અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ફરી પાછું વૃક્ષ

Revision as of 08:01, 16 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ફરી પાછું વૃક્ષ|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> જૂના સમયના એ તપખીર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફરી પાછું વૃક્ષ

સિતાંશુ યશશ્ચંદ્ર

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ — કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી.

જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, — વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું.
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બાનવી લીધું છે.
(ઓડિસ્યુસનું હલેસું, પૃ. ૪૩-૪૪)