પ્રતિપદા/૧૭. મનીષા જોષી

Revision as of 08:43, 15 July 2021 by KhyatiJoshi (talk | contribs)
૧૭. મનીષા જોષી

કાવ્યસંગ્રહોઃ

કંદરા, કંસારા બજાર અને કંદમૂળ

પરિચય:

હાલ યુએસએના કેલિફોર્નિયામાં વસતાં મૂળ કચ્છનાં કવયિત્રી. પૂર્વે પ્રિન્ટ -મિડિયા અને ટેલિવિઝન પત્રકાર તરીકે મુંબઈ અને લંડન ખાતે કામ કરી ચૂક્યાં છે. ગુજરાતી નારીવાચક કવિતાનો વિશિષ્ટ સ્વર. પ્રેમ, રતિઝંખન ને કામાવેગ જેવા આદિમ ભાવોનાં ઉત્કટ આલેખનો, પુરુષવિદ્રોહની કડૂચી કવિતાઓમાં ક્યારેક ક્યારેક પ્રતિરોધના હિંસ્ર આવેશો પણ વર્તાતા રહે છે. જસ્ટ બીટવીન અસ, ધ ગાર્ડેડ ટન્ગ અને ઇન્ટિરીયર ડેકોરેશન જેવાં નારીવાચક કાવ્યસંકલનોમાં અને ન્યુ ક્વેસ્ટ, ધ વુલ્ફ અને ઇન્ડિયન લિટરેચર જેવાં સામયિકોમાં એમના લેખનને સ્થાન મળેલું છે. કેવળ અછાંદસ રચનારીતિમાં સર્જન કરતાં કવયિત્રી. દેશવિદેશમાં વિવિધ મંચો પર કાવ્યપાઠ કર્યા છે.

કાવ્યો:

૧. કંદરા

હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને?
કાળોકેર વર્તાવી દીધો છે શંકરે.
મને પણ બે હાથે, ગોળ ગોળ ફેરવીને
હવામાં ફંગોળી દીધી. નીચે પટકાઈ કે
સ્તનોના ભાંગીને ભૂકા થઈ ગયા.
બત્રીસી બહાર નીકળી આવી,
છતાં હજી આંખો મીંચાતી નથી.
નજર સામે તરવર્યા કરે છે
પેલો નાગો બાવો!
આખા શરીરે ભભૂત લગાવેલો.
સપ્રમાણ દેહ, લાલઘૂમ આંખો,
ગુલાબી હોઠ, ભીછરા વાળવાળો.
એનો સંઘ આખો આગળ ચાલતો જતો હતો
કંદરાઓમાં.
અને એ એકલો ઊભો રહી ગયો હતો, મને જોવા.
હું તાજી જ નાહીને બહાર ઊભી હતી જ્યારે.
અને મારા મોંમાં પણ પાણી આવતું હતું.
કેલ્શિયમની ખામી છે મારા શરીરમાં.
મને અદમ્ય ઈચ્છા થઈ આવી કે
આ ધૂણીની રાખની મુઠ્ઠીઓ ભરીભરીને

મોઢામાં નાખું.
મારી આખીયે જિંદગીની તપસ્યા પૂરી થઈ જાય.
પણ આ જ એ પળો હતી.
જ્યારે શંકર ત્રૂઠ્યો!
હું અહીં કણસતી પડી છું,
અને કંદરાઓ નીચે પણ કેટલાયે લોકો દટાઈ મર્યા છે.

૨. પ્રવાસી

એક રળિયામણું ગામ છે તું.
હું પ્રવાસી બનીને આવું છું.
તને આશ્ચર્ય થાય છે.
ગામલોકો માટે કંઈ ખાસ અજાણ્યા નહીં,
એવા તારા રસ્તાઓ હું શોધી કાઢું છું.
અને તું મુગ્ધ થઈ જાય છે મારા સાહસથી.
હું તારી સીમ પર આવું છું.
અને તું તારું અત્યાર સુધી સાચવી રાખેલું રૂપ પ્રગટ કરે છે.
પછી હું ગામઠી કપડાં પહેરી લઉં છું.
અને તારા પાદરે પાણી ભરવા જઉં છું.
તું કામોત્સુક બની જાય છે,
મને બોલાવે છે, રાત્રે તારી હવેલી પર.
હું આવું છું તારા અંધકારની આડશે.
તને લાગે છે હું તારી જ કોઈ શેરી છું.
મને પણ લાગે છે, તું જ મારું ગામ છે.
પણ, તો યે, હું ફરી આગળ વધું છું.
કોઈ બીજા ગામને છેતરવા.
હું પ્રવાસી છું.
હું દરેક ગામને લલચાવું છું મારા તરફ, વચન આપું છું,
અને પછી વિશ્વાસઘાત કરું છું.

૩. પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું....
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક્ થઈ જઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા લાગે છે.
હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

૪. શ્રદ્ધા

મારું ખેતર મને પ્રિય છે.
કૃષ્ણપક્ષની રાતોએ જોયેલાં શમણાં જેવું.
શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે,
અને મારો પુરુષ મારી સાથે છે.
હું ખુશ છું આ ધરતી પર.
મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ
મને વ્હાલો લાગે છે. કોઈ જ પ્રતિકાર નથી કરવો.
મારો પુરુષ મને ચાહે છે. એ મારું ઝેર ચૂસી લેશે.
મને શ્રદ્ધા છે એના પૌરુષમાં, એના પ્રેમમાં અને આ સાપમાં
પણ એ તો ઊઠીને દૂર ચાલ્યો ગયો.
મારા શરીરનો રંગ હવે બદલાઈ ગયો છે
આ બાજુમાં ઊભેલા લીમડાની ઝાંયમાં.
પગ પર સાપના બે દબાયેલા પેઢાનાં નિશાન ઊઠી આવ્યાં છે.
મને ભેટ મળેલું અક્ષયપાત્ર – મારું ખેતર
શિયાળાની આ કારમી ઠંડીમાં ચિમળાઈ રહ્યું છે.
ખુરપી, દાતરડું... અડી ન શકાય એવા ઠંડાં, અચેતન છે.
એક ખિસકોલી ખાટી આંબલીમાં દાંત ભરાવીને ભાગી ગઈ.
એની સુગંધથી મારા દાંત અંબાઈ જાય છે.
આ શિયાળ એના મોંથી જમીન ખોદી રહ્યું છે,
મારી જમીન!
એને ખબર નથી કે એ જે ધૂળ ઉડાડે છે એના સોળ
મારી છાતીમાં પડે છે.
આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને
કાયમ એક સરખી ચહલપહલ કરતી રહે છે.
ન રાત જુએ છે ન દિવસ
ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી
ધકધક વહેતું પાણી!
કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં?
મારાથી તો ક્યાં હવે ઊઠાય છે?
પગ પર સાપનો ડંખ છે અને હજી આખા ખેતર ફરતે
કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે.
નહીં તો આ નધણિયાતાં ઢોર
મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે.
આ બધી શેરડી વાઢીને વેચવાની છે.
તેલીબિયાંનું નવું વાવેતર કરવાનું છે.
આ ઝેર પૂરા શરીરમાં પ્રસરી જાય તે પહેલાં જ
મારે ઊઠવું છે,
આખું ખેતર ખેડી નાખીને પેલા સાપનો રાફડો શોધવો છે.
અને એમાં ઊકળતું દૂધ રેડવું છે.
મારા વળ ખાતા શરીરમાં કંઈક નવીન,
છેલ્લી તાકાત આવી છે.
આ ખેતરની માટીને મારી મુઠ્ઠીમાં સમેટું છું.
અને આખાં ને આખાં કંદમૂળ હાથમાં આવી જાય છે.
બસ, આંખો મિંચાઈ જાય છે સંતોષથી.
કૃષ્ણપક્ષની રાતોના અંધકાર ભણી.
પાછળ રહી ગઈ છે મારી વાસના!
મારું ખેતર.
નોળિયાઓથી ભરેલું.
એકલો, લપાતો ફરશે સાપ
અને ભૂખે મરશે એ કાયર પુરુષ,
ડાંગર-બાજરી વિનાના ખેતરમાં.

૫. વાળની ગૂંચ

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા.
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.
એક કાંસકો લઈને મારા વાળ ઓળ.
હું તને ગંગામાં સ્નાન કરાવીશ.
ચંદનના લાકડા પર સુવડાવીને
શુદ્ધ ઘીનો અગ્નિદાહ આપીશ.
તારા માટે વિલાપ કરીશ.
શ્વેત વસ્ત્રો પહેરીશ.
જમીન પર સૂઈશ.
પરપુરુષના ઓછાયાથી પણ દૂર રહીશ.
મારે હવે કોઈ પુરુષને પ્રેમ નથી કરવો.
કોઈ પુત્રને જન્મ નથી આપવો.
કોઈ પિતાને પ્રણામ નથી કરવાં.
જો તું મારા વાળની ગૂંચ ઉકેલી શકે તો
મારે મરી જવું છે.
ક્યારેય જન્મી જ ન હોઉં એવી રીતે.
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે.
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ.

૬. ગોઝારી વાવ


હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતા ટ્રકનાં પૈંડાં એના પર ફરી વળે છે.
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે.
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે.
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું એને રજા નથી આપતી.

૭. કંસારા બજાર

</poem> માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું મને ગમે છે. ‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’ આ શબ્દો મમ્મીએ અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા. વર્ષો વીત્યાં. મારા હાથ-પગની ચામડી બદલાતી રહી અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ, વપરાઈને, ઘસાઈને વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં. એ વાસણોની તિરાડને રેણ કરાવવા હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે સાથે સાથે સંધાઈ જાય છે મારાં છૂટાં છવાયાં વર્ષો પણ. ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે ખૂબ સંતોષથી જઉં છું. આ વાસણો જ્યાંથી લીધાં હતાં એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ કાંઈ ખબર નથી, છતાં આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે સતત એમ લાગ્યા કરે છે કે હું અને આ અવાજ ક્યારેય મરતા નથી. નવાં નવાં દંપતી અહીં આવે છે, મારા માટે નવું નામ પસંદ કરીને વાસણો પર કોતરાવીને મને તેમના ઘરે લઈ જાય છે. હું જીવું છું વાસણોનું આયુષ્ય અથવો તો, બેસી રહું છું. માંડવીની કંસારા બજારમાં જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર ધરાઈ જઉં છું. બત્રીસ પકવાન ભરેલી થાળીથી, મૂંઝાઈ જઉં છું

એક ખાલી વાટકીથી. વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, તાકે છે મારી સામે તત્ત્વવિદ્ની જેમ ત્યાં જ, અચાનક, કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે. હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું, જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય. વાસણો અને જીવન વચ્ચે હાથવ્હેંત જેટલું છેટું, ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય એ સમજાય તે પહેલાં વ્હેંતના વેઢા વખતની વખારમાં કંઈક ગણતા થઈ જાય, કંસારા બજારનો અવાજ ક્યારેય સમૂળગો શાંત નથી થતો. બજાર બંધ હોય ત્યારે તાળા મારેલી દુકાનોની અંદર નવાંનકોર વાસણો ચળકતાં હોય છે. ને એ ચળકાટમાં બોલતા હોય છે નવાં સવાં જીવન થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં ને એંઠાં રહેતાં જીવન હું જીવ્યા કરું છું ગઈ કાલથી પરમ દિવસથી તે ’દિ થી. </poem>