અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇકબાલ મોતીવાલા/મન થયું

Revision as of 09:16, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs)


મન થયું

ઇકબાલ મોતીવાલા

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.

સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.

ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.

જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.

ખાયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?
(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)