અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/અમે ન્યાલ થઈ ગયા

Revision as of 09:09, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અમે ન્યાલ થઈ ગયા| ‘અદમ’ ટંકારવી}} <poem> ::::::લઈને તમારું નામ, અમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અમે ન્યાલ થઈ ગયા

‘અદમ’ ટંકારવી

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,
દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા.
શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,
છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા.
ડહાપણને રામ રામ! અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા.
યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,
તેઓ ધરે છે જામ, અમે ન્યાલ થઈ ગયા.
છેવટનાં બંધનોથીય મુક્તિ મળી ગઈ,
ના કોઈ નામઠામ, અમે ન્યાલ થઈ ગયા.
છે ઓર સાદગીમાં હવે ઠાઠ આપણો,
ત્યાગીને સૌ દમામ, અમે ન્યાલ થઈ ગયા.
સોંપી હવે તો દિલની મતા એમને અદમ,
માગી લીધો વિરામ, અમે ન્યાલ થઈ ગયા.
(સંબંધ, ૧૯૭૧, પૃ. ૩૦)