૨૬. અષાઢે

ઉશનસ્

અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી.          — અષાઢેo

પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી.          — અષાઢેo

તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી.          — અષાઢેo
૧૯૬૫

(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)