અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ સથવારા/અવસરિયો

Revision as of 09:40, 17 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવસરિયો|રતિલાલ સથવારા}} <poem> ઢોલ રે જાગ્યું ને હૈયું હલમલે, ફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અવસરિયો

રતિલાલ સથવારા

ઢોલ રે જાગ્યું ને હૈયું હલમલે,
ફળિયું ખુશીમાં ઝલકાય,
માંડવો ઊગ્યો છે મોંઘા મૂલનો,
વાયરે તોરણ મલકાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.

ગીતોમાં ભીંજાઈ રૂડી રાતડી,
ઝળમળ ચૉરી ફેરા ખાય,
પાનેતર મલકે, સાફો ટ્હૌકતો,
હરખે સખીઓના પાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.

ધ્રૂજતું પાનેતર, ધ્રુસકે માવડી,
માંડવ, ફળી ડૂમો ખાય,
ગીતડાં કંપે, શ્રાવણ આંખમાં,
વહેતી વેળા ભારે થાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.

રાતડી સૂની મૂંગા માંડવે,
દીવડા શારી નાખે કાય,
જાગશે જનક-જનની જાગશે!
ઘારણ ફળિયાને થાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.
(પરબ, ઑગસ્ટ)