ચાલે છે કરવત શ્વાસની જેમ
તે જતી ય વ્હેરે ને વળતી ય વ્હેરે
કાશી જવાની જરૂર ન પડી
આપણે તો ઠેર ના ઠેર
ભોળા ભામણ-જીવને ઘણું ય કઠે કે –
ઘેરના ઘેર ને ભૈડકાભેર
છીએ એ ગઢ કાળવો – બીકાળવો
કાઠો ને કપરો આકરો અને અઘરો
ઝવરો ખાપરો ય થાકી જાય
એવો ચાલે છે કૅર
ઠેર ઠેર માલીપા મલકમાં
ચાંપાનેરનાં ખંડેરો જેવા દિવસો
ને રાતો પાવાગઢ પ્હાડ જેવી
જાતને ઝાડ જેવી બનાવવા સારુ
માટી ને મેઘ બહુ યે મથ્યાં
પણ –
બળીઝળી કૂંપળ પછી –
ક્યારેય કળી ન થઈ શકી!!

૭. પંખીઓ

પંખીઓ ગાય છે ને થાય છે કે
એ તો મારે માટે ગાય છે
બાકી તો પડછાયા આવે ને જાય છે.
પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે
બાકી તો અંધારે સઘળું લીંપાય છે
કોઈ કહે છે કે
પંખી તો ઝાડ માટે ગાય છે
એટલે તો કૂંપળની કળી બની જાય છે
કોઈ કોઈ એવું પણ કહે છે કે
પંખી તો પ્હાડ માટે ગાય છે
એટલે તો કાળમીંઢ ડૂમો પણ
કલકલતું ઝરણું થૈ જાય છે.
પંખી તો માટીની મોજ સારુ ગાય છે
એટલે તો કૉળેલું તરણું પણ
ડૂંડાંથી લ્હેરાતું ખેતર થૈ જાય છે.
સાચ્ચું પૂછો તો, ભૈ!
કલરવતાં પંખીઓ મર્મરતી મોસમ થૈ જાય છે
પંખીઓ ગાય છે ને આપણા તો –
બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે.

૮. અવસર

ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા

ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં
વગડા વેર વરી જવાના અવસર આવ્યા

માટીમાં મન રોપ્યું’ તું મેં કો’ક સવારે
જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા

ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે
એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા

વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો
વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા

વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે
વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા

દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું
હરિવર અમને હરી જવાના અવસર આવ્યા

જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં
દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા