પ્રતિપદા/૭. ભરત નાયક
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. રાત્રિ
સાગ સીસમ શેતૂર હશે.
રોયડો ખાખરો બરુ બોરડી નેતર હશે. જંગલમા.
ઝાકળ પહેરી કાંટા, કરમદે રાતી કીડી, ચણોઠી ચરતી ગોકળગાય હશે. જગલમા.
વાનર અજગર સસલાં વળી કરચલા સૂતા હશે. જંગલમાં.
અમારા ઘરમાં ઘાસ-સળી પર ચંદ્રચરુ છે.
અને શંખ.
અબરખ, અબરખ છે.
ફરતે ભીંતનાં મૂળિયાં – વડવાઈ કહો – અમને અડ્યાં છે.
અમને કાજુ સંતરાં ઝાડ ઊગ્યાં છે.
અમે ઝરણાં વહ્યાં છે.
છીપલાં આભમાં મબલખ પ્રગટે.
સિંહ ત્રાડે છલાંગે છાતીમાં
માછલી આંખોમાં હીબકે.
અમે અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે. જંગલ ભણી.
૨. ડુંગળી
ધારો કે હાથમાં ડુંગળી આવી.
લાલ. ધોળીનું શું કામ?
ફેરવી તોળી વજન કર્યુંઃ
હશે પચીસ ગ્રામ.
એમાંય વીસ ગ્રામ પાણી.
કદ માપ્યું તો ભમરડી.
ઉછાળી ઝીલી ફરી ફરી.
ઉછાળ્યાં જ કરવી?
ધારીને જોઈ.
જો આને ઉકેલીએઃ
પડ પહેલાં પવન ભર્યા સઢ બને
પછી ચકચકતી છીપ
પછી મોગરાની પાંદડી
પછી બરકતી કોડી
અંતે બી જેવું મોતી જડે.
ડુંગળી પરથી વખારના ગુણપાટની વાસ આવી.
સાપની કાંચળી જેવી પતરી જરા ટેરવાં ફરતાં ઊડી.
માથેથી માટી ખંખેરી હથેળીમાં એ તોરથી બેઠી.
છે બાકી પાણીદાર!
બસ એકદમ ઉલટાવી નાખી.
શું દેખાડ્યું? પૂદ.
છે ને બદમાશ!
પેટ હાંફે ગર્ભ ફરકે
નક્કી આ ગાભાણી.
આને માપવી શું? શું સૂંઘવી?
નહીં ખાવી.
ઊતાર્યા પડ એક પછી એક
તો હાથમાં સપડાયેલી મીંદડી
છૂટવા એ મરણિયા હવાતિયા મારે
આંખોમાં તીણાં નહોર ભેરવે.
તીખી નાકમાં ચીસ.
ફફડાટમાં એથી મસળી નાખી
ડુંગળી ધોળી ફક્ – ન હાલે ને ચાલે,
મરેલું પીલું જાણેઃ
ચાંચ ફાટેલી, પાતળી ગરદન લાલ લથડેલી,
ફસકેલાં પીછાં
ટાઢા અક્કડ પંજા...
૩. છીપ
છીપ બોલેઃ
હોઠ વિના, શબ્દ વિના
જરદી જેવું થરથર બોલે
ભીતરની ઝાંય જેવું રણઝણ બોલે
બોલે એવું વ્યોમ ઝળહળે
પાછળ રત્નાકર ઊછળે
તળે ભરીભાદરી રેત સળવળે
આઠે દિશા તાકી – આંખ વિના, દૃષ્ટિ વિના
સંકેતથી બોલેઃ
પડખેનો દરિયો, ફરતેનો અવકાશ
તળિયેની રેત – મને આ તમામ સંદર્ભ વિના જો
અર્થ વિના સાંભળ
નામ વિના પામ
હું હજી ધબકું છુંઃ સાંભળ...
૪. કોડી
ચટ કરો તો
હોઠ છુંઃ હમણાં બોલું બોલું
વળી અધબીડી આંખઃ હમણાં ખોલું ખોલું
બટ કરો–
બરકતી ગોકળગાય
ઘડીક કાચબો ટગુમગુ ચાલુ
ઉછાળોઃ
હું અવળ-સવળ રમલ રજવાડી
પટકો તો
નીલાંબર અંદર, છલક્યા અફાટ દરિયા અંદર
અંદર કૂણા ગરભ!
૫. પીંછું
કહે છેઃ
હું ખરું ત્યારે નભનો છેડો પૂરા થાય છે
ઊગું ત્યારે એ ઊઘડે છે
હું સૂર્યકિરણ બાંધી રંગીન બનાવું
સાફામાં સેલારું
ધૂળની ઢગલીમાં ફરકું
પાંખના-ખગના-ડાળ-માળાના સંકેતો
મેં નિઃચિહ્ન કર્યાં છેઃ
મને એ તમામ સંદર્ભ વિના ઊપાડ
તારા હાથમાં રમાડ...