સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિનુભાઈ ગી. શાહ/આનંદની આરાધના

Revision as of 08:36, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} આનંદની આરાધના કરવી મને ગમે છે. આપણે બધા લગભગ એકસરખા માણસો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          આનંદની આરાધના કરવી મને ગમે છે. આપણે બધા લગભગ એકસરખા માણસો છીએ. આપણને સૌને આનંદ ગમે છે, સુખ ગમે છે. પણ આપણે એ વિચારવાનું છે કે આનંદની આરાધનામાં સુખોપભોગનાં સાધનો મેળવવાની હોડમાં કોઈ મર્યાદા જરૂરી છે કે નહીં? આપણે જાણીએ છીએ કે યુનાઈટેડ સ્ટેટ્સ પાસે માણસ દીઠ ૧૪ એકરના પ્રમાણમાં જમીન છે. ભારતમાં એ પ્રમાણ આજે ૧/૪ એકર જેટલું પણ કદાચ નહીં હોય. હવે, આનંદની આરાધનાનાં બધાં સાધનો આખરે તો જમીનમાં ભંડારાયેલાં છે. એટલે ભારતની રોજ વધતી જતી વસ્તીની આનંદની આરાધનાનો અંતિમ આધાર, જેમાં ફેરફાર થઈ શકે તેમ નથી એવા તેના ભૂમિવિસ્તાર પર રહેલો છે. એટલે આપણે જો અમેરિકાની સાહ્યબીમાં જીવવા ઇચ્છતા હોઈએ તો એક અબજની આપણી વસ્તીને દસમા ભાગ જેટલી કરી નાખવી જોઈએ. નહીંતર આપણા ઉપભોગો પર કાપ મૂકવો જોઈએ. આમ, આપણે જે આનંદની આરાધના કરવા માગતા હોઈએ તેની શક્યતા વિચારવી જોઈએ. ઉપરાંત તેની યોગ્યતાનો પણ આપણે વિચાર કરવો પડશે. આપણે જેને આનંદ સમજીએ છીએ, તે ખરેખર આનંદ છે કે નહીં, તે પણ વિચારવું પડશે. આનંદની આરાધના અમુક મર્યાદા વટાવી જાય ત્યારે આનંદ શોકમાં પરિણમતો હોય છે. સમાજની દૃષ્ટિએ મર્યાદામાં રહીને, એટલે કે અન્યના સુખને હાનિ પહોંચાડયા સિવાય, માણસ જે આનંદ ભોગવી શકે તે ઇષ્ટ છે. [‘સ્વસ્થ માનવ’ માસિક : ૨૦૦૧]