અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/પ્રાણજીવન હરજીવન મોદી

Revision as of 10:42, 15 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રાણજીવન હરજીવન મોદી|રમેશ પારેખ}} <poem> પ્રાણજીવન હરજીવન મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રાણજીવન હરજીવન મોદી

રમેશ પારેખ

પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે? હાજર છે, નામદાર,
સપનામાં ચોર્યું’તું તે આ ગાજર છે? – ગાજર છે, નામદાર.

આરોપીને આ બાબત કૈં કહેવું છે – કહેવું છે, નામદાર,
રજા મળે તો ગાજર સૂંઘી લેવું છે, લેવું છે, નામદાર.

હું તો ગાજરનો ચપટી પડછાયો છું, પડછાયો, નામદાર.
ગાજરકુંવરીએ છાંડેલો જાયો છું, જોયો છું, નામદાર.

ગાજર તો જીવતર મોદીનું કારણ છે, કારણ છે, નામદાર,
પ્રાણજીવનની સો પેઢીનું તારણ છે, તારણ છે, નામદાર.

પવિત્ર શું? કારણ છે કે આ કાયદો છે? – કાયદો છે, નામદાર.
પણ મન-ગાજરને મળવું એ વાયદો છે, વાયદો છે, નામદાર.

વાયદો શું છે? એ તો વંધ્યાનું સ્તન છે, – હા સ્તન છે, નામદાર,
તોય ચોરટાચટાક ઉર્ફે રાંક લોહીનું ધન છે, નામદાર.

આ ચોરીના સુમાર કાળી રાતના છે, – રાતના છે, નામદાર,
ગુના ગાજરવટાં મળે એ જાતના છે, – જાતના છે, નામદાર.

ગાજરકોડ પ્રમાણે ગુના સિરિયસ છે, – સિરિયસ છે, નામદાર,
ગાજર મારા સાત જનમની ચીસ છે, ફાટી ચીસ છે, નામદાર.

જન્મપત્રીમાં આશયભુવન કેવું છે? – કેવું છે, નામદાર?
જનમટીપની સજા (દઉં છું, તેવું...) છે, – (તેવું છે?) નામદાર?
૨૭-૨-’૭૭/રવિ