અંતરંગ - બહિરંગ/મુલાકાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે તમારા ગામ સોજાથી શાંતિનિકેતનની યાત્રા કરી, એ યાત્રા આગળ વધી અને આજે પણ ચાલતી રહી છે. શાંતિનિકેતનમાં તો તમે એક આખું વરસ પણ રહ્યા, તો આયુષ્યના આ પગથિયે તમારા જીવનની આખી યાત્રાને તમે કઈ રીતે જુઓ છો ? ભોળાભાઈ : યજ્ઞેશભાઈ, તમે જ્યારે મારે ગામ સોજાથી શાંતિનિકેતન અને તે પછી આજ સુધીની યાત્રાની વાત કરી ત્યારે મારા છ દાયકાથી ઉપરનો સમયપટ મારી આંખોની સામે જાણે સિનેમાની રીલની જેમ પસાર થતો જતો હોય ને વચ્ચે વચ્ચે દૃશ્યો જોતો જતો હોઉં એવું લાગ્યું. સોજા... જ્યાં હું જન્મ્યો, અત્યારે ગાંધીનગર જિલ્લાનું ગામ. બીજાં બધાં ગામો જેવો જ એનો ચહેરો. એ તળાવ, એ મંદિર, એ જ જૂની નિશાળ અને શિક્ષણ, એવા જ બાળમિત્રો, એ જ ખેતીપ્રધાન સંસ્કૃતિ અને અમારું ખેડૂતનું ઘર. એ જ વાતાવરણમાં હું ઊછર્યો, પણ પિતાજી શિક્ષક હોવાના કારણે પુસ્તકના સંસ્કાર પણ ખેતીના સંસ્કારની સમાંતર પડતા ગયા. પણ સોજાથી ભણવા માટે કડીમાં સર્વ વિદ્યાલય જેવી નિશાળમાં હું ગયો અને ત્યાં ક્ષિતિજો ઊઘડતી ગઈ અને ઊઘડેલી ક્ષિતિજમાં મેં દર્શન કર્યું - ક્યારેક શ્રી અરવિંદ આશ્રમ-પોંડિચેરીનું અને ક્યારેક દૂર શાંતિનિકેતનનું. એટલે શાંતિનિકેતન જવાની કલ્પના પણ કરી. ત્યાં જવા માટે એસ.એસ.સી.ના વર્ષમાં હતો ત્યારે, એટલે કે ૧૯૫૧માં એક પત્ર પણ લખ્યો. પણ ત્યાંથી કંઈ જવાબ તો આવ્યો નહીં. પણ પછી ૧૯૮૩માં એક વર્ષ માટે શાંતિનિકેતન ગયો, અને જ્યાં એક છાત્ર તરીકે જવાનું હતંન ત્યાં એક અધ્યાપક તરીકે જવાનું બન્યું. એ જીવનની એક ધન્યતા હતી. ત્યાં એક વર્ષ રહેવાની તક મળી, કેટલાક સરસ અનુભવો થયા. શાંતિનિકેતન સંદર્ભે જે વિચારેલા તેથી કેટલાક જુદા અનુભવ પણ થયા. પણ જીવનના અનેક અનુભવોમાંનો એક સ્થાયી અનુભવી બની ગયો અને ત્યાંથી આવ્યા પછી રવીન્દ્રનાથના સાહિત્યની સતત ઉપાસના અને અન્ય સાહિત્યની ઉપાસના પ્રકારાન્તરે ચાલી. હજી પણ જે પ્રેરણાનાં પીયૂષ ગામથી, પછી સર્વ વિદ્યાલયથી, પછી શાંતિનિકેતનથી, યુનિવર્સિટીમાંથી પીધાં તે આજે મને એમ કહે છે કે, મારા જીવનમાં કોઈનો સાથ હોય તો તે સાહિત્યનો, સાહિત્યના શબ્દનો. વ્યક્તિ તરીકે જીવનનાં બધાં જ કર્તવ્યો કર્યાં છે. શિક્ષક-અધ્યાપકનો વ્યવસાય સ્વીકારવાથી શિક્ષણને જીવનના અગ્રિમ કર્તવ્ય તરીકે માન્યું છે. એક શિક્ષક તરીકે જીવનની ધન્યતા અનુભવી. પણ સાહિત્યના શબ્દ અને સાહિત્યની ઉપાસનાએ મારા જીવનને એક સાર્થકતા આપી છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, રવીન્દ્રનાથે કહેલું છે કે, ટાગોરકુટુંબમાં હું જન્મ્યો એ મારો પ્રથમ પરિચય છે. મારો અંતિમ પરિચય તો આગળ ને આગળ વધી વિશ્વમાનવી થવા સુધીનો છે. તમારી દિશા પણ તે તરફની જ છે. શાંતિનિકેતન ગયા પછીનાં વીસ વરસમાં પણ આપ ઘણી જગ્યાએ ફર્યા છો, આપની ચેતનાની ક્ષિતિજો અનેક રીતે વિકસી છે. તમારા લેખન થકી સહુ એના સાક્ષી છીએ. તમે વાત કરી સોજાની. માનો ખોળો. એ પછી ઘરનો ઉંબરો. એ પછી ગામ. એમ એક એક તબક્કામાં આપણે માને, ઘરને, ગામને, છોડતા હોઈએ છીએ. એ સંદર્ભમાં તમારાં માતાપિતાના એ ઘરને, જે કદાચ હશે કે નહીં તેની ખબર નથી, અને ગામને તમે અત્યારે કઈ રીતે જુઓ છો ? ભોળાભાઈ : તેર વરસની ઉંમરે, આમ જો ગણો તો હું માતા- પિતા, ઘર અને ગામ છોડીને ભણવા બહાર ગયો, પણ ગામ સાથેનો કે મા-બાપ સાથેનો સંબંધ કપાઈ ગયો નહીં. વિદ્યાભ્યાસ નિમિત્તે બહાર જવાનું બન્યું, પણ એ પહેલો અનુભવ હતો કે હું માને છોડીને જાઉં છું, ઘરને છોડીને જાઉં છું. ગામને છોડીને જાઉં છું. શરૂઆતમાં તો એ સ્વાભાવિક જ છે કે મા, ઘર, ગામ બધું યાદ આવે, પણ ધીમે ધીમે ટેવ પડતી ગઈ. એ પછી તો વારંવારે એવું ક્યારેક લાગે છે કે, હું ઘર, ગામ છોડીને નીકળું છું, પણ આ બધાં મારી ચેતનામાં એટલાં ઊંડાં ઊતરી ગયાં છે કે કદાચ એનાં નોસ્ટાલજીક કે સ્મૃતિભારાતુર સ્મરણો છે જે વ્યક્તિની ચેતનામાં હંમેશાં રહે છે. જે સ્થળ સાથેનો બાલ્યાવસ્થામાં વધારે સંબંધ રહ્યો હોય તે વારેવારે યાદ આવે, પણ તમે ત્યાં જઈને રહો તો પાછું એટલું બધું રહેવાનું ન પણ ગમે તેવું પણ થાય. માત્ર ચેતનામાં એની સાથેનો અનુબંધ રચાયો હોય. આમ આ બધાં સાથે સંબંધ રહ્યો છે. મા કે જેને અમે બા કહેતા તે હવે નથી. પણ તેનો પ્રેમ કહો કે લાગણી જે દરેક મામાં હોય છે તે મને મળી અને મારા જીવનના લાંબા સમય સુધી હૂંફ આપતી રહી. એ નિરક્ષર હતી. મારા પત્રની રાહ જોતી અને ગામના ટપાલીને પૂછતી : ‘મારા ભોળાનો પત્ર છે ?' અને ટપાલી હસીને કહેતો : ‘બા, હું લખીને નાખું તો છે.’ પણ હું બાને પત્ર લખતો અને મળવા પણ જતો. બા રાહ જોતી. પિતાજી પણ રાહ જોતા. પણ પિતાજી વહેલા ગયા. પછી બા ગામમાં જ રહ્યાં. સ્વતંત્ર રીતે એકલાં રહેતાં. ઘર મને બરોબર યાદ છે. એ ઘર અમે બા હતાંને કાઢવાના હતા, પણ પછી બાના આગ્રહથી અમે એ વેચવાનું મુલતવી રાખ્યું. એ ઘર અત્યારે બીજા કોઈનું ઘર છે. અને અત્યારે હું ગામ જાઉં છું ત્યારે એ ઘરે અચૂક જાઉં છું. ત્યાં જે રહે છે તે પણ પ્રેમથી બોલાવે. પણ મને યાદ આવે એ દીવાલ, એ ઓસરી કે જ્યાં બેસીને વાંચતો, તે ઓરડો જ્યાં મારો જન્મ થયો ને જ્યાં મારું ગૃહજીવન શરૂ થયું. એ એકેએક વસ્તુ હજી મારા સ્મૃતિના ચૈતન્યથી સભર હોય તેવું મને લાગે છે. એટલે હું ઘણી વખત જાઉં તો દૂરથી જોઈ લઉં ઘરને અને પછી ઘરની ખબર લીધા વિના, તેના ખબર પૂછ્યા વિના પણ ચાલ્યો આવું. આમ આવો સંબંધ છે ઘર સાથે. ગામ સાથેનો અનુબંધ ઓછો થતો ગયો છે. મિત્રો રહ્યા નથી, દૂર ચાલ્યા ગયા છે, વિદેહ થયા છે. પણ હવે ગામની ભાગોળે તળાવ. ત્યાં નજીકમાં હવે અમે એક ઘર બનાવ્યું છે. ઘણી વાર ત્યાં હું રહું છું. એટલે એક રીતે ઘર અને ખેતર સાથેનો સંબંધ હજી બની રહ્યો છે. પણ બીજી બાજુ આખું આ અમદાવાદ નગર, પછી આ ગુજરાત, પછી આ દેશ, પછી આ વિશ્વ, એમ એની વચ્ચે પણ એ જે તાર છે તે તૂટી નથી ગયો.

યજ્ઞેશ : એટલે કે જે છે એ તમારી તે ચેતનાનો એક ભાગ બની ગયું છે ? ભોળાભાઈ : હા, એ સમગ્ર સંવૃત્તિનો ભાગ બની ગયું છે, જેમ આપણો પ્રેમ હોય, વેદના હોય, ને તે સંવૃત્તિનો ભાગ બની જાય એમ ઘર ઉંબર, માતા-પિતા એ આપણા સંવૃત્તિનો ભાગ બની જાય. તેના માટે ઝૂરવાની જરૂર નથી, જેમ સામાન્ય રીતે થાય છે, પણ એ છે અને એની એક પ્રસન્નતા પણ હોય.

યજ્ઞેશ : આ સંદર્ભમાં જ ‘વિદિશા'નો મને સહુથી ગમતો નિબંધ ‘તેષાં દિક્ષુ’ છે, જેમાં કોઈ એવા મહત્ત્વના ઐતિહાસિક, પૌરાણિક, કલાત્મક સ્થળની વાત નથી, છતાં તે તમારી ચેતનાથી જ એટલો બધો રસ તરબોળ છે કે મારી દૃષ્ટિએ તમારો સુંદર નિબંધ છે. ‘વિદિશા’ની આપણે વાત કરીએ. તમારા સહુથી પહેલા સર્જનાત્મક નિબંધસંગ્રહ 'વિદિશા'માં મારી દૃષ્ટિએ તમારો ઉત્તમ નિબંધ ‘તેષાં દિક્ષુ'. બીજા વિવેચકોને બીજો પણ લાગ્યો હોય, કારણ કે, એમાં કશું અસાધારણ નથી. તદ્દન સાધારણ છે તેને તમે નવી રીતે મૂક્યું છે. તમારી ચેતનાથી એને આલેખ્યો છે. આ સંદર્ભમાં ગામ-વતનના સંસ્કારો લોહીમાં વહેતી સંવેદના અને પરિવેશનું તમારે મન મૂલ્ય શું છે ? - એક સર્જક તરીકે. ભોળાભાઈ : એ ગામ પોતે પોતાની રીતે બહુ મહત્ત્વનું નથી, પણ એ ગામ, તેની સાથે જોડાયેલાં શૈશવ અને સમય, તેને કારણે એ ગામ જેને કોઈ ઇતિહાસ નથી, વિશિષ્ટ ભૂગોળ નથી, વિશિષ્ટ સૌંદર્ય નથી, એ અભાવે મને કોઈ કલ્પનાના લોકમાં છોડી દીધો હતો. જાણે કે ચિત્રનું ફલક કોઈ ખાલી હોય અને એમાં આપણે આલેખન કરીએ એમ મારા ગામમાં આમ હોત, મારા ગામમાં તેમ હોત, મારા ગામમાં આવું હોત, એમ લાગ્યા કરે એનાથી મારી કલ્પનાસૃષ્ટિને એક પરિપ્રેક્ષ મળ્યો, જે એ નિબંધમાં આવ્યો છે, અને એની સાથે શૈશવ જોડાઈ ગયું. આ મોટી ઉંમરે જોઉં તો લાગે છે કે તે શૈશવના ખાટામીઠા અનુભવો, એ ભૂમિ, એની ભાગોળ, એની સીમ એ બધું એવી રીતે જોડાઈ ગયું તેને કારણે તે નિબંધ તમે કહો છો તે રીતે ચૈતન્યથી રસબસ હોઈ, સભર બની ગયો હોય તેમ લાગે છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે માતાની વાત કરી, પિતાની વાત કરી, પિતા શિક્ષક હતા તે વાત કરી. ઘરમાં વાચનના સંસ્કાર કેવા ને તેમાં પિતાની ભૂમિકા કેવી ? તમારામાં તેમણે કેવો રસ લીધો ? ઘરનો આખો પરિવેશ ઉપકારક કેવી રીતે બન્યો ? ભોળાભાઈ : આમ તો શું છે કે, ગામની અંદર અમે જે વાસની અંદર રહેતાં હતાં ત્યાં બાજુમાં જૈનોનાં ઘર હતાં. બે-ચાર ખેડૂતકુટુંબો હતાં. અમારે રીતસર ખેતી જ હતી મુખ્ય. ઢોરઢાંખર પણ આંગણામાં બાંધેલાં રહેતાં. પણ આજુબાજુ જૈન અને બ્રાહ્મણો રહેતા હોવાના કારણે જે ઘર પટેલ વાસમાં હોય તેના કરતાં જુદું વાતાવરણ હતું. સાથે બીજી વસ્તુ એ હતી કે પિતાજી શિક્ષક હતા એટલે એ સવારે ઊઠીને ખેતરે જાય ને ત્યાંથી બારોબાર નિશાળે ભણાવવા જાય. સાંજે પાછા ખેતરે થઈને ઘરે આવે. તેમ છતાં બાળકોને શિક્ષણ આપવું જોઈએ તેવો તેમનો ખ્યાલ. તેઓ નિશાળમાંથી મારે યોગ્ય પુસ્તકો લાવે. એટલે પુસ્તકોનો નાનપણથી પરિચય તેમને કારણે થતો રહ્યો. આજે હું જોઉં છું કે પિતા અને પુત્રનું અંતર તો થોડું રહેતું. જોકે તેમણે ક્યારેય મારા પર હાથ ઉગામ્યો નથી તેનું મને આશ્ચર્ય થાય છે, મેં મારાં સંતાનોને લપડાક મારી હશે, ગુસ્સામાં આવીને ક્યારેક સોટીનો પણ ઉપયોગ કરેલો છે, મને યાદ છે. પણ મારા પિતાએ કદી મારા પર હાથ ઉપાડ્યો નહોતો. જોકે અમારો સંબંધ કવિ ભારવિ અને તેમના પિતાનો હતો કંઈક તેવો. હું પ્રથમ નંબર આવ્યો હોઉં તોપણ મને સીધા અભિનંદન ન આપે, એમના મનમાં આનંદ થતો. તેમને એવું હોય કે અત્યારે અભિનંદન આપીશ તો છોકરો ફુલાઈ પણ જાય. એથી એમના મનમાં રાજી થાય પણ કશું વ્યક્ત ન કરે. એ સતત ધ્યાન રાખતા, પણ એમણે એક વસ્તુનો વિચાર નહીં કર્યો - શિક્ષક હોવા છતાં. હું ભણવામાં કંઈક હોશિયાર છોકરો હોવા છતાં મારાં લગ્ન બાળવયે કરી દીધાં. એટલે કે ચૌદ વરસની ઉંમરે. એ પોતાના સામાજિક માળખામાં રહેતા હતા, કારણ કે, છેવટે તો પોતે ગામમાં- તેમના સમાજમાં જ રહેતા હતા. એટલે એમણે અનુમતિ આપી અને મારાં લગ્ન થયાં. એણે મારી માનસિકતાને અવરુદ્ધ પણ કરી. ક્ષિતિજ જે વિસ્તીર્ણ થતી જવી જોઈએ, જે મોકળાશ મળવી જોઈએ તેમાં ક્યારેક ક્યારેક એક પટ આવી જતો હોય તેવું લાગે. જાણે હું બંધાઈ ગયો. એ ચૌદ વરસના કિશોરને કંઈક બંધન જેવું લાગે છે. એ અદૃષ્ટ બંધન, એક માનસિક બંધન. એ એમણે કેમ કર્યું હશે તે વસ્તુ મારા મનની અંદર સતત પ્રશ્નરૂપે રહેલી છે. એ માટે હું તેમને કદી ક્ષમા આપી શકતો નથી. આમ તો એમાં ક્ષમા કરવાનું પણ નથી - પણ એમ થાય.

યજ્ઞેશ : પણ એ વખતે જ્ઞાતિગત અને સમાજગત રૂઢિ જ તેવી હતી કે તે સંદર્ભમાં જ માણસ વિચારે. ભોળાભાઈ : હા, એ સ્વાભાવિક જ હતું. આજે પણ અમારી પાટીદાર જ્ઞાતિમાં એ થોડુંક છે. પણ હું વ્યક્તિગત રીતે કહું છું. એવું બની શક્યું હોત કે લગ્ન પછીથી થયાં હોત. ૧૯૭૪માં મારો ‘અધુના’ સંગ્રહ પ્રગટ થયો ત્યારે તેમને સમજાય કે ન સમજાય, અહીં બેસીને કવર-ટુ-કવર વાંચી ગયા. હવે એ તો વિવેચનનો સંગ્રહ હતો. મારો છોકરો લખે છે કંઈક એ ભાવથી માત્ર. એટલે મેં ‘દેવતાત્મા હિમાલય' નામે મારું યાત્રાવૃત્ત તેમને અર્પણ કર્યું. તેમને યાત્રા તો હું કરાવી શક્યો નહીં, કારણ માટે અનેક આર્થિક સંઘર્ષમાંથી પણ બહાર નીકળવાનું હતું, પણ શ્રદ્ધાપૂર્વક તે યાત્રામાં માનસિક રીતે તેમને સાંકળ્યા.

યજ્ઞેશ : યાત્રાવૃત્ત અર્પણ કર્યું ત્યારે તેઓ હયાત હતા ? ભોળાભાઈ : ના, સ્મૃતિમાં.

યજ્ઞેશ : આપે પિતાની વાત કરી, આપ હવે પિતા છો અને હવે દાદા પણ છો. તમે વાત કરી કે ક્યારેક સંતાનો પર હાથ પણ ઉગામ્યો છે, પણ સાથે એ પણ નોંધવું જોઈએ કે તમે જે અપેક્ષા રાખી હોય તમારા પિતા પાસે, ત્યારે એ પરિવેશ એવો હતો કે એ અપેક્ષા પૂરી ન થઈ હોય. પણ તમે તમારાં સંતાનો સાથે મિત્રવત્ રહ્યા છો. એ મધુ હોય કે બકુલ હોય. ભોળાભાઈ : (સંકોચ અને આનંદ સાથે હસતાં) હા અને સારું છે, મારું ભાગ્ય છે. અત્યારની પેઢીમાં લગભગ એવું છે કે પિતા એ સત્તાસ્થાન છે તેવું નથી રહ્યું. પિતા અને પુત્ર વચ્ચે મૈત્રી પણ હોય. અને સદ્ભાગ્ય છે અમારી વચ્ચે ઉંમરનું એવું અંતર નથી. મારી એકવીસ વરસની ઉંમરે મધુનો જન્મ થયો. એટલે અમુક સમય પછી સમયનો અંતરાલ બહુ હોતો નથી. એટલે અમારી મૈત્રી એ રીતે થાય કે એકબીજા સાથે ‘જૉક’ પણ કરી શકાય અને એકબીજાની લાગણી સમજી પણ શકાય. ધારો કે, એના લગ્નની વાત કરું તો શર્મિષ્ઠા સાથે શરૂઆતમાં તેને પ્રેમ થયો. એણે અનુમતિ માગી તો મેં તરત અનુમતિ આપી. અને આનંદને પણ પ્રેમ કરવાની સ્વતંત્રતા આપી. એટલે છોકરાઓ જોડે ખુલ્લો મિત્રવત્ વ્યવહાર રહ્યો. એ વસંત હોય કે બકુલ હોય. પુત્રવધૂઓ સાથે એવો જ વ્યવહાર. અને પુત્રવધૂઓ મારે ત્યાં દીકરીની જેમ આવી. પુત્રી મંજુ પણ એ રીતે રહી. પુત્રવધૂઓ મારે ત્યાં આવી ત્યારે એમને આગળ ભણવાની છૂટ આપી. મારાં પત્નીએ પણ સાથ આપ્યો. મારા ઘરે આવ્યા પછી પુત્રવધૂઓ ભણી, પોસ્ટગ્રેજ્યુએટ થઈ. આમ પરિવારમાં એક મોકળાશભર્યું વાતાવરણ સર્જાયું. મને એવું લાગે છે કે મારે માટે યુવાનીમાં જ રિસ્ટ્રિક્શનવાળું વાતાવરણ હતું તેમાંથી થોડુંક બહાર નીકળવા અણજાણે જ આ અનુબંધ રચાયો.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે હમણાં ઉલ્લેખ પણ કરેલો અને પાટણના અધિવેશન વખતે તેમના સન્માનમાં તમે કહેલું કે મોહનલાલ પટેલ તમારા શિક્ષાગુરુ અને દીક્ષાગુરુ. તમે એ બંને સંજ્ઞાઓને જુદી પણ પાડેલી તો તેમના પરિચયમાં આવવાનું ક્યારે થયું ? અને તમારા કૈશોર્યનાં એ વરસોમાં તમારી યુવાનીના ઉંબરનાં વરસોમાં સાહિત્ય તરફ વાળવામાં તેમણે અને બીજાં કયાં પરિબળોએ ભાગ ભજવ્યો ? ભોળાભાઈ : યજ્ઞેશભાઈ, આમાં એવું છે કે, તમને આશ્ચર્ય થશે. અગાઉ વાત થઈ કે પુસ્તક માત્ર મને આકર્ષે છે. જેમ કોઈને ફૂલ આકર્ષે તેમ ચોપડીને જોઉં ને મને આનંદ થાય. ઘણી વાર ચોપડીની સંનિધિ પર્યાપ્ત હોય. અહીં આ બધાં પુસ્તકો તમે જુઓ છો તે બધાં, વંચાય કે ન પણ વંચાય, પણ ચોપડીને જોઉં ને મને એક જાતની વિવશતા આવી જાય. થાય કે ક્યારે હાથમાં લઉં ને ક્યારે વાંચું. એવું નાનપણથી હતું. તેને પોષક વાતાવરણ પણ મળ્યું. અને પછી સર્વ વિદ્યાલયમાં અમારું ગ્રંથાલય હતું ને તે ઓપન શેલ્ફ હતું. કોઈ નિશાળમાં ભાગ્યે જ હોય. કોઈ કૉલેજ કરતાંય સમૃદ્ધ ગ્રંથાલય. અમે ત્યાં જઈએ તો ‘કુમાર’ જેવાં જૂનાં સામયિકોની ફાઇલો પડી હોય. પુસ્તકો ખોલીને તમે બેસી જાઓ. શાળા ઊઘડે તે પહેલાં એક કલાક અગાઉ ગ્રંથાલય ઊઘડે અને શાળા બંધ થાય તે પછી એક કલાક ખુલ્લું રહે એ વાતાવરણ હતું. શરૂઆતમાં રતિલાલ નાયક જેવા શિક્ષક હતા - બહુ પ્રેમાળ. સંસ્કૃત ભણાવે. પછી રામભાઈ જેવા શિક્ષક મળ્યા, જે સંસ્કૃત સુભાષિતોનો રસાસ્વાદ કરાવતા. સાથે અંબાલાલ પટેલ મળ્યા, જે મને ‘શિષ્યમિત્ર’ લેખતા. એ સારા શિક્ષક કદાચ નહીં હોય, પણ વાચન માટે અનેક પુસ્તકો લાવી લાવીને મૂકે. આવા વાતાવરણ વચ્ચે હતો ત્યારે અમારી વચ્ચે શિક્ષક તરીકે એક દિવસ મોહનલાલ પટેલ આવ્યા. અમે ખાદીના વાતાવરણમાં અને એ અમદાવાદ જેવા નગરમાંથી આવ્યા. એમનું વ્યક્તિત્વ અને ભણાવવાની પદ્ધતિ એકદમ જુદાં જ હતાં. અંતર પણ થોડું રહેતું. છતાં પણ તેમણે મુનશી ભણાવવાની શરૂઆત કરી. ધૂમકેતુ ભણાવ્યા. પાઠકસાહેબ ભણાવ્યા. ઉમાશંકરનું ‘નંગા’ કાવ્ય ભણાવ્યું ત્યારે લાગ્યું કે કવિતાને, વાર્તાને, નવલકથાને સમજવાની જુદી જ દૃષ્ટિ મળી રહી છે. એ સમજવાને માટે એક તુલનાત્મક ભૂમિકા તેમણે આપી. તેમની વાતમાં શરદચંદ્ર આવે, ખાંડેકર આવે, પછી ત્યાંથી વિશ્વસાહિત્યમાં પ્રવેશ કરાવે. એટલે ઓ. હેન્રી આવે, મોપાસાં આવે, ચેખોવ આવે, એલેકઝાન્ડર ડુમા આવે. અને આ બધા સાથે આવે. તે પણ એવી રીતે નહીં, કે અમારા પર ઝીંક પાડી રહ્યા છે. આમ વાત કરતાં કરતાં સહજ રીતે મૂકી દે. આમ સાહિત્યની સમજણ આવતી ગઈ. હું શિક્ષાગુરુ – દીક્ષાગુરુ એ રીતે કહું છું કે શિક્ષાગુરુ તો અનેક હોય, માણસને દરેક વસ્તુ શીખવી પડતી હોય છે. એમ સહજ રીતે નથી આવડી જતું. તમે છંદ પણ શીખતા હો છો, અલંકાર પણ શીખતા હો છો, ભાષાનો પ્રયોગ પણ શીખતા હો છો. પણ શિક્ષકો છેક બાળપણમાં કિત્તાથી લખવાની શરૂઆત કરતા હોઈએ એ પણ શિખવાડતા હોય છે, પણ મર્મ કેમ પકડવો, કેમ જોવું તે વાત એમણે વિના કહે સમજાવી કે, આ કાવ્ય છે - આ રીતે ખૂલે; આ વાર્તા છે તે આ રીતે ખૂલે. એમણે ઉમાશંકરની ‘બળતાં પાણી'ની સમીક્ષા પરીક્ષામાં પૂછી. અમે ભળતાં જ અર્થઘટનો લખેલાં, પછી તેમણે સમજાવ્યું કે જુઓ કવિતામાં આવું પણ હોય, કવિતામાં પ્રતીક પણ હોય, કલ્પન પણ હોય. તો આ જે સમજણ આપી તે એક રીતની દીક્ષા છે. એ અર્થમાં હું તેમને દીક્ષાગુરુ કહું છું. એવું નથી કે તમને પચ્ચીસત્રીસ કવિતા ભણાવે. માત્ર એક જ કવિતા ભણાવીને પણ સમજાવી દે કે, કાવ્યકૃતિ પાસે, સાહિત્યકૃતિ પાસે આમ જવાય. આમ, એ અમારી વિદ્યાર્થીવયમાં મળ્યા. એમની સાથે સંપર્ક આજ સુધી રહ્યો છે. અમે મળ્યા હતા ૧૯૫૧-૫૩માં. આજે પચ્ચાસ વરસ પછી પણ એ અનુબંધ જળવાયેલો રહ્યો છે. પછીનાં વરસોમાં પણ હું પત્ર લખું ત્યારે વિગતે બધું સમજાવે. તો આ જે લાભ મળ્યો તેનું ઋણ તો કેમ ચૂકવી શકાય ?

યજ્ઞેશ : એટલે એ સમયે તમારી ક્ષિતિજો ક્યાંય સુધી, માછીમાર જેમ દૂર સુધી જાળ ફંગોળે તેમ ફંગોળાયેલી, એકસપાન્ડ થયેલી. ભોળાભાઈ : ‘એક્સપાન્ડ’ એટલે એવી કે જેને કહેવાય અસંભવ. એ વખતે હું લાંબા વાળ રાખતો. શ્રી અરવિંદનું પણ અંબાલાલ સાહેબને લીધે વાચન શરૂ થયું. ‘દક્ષિણા’ પણ જોતો. અમે એવાં સ્વપ્ન જોતા કે હવે નિશાળનું ભણવાનું તો ઠીક. અમે ઘણાબધા મિત્રો આવા ભાવનાલોકમાં વિહરતા હતા. હજી અમે મળીએ છીએ. ઈશ્વરભાઈ પટેલ કરીને સારા મિત્ર છે, ઉદ્યોગપતિ છે, નરોત્તમ પટેલ છે - બધાં બેસીને વિચાર કરીએ કે શું કરવું હવે ? એન્જિનિયર કે ડૉક્ટર થવાની ઇચ્છા ન હતી. તે વખતે એવી ઇચ્છા કે કશુંક લખવું. એવા પ્રયત્નો પણ થયા. કદી વિચાર કરતા કે ભણવું તો શાંતિનિકેતન જઈ, કે પોંડિચેરી જઈ. શાંતિનિકેતનમાં તો ત્યાં હિન્દીભવન છે, તો ગુજરાતીભવન પણ હશે તેમ માનીને પત્ર પણ ૧૯પરમાં લખેલો કે મારે ત્યાં આવવું છે તો શું કરવું ? મને ખ્યાલ હતો કે પારિવારિક સ્થિતિ તો એવી હતી નહીં, કે પિતાજી મને ભણવા મોકલી શકે. પણ એ સ્વપ્નના દિવસો હતા. આવા વાતાવરણમાં અમને થયું કે આવે સ્થળે ભણવું જોઈએ. પણ જવાનું તો કંઈ બન્યું નહીં. ઊલટાનું એસ.એસ.સી. પાસ કરી હું શિક્ષક થયો, અને એક્સટર્નલ પરીક્ષાર્થી તરીકે બી.એ. થયો. પણ એ વખતે આમ વાંચતાં વાંચતાં કલ્પનાલોકમાં વિહાર કરવાનું બન્યું. પછી વાત એવી છે કે ૧૯૮૩માં જ્યારે શાંતિનિકેતનથી નિયંત્રણ આવ્યું ત્યારે ઉમાશંકરભાઈને મારી છાત્રાવસ્થાનાં સપનાંની પેલી વાત કરતાં સ્મરણો કહેલાં કે એક વખતે મેં શાંતિનિકેતન પત્ર લખ્યો હતો - ૧૯૫૧માં ત્યાં ભણવા જવા માટે. તેમણે પૂછ્યું કે, પછી તેનું શું થયું?' મેં કહ્યું : ‘કંઈ નહીં. તેનો તો શો જવાબ આવે ? દસમા-અગિયારમા ધોરણમાં ભણતા છોકરાએ ગુજરાતીમાં પત્ર લખ્યો હોય તેનો તો શું જવાબ આવે ?' ઉમાશંક૨ ક્ષણવાર થોભ્યા. બોલ્યા : ‘કેમ જવાબ ન આવ્યો આ ઓગણીસોત્યાસીમાં ? તમને જવાબ આપ્યો.' (હાસ્ય).

યજ્ઞેશ : વાહ ! જવાબ આવ્યો પણ મોડો આવ્યો. તમારી ઉત્કટ ઇચ્છાના સંદર્ભમાં જવાબ આવ્યો. ભોળાભાઈ તમે તમારા લેખનનો પ્રારંભ લોકો એમ માને છે કે - સર્જનાત્મક નિબંધથી કર્યો, પણ આમ તમે કવિતાથી કર્યો એમ તમે ક્યાંક કહેલું. તો તમે કવિતાને સદા નેપથ્યમાં જ કેમ રાખી ? એ સંબંધ જાહેર કેમ ન કર્યો ? ભોળાભાઈ : (હાસ્ય). એટલા માટે કે કવિતા પોતે જ નેપથ્યમાં રહેવા માગતી હતી. ખરેખર તો મને પોતાને આશ્ચર્ય થાય છે, અમને છંદનું સારું શિક્ષણ મળ્યું હતું. છંદોમાં હું રચના કરી શકતો. સંસ્કૃત છંદોના સમશ્લોકી અનુવાદ કરી શકતો. અનુષ્ટુપમાં તો વાતો કરી શકાય એટલો એ વખતે મહાવરો થઈ ગયેલો. અને અનુષ્ટુપમાં તો જે એક સ્વપ્ન આવ્યું હતું તેના પરથી એક કથાકાવ્ય પણ ૨૦૦-૩૦૦ લીટીનું લખી કાઢેલું. ભલે તેમાં દોષો દેખાય આજે, પણ મુખ્ય વાત એ હતી કે કવિતા લખવી. મંદાક્રાંતા, શિખરિણી, હરિણી આ બધા છંદોમાં રચનાઓ કરેલી. પણ યજ્ઞેશભાઈ, તમે તો કવિ છો, ને જાણો છો કે કવિતા એવી વસ્તુ છે કે આપણે પ્રેમ કરીએ અને સામે તેનો પ્રેમ ન હોય તો એકપક્ષીય પ્રેમ પણ બની રહે. મને એમ લાગ્યું કે, હું કવિતાનો બહુ સારો વાચક છું. તમે મને કહો કે તમને શું ગમે વાંચવાનું ? તો હું કહું કે કવિતા. આજે પણ એ જ છે કે કવિતા વાંચવી ગમે છે, પણ કવિતા લખવાની વાત બહુ ચાલી નહીં. વાત એમ છે : નોકરી માટે હું એવા ગામમાં ચાલ્યો ગયો જ્યાં એ ‘ફોર્મેશનના પિરિયડ’માં એવા મિત્રો નહોતા જે કવિતાને સુધારી આપે, ઠીક કરી આપે. ક્યારેક મોહનલાલને મોકલું તો તેઓ સુધારી આપે. એને કારણે એ કાવ્યરચના ભટકી ગઈ. તેમાં પછી જીવનસંઘર્ષ, શિક્ષણ, વાચન, ભણતર આ બધી વસ્તુ તો જોડે રહી. પણ કવિતા લખવાનું ત્રુટક જ રહ્યું. હા, કવિતાવાચન તો સતત રહ્યું. છાત્ર રઘુવીરને મેં એ વખતે છંદો શિખવાડ્યા ને રઘુવીરે તો કવિતા લખવાની શરૂ પણ કરી. એમની યાત્રા આગળ પણ ચાલી. મારી કવિતાયાત્રા ચાલી નહીં. પણ મારો ને કવિતાનો પ્રેમ છે તે ‘નિગૂઢ' પ્રેમ છે. બહારના જગતને તો તે મારા વિવેચન દ્વારા કે અનુવાદ દ્વારા તેની કદાચ ઝાંખી થાય. મારો કવિતાપ્રેમ ઉત્તમ કવિતાને અનુવાદ દ્વારા મૂકવામાં કંઈક પ્રગટ થયો છે. મારી અનુવાદની પ્રક્રિયા એ મારી કવિતાપ્રીતિ. કવિતા લખવાનો તો કોઈ વિકલ્પ નથી, પણ કવિતા જીવવાનો તો હોય ને ! એ રીતે હું કવિતાના સાંનિધ્યમાં રહું છું.

યજ્ઞેશ : પણ ભોળાભાઈ, કવિતા લખવાની ઇચ્છા થાય ખરી ? ભોળાભાઈ : ના, હું જાણું છું કે એ બહુ અઘરી વસ્તુ છે. કવિતાને તમે ઇચ્છાથી નથી લખી શકતા. એ સતત ચાલતી હોય છે. કવિતા જેવા ભાવ આવે, તો હવે હું પસંદ કરું કે હું ગદ્યના માધ્યમથી લખું. એવું નથી કે કાવ્ય-રચના કરવી હોય તો તે ન થાય, પણ જોઉં છું કે આ બહુ ગંભીર પ્રવૃત્તિ છે, એ સાધના માગી લે છે. મને આજે કવિતા લખવાનો વિચાર થયો છે એવા ખ્યાલથી ન લખું. હું પડું તો પછી નખશિખ તેની અંદર ડૂબું તો પછી તેમાંથી કંઈક બહાર આવે. આ પ્રેમ જેવી વસ્તુ છે કે તમે ‘ફલર્ટિંગ’’ ન કરી શકો કવિતા સાથે. કવિતા એ જીવનની ઉપાસના છે. એટલે કોઈ સરસ કવિતા વાંચું તો પ્રસન્નતા થાય, પણ એવું ન થાય કે હું લખું, માત્ર એવું થાય કે અનુવાદ કરું. સરસ કવિતા વાંચું ને કશુંક – જેમ તમને કવિતા માટે સરસ ભાવપુદ્ગલ મળે તે પછી જ્યાં સુધી એ ન લખાય ત્યાં સુધી જંપ ન થાય તેમ મને - જ્યાં સુધી સારી કવિતાને અનુવાદમાં ન ઢાળું ત્યાં સુધી મનમાં અજંપો રહ્યા કરે. પછી દરેક ગમી ગયેલી કવિતાના અનુવાદ થાય જ એવું નહીં.

યજ્ઞેશ : આપે વાત કરી, બી.એ.ના અભ્યાસના ગાળામાં જ શિક્ષક તરીકે જોડાવાનું થયું અને બી.એ. પણ એક્સ્ટર્નલ કર્યું, તો એ સંજોગો કેવા હતા ? ભોળાભાઈ : હા, મેં એસ.એસ.સી. પાસ કરી પછી, એલ.ડી. કૉલેજમાં એડિમશન લીધેલું. હૉસ્ટેલમાં પણ લીધેલું. ફી ભરી દીધેલી, પારિવારિક સ્થિતિ સામાન્ય. જોકે સાવ એવી ન હતી કે ભણવાનું ખર્ચ ન પોષાય, કારણ કે પિતાજીની નોકરી ચાલુ જ હતી. પણ થોડાક પ્રશ્નો એવા થયા હતા કે એક સગાની જામીનગીરી સ્વીકારતાં પિતાજીને મોટી રકમ આપવી પડેલી. પછી વિચાર્યું કે આ સ્થિતિમાં હું મદદરૂપ થઈ શકું તેમ હોઉં તો મારે નોકરી કરવી. એ વખતે એસ.એસ.સી. પાસ થયેલાને નોકરી મળી પણ જતી. માણસા સ્કૂલમાં જગ્યા પણ હતી, ને મારા એક જૂના શિક્ષકે કહ્યું કે, તારે આવવું હોય તો તું આવી જા. આ બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ, અને જે દિવસે કૉલેજ ઊઘડતી હતી તે જ દિવસે હું સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયો. મનમાં બહુ દુઃખ પણ થતું હતું. બધા મિત્રોના પત્રો પણ આવ્યા કે હૉસ્ટેલમાં તારી જગ્યા રાખી છે, તું આવી જા. પણ હું જોવા પણ ન ગયો, ફી પાછી લેવા પણ ન ગયો. આ ઘટનાએ મારા જીવનમાં એક ઉપકારતા સિદ્ધ કરી આપી, અને તે એ કે હું સ્વયંશિક્ષક બન્યો. શિક્ષક તો બન્યો અને પછી મેં જાતને શિક્ષિત કરવાના બધા પ્રયત્નો આદર્યા. મારે જ્યારે વર્ગમાં જવાનું આવે ત્યારે પૂરી તૈયારી સાથે જાઉં. વાંચીને જાઉં અને કોણ જાણે કેમ પિતાજી શિક્ષક હતા તેથી કે કેમ મને લાગે કે ‘આઈ એમ એ બોર્ન ટીચર.' હજી પણ લાગે. મને કોઈ એમ કહે કે, તમારે લેખન કરવું છે કે વર્ગમાં વિદ્યાર્થીઓ જોડે વાત કરવી છે ? તો હું કદાચ વિદ્યાર્થીઓ જોડે વાત ક૨વાનું વધારે પસંદ કરું. એ મારી અભિવ્યક્તિનું એક માધ્યમ છે. એ મારી સર્જનાત્મકતાનું એક માધ્યમ છે. ૧૯પરથી માંડીને આજે પચાસ વરસ મેં શિક્ષણનું કામ કર્યું, પણ મને કદી તેનો કંટાળો નથી આવ્યો કે આજે વર્ગમાં જવાનું છે ભણાવવાનું છે. ‘આઈ હેવ ઓલવેઈઝ એન્જોયડ ટીચિંગ.’ અને મેં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, બારમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે, કૉલેજના ને પછી યુનિવર્સિટીના છાત્રોને ભણાવ્યા છે. એમ.ફીલ., પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. પણ અધ્યાપન મારા માટે સતત આનંદની વસ્તુ રહી છે. સદ્ભાગ્યે રઘુવીર ચૌધરી જેવા બ્રિલિયન્ટ વિદ્યાર્થી પણ મળ્યા. સ્કૂલમાં હું એમને ભણાવતો મિત્રની જેમ. કારણ કે, અમારી વચ્ચે વયનો તફાવત પણ એવો નહોતો. મહેનત કરીને ભણાવતો. ક્યારેક અમદાવાદ આવીને પુસ્તક ખરીદીને, વાંચીને ભણાવતો. એ વખતની મારી નોટ્સ જોઉં છું તો ઘણી વાર લાગે છે કે એમ.એ. ભણાવતી વખતે કદાચ કાચી તૈયારી કરી હશે; પણ તે વખતે સ્કૂલમાં ભણાવવા હું જે તૈયારી કરતો તેની નવાઈ લાગે છે. એ વખતની મુગ્ધતા પણ હતી. અને એ દરમિયાન પણ જીવનના એવા અનુભવો - જેમાં પ્રેમની વિશિષ્ટ અનુભૂતિ પણ થઈ, એ મારા જીવનની સતત પ્રેરક બની રહી. આ પણ ત્યાં જવાની એક નિયતિ હતી.

યજ્ઞેશ : ક્યાં જવાની ? ભોળાભાઈ : માણસા,

યજ્ઞેશ : પ્રેમની અનુભૂતિ વિશે કંઈ મુખર થઈ તમે કહ્યું નહીં. (હાસ્ય) ભોળાભાઈ : (સંકોચસહ હાસ્ય) એ જે રીતની હોય તે. એ કોઈ સાથે જોડાયેલી હોય. એ વધુ મુખરિત કરવાની વસ્તુ નથી. પણ એ જીવનની એક અનુભૂતિ બની રહી. એ વખતે હું અમદાવાદ ‘કુમાર’ની બેઠકમાં આવું. પ્રિયકાંત મણિયાર સાથે મળવાનું થાય; નિરંજનભાઈને હું દૂરથી જોતો. કવિતાય લખતો – પરંપરિત હરિગીત, પરંપરિત ઝુલણામાં લખતો. પ્રિયકાંત પાછા મને સમજાવે કે, આ રીતે લખવું. હું અમદાવાદ આવું ને પ્રિયકાંતભાઈને તેમની બાલાહનુમાનની દુકાને મળું, ને પાછો માણસા જાઉં. અહીં હું નાટકો જોવા માટે આવું, ફિલ્મો જોવા માટે આવું અને મારા નાનકડા પગા૨માંથી - પહેલા પગારમાંથી મેં પુસ્તકો ખરીદ્યાં! ‘ઇલા કાવ્યો ને બીજાં બધાં' ને ‘યાત્રા’ પ્રહલ્લાદ પારેખનું ‘બારી બહાર’, ‘ધ્વનિ' ને ‘આલાપ’. જો હું વિદ્યાર્થી હોત, તો હું ન ખરીદી શકત. કારણ કે મારે પૈસા પિતાજી પાસેથી લેવા પડે. આ તો હું કમાતો હતો અને ખરીદતો. અભ્યાસનું તો વાતાવરણ હતું. હું જ નહીં, મારી સાથે કેટલાક શિક્ષકો પણ પરીક્ષા આપવા માંડ્યા અને એ રીતે વાંચીને તૈયાર થવાની તક મળી. બીજી બાજુથી ગુરુઓ પાસેથી મળ્યું હોય, અધ્યાપકો પાસેથી મળ્યું હોય, તે ન મળવાનો વસવસો તો ખરો, સારા અધ્યાપકો હંમેશાં મળતા નથી હોતા, પણ જો મળ્યા હોત તો એ પૂર્તિ આ રીતે થઈ.

યજ્ઞેશ : એટલે તમે એક્સટર્નલ તરીકે બી.એ. કર્યું અને તમને સારા અધ્યાપકની જે ખોટ સાલી તે તમે સારા અધ્યાપક થઈને પૂરી કરી. આજે તમારા વિદ્યાર્થીઓની કેટલીય પેઢીઓ ગુજરાતમાં કામ કરે છે. એક બીજી નવાઈની વાત એ કહેવાય તે તમે બી.એ.માં હિન્દી વિષય પસંદ કર્યો. એ એક અકસ્માત હતો કે પૂર્વઆયોજન ? ભોળાભાઈ : ના, યજ્ઞેશભાઈ એ અકસ્માત નહોતો. એ વખતે એટલે કે, ૧૯૪૭ની આજુબાજુ – પચાસની આજુબાજુ એક રાષ્ટ્રભાવ હતો અને હિન્દીને એક પ્રોમિનન્સ પણ મળેલું. તમે જુઓ કે ૨ઘુવીરે પણ હિન્દી વિષય રાખ્યો. અમે એમ ઇચ્છતા કે ગુજરાતી તો આપણે ભણીએ જ છીએ અને એ આપણી માતૃભાષા છે, તો પછી હિન્દી કેમ ન ભણાય કે જેનું ભવિષ્ય પણ ઉજ્જ્વળ છે ? હિન્દી દેશની એક રાજભાષા તરીકે સ્વીકારાઈ હતી. રઘુવીરનું તો ઇકોનોમિક્સ પણ એટલું જ સરસ હતું, અને એ વખતે ઇકોનોમિક્સની કેટલીબધી બોલબાલા હતી ? તોય તેમને થયું કે, ના હું હિન્દી રાખીશ. મેં પણ તેમના પહેલાં હિન્દી રાખ્યું હતું. એટલે હિન્દી વિષયને એક વિશેષ આશયથી રાખ્યો. જાણે કે રાષ્ટ્રભાવનાનું એ એક કર્તવ્ય હોય. હિન્દી વિષય લેવાને કારણે એપ્લોયમેન્ટની પણ શક્યતા હતી. એટલે યોજનાપૂર્વક હિન્દી રાખ્યું. એ પહેલાં હિન્દીની પરીક્ષાઓ રાષ્ટ્રભાષારત્ન સુધીની આપેલી. એટલે એ ડેવલપમેન્ટ ગ્રેજ્યુઅલ હતું. હું પાંચમા ધોરણમાં હતો ત્યારે રાષ્ટ્રભાષા- પ્રારંભિક પરીક્ષા આપેલી. એ પછી પ્રવેશ, પરિચય, કોવિદ - આ બધી પરીક્ષાઓ આપેલી. એટલે હિન્દીનું તો વાતાવરણ હતું જ, એને કારણે પણ હિન્દી પસંદ કર્યું. સંસ્કૃત પ્રત્યે પણ એટલી જ પ્રીતિ હતી, અંગ્રેજી પ્રત્યે પણ એટલી જ, પણ યોજનાપૂર્વક હિન્દીનો સ્વીકાર કર્યો.

યજ્ઞેશ : એ પછી એમ.એ. પણ એક્સટર્નલ કર્યું કે રેગ્યુલર વિધાર્થી તરીકે ? ભોળાભાઈ : એમ. એ. માટેને મેં નક્કી કર્યું કે, મારે નિયમિત રીતે યુનિવર્સિટીમાં આવીને કરવું છે. એ વખતે હિન્દીનું કેન્દ્ર સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં હતું. તમને આશ્ચર્ય થશે, પણ હું એમ.એ.નો બધો અભ્યાસક્રમ પહેલેથી જ પૂરો કરીને આવ્યો હતો. એમ.એ.નાં આઠ પેપર, મેં જે સાહિત્યરત્નની પરીક્ષા આપેલી તેમાં હતાં, લગભગ એ જ આઠ પેપર. એટલે પાઠ્યપુસ્તકની રીતે મારે કોઈ નવું ભણવાનું ન હતું અને હિંદી અધ્યાપકોએ મને નિરાશ પણ કરી દીધેલો. જે કલ્પના કરી હતી કે પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ અમુક રીતે મળશે તેવું ન થયું. અધ્યાપકો તો તમે જાણો છો. એક-બે અધ્યાપકો બાદ કરતાં બહુ સારું શિક્ષણ ન હતું. પણ મને લાભ એ મળ્યો કે ગુજરાતી ભાષાસાહિત્ય ભવનમાં હું ઉમાશંકરનો અવિધિસરનો વિદ્યાર્થી બન્યો. અહીં આવ્યો ત્યારે, ગુજરાતીમાં જયંત પંડ્યા, હેમંત દેસાઈ, ને અમૃત રાણંગા વિદ્યાર્થી તરીકે યુનિ. હૉસ્ટેલમાં રહે. હું હૉસ્ટેલમાં રહેતો હતો. એ બધા ઉમાશંકરભાઈની વાત કરે. મેં કહ્યું : ચાલો હું પણ ગુજરાતીના પિરિયડ ભરવા આવું. એક દિવસ ઉમાશંકરભાઈની અનુમતિ માંગીને કહ્યું : મારે તમારા વર્ગમાં આવવું છે. તો તેમણે કહ્યું : નિયમિત આવવું પડશે. તો મેં કહ્યું : એ વધારે સારું. એમના વર્ગો – નગીનદાસના, પ્રબોધ પંડિતના વર્ગો ભરતો. એટલે હું ગુજરાતીનો પણ વિદ્યાર્થી હતો. એટલે યુનિવર્સિટી શિક્ષણ શું એનો અનુભવ ઉમાશંકરભાઈ ગ્રીક ટ્રેજડી, ઇબ્સન ને શાકુંતલ ભણાવતા હોય કે પ્રેમાનંદ વિશે જે ઊંચાઈ પરથી વાત કરતા હોય અને પ્રબોધ પંડિત ભાષાવિજ્ઞાન ભણાવતા હોય તે પરથી થયો. ભણતર મારું સારું એટલે યુનિવર્સિટીમાં હિન્દી વિષયમાં પ્રથમ પણ આવ્યો અને અધ્યાપક તરીકે નોકરી પણ તરત મળી ગઈ.

યજ્ઞેશ : એ દરમિયાન આપ અમદાવાદ આવી ગયેલા ? ભોળાભાઈ : હા, ગુજરાત યુનિવર્સિટીમાં હૉસ્ટેલમાં ‘એ’ બ્લોકમાં હું રહેતો હતો. રઘુવીર વિસનગર છોડીને અમદાવાદ ઝેવિયર્સમાં જુનિયર બી.એ.માં દાખલ થયા. હું જુનિયર એમ.એ.માં દાખલ થયો હતો. પછી તો અમદાવાદ સાથે જ નાતો બંધાઈ ગયો.

યજ્ઞેશ : આમ તો તમને ભાષાઓમાં રસ છે જ. બંગાળી, ઉડિયા, અસમિયા પણ તમે શીખ્યા. અંગ્રેજીમાં પણ તમને રસ હતો જ, પણ એમ.એ.માં હિન્દી વિષય લીધા પછી વિધિવત્ અંગ્રેજીમાં એમ.એ. કરવાનો વિચાર કેમ આવ્યો ? ભોળાભાઈ : બે વસ્તુ હતી : મારે કૉલેજ બદલવી હતી. હવે જો હિન્દી વિષય હોય તો તે અમદાવાદમાં શક્ય ન હતું. એક કારણ તો તે હતું. જો અંગ્રેજી જેવો વિષય ભણી શકાય તો કૉલેજ બદલી શકાય અને એક નવો વિષય ભણાવી શકાય. અને અંગ્રેજી વાચન તો ચાલતું જ હતું. એટલે મેં એમ.એ. અંગ્રેજી લઈને દાખલ થવાની વાત કરી ત્યારે પ્રોફેસર ચંદ્રશેખરે કહ્યું : તમારે બી.એ.માં જનરલ ઇંગ્લિશ છે એટલે તમને દાખલ કરવાની મુશ્કેલી છે. પણ યુનિવર્સિટીએ એ વર્ષે એવું જાહેર કર્યું કે, જેને જૂના કોર્સ પ્રમાણે અંગ્રેજી – એક્સટર્નલની પરીક્ષા બી.એ. આપવી હોય તો આ છેલ્લી તક છે. એટલે ઑક્ટોબરમાં અંગ્રેજીમાં એક્સટર્નલ બી.એ.નું ફોર્મ ભર્યું અને મેં અંગ્રેજીની પરીક્ષા આપી. સખત મહેનત કરી દસ પેપર આપ્યાં. અનિલાબહેન પાસે પણ પ્રાચીન અંગ્રેજી અને છંદો ભણ્યો. ભગતસાહેબ પાસેથી પણ અંગ્રેજી છંદો ભણ્યો અને એ રીતે બી.એ.ની એક્સટર્નલ અંગ્રેજી વિષય સાથેની પરીક્ષા આપી. તમને આશ્ચર્ય થશે કે, ૫૮થી ૫૯ ટકા જેટલા માર્ક મેળવ્યા ને કેટલાંક પેપરમાં તો સિત્તેર ટકા માર્ક મેળવ્યા. પછી જ્યારે ચંદ્રશેખરને કહ્યું કે, મારે એમ.એ. અંગ્રેજી સાથે કરવું છે, તો કહે : જુઓને ભોળાભાઈ, મેં તમને વાત તો કરી હતી કે બી.એ.માં તમારું અંગ્રેજી નથી. ત્યારે મેં એમની પાસે બી.એ.ની માર્કશીટ મૂકી દાખલો આપી દીધો. (હાસ્ય) પછી તો મેં અંગ્રેજી સાથે એમ.એ. કર્યું. આશ્ચર્ય એ થશે કે, એમ.એ. પાર્ટ વન મેં પસાર કર્યું પછી હિન્દીના અધ્યાપક તરીકે યુનિ.ના ભાષા ભવનમાં જ મારી નિમણૂક થઈ. એટલે હવે તો એવી સ્થિતિ થઈ કે, પહેલાં જે ક્લાસમાં બે પિરિયડ હું અંગ્રેજીનો વિદ્યાર્થી હોઉં અને પછી એ જ ક્લાસમાં હું હિંદીનો અધ્યાપક હોઉં. પણ મને એનો કોઈ સંકોચ ન હતો. આ પણ એક અનુભવ હતો. અંગ્રેજી ભણવાથી મારી ક્ષિતિજો વિસ્તરી. એના સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ થયો. અંગ્રેજી છંદોનો અભ્યાસ થયો. પ્રાચીન અંગ્રેજીનો અને ક્લાસિક્સનો આખો અભ્યાસ કર્યો. સંસ્કૃતનો અભ્યાસ તો ભૂમિકામાં હતો જ, હિંદી-ગુજરાતીનો હતો. પરંતુ પછી અંગ્રેજી ભણાવવાનું રહ્યું નહીં, કારણ કે યુનિવર્સિટીના માત્ર અનુસ્નાતક હિંદીવિભાગમાં હું હતો અને ત્યાં ભણાવવાનો એક સંતોષ પણ હતો. પણ અંગ્રેજીએ મને જે સંપ્રજ્ઞતા આપી તેના કારણે મેં જ વિવેચન કરવાનું શરૂ કર્યું હતું, એમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એટલે અંગ્રેજીનો મને આજ દિન સુધી લાભ મળ્યો અને તેનું અધ્યયન લગાતાર થતું રહ્યું છે એ લાભ થયો.

યજ્ઞેશ : પીએચ.ડી.માં તમે હિન્દી સાહિત્યકાર અજ્ઞેયજી પર કળશ કેમ ઢોળ્યો ? ભોળાભાઈ : અજ્ઞેયજી તો મને ગમતા કવિ હતા. પહેલાં મેં એવો વિષય રાખ્યો હતોઃ ‘ગુજરાતી-હિંદી કવિતાનું તુલનાત્મક અધ્યયન’. પણ પછી હું ખોવાઈ ગયો તેમાં. બે મહાનિબંધ જેટલું કામ થયા. પછી મને થયું કે, હું એક જ કવિ ઉપ૨ – અજ્ઞેયજી પર કામ કરું તો વધારે સારું થશે. વિષય રાખ્યો : ‘અજ્ઞેય : એક અધ્યયન - આધુનિકતા અને પ્રાશ્ચાત્ય પ્રભાવોના સંદર્ભમાં.' એટલે મારું અંગ્રેજીનું શિક્ષણ કામ લાગ્યું. વેસ્ટર્ન ઇમ્પેક્ટ અને મોડર્નિઝમ એટલે એ - પરિપ્રેક્ષ્યમાં કામ કર્યું અને મેં જે અંગ્રેજી અને પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ કર્યો હતો તેનો હું વિનિયોગ કરી શક્યો. પછી એ શોધપ્રબંધ પ્રગટ પણ થયો અને હિંદી જગતમાં તેનો સારો સ્વીકાર પણ થયો. એની બીજી આવૃત્તિ દિલ્હીથી વાણી પ્રકાશને પ્રગટ કરી છે. અજ્ઞેયજીનું અધ્યયન સતત થયા કર્યું. મારા જીવનમાં આમ, જો રવીન્દ્રનાથ- કાલિદાસને બાજુ પર રાખીએ તો, ત્રણ કવિઓનું મેં સતત પરિશીલન કર્યા કર્યું છે. હિંદી ભાષાના અજ્ઞેયજી, ગુજરાતીના ઉમાશંકર અને બંગાળીના જીવનાનંદ દાસ. આ બધાનું સમગ્ર સાહિત્ય મારી પાસે છે. એમના વિશે જે કંઈ છેલ્લું પ્રગટ થયું છે તે પણ. ૧૯૯૮માં જીવનાનંદ દાસની શતાબ્દીપ્રસંગે બંગાળીમાં જે બધાં સામયિકો પ્રગટ થયાં, જે બધા ગ્રંથો અને વિશેષાંકો પ્રગટ થયા તે મારી પાસે છે. તો આ ત્રણેનો અભ્યાસ ઘણુંબધું આપી જાય છે. ક્યારેક આ ત્રણેય વિશે તુલનાત્મક વાત કરવાની મારી ઇચ્છા છે. હવે મારી પાસે વ૨સો તો ઓછાં છે. ઉમાશંકરભાઈના નિવાસસ્થાન ‘સેતુ'ના પ્રાંગણમાં ઉમાશંકર અને અજ્ઞેયજી વચ્ચે હું બેઠો છું એવી એક તસવીર પણ છે. અજ્ઞેયજીનું એવું વ્યક્તિત્વ, તેમની ઇન્ટિગ્રિટી, તેમનો મૂલ્યબોધ અને ઉમાશંક૨ પણ એ જ કોટિના. જીવનાનંદ દાસને તો મળી શકાયું નથી. આ ત્રણેય કવિઓએ મને આપી છે - જીવન અને કળાની સમજણ, એમની કવિતા દ્વારા. અજ્ઞેયજી સાથે થોડા અંગત સંબંધો પણ હતા. અહીં આવે તો ઉમાશંકરને ઘરે ઊતરે. એમની જોડે વાતચીત થાય. તેમનાં પંચોતેર વ૨સ ઊજવાયાં ત્યારે રઘુવીરને અને મને દિલ્હી આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. એટલે જ્યારે હું નવરો પડું ત્યારે જેમને ફરી ફરી વાંચું તેમાંના એ ત્રણે કવિઓ. દા. ત., ઉમાશંકરની આ ‘સમગ્ર કવિતા' પડી છે. તેમનું ગદ્ય વાંચું, નિબંધો પણ વાંચું, એ રીતે અજ્ઞેયજીનું ગદ્ય વાંચું. તેમની નવલકથા ‘શેખર એક જીવની’ અને ‘નદી કે દ્વીપ’ –એમણે મારા પર બહુ અસર પાડી છે. ‘નદી કે દ્વીપ’ તો મેં ભણાવી હતી. ત્યારે ભણનાર વિદ્યાર્થીઓને પણ મારો એ રોમાંચ પહોંચાડી શક્યો હતો. એ રીતે અજ્ઞેયજી પર પીએચ.ડી. કરવાનું જાણે કે એક વિદ્યાકીય પરિપૂર્તિ માટે ન હતું, પણ સાહિત્યિક જીવનના એક ભાગ તરીકે તે આવ્યું.

યજ્ઞેશ :' આપે સરસ વાત કરી કે કશું નકામું જતું નથી. આપે અંગ્રેજીનો જે અભ્યાસ કર્યો તે આપના પીએચ.ડી.માં કામ લાગ્યો અને આપને પીએચ.ડી.માં જે વિષય લેવો હતો તે તુલનાત્મક સાહિત્યનો, તે તમે પીએચ.ડી.માં ન લીધો પણ એ વિષયમાં સતત તમારું કામ ચાલતું રહ્યું છે. આપનો ભાષાનો જે રસ છે એ આપને જર્મન ભાષા સુધી પણ લઈ ગયો. (હાસ્ય બન્નેનું) અને અંગ્રેજી જાણે પૂરતી ન હોય તેમ આપે જર્મન ભાષામાં ડિપ્લોમા કર્યો.

ભોળાભાઈ : હા, હું આજીવન વિદ્યાર્થી રહ્યો છું. હું તો માનું છું કે વિદ્યા કણકણ આવે છે, ક્ષણક્ષણ આવે છે. એને માટે કોઈ ખાસ સમય નથી, કે એ કંઈ જથ્થાબંધ આવતી નથી. મારે ફ્રેંચનો અભ્યાસ કરવો હતો. બૉદલેરનો વધારે અભ્યાસ કરવો હતો. મૂળ ફ્રેંચમાં કરવો હતો. પણ અમદાવાદમાં એવી કોઈ સુવિધા ન હતી, પણ જર્મન ભાષાના વર્ગો ખૂલ્યા. અમે કેટલાક મિત્રો જોડાયા. મધુસૂદન બક્ષી, એસ્તર સોલોમેન, અનિલાબહેન, બકુલ ત્રિપાઠી કેટલાં બધાં હતાં, પણ હું થોડું વધારે ધ્યાન રાખીને ભણ્યો. મૅક્સમુલર ભવન પૂણેમાં પણ બે મહિના જઈને ભણ્યો. ખ્યાલ એવો હતો કે, જર્મન કવિ ગેટેને જર્મનમાં વાંચવો અને વાંચ્યો પણ ખરો. જે વખતે પૂનામાં હતો ત્યારે, પછી જેમને નોબેલ પ્રાઇઝ મળેલું તે ગ્યુંટર ગ્રાસની કવિતાના અનુવાદો કરેલા, જે ‘સંસ્કૃતિ’માં ‘૬૯માં પ્રગટ થયેલા. એટલે એમ હતું કે, જર્મનમાંથી કશુંક કરવું. એટલું જ નહીં, જર્મન સાહિત્ય, જર્મન સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. વિચાર હતો કે, જર્મની જવું. જોકે તે તો શક્ય બન્યું નહીં. વરસો પછી યુરોપપ્રવાસ વખતે એની મુલાકાતે જઈ શકાયું. જર્મન ભાષાના અભ્યાસને આજે પણ જો ખોતરવામાં આવે તો પાછો શરૂ થઈ જાય, પણ જર્મન ધીમે ધીમે વીસરાતું ગયું. અને એમાંથી જે કામ કરવું જોઈએ તે બીજાં અનેક કામોને લીધે થઈ શક્યું નહીં એનો વસવસો છે કે એ મૂડીરોકાણનું વ્યાજ પણ છૂટું થઈ શક્યું નહીં. (રંજમિશ્રિત – હાસ્ય...)

યજ્ઞેશ : એ પછી ભોળાભાઈ આપે લિંગ્વિસ્ટિક્સ - ભાષાવિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. કારણ કે, ભાષામાં આપને શાસ્ત્રીય રસ પણ પડ્યો હશે. એ રસ આપને પાછળથી આપે જે ઘણી ભાષાઓ શીખી તેમાં કામ લાગ્યો ? ભોળાભાઈ : ના, યજ્ઞેશભાઈ, ભાષાવિજ્ઞાન અને ભાષાબહુલતા બે જુદી વસ્તુઓ થઈ. ભાષાવિજ્ઞાનથી ભાષાનાં તત્ત્વો તરફ અને ભાષાના સ્વરૂપનું જ્ઞાન મળે એ રીતે મને રસ પડ્યો, એક શાસ્ત્ર તરીકે. મારે તે ભણાવવાનું પણ આવે અને ભાયાણીસાહેબ ભાષાવિજ્ઞાન ભણાવતા. મારે ભણવા માટે બહાર જવાનું પણ ન હતું. ભાષાભવનમાં મારા રૂમમાંથી ભાયાણીસાહેબના રૂમમાં જવાનું હતું. અને મેં એમ.એ. અંગ્રેજીમાં કર્યું ત્યારે બે પેપર લિંગ્વિસ્ટિક્સનાં રાખેલાં. એટલે હું બે પેપર આપું તોપણ મને ડિપ્લોમા મળે તેમ હતું. ભાષાવિજ્ઞાનના સંદર્ભમાં શૈલીવિજ્ઞાનની એક શાખા વધી હતી. એ શૈલીવિજ્ઞાનની વિવેચનપદ્ધતિ શીખવા માટેનો વિશેષ ખ્યાલ રહ્યો પછી તો ભાષાવિજ્ઞાનનો વિશેષ અભ્યાસ સમર ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિંગ્વિસ્ટિક્સ ભુવનેશ્વરમાં પણ કર્યો. ત્યાં પ્રબોધ પંડિતસાહેબ જેવા અધ્યાપકો આવ્યા હતા. એક મહિનાનો કોર્સ કર્યો. એ પણ એક વાતાવરણ હતું. પછી તેનો અભ્યાસ પણ ઓછો થતો ગયો.

યજ્ઞેશ : પણ એ નકામું તો નહીં જ ગયું હોય ? ભોળાભાઈ : ના, ભાષાને સમજવામાં, શૈલીવિજ્ઞાનની અંદર, ઍપ્લાઈડ લિંગ્વિસ્ટિક્સ જેને કહીએ તે, અને પછી એક અધ્યાપક તરીકે જુદાજુદા અભ્યાસક્રમો ઘડવામાં આ બધું કામ લાગતું જ હોય છે. એટલે એક બૌદ્ધિક ડિસિપ્લિન પણ આ અભ્યાસે આપી. ખાસ કરીને ફોનેટિક્સ, મોર્ફોલૉજીએ આપી. ભાષા શીખવામાં તો બંગાળી ભાષા શીખવાનું જ વધારે થયું.

યજ્ઞેશ : ભોળાભાઈ, ગુજરાતીના વાચકોને તમારો પહેલો જે પરિચય છે તે વિવેચક તરીકેનો છે, કારણ કે 'અધુના', ‘પૂર્વાપર' અને ‘કાલપુરુષ' એમ તમારા વિવેચનના ગ્રંથો આવ્યા. તો, એક સમાલોચક તરીકે, એક વિવેચક તરીકે, એક સહૃદય ભાવક તરીકે કૃતિને તપાસવાનો તમારો અભિગમ કેવો રહ્યો ? ભોળાભાઈ : યજ્ઞેશભાઈ, મને પોતાને કદીય ખ્યાલ ન હતો કે વિવેચક બનું. મુખ્ય વસ્તુ એ છે કે હું સારો ભાવક છું, સારો વાચક છું. સારા ભાવક અને સારા વાચક તરીકેનો પ્રતિભાવ હું આ રીતે પ્રગટ કરીશ એ આશ્ચર્ય હતું. એક વખત હું બૉદલેરની કવિતા વાંચતો હતો, ત્યારે એકાએક ખ્યાલ આવ્યો કે આવા પ્રકારની નગરજીવનની કવિતા આપણે ત્યાં નિરંજન ભગતે કરેલી છે. આ વસ્તુ મને આ બંને કવિઓના તુલનાત્મક અભ્યાસ કરવા સુધી દોરી ગઈ. મેં એક લેખરૂપે અભ્યાસ રજૂ કર્યો. તેમાં ફ્રેંચ કવિતાની આખી ટ્રેડિશનને આવરી લીધી. એ લેખ ઉમાશંકરભાઈને ‘સંસ્કૃતિ’માં છાપવા માટે બતાવ્યો, ત્યારે તેઓ આશ્ચર્યથી મારી સામે જોઈ પણ રહ્યા. પણ એ લેખ ‘સંસ્કૃતિ’માં પ્રગટ કર્યો અને એક રાતમાં હું એક વિવેચક તરીકે જાણીતો થયો. પણ એ એક આકસ્મિક બાબત હતી. રઘુવીર વગેરે મિત્રો કહે છે કે, મારું વિવેચન એ આસ્વાદલક્ષી છે. એલિયટે ‘એન્જોયિંગ’ અને ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની જે વાત વિવેચન સંદર્ભે કહી છે તે પ્રમાણે મારા વિવેચનને તમે ‘આસ્વાદમૂલક અવબોધ' કહી શકો. એ બૌદ્ધિક વિવેચન, ક્રિટિકલ એનાલિસિસ માત્ર નથી, કારણ કે આસ્વાદ અને વિવેચનમાં ફેર એ છે કે તમે કૃતિ પાસે જાઓ છો અને તેનાથી પ્રતિક્રિયાયિત થાવ છો. તેનાથી જે આનંદ મળે છે તેની વાત કરો છો. જ્યારે વિવેચન એ બૌદ્ધિક વિશ્લેષણ છે. આસ્વાદ એ સંશ્લેષણ છે. પણ સંશ્લેષણમાંથી પાછા વિશ્લેષણમાં જઈ શકાય. મારો ઉદ્દેશ કૃતિનો જે આનંદ, એના રસકીય અંશો, તેનો આસ્વાદ કરાવી ખોલી આપવાનો, વાચક-પુસ્તક વચ્ચે સેતુ બનવાનો હોય છે. એ વખતે ન્યુક્રિટિસિઝમની પદ્ધતિની બોલબાલા હતી, એટલે કે રચનાને કેન્દ્રમાં રાખીને વિશ્લેષણ કરવાની પદ્ધતિ હતી, જેનાં ઓજારો હતાં : કલ્પન, પ્રતીક, ભાષા, મિથ વગેરે. ઓજારો સુરેશ જોષી અને નિરંજન ભગત જેવાઓએ ‘ધ્વનિ'ની કવિતાના વિશ્લેષણમાં પ્રયોજ્યાં હતાં. એ ઓજારો અમે પકડ્યાં. એટલે અમારી વિવેચનની જે શિસ્ત છે તે એલિયટ આદિ દ્વારા પ્રવર્તિત ન્યુક્રિટિસિઝમની પદ્ધતિ હતી તે અમે વાપરી. પણ મારો અભિગમ ‘પ્લુરાલિસ્ટ' રહ્યો છે. એટલે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી પણ લઈએ, માર્ક્સવાદમાંથી પણ કંઈ હોય તો તેનો છોછ નહીં અને સામાજિક દૃષ્ટિએ પણ રચનાની વાત કરવાનો વાંધો નથી. એટલે નામવરસિંહજીએ કહ્યું : ‘હાઉ કુડ યુ બી પ્લુરાલિસ્ટ ?’ મેં કહ્યું : ‘વ્હાય નોટ ?’ એમનું કહેવું હતું કે જે માર્ક્સવાદથી પ્રતિબદ્ધ હોય તે રૂપવાદી કેવી રીતે હોઈ શકે ? પરિસંવાદોમાં અમે અનેક જગ્યાએ મળીએ ત્યારે, હું નવ્યવિવેચનવાદી અભિગમની વાત કરું અને મારા પછી નામવરસિંહ બોલવાના હોય ત્યારે એ નવ્યવિવેચનવાદી આખી પદ્ધતિનાં છોતરાં ઉડાડે. એ એમ કહે કે, માર્ક્સવાદનો દૃષ્ટિકોણ છે તે જ બરોબર છે. એ એક જાતનું ફેનેટિસિઝમ છે કે તમે કૃતિને માત્ર એક જ એંગલથી જુઓ.

યજ્ઞેશ : કૃતિને બાંધી દો ? ભોળાભાઈ : હાઈકુને તમે માર્ક્સવાદની નજરે કેવી રીતે જુઓ ? નવલકથાને તમે જોઈ શકો, કેટલીક કૃતિઓને જોઈ શકો એ પણ એક પદ્ધતિ છે. હું એનો નકાર તો નથી કરતો, એ પણ જરૂરી છે.

યજ્ઞેશ : પણ એ માત્ર એક જ પદ્ધતિ સાચી તેવું ન હોઈ શકે? ભોળાભાઈ : હા, માત્ર એક જ પદ્ધતિ કેવી રીતે હોઈ શકે ? જો ૨ચના માર્ક્સવાદી ન હોય તો તે પ્રતિક્રિયાવાદી સાહિત્ય છે – એ વસ્તુને હું એક પ્રકારની ઝનૂની આલોચનાપદ્ધતિ કહું છું. હિંદીમાં હજુ પણ એ ચાલી રહ્યું છે.

યજ્ઞેશ : એટલે કે ઇન્કલુઝિવનેસ હોવી જોઈએ. ભોળાભાઈ : હા, ઇન્ફ્લુઝિવનેસ હોવી જોઈએ. છેવટે તો કૃતિલક્ષી વિવેચના એ મારો અભિગમ રહ્યો છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, કાવ્યશાસ્ત્રની આપણી પ્રાચીન એક પરિપાટી છે. સૌંદર્યમીમાંસકો ઘણા આવ્યા. પશ્ચિમની પણ એસ્થેટિક પરંપરા છે. એનો પણ આપને અભ્યાસ છે. એ પછી રૂપવાદીઓ, માર્ક્સવાદી વિચારધારા અને અનુઆધુનિકતાવાદ સુધી વિવેચન વિસ્તરે છે. તો આ બધામાં સર્જનને પામવા નાણવા તમે કૃતિ પાસે કેવી રીતે જાઓ છો ? આમ તો આગલા પ્રશ્નમાં તમે ઉત્તર આપ્યો જ છે. તેમ છતાં... ભોળાભાઈ : સંસ્કૃતસાહિત્ય અને તેનું કાવ્યશાસ્ત્ર અને આપણી ફિલોસોફી – એ મને લાગે છે કે એ દુનિયાને આપણું પ્રદાન છે. દુનિયાને હજુ સુધી બધું પહોંચ્યું નથી. આપણે ગ્રીક ફિલોસોફી ભણીએ છીએ પણ ઇન્ડિયન ફિલોસોફી એ દુનિયાને મોટી ભેટ છે. એમ જો દુનિયાને આપવા જેવી વસ્તુ હોય તો તે આપણું કાવ્યશાસ્ત્ર છે. અને જો ભરતનું નાટ્યશાસ્ત્ર અને એરિસ્ટોટલના પોએટિક્સની ચર્ચા કરીએ તો ભરત તો ઘણા ઊંડા ગયા છે અને ઘણા વ્યાપક છે. આપણે ત્યાં જે કાવ્યમીમાંસા થઈ તે અલંકારને કેન્દ્રમાં રાખીને થઈ, રીતિને કેન્દ્રમાં રાખીને થઈ, વક્રોક્તિને કેન્દ્રમાં રાખીને થઈ અને ધ્વનિ ને રસને કેન્દ્રમાં રાખીને થઈ. અને ધ્વનિ ને રસને કેન્દ્રમાં રાખીને જે મીમાંસા થઈ છે તેવી જગતભરમાં કોઈ જગ્યાએ થઈ નથી. આજે આપણે પ્રતીકવાદ તરફ આવ્યા, તો તે વાત આપણે ત્યાં નવમી સદીમાં થઈ ગઈ હતી અને એ પણ એક વ્યાપક અર્થમાં દાર્શનિક ભૂમિકા સાથે આખી વાત થઈ હતી એટલે વ્યંજનાપદ્ધતિનો આપણે વિનિયોગ કરી શકીએ, રસનો પણ કરી શકીએ. પણ સામાન્ય રીતે રસનું મોડેલ તમે લો. આપણી રચનાપદ્ધતિમાં જે પાશ્ચાત્ય સ્વરૂપોને આપણે અપનાવ્યાં, એમાં થોડો પ્રશ્ન થાય કે ભારતીય કાવ્યમીમાંસા આપણે પૂરેપૂરી અપનાવી ન શકીએ. પણ નગીનદાસ, ભાયાણીસાહેબે અને છેલ્લે જયંત કોઠારીએ આપણને બતાવ્યું કે, આપણા મોડેલને કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ. એવી રીતે વિવેચનની જૂની પદ્ધતિઓ હતી. આપણે ત્યાં મેથ્યુ આર્નોલ્ડની પદ્ધતિ અપનાવી. પછી જે આવ્યા એમાં નવ્ય વિવેચનની પદ્ધતિ અપનાવી. એ પછી માર્ક્સવાદની આખી ડાયલેક્ટિક્સની પદ્ધતિ આવી. એ પછી અનુઆધુનિકતાવાદ અને સ્ટ્રક્ચરાલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરાલિઝમ. આ બધી વસ્તુ વિવેચનના અભિગમો તરીકે ભણ્યા, પણ એનું એપ્લિકેશન આપણા સાહિત્યમાં બહુ થયું નથી. મેં પોતે તો એ પ્રકારની એપ્લિકેશન કરીને વિવેચન કર્યું નથી. હું તો જે સિસ્ટિમ પકડી હતી તે તરફ જ વધારે રહ્યો. માર્ગો, પદ્ધતિઓ બધી જાણી ખરી, પણ મેં જોયું કે આપણે એ બધું એપ્લાય ક૨વા જઈએ છીએ તો મૂળ વસ્તુ હાથમાં આવતી નથી. આ મારો અનુભવ છે.

યજ્ઞેશ : સાહિત્યપદાર્થને પામવામાં એક ઇસ્ટર્ન ને એક વેસ્ટર્ન એવી જુદી પદ્ધતિઓ હોય છે કે બિલકુલ વ્યક્તિગત હોય છે ? ભોળાભાઈ : આમાં એવું છે કે, અભ્યાસથી એક જાતની અવેરનેસ આવે છે. દા.ત., એક પાશ્ચાત્ય પદ્ધતિ છે તેમાં એરિસ્ટોટલની સ્વરૂપમીમાંસા. અત્યારના નવા સમીક્ષકોને ‘નિયો એરિસ્ટોટલિયન' એટલા માટે કહ્યા છે કે, રચનાનું પોતાનું પણ એક એસ્થેટીક સૌંદર્ય છે, રચના જે કહે છે તે તો ખરું જ, પણ જે રચના તેનું પણ આકૃતિમાંનું સૌંદર્ય, તેનો પણ એક આનંદ હોઈ શકે તે વસ્તુ એરિસ્ટોટલે આપી હતી. પછી જે મધ્યકાળનું પાશ્ચાત્ય વિવેચન છે તે તો ધર્મને નીતિનાં મૂલ્યોના સંદર્ભમાં વધારે થયું છે. પછી કોલરિજ જેવો માણસ આવે છે, જે કલ્પના અને એના આખા સ્વરૂપને સમજાવે છે. એ સમજાવે કે કૃતિ પોતે, એની જે રચના, એ કેવી રીતે અનિવાર્ય અંગ-ઉપાંગ સાથે જોડાયેલી છે એની પાયાની વાત તેણે કરી જે અત્યારની વિવેચના પણ સ્વીકારે છે. કૃતિ ‘ઓર્ગેનિક હોલ’ એટલે કે અંગઉપાંગ સાથેનું રચનાવિધાન છે, આકૃતિવિધાન છે એ વાત કોલરિજે કરી છે. પછી મેથ્યુ આર્નલ્ડે જીવનલક્ષી સમીક્ષા કરી અને પછી એલિયટ વગેરે નવ્ય સમીક્ષકો આવ્યા, એ પણ આપણને શીખવાડી જાય છે. પણ બીજી બાજુ આપણી સમીક્ષાપદ્ધતિને આપણે જોઈએ. વક્રોક્તિ સિદ્ધાંતનો અભ્યાસ કર્યો, તેના પ્રકારો જોયા. મેં જોયું કે, એક વર્ણથી માંડીને પ્રબંધ સુધી એટલે કે વર્ણ, શબ્દ, વાક્ય, પરિચ્છેદ, પ્રકરણ અને આખી રચના – એના વિશ્લેષણનું આખું મોડેલ આચાર્ય કુન્તકે આપણને આપેલું જ છે. પણ હવે એવું છે કે એ પદ્ધતિમાં આપણે ગયા નહીં. આપણે ત્યાં યુનિવર્સિટીમાં પૂર્વનું વિવેચનશાસ્ત્ર ભણાવવામાં આવે છે, પણ એને એપ્લાય કરીને ભણાવવામાં નથી આવતું. કદાચ એ આપણું ઉપનિવેશી માનસ થયું અને પાશ્ચાત્ય સ્વરૂપોની પાશ્ચાત્ય વિવેચન પદ્ધતિ અપનાવી લીધી એને કારણે આપણા કાવ્યશાસ્ત્રની ઉપેક્ષા થઈ.

યજ્ઞેશ : એટલે એ કાવ્યશાસ્ત્રનો ઉપયોગ કરવાની શક્યતાઓ તો છે. ભોળાભાઈ : એ શક્યતાઓ તો છે જ હજુ. મૈસુરમાં સી.ડી.નરસિંવૈયાનું ‘ધ્વન્યાલોક' નામનું અધ્યયનકેન્દ્ર છે. પ્રોફે. નરસિંવૈયાને આપણી વિચારણા આધારિત એવું કાવ્યશાસ્ત્ર ઉપજાવવું છે કે, આજે ય લાગુ પાડી શકાય. ધ્વન્યાલોકે ઘણા સેમિનાર કર્યા અને આપણું જે ધ્વનિતંત્ર છે, રસતંત્ર છે એના મોડેલ પર પશ્ચિમની કૃતિઓનું વિશ્લેષણ કરી શકાય તેવા પ્રયોગો પણ કરી બતાવ્યા. આપણા કાવ્યશાસ્ત્રની એક વિશેષતા એ છે યજ્ઞેશભાઈ, કે તમને આશ્ચર્ય થશે કે ઇટ ઇઝ મોસ્ટ ફોર્માલિસ્ટિક. એટલે સાહિત્યને કેન્દ્રમાં રાખીને જ આખી વિચારણા થયેલી છે. માત્ર સાહિત્યની (શુદ્ધ સાહિત્ય) વાત તો આપણે ત્યાં વીસમી સદીના બીજાત્રીજા દાયકામાં આવી. એ આપણા પ્રાચીનોએ નવમીદસમી સદીમાં કરી છે. આપણા કાવ્યમીમાંસકોએ કહ્યું કે, સાહિત્ય પદાર્થ છે, કાવ્ય પદાર્થ છે. તે કૃતિને કેન્દ્રમાં રાખો અને બતાવો કે કવિતા કેવી રીતે ઉત્તમ છે. આપણા કાવ્યશાસ્ત્રમાં જે ઉદાહરણો છે તેમાં એક પણ અ-કવિતાનું ઉદાહરણ નથી, સિવાય કે અ-કવિતાની ચર્ચા કરવાની હોય ત્યાં તે આપ્યું હોય, એટલે કે તેઓ જાણે છે ઉત્તમ રચના ક્યાં છે તેના પર આંગળી મૂકે છે. ઉત્તમ કેમ છે તેનાં કારણોમાં કોઈ વક્રોક્તિ બતાવે, કોઈ ધ્વનિ બતાવે, કોઈ રસ બતાવે એટલે આખી પદ્ધતિ મર્મગામી છે. આશ્ચર્ય થાય કે, એ આચાર્યો કાવ્ય કેવું ખોલી આપે છે ? મલ્લીનાથ પણ એક વાક્યમાં આખી વાત ખોલી આપે. તેનું કામ તો એટલું જ છે કે, તમને આંગળી મૂકીને બતાવે. વેસ્ટર્ન ફિલોસૉફી ઇન્ટરપ્રિટેટીવ છે -અર્થઘટનાત્મક છે જેમાં આપણી વિવેચના ગઈ નથી. આપણી વિવેચના એ બતાવે કે, આ રસ છે, આ ધ્વનિ છે, આ અલંકાર છે, આ શબ્દની વ્યંજના છે. આપણી એક જુદી ટીકાપદ્ધતિ છે, પણ એનો વિનિયોગ જરૂ૨ થઈ શકે.

યજ્ઞેશ : આપે વાત કરી મલ્લિનાથની, એમની એક ટીકા પણ : સદીઓ પછી પણ ટકી રહી છે અને કૃતિને ખોલવાની ચાવીનાં ઝૂમખાંના ઝૂમખાં તેમાં પડ્યાં છે અને એવી કોઈ કૃતિ જેવી કે અબુ સઈદ ઐયુબના વિવેચનગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ થયો એ પ્રકારનું કામ ગુજરાતીમાં હજુ સુધી ન થયું હોય તેવું લાગે. ભોળાભાઈ : એવું તો નથી. મલ્લિનાથનું શું છે કે, તેણે પ્રતિજ્ઞા કરી છે કે, ‘નામૂલં લિખ્યતે કિંચિત્' એટલે મૂળમાં નથી તેવું કશું હું કહેવાનો નથી. અત્યારે મોટે ભાગે એવું છે કે કૃતિને ખીંટી તરીકે રાખે અને પછી આખી દુનિયાની વાત લઈ આવે. માર્ક્સવાદીઓ લગભગ એવું કરે. કૃતિ તો બાજુ પર રહી જાય ને આખું સમાજશાસ્ત્ર આવે. મલ્લિનાથે બીજું કહ્યું છે કે, જે કહેવાનું છે તેની ઉપેક્ષા નથી કરતો. આમ, કૃતિને તમે કેન્દ્રમાં રાખો ત્યારે કવિને જે અભિપ્રેત ન હોય તે ન કહેવું, અને જે કહેવા જેવું છે તે ન છોડવું એવી વિવેચના તો બહુ ઓછી થતી હોય છે. પણ સારાં વિવેચનો ઘણાંબધાં લખાયેલાં છે. પશ્ચિમનાં પણ દષ્ટાંતો એવાં છે કે કૃતિને ખોલી આપે. બ્રેડલે હોય તો શેક્સપિયરને ખોલી આપે. આપણે બધે તેની સાથે સંમત ભલે ન થઈએ. અજિતકુમાર ચક્રવર્તીએ ગીતાંજલિની આરંભનાં વર્ષોમાં જ મર્મગામી વ્યાખ્યા કરી. એ રીતે રવીન્દ્રનાથને ઘણાબધા ઉત્તમ સમીક્ષકો મળ્યા. જીવનાનંદ દાસને પણ ઉત્તમ સમીક્ષકો મળ્યા છે. એ રીતે કહીએ તો આપણી ગુજરાતી કવિતાને પણ સરસ વિવેચકો મળ્યા. બળવંતરાય ઠાકોર હોય કે રા. વિ. પાઠક હોય, એમણે કૃતિને ખોલી આપેલી છે. પણ – હાર્દિક અને બૌદ્ધિક સંતૃપ્તિ થાય એવી વિવેચના પ્રમાણમાં ઓછી થઈ. નિરંજન ભગત વિવેચન કરતા હોય તે વિદ્વત્તાપૂર્ણ હોય, પણ તેઓ અતિવિસ્તાર, કે અતિવ્યાપ્તિમાં જતા હોય છે, તેમની એક લાક્ષણિક પદ્ધતિ છે આત્યંતિક અભિપ્રાયો આપવાની. સુરેશ જોષીની અંદર પણ એવું જ છે કે એ એટલાબધા સંદર્ભો આપે કે મૂળ કૃતિ ખૂલતાં ખૂલતાં બીજી ઘણીબધી વસ્તુઓ અંદર આવતી જાય. જયંત કોઠારીની વિવેચના જોઈએ તો થોડા ‘કોલ્ડ' લાગે, બૌદ્ધિક વિશ્લેષણ જેવું લાગે. વિવેચ્ય રચના તેમણે રસજ્ઞની રીતે માણી છે કે નહીં તે તમને ખબર ન પડે. વિવેચના ભલે તાર્કિક હોય. જ્યારે ઉમાશંકર કહેતા કે, મારું વિવેચન એટલે મેં કૃતિનો જે આસ્વાદ કર્યો, તેનો આલેખ આપતો હોઉ છું. ટી. એસ. એલિયટના શબ્દો વાપરીને તેઓ કહે છે તેમ વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધકથા. એમના અમુક લેખ -કાલિદાસ કે ભવભૂતિ વિશેનું તેમનું વિવેચન વાંચો કે રવીન્દ્રનાથ કે બળવંતરાયનું વાંચો ત્યારે એમ થાય કે તે કૃતિને નવી દૃષ્ટિથી ખોલી આપી છે, એટલું જ નહિ તેનો ઉત્તમ રીતે આસ્વાદ કરાવી જાણ્યો છે. એવાં વિવેચન ઓછાં છે, વિવેચનમાં વિવેચકનું સઘન અધ્યયન, તેની મૌલિક દૃષ્ટિ જરૂરી છે. મેં જોયું છે કે, અત્યારના નવા સમીક્ષકો – હું નામ નહીં દઉં – તેમને વાંચીએ તો એમ થાય કે એમના વિવેચન કરતાં મૂળ કૃતિઓ સીધી વાંચીએ તો તે સ્વયં સારી રીતે સમજાય, જ્યારે એનું વિવેચન તો વચ્ચે દીવાલરૂપ બની જાય છે. ‘સ્ટ્રક્ચરાલિસ્ટ એપ્રોચ’થી સુમન શાહે કરેલું કિશોર જાદવની એક વાર્તાનું વિવેચન વાંચ્યું ત્યારે થયું કે કૃતિ વાંચીએ તો કંઈકે સમજાય છે, પણ આ વિવેચનથી તો કૃતિ વધુ દુર્બોધ બની જાય છે. એ વિવેચન લેખ આમેય તો દુર્બોધ છે જ. એટલે આપણા વિવેચનમાં પાંડિત્યના નામે દુર્બોધતા અને વિદેશી વિવેચકોનાં અવતરણોની ભરમાર વધતી જાય છે. અવશ્ય કેટલાક વિવેચકો છે, જે વિવેચનને ગંભીરતાથી લે છે. તેઓ કૃતિને ખોલી આપે છે. પણ સંતૃપ્ત કરે તેવાં સળંગ ગ્રંથરૂપે વિવેચનો જવલ્લે જ મળે છે. જેમકે, સુંદ૨મનો ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ કે ઉમાશંકરનું ‘અખો : એક અધ્યયન.’

યજ્ઞેશ : ભોળાભાઈ, હવે તમને બહુ ગમતી વાત - બંગાળી ભાષાની. આ બંગાળી ભાષા શીખવાનો છંદ તમને કેવી રીતે લાગ્યો ? બંગાળી કૃતિઓ તે બંગાળીમાં જ વાંચવી તેવો તમારો ખ્યાલ હતો, તેવી તમારી ઇચ્છા હતી ? પરિવેશ કોઈ એવો હતો ? બંગાળી સાથેનો તમારો વરસોનો નાતો છે. લગભગ ચાલીસેક વરસનો તો નાતો હશે જ ? ભોળાભાઈ : હિન્દી સાહિત્યકાર હજારીપ્રસાદ દ્વિવેદીનું એક પુસ્તક વાંચતો હતો – ‘સાહિત્ય કા સાથી’. એમાં એમણે એક સ્થળે એક ઉદાહરણ ટાંક્યું -સમજાવવા માટે જેમાં રવીન્દ્રનાથના એક બંગાળી ગીતની પંક્તિઓ આપી હતી.

યજ્ઞેશ : યાદ છે હજી ? ભોળાભાઈ : હા, એમાં મિલનાતુર નાયિકા કહે છે કે, હું કયા બહાને ઘાટ પર જાઉં ? આમિ કોન છલે જાબો ઘાટે શાખા થરથર પાતા મરમર છાયા સુશીતલ બાટે -આમિ કોન છલે બેલા બેશિ નાઈ (સમય નથી) દિન હલો શેષ- (દિવસ પૂરો થયો) એ બેલા કેમન કાટે- આમિ કોન છલે જાબો ઘાટે આ ક્ષણો હું કેમ વિતાવું

- આ પંક્તિઓએ એકદમ વ્યાકુલ કરી દીધો, સાથે સુદૂરનું ભાન કરાવ્યું. રવીન્દ્રનાથમાં શું હોય છે ? ‘દૂરેર ડાક’ – દૂરનો સાદ અને ‘પથેર ડાક’ – જીવન પારનો પણ પુકાર હોય છે. તમે જુઓ : ‘દૂરે૨ ડાક' –‘આમિ કોન છલે જાબો ઘાટે' એ પંક્તિથી મને રોમાંચ થઈ ગયો. થયું: આ ભાષા ! આ કેવી રીતે ભણી શકાય ? રવીન્દ્રનાથને તો કિશોરાવસ્થાથી ભણતા હતા અને વંચાતા જતા હતા, પણ ગુજરાતીમાં. એટલે એમની ભાષા શીખવાનું મન થયું. થયું : બંગાળી શીખવી જ જોઈએ. કડીમાં અંબાલાલસાહેબે બંગાળી ભાષા શીખવાની બાળપોથી પણ આપી, અને એસ.એસ.સી. પછીની લાંબી રજાઓમાં કક્કો-બારાખડી શીખી ગયો અને વિદ્યાસાગરની ‘વર્ણપરિચય' વાંચી શક્યો. પણ એથી બંગાળીમાં બહુ કાંઈ ગતિ ન થઈ. પછી ભણવા-ભણાવવામાં એટલોબધો લાગી ગયો કે બંગાળી શીખવાનું છૂટી ગયું. પછી ૧૯૫૫માં પ્રવાસીબંગભાષા સંમેલન મળેલું. તે વખતે બંગાળના પ્રેમેન્દ્ર મિત્ર વગેરે અનેક સાહિત્યકારો અમદાવાદમાં આવેલા. એ વખતે બંગાળીનાં પુસ્તકોનું પ્રદર્શન પણ થયેલું. અખંડાનંદ હૉલમાં ગોઠવેલું. ત્યારે કેટલાંક શીર્ષકો વાંચી શકાયાં, જેમાં એક હતું : ‘જીવનાનંદ દાસ - બનલતા સેન.’ તમે માનશો, યજ્ઞેશ, એક રોમાંચ થઈ ગયેલો. એ પછી પણ વર્ષો વીત્યાં ઈ.સ. ૧૯૬૦માં પછી હું અધ્યાપક થયો તે પછી મારો ખરેખરો અભ્યાસ શરૂ થયો એમ ગણું છું. તે પહેલાં હું એમ.એ.ના વરસમાં હતો ત્યારે, સાહિત્ય અકાદેમીએ રવીન્દ્રનાથની ‘એકોત્તરશતી’ પ્રગટ કરેલી. મૂળ બંગાળી દેવનાગરીમાં, અને નીચે અઘરા શબ્દોના અર્થ. એ વાચન મારા માટે ‘નિર્ઝરના સ્વપ્નભંગ' જેવું હતું.

યજ્ઞેશ : ગુજરાતી ભાષાંતર ત્યારે નહોતું ? ભોળાભાઈ : ના. એ પુસ્તકમાંય પૂરું હિંદી ભાષાંતર નહીં, પણ નીચે તેના અઘરા શબ્દોના અર્થ આપેલા. તમે માનશો કે ઉન્મતની જેમ વાંચું. ‘કૉબિબર(કવિવર), કૉબિ'. એ વખતે ઉચ્ચાર ઓછા ફાવતા, પણ હૉસ્ટેલનો મારો રૂમ બંધ કરીને ફરું ને વાંચું. બેઠા રહી શકાય નહિ. એક રચનાલોક ઊઘડતો જાય. અર્થ ન સમજાય તો જરા નીચે જોઈ લઉં. રવીન્દ્રનાથનાં એકસોએક કાવ્યોનું વાચન થયું. પછી બીજા વ૨સે ‘ગીત પંચશતી' બહાર પડ્યું – પાંચસો ગીતો દેવનાગરીમાં. એ વખતે મારી ચોપડીમાં કેટલાંક ગીતોના તો અનુવાદ પણ વાચન સાથે હું કરતો. એથી મને થયું કે, ખરેખર રવીન્દ્રનાથ તો મૂળમાં વાંચવા જ જોઈએ. અભ્યાસ વધાર્યો. રવીન્દ્રનાથ સાથે વાંચ્યા જીવનાનંદ દાસ, અને ધૃષ્ટતા તો જુઓ : મેં એક લેખ ‘વનલતા સેન' વિશે કર્યો – વાંચીને કર્યો. નગીનદાસ પારેખને મેં વિનંતિ કરી કે તમે સાંભળી જાઓ. તે સાંભળી ગયા. સુધારા પણ ઘણા કર્યા. લેખ તો ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં છાપ્યો. પણ મને થયું કે, આમ અશાસ્ત્રીય પદ્ધતિથી બંગાળી ભણું છું તે ન ચાલે. શાસ્ત્રીય પદ્ધતિથી શીખવું જોઈએ. નગીનભાઈને વિનંતી કરી કે મને બંગાળી ભણાવો. તો કહે : ‘આવો.’ પછી તો અમે છ-સાત મિત્રો બંગાળી શીખવામાં જોડાયા. હું, ચંદ્રકાંત શેઠ, રઘુવીર ચૌધરી, રજનીકાંત રાવળ, અનિલા દલાલ. રીતસર વર્ગ ચાલતો હોય તેમ એ અમને શિખડાવતા ગયા. મિત્રો થોડા ખરતા ગયા. રજનીકાંત રાવળ, અનિલાબહેન અને હું રહ્યાં. અમારો અભ્યાસ ૧૯૬૪થી શરૂ થયો. મારી પાસે તારીખો છે. ૧૯૬૪થી ૧૯૭૮ સુધી નિયમિત તેમની પાસે જતાં, સપ્તાહમાં એક વાર તો ખરાં જ.

યજ્ઞેશ : ચૌદ વરસ ! ભોળાભાઈ : ચૌદ વરસ. પહેલાં તો અઠવાડિયામાં બે દિવસ. પછી અઠવાડિયામાં એક દિવસ, એમ જઈએ, એક દોઢ કલાક માટે. પણ દરમિયાનમાં જે બધું પૂછવાનું ભેગું થયું હોય તે પૂછીએ. એમણે અમને રવીન્દ્રનાથ, શરદચંદ્ર, વિભૂતિભૂષણ (પથે૨ પાંચાલી) આ બધા સર્જકો ભણાવ્યા. રવીન્દ્રનાથની તો ઘણીબધી રચનાઓ તેમની સાથે વંચાઈ. શરદચંદ્રની વંચાઈ, અમને ભાષાનો મર્મ સમજાવતા જાય. બોલચાલની અને ગ્રામભાષાનો પણ. પછી અમે અનુવાદ કરીએ. એ સારો અનુવાદ કેમ કરવો એ પણ અમને શિખડાવતા જાય. ‘આમ નહિ, આ રીતે કરવાનું’ - આ કરવાનું.’ નગીનભાઈ સાથે તો પછી એમના જીવનપર્યંતનો સંબંધ રહ્યો. પહેલી કૃતિ મેં જે અનૂદિત કરી તે આખી સાંભળી ગયા. જેમકે ‘વનલતા સેન’ - તે પછી ‘તપસ્વી ઓ તરંગિણી' આખી સાંભળી ગયા. એ રીતે અનુવાદમાં પણ અમને દીક્ષિત કર્યા.

યજ્ઞેશ : નગીનકાકા એ બંગાળીભાષાના સારા જાણકાર જ નહીં, પણ અનુવાદક પણ હતા. તો એ રીતે તમારું બંગાળી ભાષાશિક્ષણ પણ ચાલતું રહ્યું અને તમે અનુવાદમાં પણ ગયા. તો તેમની પાસેથી આ બંને શીખવાનો લાભ કેવો મળ્યો? તેમની શિખવાડવાની પદ્ધતિ કેવી હતી ? અનુવાદને જોવાની, અનુવાદના નુઆંસીઝ - સૂક્ષ્મતાઓને આંગળી મૂકી જોવાની તેમની રીત કેવી હતી ? ભોળાભાઈ : નગીનભાઈએ તો જીવન જીવવાનું પણ શિક્ષણ આપ્યું. તે વાત અત્યારે નહીં કરીએ. એમની પાસેથી જીવનનાં મૂલ્યોનું જતન કરતાં શીખ્યા. અમે પૂછીએ કે અનુવાદ વિશે તમે કાંઈક કહો. તો કહે : મારી પાસે અનુવાદનું કોઈ શાસ્ત્ર નથી, અનુવાદ કરતાં કરતાં મને જે વસ્તુ સમજાઈ એ રીતે હું અનુવાદ કરું. અનુવાદનો મારો મુખ્ય અભિગમ એ છે કે, જે ભાષામાં અનુવાદ થાય એ ભાષામાં સહજ રીતે એ કૃતિ ઊતરવી જોઈએ. મૂળભાષા પર અધિકાર હોવો જોઈએ. એ તો ખરું જ, પણ તમે જ્યારે ગુજરાતી કરો ત્યારે એ રચના ગુજરાતી લાગવી જોઈએ. એટલે બંગાળીમાંથી ગુજરાતી કરો ત્યારે ઘણા બધા તત્સમ પદાવલિના શબ્દો તમે રાખી શકો, પણ જો એ શબ્દો સહજ રીતે ગુજરાતીના સ્વાભાવિક વ્યવહારમાં નહીં હોય તો એ ગુજરાતી અનુવાદ સહજ નહીં લાગે. એ પોતે તત્સમને બદલે ચાલુ ગુજરાતી શબ્દ પસંદ કરતા એથી - ક્યારેક એમના અનુવાદમાં, એમની શૈલીમાં મને વાંધો પણ લાગે. કારણ કે, ઘણી વાર મૂળ લેખકની શૈલી તેમાં ન પણ જળવાય. મારો આગ્રહ એવો છે કે, થોડા મૂળ સંસ્કૃત તત્સમ શબ્દો રાખીને મૂળ લેખકની શૈલીનો સંસ્પર્શ આપી શકાય. પણ એ તો સહજ ગુજરાતીના આગ્રહી. અનુવાદ જ ન લાગે. આમ, એમની પાસે અનુવાદ શીખતા ગયા. તેમની પાસે જ્યારે ક્યારેક અનુવાદ વાંચીએ ત્યારે કહે - ના... ના... ના... આ શબ્દ નહીં, આમ કરો. અનુવાદ કરતી વખતે એમનો આગ્રહ એ જ રહ્યો કે, ગુજરાતી ભાષામાં એ સહજ સ્વાભાવિક લાગવો જોઈએ. અને જો મૂળ લેખકની શૈલી તત્સમપ્રધાન હોય તો આપણે તત્સમપ્રધાન રાખીએ. જો મૂળ લેખકની શૈલી બોલચાલની ભાષાની હોય તો આપણે એ રાખીએ. નગીનદાસે અમને નાટકો ભણાવ્યાં. કહે : જો નાટકો ભણો તો નાટકોમાંથી તમે બોલચાલની ભાષા શીખશો. ત્રણ-ચાર નાટકો ભણાવ્યાં. ‘જુઓ, આમાં આ થાય, આમાં એમ થાય.’ તેમ શિખવાડતા જાય. આમ એમણે પાઠ તો ઘણા ભણાવ્યા.

યજ્ઞેશ : નવાઈ. ભોળાભાઈ એમ લાગે કે તે દરમિયાન તમારું હિંદીનું અધ્યાપન અને અંગ્રેજીનું પણ અઘ્યયન ચાલતું હોય તો એ બધા માટે સમય કેવી રીતે મળતો ? ચૌદ વરસનો લાંબો ગાળો છે અને દિવસના કલાક તો ચોવીસ જ છે ? ભોળાભાઈ : સમયનું તો જાણે એમ કે ૧૯૬૦માં હું અધ્યાપક થયો, તેમ છતાં પછી પણ ભણવાનો જ ગાળો વધારે. ભણવા સિવાયનો જે સમય મળે તે વાચન-લેખન-વિવેચનમાં જાય. એમ માનો કે, એ સાધનાનો જ ગાળો હતો. સહકાર્યકરો પણ સારા મળ્યા. યુનિવર્સિટી ભાષાભવનમાં અધ્યાપક થતાં સુવિધા એ મળી કે દિવસમાં ભણાવવાનું વ્યાખ્યાન એક જ હોય. અમને અલગ રૂમ મળેલો. ભાષાભવનમાં બાર વાગ્યે તો પહોંચી જઈએ ને સાંજે પાંચ-છ વાગ્યા સુધી રોકાઈએ. એ વખતે ભાષાભવનમાં હરિવલ્લભ ભાયાણી, અંબાશંકર નાગર, છોટુભાઈ નાયક, સોલોમન બેન, રમણલાલ જોશી, તપસ્વી નાન્દી એ બધા વિદ્વાનો હોય, બધા જ કામ કરતા હોય એટલે સમયનો બરોબર ઉપયોગ થતો હતો. અધ્યયનપ્રિય મિત્રોને પણ ત્યાં બોલાવીએ. અનિલાબહેન પણ અનુવાદ કરતાં હોય, તો તે પણ ત્યાં આવે. સેમિનારોમાં જવાનું, ઉમાશંકરભાઈને મળવાનું, આ બધું પણ ગોઠવાતું. ‘સંસ્કૃતિ’ સાથે જોડાવાનું પણ ઉમાશંકરભાઈને કારણે બન્યું. ઉમાશંકરભાઈ ત્યારે યુનિવર્સિટીના કુલપતિ થયા હતા. સાંજે ‘કુલપતિભવન' પણ જઈએ. તેમની સાથે ચર્ચા કરીએ. એ દિવસોમાં હું અને રઘુવીર ચૌધરી ઉમાશંકરની કવિતાના પણ હિન્દી અનુવાદો કરતા હતા. સમયનો બરોબર ઉપયોગ કર્યો. એમ લાગે છે કે, યુવાનીમાં જ્યારે આપણી પાસે શક્તિ હતી ત્યારે બહુ સમય વેડફાયો નથી તેમ થાય છે. એનું ફળ મળે છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, ભાષા શીખવી અને પછી એને હસ્તગત કરવી એ બંને જુદી વાત છે. આપણા ઘણા ગુજરાતી વેપારીઓ અત્યારે અનેક પ્રદેશોમાં છે અને તેમને ત્યાંની ભાષા સરસ રીતે આવડે છે. એ બંગાળી હોય કે તમિળ હોય પણ આમવ્યવહારની ભાષા આવડવી અને અનુવાદ કરવો તે જુદી વાત છે - વૈશિષ્ઠ્ય માગી લે તેવું કામ છે. તો તમારો અનુવાદક તરીકેનો અનુભવ કેવો રહ્યો? અનુવાદની તમારી સમજણ વિભાવના શી ? એક બાજુની મૂળકૃતિ તમને બોલાવે છે, બીજી તરફ જે ભાષામાં અનુવાદ કરવાનો છે તેની પણ કેટલીક વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ છે. ભોળાભાઈ : પહેલું તો એ કે તમારી ભાષા માટેની ‘સેન્સિબિલિટી’ કેવી છે તે અગત્યનું છે. કોઈ પણ ભાષાની અને તમારી માતૃભાષાની તો હોવી જ જોઈએ. અનુવાદ મને લાગે છે કે માણસની એક પ્રકૃતિ હોય છે. ઘણા માણસ મૂળ કૃતિને ‘સરંડર’ - શરણાગાત કરી શકતા નથી. ઘણા અનુવાદકો એવા હોય છે જે પોતાને મૂળ લેખક કરતાં વધારે ‘ડાહ્યા’ સમજે છે અને ધે ઈમ્પ્રુવ અપોન ઈટ, અથવા તેઓ મૂળ કૃતિને નિમિત્ત બનાવીને પોતાની સર્જકતાને અવકાશ આપવા માગતા હોય છે. મારી પ્રવૃત્તિ એવી છે કે, જે અન્ય ભાષાની મૂળ કૃતિ આપણી સાથે છે તે આપણી ઉપાસ્ય છે. એને હસ્તગત કરવી, તેને પામવી અને પછી તેને આપણી ભાષામાં સહજ લાગે એ રીતે મૂકવી. આ મારો પ્રયત્ન હોય છે. અલબત્ત, એમાં કેટલીક મુશ્કેલીઓ છે, પણ એક વખતે, બે વખતે અનુવાદ કરું, મિત્રો આગળ વાંચું, ચર્ચા કરું, આમ હું કરું. ઘણી વાર મૂળ કૃતિ પર પણ આધાર રાખે છે કે અનુવાદ ફરી ફરી મઠારવો પડે. વળી, બીજી એક વસ્તુ એ છે કે ભારતીય ભાષામાંથી અનુવાદ કરવામાં બહુ સાધના નથી કરવી પડતી, જેટલી બીજી કલ્ચરની એટલે કે પરદેશી ભાષામાંથી અનુવાદ કરતાં કરવી પડે છે. એટલે ‘ટ્રાન્સલેશન એક્રોસ ધ કલ્ચર ઈઝ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક'. જ્યારે મેં અંગ્રેજીમાંથી કે યુરોપિયન ભાષાના અંગ્રેજી મારફતે અનુવાદો કર્યા હોય, ગ્રીક કવિ કેવેફીના કર્યા હોય, સેફેરિસના કર્યા હોય, જર્મન કવિ ગ્યુંટર ગ્રાસના કર્યા હોય ત્યારે હંમેશાં મુશ્કેલી થતી કે, આની નિકટ કેવી રીતે જઈ શકાય. જર્મન ભાષામાંથી અનુવાદ વખતે જર્મન જાણકારીને લીધે બાઈલિંગ્વલ - દ્વિભાષી પુસ્તકનો ઉપયોગ કરું. અંગ્રેજી અનુવાદ વાંચ્યા પછી મૂળ જર્મન સુધી જાઉં. રિલ્કેમાંથી એવી રીતે અનુવાદો કર્યા. જર્મન સિન્ટેક્સ - વાક્યાન્વય, ફ્રેઈઝ, મૂળ શબ્દ વગેરે જોઉં અને અંગ્રેજી અનુવાદ જોઉં અને તે બંનેને આધારે ગુજરાતીમાં અનુવાદ કરું. મેં નગીનભાઈને આદર્શ તરીકે રાખ્યા છે કે રચના ગુજરાતીમાં સરસ ઊતરવી જોઈએ, ગુજરાતી લાગવી જોઈએ. જીવનાનંદ દાસના અનુવાદ વખતે કસોટી થઈ. જે અછાંદસ કવિતાઓ હતી તેમાં ઓછા પ્રશ્નો થાય, પણ ‘રૂપસી બાંગ્લા’ના સૉનેટ અને બંગાળીનો એ દીર્ઘપયાર છંદ, તેને કેમ ગુજરાતીમાં લાવવો ? એ મથામણમાં ઘણીબધી એક્સરસાઈઝ કરી. મારી મર્યાદા છે કે તમારી જેમ હું કવિ નથી. ક્યારેક એમ થાય કે જો કવિતા કરતો હોત ! કવિતાના અનુવાદ માટે કવિ તો હોવું જોઈએ જે હું નથી તોપણ કવિતાના અનુવાદની દિશામાં મેં કામ કર્યું.

યજ્ઞેશ : જીવનાનંદ દાસની કવિતાનો તમે સરસ અનુવાદ કર્યો છે. અને આજે મને ગમતા મુખ્ય કવિઓમાં એક જીવનાનંદ દાસ છે તે તમારા અનુવાદને કારણે. એ દ્વિભાષી પુસ્તક થકી મૂળ બંગાળી સુધી પહોંચી શક્યો છું. મને લાગે છે કે, કવિતાના અનુવાદ માટે કવિ હોવું જરૂરી નથી. ઘણી વાર પ્રાદેશિક સંદર્ભો આવતા હોય, કહેવતો, રૂઢિપ્રયોગો આવતા હોય, કાવ્યમાં પ્રાસ-અલંકારની યોજના હોય ત્યારે વધારે મથામણ કરવી પડે એવું બને ? ભોળાભાઈ : હા, તમારી વાત સાચી છે. દા. ત., અંદર કોઈ સંદર્ભ આવે. અંગ્રેજીના અનુવાદમાં તો આખી સંસ્કૃતિ જુદી હોય. એલિયટના ‘વેસ્ટ લેન્ડ’નો અનુવાદ તમે કરતા હો તો એટલાં બધાં વૈશ્વિક કવિતાના પુરાકથાનો સંદર્ભ અંદર આવે કે, કાં તો તમારે કૃતિમાં જેમ છે તેમ મૂકી રાખવાં જોઈએ અને વાચક પાસેથી અપેક્ષા રાખવી જોઈએ, અથવા નોટ્સ મૂકવી જોઈએ. રવીન્દ્રનાથમાં એ પ્રશ્ન નથી આવતો, પણ જીવનાનંદ દાસમાં આવે છે. એ એટલા બધા ખૂંપેલા છે બંગાળની ભૂમિમાં, અવિભક્ત બંગાળનાં ફળ, ફૂલ, વનસ્પતિ, લોકકથા, વન, નદનદીઓ – એટલા બધા સંસ્કારો જીવનાનંદ દાસમાં આવે. એ મનસા, એ કંકાવતી, એ બેહુલા, કીટ, પતંગ – કેટલું બધું આવે અને ભાષાની પોતાની ખૂબી પણ આવે. દા.ત. ‘આલોર રહસ્યમયી સહોદરા૨ મતો એઈ અંધકાર' પ્રકાશની રહસ્યમય સહોદરા જેવો આ અંધકાર. આપણે તો અંધકાર પુલ્લિંગ છે, જ્યારે અહીં સ્ત્રીલિંગ છે. પ્રકાશની રહસ્યમય સહોદરા – બહેન જેવો અંધકાર. હવે બંગાળીમાં આ જે લિંગભેદ છે તે ગુજરાતીમાં કૃતક લાગે. આ રચનાનો અનુવાદ જ્યારે મેં જાદવપુર યુનિવર્સિટીના અધ્યાપકો સામે વાંચ્યો હતો ત્યારે એવો ઉપક્રમ રાખ્યો હતો કે, અધ્યાપક શિવાજી બંધોપાધ્યાય બંગાળી વાંચે અને હું ગુજરાતી અનુવાદ વાંચું. વીસ-પચીસ વિદ્વાનો – કવિ શંખ ઘોષ, અમીય દેવ જેવા બેઠેલા તેમની સામે વાંચવું એ કસોટી હતી. સહજ બંગાળીમાં પાઠ થાય ને પછી હું ગુજરાતીમાં પાઠ કરું. બધાંને એમ લાગ્યું કે, જીવનાનંદ દાસ ગુજરાતીમાં ઊતર્યા છે. પછી અમે ચર્ચા કરી કે, આલોર રહસ્યમય સહોદર જેવો અંધકાર કરો. ત્યારે આની અંદર જે મિનિંગ છે ભાઈ- બહેનનું યુગ્મ (મૂળમાં સહોદરા) એક જ સાથે પેટમાં છે એની સાથેનો ભાવ તે – અને એ – એનો અનુવાદ સહોદર કરીએ ત્યારે મૂળ કવિને જે અભિપ્રેત છે તે આવી શકતું નથી. આમ, જ્યારે આવા સંદર્ભો આવે ત્યારે તમારે સમજાવવું પડે અથવા નીચે નોંધ મૂકવી પડે. ભારતીય ભાષામાંથી અનુવાદમાં જોકે આવા પ્રશ્નો ઓછા થતા હોય છે. આપણી સાહિત્યિક-સાંસ્કૃતિક પીઠિકા સમાન છે એથી.

યજ્ઞેશ : બીજો એક પ્રશ્ન શૈલી અંગે. કૃતિએ કૃતિએ અને સર્જકે સર્જકે શૈલી જુદી હોવાની. ઘણી કૃતિની ખાસિયત કે વિશેષતા જ તેની શૈલી. જે રીતે વાત કહેવાયેલી તે છે. તો અનુવાદ તરીકે એ બધું કેવી રીતે ઉતારી શકાય અથવા તો કેટલી હદ સુધી ઉતારી શકાય ? ભોળાભાઈ : યજ્ઞેશભાઈ, તમે તો બાસો જેવા અઘરા જાપાની હાઈકુ કવિઓના અનુવાદ કર્યા છે. તમે જાણો છો કે અનુવાદકની મુખ્ય વાત છે મૂળ લેખકને પામી જવું અને મૂળ લેખકની જે સર્જન કૃતિ છે તેનો સ્વભાવ, તેનું લક્ષણ પારખવું અને પછી અનુવાદની રણનીતિ - સ્ટ્રેટજી નક્કી કરવી પડે કે, તમારે એકદમ તત્સમપ્રધાન ભાષા કે પદાવિલ વાપરવી છે કે, સહજ સરળ. વિષ્ણુ દે જેવા કે સુધીન્દ્રનાથ દત્ત જેવા કવિઓ હોય ત્યારે તમારે જુદો દૃષ્ટિકોણ લેવો પડે - જે તેમને અભિપ્રેત છે. બીજી બાજુ જીવનાનંદ દાસ જેવા સહજ ભાષાનું એક જાદુઈ રૂપ લઈને આવતા હોય ત્યારે વિચાર કરવો પડે કે, આને અનુવાદમાં કેવી રીતે મૂકવું ? એટલે કૃતિએ કૃતિએ અને હું તો કહું છું કે એક જ લેખકની બીજી કૃતિના સંદર્ભમાં તમારે પહેલાં નક્કી કરવું પડે કે મારે શું કરવું છે. પહેલો રફ ડ્રાફટ તો એમને એમ જ આવે. મૂકતા જઈને કરતા જઈએ. ક્યારેક કોઈ શબ્દ ટ્રાન્સલેશનમાં ન આવે તો મૂળ મૂકીને પણ ચાલે. પણ પછી તમારે વિષ્ણુ દેની બાની- ડિક્શન, બુદ્ધદેવ બસુની બાની અને જીવનાનંદ દાસની બાની અનુવાદમાં ઉતારવી હોય તો યુ હેવ ટુ વેઈટ કે, મારે શું કરવાનું છે. કમલકુમાર મજમુદારની ‘અંતર્જલી યાત્રા'ના અનુવાદ, તમે માનશો કે પાંચ-છ વાર મેં એના અનુવાદ શરૂ કરીને છોડી દીધા છે, કારણ કે, તેમની ગુરુ ચાંડાલી શૈલી. એક તરફ બોલચાલની ચંડાલની ભાષા અને બીજી તરફ સંસ્કૃતથી પણ ચડી જાય તેવી તત્સમ પદાવલિના ઉપયોગથી જે શૈલી ઊભી કરે છે તે.

યજ્ઞેશ : ગુરુચાંડાલયોગ ? ભોળાભાઈ : હા, એ હું અનુવાદમાં લાવી શકતો નથી. મારું એક સ્વપ્ન છે કે, કોઈ વાર આઈ વિશ ટ્રાન્સલેટ ધીસ. એટલે નક્કી કરેલી કૃતિ અને તેની શૈલી પ્રમાણેનો અનુવાદ એ એક સાધનાની વસ્તુ છે.

યજ્ઞેશ : આપે વાત કરી એવી કૃતિની કે જે હજી આપને મૂંઝવે છે, પણ કોઈ એવી કૃતિ ખરી કે જેણે આપને મૂંઝવ્યા હોય, ખાસ્સા મૂંઝવ્યા હોય છતાં તેનો અનુવાદ તમે સફળતાથી કર્યો હોય, કૃતિનો તમે રીતસર સામનો કર્યો હોય ? ભોળાભાઈ : એવી કૃતિ આમ તરત તો યાદ નથી આવતી, પણ જીવનાનંદ દાસની ‘રૂપસી બાંગ્લા’નાં સૉનેટ છે તે મારા માટે ચેલેંજરૂપ હતાં. એક તો તેને અનુવાદમાં ઉતારવાં અને તે પાછાં છંદમાં. પણ મને એ અનુવાદમાં હજી અસંતોષ રહ્યો છે કે ‘રૂપસી બાંગ્લા’ને હું સારી રીતે ન્યાય આપી શક્યો નથી. હવે વારેવારે એ કૃતિમાં જવાનું બનતું નથી, પણ એમાં વારેવારે જવાનું બને તો કદાચ સંતોષકારક અનુવાદ થાય. પણ હા, જ્યારે ઉમાશંકરની કૃતિના હું અને રઘુવીર હિંદીમાં અનુવાદ કરતા હતા - આ અનુવાદની એક રીવર્સ પ્રક્રિયા છે - ત્યારે મારા મનમાં એક સિદ્ધાંત નક્કી થયો કે બીજા બધા અનુવાદો તો બરાબર, પણ કવિતાના અનુવાદો તો જેની પોતાની માતૃભાષા હોય તે પોતાની લક્ષ્યભાષા છે તેમાં અનુવાદ કરે. હિંદીનો હું અધ્યાપક ખરો, મારી હિંદી શુદ્ધ પણ હોઈ શકે, પણ મારી હિંદી કવિતા લખવા માટેની હિંદી નથી. એટલે ‘નિશીથ’નો જે અનુવાદ મેં અને રઘુવીરે કર્યો છે તે કદાચ અમે ઉમાશંકર સાથે અન્યાય કર્યો છે. અમારે કોઈ હિંદી કવિ જોડે બેસવું જોઈતું હતું. એ રીતે તેને તળહિંદીમાં મૂકવાની જરૂર છે. એટલા માટે ફરીથી ઉમાશંકરના અનુવાદની જરૂર છે જે સીધો હિંદીમાં હોય. એટલે પછીથી ઉમાશંકરની ‘સપ્તપદી'ના અનુવાદો કર્યા ત્યારે, જેની માતૃભાષા હિંદી છે તેવી મારી વિદ્યાર્થિની મૃદુલા સાથે બેસીને અનુવાદો કર્યા. એટલે ટ્રાન્સલેશન ઈન કોલોબરેશન. ઉમાશંકરના અનુવાદોમાં અમે એટલા સફળ થયા નથી. તેમની સાથે બેસીને અનુવાદો કરેલા છે, છતાં એ તો હજુ મનમાં છે કે, એમને સારી રીતે હિંદીમાં મૂકવા જોઈએ.

યજ્ઞેશ : તમે વિવેચક છો, અનુવાદક છો, પણ વાચકોના મનમાં તમારી કાયમી છબી રહેશે તે એક સમર્થ નિબંધકાર તરીકેની. નિબંધ, આમ તો તમે પ્રમાણમાં મોટી ઉંમર કહેવાય ત્યારે લખવાનું શરૂ કર્યું, ત્યારે તમારી ઉંમર ૩૮ વર્ષ હશે. ૧૯૭૮માં ‘સાહિત્ય'માં તે પ્રગટ થયા ને બે વરસ પછી તે પુસ્તકરૂપે આવ્યા. ચોવીસેક વરસનો તમારો સર્જનાત્મક પટ છે. આરંભ ભગતસાહેબે કરાવ્યો એમ કહી શકાય. ભગતસાહેબે ‘સાહિત્ય'ના આઠેઆઠ અંકો માટે તમારી પાસે લખાવ્યું. તમે સર્જનાત્મક નિબંધ લખી શકો તેવી ભગતસાહેબને શ્રદ્ધા હતી તેવી તમને તમારામાં હતી ? તમે પણ બ્રેખ્ટની કવિતાની વાત કરી હતી ને ? લાઓત્સેએ ‘તાઓ તે ચિંગ' લખ્યું તેમાં નિમિત્ત બન્યો સીમા પર રહેલો કર ઉઘરાવનાર, કે જેણે લાઓત્સેને એમને એમ જવા ન દીધા. તેમની પાસે લખાવ્યું. ભોળાભાઈ : ભગતસાહેબે ‘સાહિત્ય’ ત્રૈમાસિક શરૂ કર્યું ત્યારે બધા મિત્રોને સાથે રાખીને કર્યું. ભગતસાહેબનો આગ્રહ કે એ ત્રૈમાસિક સર્જનાત્મક સાહિત્યનું હોવું જોઈએ. અમે બધા જોડાયા હતા. ચંદ્રકાન્ત શેઠ હતા. ભગતસાહેબ મને કહે : તમે એક કૃતિ આપો. નિબંધ આપો. મેં કહ્યું: મેં તો વિવેચન લખ્યું છે. તો મને કહે : ના તમે સાહિત્યિક નિબંધ આપો. મેં કહ્યું : ઓ.કે. એ રીતે ‘વિદિશા', ‘ખજૂરાહો’, ‘રામેશ્વરમ્’ લખાયા. સાહિત્યિક નિબંધની મૂંઝવણ હતી. વિદિશાની મેં યાત્રા કરી હતી. વિદિશાનો કાલિદાસ મેઘદૂતનો સંદર્ભ હતો. એ વેત્રવતી નદી, એ શિલ્પો, એ સમય અને ફરીને આજની બેતવા અને વિદિશા. એ બંનેને જોડીને મેં લખ્યું, પહેલો ડ્રાફટ લખીને બતાવ્યો, ત્યારે મને ખબર ન હતી કે તેમને જે જોઈએ છે તે આ જ છે કે બીજું ? એમને શું અભિપ્રેત છે ? ભગતસાહેબે કહ્યું : ‘બસ આ જ, આ જ, મારે જોઈએ છે.’ હવેના દરેક અંકમાં આવો નિબંધ આપો. પહેલા નિબંધનો ડ્રાફ્ટ ફૅર કરીને તેમને આપ્યો. ભગતસાહેબ કહે : ‘હવે ‘સાહિત્ય’ના દરેક અંકમાં આવા નિબંધો આપો.' આમ, વિશિષ્ટ પ્રકારે પ્રવાસની વાત આવે એવા નિબંધો લખાયા. ભારતભ્રમણ તો કરેલું જ હતું. થયું કે, હવેના નિબંધમાં ભુવનેશ્વરની વાત લખું કે જેમાં ઓડિશાની સંસ્કૃતિ આવે, તેનાં મંદિરો પણ આવે, સાહિત્ય પણ આવે. જયંત કોઠારીને ‘વિદિશા’ કરતાં ‘ભુવનેશ્વર’ વધારે ગમેલું. તેમાં જે (‘વિદિશા' નિબંધમાં પ્રાચીન સંસ્કૃતિના, સંસ્કૃતના સંદર્ભો વધારે છે, જાણે મેં દેખાડવા માટે લખ્યું છે. મારે ‘દેખાડવાનું’ કશું નહોતું) આવ્યું તે મારી ચેતનાના ભાગરૂપે આવ્યું. આ ‘ભુવનેશ્વર’ લખાયું, કે જેમાં ઓડિશાની સંસ્કૃતિ, મંદિરો, સાહિત્યની સાથે મારા અનુભવો હતા. એ પ્રવાસોમાં હું જ હતો. સ્થળ તો નિમિત્ત હતું. એ પછી ‘માંડુ’ આવ્યું. માંડુ તો સ્થળ જ એવું. એની કથા, એ રાણી રૂપમતી ને બાજ બહાદુર. એ નિબંધમાં મારું ‘‘ડિક્શન’ પણ બદલાયું. આમ લેખનમાં મને બળ મળ્યું. થયું કે, મારે મારી શૈલી, વિકસાવવી – ઈવોલ્વ કરવી જોઈએ. મારે કોઈ ટ્રાવેલોગ લખવો નહોતો કે, અહીં ગયા, પછી ત્યાં ગયા - ના એમ નહીં. એ સ્થળ અંદરથી ઊગવું જોઈએ. રાણી રૂપમતી વિશે વાંચેલું હોય, એની કવિતા વાંચેલી હોય અને એ ખંડેરનો એક અંદરનો અનુભવ હોય, જેવો નોબેલવિજેતા ગ્રીક કવિ સેફેરિસની કવિતામાં આવ્યો છે – આમ એ નિબંધો લખાયા. ભગતસાહેબે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે એમને મારામાં કદાચ શ્રદ્ધા હતી, પણ મને મારામાં એટલી શ્રદ્ધા ન હતી કે મારો નિબંધ સારો થશે જ. પછી તો તેમણે કહ્યું કે, આવા બીજા નિબંધો આપો અને ‘સાહિત્ય’ ચાલે ત્યાં સુધી આપો. આમ ‘સાહિત્ય’ ચાલ્યું ત્યાં સુધી આઠ નિબંધો તેમણે લખાવ્યા. પરિણામ ‘વિદિશા’ પુસ્તક. એ નિબંધો ખરેખર તેમણે લખાવ્યા. એમણે આમંત્રણ ન આપ્યું હોત, તો આજે મને લાગે છે કે તે કદી ન લખાયા હોત. ‘વિદિશા’ના નિબંધો લખતો હતો ત્યારે નિબંધોની બીજી પદ્ધતિઓ પણ સામે આવી. શાંતિનિકેતનના નિવાસના અનુભવો, બુદ્ધદેવ બસુ, રવીન્દ્રનાથ વિશે નિબંધો લખાયા. એ પછી સંદેશ દૈનિકમાંથી આમંત્રણ આવ્યું અને અનિવાર્યપણે નિબંધો લખવાનું થયું, આમ નિબંધો લખવાની યાત્રા ચાલી (હાસ્ય).

યજ્ઞેશ : તમે બરાબર વાત કરી. ‘વિદિશા’ પુસ્તક તમારાં પુસ્તકોની સૂચિમાં ટ્રાવેલોગ કે પ્રવાસ-નિબંધમાં નથી, પણ એ લલિત નિબંધોમાં છે. એ રીતે એ એક વિશિષ્ટ નિબંધસંગ્રહ છે. લલિત નિબંધકાર પાસે જે અપેક્ષા છે તે સંવેદન-પટુતા, રસિકતા અને બહુદેશીય સંપ્રજ્ઞતા, તમારા નિબંધોમાં અમને આ બધું જોવા મળે છે, તમને શું લાગે છે ? ભોળાભાઈ : તમે આ બધા ગુણો મારા નિબંધોમાં છે તેમ કહેતા હો તે સારી વાત છે, પ્રસન્ન થવાય તેવી વાત છે. પણ હા, ભગતસાહેબે પણ એ નોંધ્યું છે. જુદાજુદા નિબંધોમાં રસિકતા કેવી રીતે આવે છે અને તેમાં વિદગ્ધતા અને અનેક સંદર્ભો સંકળાયેલા હોય. એક બૌદ્ધિક ધરાતલ પરથી વાત થતી હોય અને જેમાં એક સંવેદનશીલતા હોય. પણ અંતે તો આ બધું એકરૂપ થઈ કૃતિ તો બનવી જ જોઈએ. અંગ્રેજીના જે નિબંધો ‘પર્સનલ એસે’ છે, જેમાં સહજ વ્યંગ-વિનોદ, હાસ્યનો પુટ આપીને લખાયા હોય તેવા મારા નિબંધો નથી, જુદા છે. હું આજે મારા નિબંધોનું વિશ્લેષણ કરું છું કે આમાં શું છે ? જોવાનો આનંદ છે, ઉલ્લાસ છે તે સાથે વિષાદ પણ છે. તે આ નિબંધોની અંદર ઊતરી આવ્યા છે, એના કારણે એ લલિત નિબંધોમાં સર્જનાત્મકતા છે. નિર્મલ વર્માએ કહ્યું છે કે, નિબંધ બહુ ડેમોક્રેટિક ફોર્મ છે. તેમાં બધું આવે. ચિંતન આવે, લાલિત્ય પણ આવે, પર્સનલ વાતો પણ આવે. પ્રસંગો આવે અને એક લુઝનેસ – શિથિલતા પણ આવે. કારણ કે, આ સ્વરૂપ એવું છે કે, ક્યારેક તમે વિસ્તારીને વાત કરી શકો, ક્યારેક ટૂંકાવીને વાત કરી શકો, ક્યારેક તમે વિષયાંતર પણ કરી શકો. પણ તમે ક્યાંથી સ્ટાર્ટ થયા છો અને તમારું લક્ષ્ય શું છે તે મનમાં હોવું જોઈએ. દરમિયાનમાં તમે ફ્લર્ટિંગ કરી શકો, વચ્ચે તમે આ બધું કરી શકો. મારા ઘણાબધા નિબંધોમાં આ વસ્તુ થયેલી છે. પણ જે ભ્રમણવૃત્ત છે તેમાં એકજાતની ક્લેરિટી, કન્ટીન્યુટી છે. એક સૂત્ર છે. દાખલા તરીકે, તમે અહીંયાં ગયા, ત્યાં ગયા. એક ચોક્કસ સમયખંડમાં, એક ચોક્કસ ભૂમિખંડની વાત છે. એમાં થોડી વર્ણનાત્મકતા, નેરેટિવ પેટર્ન હોઈ શકે, ઇટ ઇઝ નોટ પ્યોર લિટરરી ફોર્મ. જેમ નેરેટિવ પોયેમ લખતા હો તો તેમાં ગદ્ય પણ આવે. જેમ એપિક લખતા હો તો તેમાં બધે બધી લિરિકલ મોમેન્ટ્સ ન આવે, તેમાં ગદ્ય પણ આવે, નેરેશન પણ આવે ને સીધુંસાદું વર્ણન પણ આવે. ટ્રાવેલોગમાં આ બધી સંભાવનાઓ છે. તેમાં સીધાસાદા ફકરાઓ પણ આવે. પણ તમે સર્જનાત્મક નિબંધ લખતા હો, પ્રવાસનિબંધ કરતા હો, તો તેમાં તે અવકાશ નથી. દાખલા તરીકે, તમે મારા ‘કાંચનજંઘા' નિબંધની વાત કરો, તો તે દાર્જિલિંગ પાસેનો એક પહાડ છે તે વાત તો બરોબર છે, પણ નિબંધમાં તો તે પહાડ આખો ટ્રાન્સેન્ડ થઈ ગયો છે. એ પહાડ જોવો છે ને જોવાતો નથી.

યજ્ઞેશ : ટાયગર હિલ પરથી. ભોળાભાઈ : એ પહાડ જોવાની ઝંખના - કશીક પુરાણી ઝંખના... જે જોવાય ન જોવાય ને વિલુપ્ત થઈ જાય તેની વાત છે. એમ એ અસમ-બ્રહ્મપુત્રનો માઝુલી ટાપુ. તેમાં રહેતી વ્યક્તિઓ. એ પરિવેશ આપણા મનને જે રીતે પ્લાવિત કરે તે નિબંધમાં ઊતરી આવે.

યજ્ઞેશ : ભોળાભાઈ, આમ તો, તમે સર્જનાત્મક લેખન ચાલીસ વરસની આસપાસ શરૂ કર્યું. એને બદલે એ પચીસ વરસની ઉંમરે શરૂ કર્યું હોત તો ? ચાલીસ વરસે એક મેચ્યોર પ્રિપેર્ડ માઇન્ડ, તમારું વાચન, તમારી પરિષ્કૃત, પરિપ્લાવિત ચેતના, પક્વતા એ બધાંનો તમારા લેખનને લાભ થયો. ધારો કે, તમે પચીસ વર્ષની ઉંમરે નિબંધલેખન શરૂ કર્યું હોત તો આ લાભ મળ્યો હોત ? આ એક સવાલ છે. તમને શું લાગે છે? ભોળાભાઈ : આખી વસ્તુ જ આશ્ચર્યજનક છે. હું કહું છું ને કે મારો રસ સાહિત્યનો - વાચન, અધ્યાપન પછી વિવેચન ને પછી અનુવાદ. આઈ વોઝ વેરી હેપી. મને એમાં આનંદ હતો. મને એમ ન હતું કે, હું કદી કવિતાઓ લખીશ. વાર્તાઓ લખેલી. કદી મનમાં હતું નહીં કે, હું ક્રિયેટિવ રાઇટર થઈશ. હજી મારી જાતને હું સર્જક કહેતાં સંકોચ પામું છું. હું જાણું છું કે, કેટલી અઘરી વસ્તુ છે ક્રિયેટિવ રાઇટિંગ.

યજ્ઞેશ :' આટલાબધા નિબંધસંગ્રહો આપ્યા પછી એવું થાય તે તમારી વધારે પડતી મોડેસ્ટી નમ્રતા કહેવાય. ભોળાભાઈ :' (હસતાં) બરોબર છે, પણ હું મારું વિશ્લેષણ કરું છું કે એક ઊર્મિકવિતા લખાય એ જુદી વાત છે ને એક વાર્તા લખાય એ જુદી વાત છે અને એક નિબંધ કે ભ્રમણવૃત્ત જુદી વાત.

યજ્ઞેશ : એમાં ભોળાભાઈ, મને એવું લાગે છે : આઈ વુડ લાઈક ટુ ડિફર, જે સ્વરૂપમાં તમે કામ નથી કરતા તે સ્વરૂપ તમને વધારે ચેલેજિંગ લાગે. અંગત વાત કરું, તો ગદ્યલેખકો છે - ખાસ કરીને કથાસાહિત્ય લખનારા તે મારા માટે ઇંદ્રાસન અધિકારી છે, કારણ, તે મને એટલું અઘરું લાગે છે. નવલકથા લેખકોને કવિતા માટે એવો જ ભાવ થઈ શકે. પણ દરેક સર્જનાત્મક લેખન એટલું જ અઘરું છે - જે તમે સિદ્ધ કર્યું છે. માટે આટલી મોડેસ્ટી રાખવાનું કારણ નથી. ભોળાભાઈ : સુરેશ જોષી પછી નિબંધમાં એમની પરિપાટીમાં જે લેખકો ગયા છે તે બહુ જચતું નથી. તે લોકો સુરેશ જોષી સુધી પહોંચતા નથી અને આભાસી લાગે છે. એટલે સુરેશ જોષીની શૈલીમાં જે લખતા હોય છે તે મને કન્ટ્રાઈવ્ડ લાગે છે. મારા નિબંધો સહજ છે. તમે કહો છો તેમ, મોટી ઉંમરે લખવાનું શરૂ કર્યું તેનો લાભ મળ્યો હોય તેવું બને. આમ, એક સંયમ આવ્યો હોય તેવુંય બને. બીજું શું છે કે, હું ટ્રાવેલોગ લખતો હોઉં, લલિત નિબંધ લખતો હોઉં કે નિબંધ લખતો હોઉં – એવી સભાનતા અવશ્ય રાખું કે કોઈ ફોલ્સ નોટ - જૂઠી સંવેદના - અંદર શૈલીસુખના વેગમાં ન જાય, એવી કશી જ વસ્તુ ન આવવી જોઈએ જેની મને અનુભૂતિ ન થઈ હોય. મારા વાચકને બતાવવા, કહેવા માટે નથી. લખ્યું કે, જુઓ, આ સુંદર મેં જોયું અને તમે રહી ગયા. મારાં ભ્રમણવૃત્તોમાં તેવો ભાવ નથી, તેવી ગ્રંથિ નથી. મારો વાચક જાણે મારો સહયાત્રી છે. આપણે કોઈની સાથે હોઈએ ને કશુંક અદ્ભુત જોઈએ ને કહીએ કે, ‘જો આ જો'. એમ આ ‘જો’ ‘જો’વાળી વાત છે. એટલે કે વાચકને સાથે રાખવાની વાત છે. મારા ઘણા વાચકો કહે છે કે, અમારે તમારી સાથે પ્રવાસ ક૨વો છે. તમારી નજરે જોવું છે. ઘણા વાચકો એવા છે જે વિદિશા ગયા હતા ને બેતવામાં પગ બોળી, ત્યાં બેસી મારા નિબંધો વાંચ્યા હતા. ખજૂરાહો ગયા હોય તો ‘ખજૂરાહો’ પરના નિબંધ સાથે લઈ ગયા હોય. જામનગરના ફોટોગ્રાફર મિત્ર શરદભાઈ વ્યાસે, હું જે જે મંદિરે ગયો હતો તે રીતે ખજૂરાહોની યાત્રા કરી. નવલભાઈ શાહ ને વિનોદભાઈએ ‘વિદિશા' વેત્રવતીમાં પગ બોળીને વાંચી. આમ વાચકોને ફીલ કરાવવું – તમે જ અનુભવ્યું છે તે ફીલ કરાવવું – અને વચ્ચે વચ્ચે યોગ્ય સંદર્ભો ગૂંથતા જવું. મેં વિશેષણો ટાળ્યાં છે. તમે જે કહેવા ધારો છો તે વર્ણનમાં રજૂ કરી શકો. અને મારા નિબંધોમાં સંદર્ભો ગૂંથાયા, એટલે તમે કહો છો તેમ, મારી સજ્જતાનો લાભ ‘વિદિશા'ના નિબંધોને વધુ મળ્યો. એ જે તે સ્થળે ચેતનામાં ઉદ્બુદ્ધ સંવેદન છે એ સહજ રીતે ત્યાં આવે છે.

યજ્ઞેશ : તમારા મતે નિબંધમાં વસ્તુનું, એ વસ્તુ સર્જકનો સ્પર્શ-રૂપાંતર પામે તેનું અને શૈલીનું મહત્ત્વ કેટલું ? ભોળાભાઈ : આ પાયાનો પ્રશ્ન છે સર્જનાત્મક ગદ્યનો. એ સ્વરૂપે સ્વરૂપે બદલાય. આપણે નિબંધ - પ્રવાસનિબંધની વાત કરીએ, તો એનું વસ્તુ એટલે તે પ્લેઈસ - સ્થળ. ઉમાશંકરભાઈ કહે છે : એક વ્યક્તિચેતનાએ એક સ્થળકાળનો કેવો અનુભવ કર્યો તેની વાત આવવી જોઈએ. સ્થળ છે તો સાથેસાથે કાળ પણ છે. આજે હું માંડુ – માંડવગઢ જાઉં અને નિબંધ લખું, તો તે બીજો નિબંધ હોય. કારણ કે હું બદલાઈ ગયો છું અને એ કાળ બદલાઈ ગયો છે. એટલે સ્થળ તો છે જ, વિષય તો છે જ. તેનું નિગરણ લિરિકમાં શક્ય બને. આ પ્રકારના વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં શક્ય બને. પણ નિબંધ વસ્તુપ્રધાન ન થઈ જવો જોઈએ. કારણ કે, વસ્તુ દ્વારા તમારી ચેતનાને એ પ્રગટ કરે છે એટલે વસ્તુ રહે છે, સાથોસાથ તમારી પુનઃસ્પંદિત – પરિવર્તિત ચેતના પ્રગટ થાય છે. એટલે વાચક હિમાલયનું વર્ણન માત્ર નથી વાંચતો. કદાચ તેને માત્ર વર્ણનમાં રસ નથી. વર્ણન તો તેમને બીજાં પુસ્તકોમાંથી કે ફોટોગ્રાફ્સમાંથી પણ મળી જશે, પણ વાચકને તમે કઈ નજરે તેને જોયો, અનુભવ્યો તેમાંય રસ છે. ટ્રાવેલોગ એ ઓટોબાયોગ્રાફિકલ રાઇટિંગ છે, જેમ ઓટોબાયોગ્રાફી છે, ડાયરી છે, મેમોઇર્સ છે. આજે વાચકોને ફિક્શન કરતાંય તેમાં રસ વધારે પડે છે. લોકો જાણવા માગે છે કે, વૉટ ડુ યુ સે, વૉટ ડુ યુ ફીલ? આમ વ્યક્તિ સાથેના અનુસંધાનની નવી દિશા ખૂલતી જાય છે. આજે તમે જુઓ કે આત્મકથા, મેમોઇર્સમાં લોકોને રસ પડવા લાગ્યો છે. એવું નથી કે માત્ર મોટા માણસોની આત્મકથામાં જ રસ પડતો હોય, પણ અનેક ક્ષેત્રના લોકોની કે સામાન્ય માણસની આત્મકથામાં પણ રસ પડે છે. આપણને જાણવાની ઇચ્છા થાય કે આ વ્યક્તિ કઈ રીતે વિચારે છે, એની ચેતના કઈ રીતે કામ કરે છે. આમ આવા પ્રવાસનિબંધોમાં વ્યક્તિચેતના સાથે સંકળાવાની વાત છે. એમાં વસ્તુ તો છે જ, પણ તેને જો વ્યક્તિચેતનાનો સ્પર્શ ન મળતો હોય તો તે નિરર્થક છે, વર્ણન માત્ર છે, ભૂગોળ માત્ર છે કે, અહીં આ જોવાલાયક છે, અહીં આ મંદિર છે. એટલે વસ્તુ તો છે જે ગૌણ બનતી જવી જોઈએ, અને મૂર્ત રહીને પણ થોડી અમૂર્ત થતી જવી જોઈએ, વ્યક્તિચેતના સાથે ભળી જવી જોઈએ. અને હા, તમે જે પૂછ્યું શૈલી વિશે, તે તો મહત્ત્વની વસ્તુ છે જ. મેં જોયું છે કે, ઘણા માણસોમાં બધું જ હોય, પણ કહેવાની રીત ન હોય. સારો નિબંધકાર તેની શૈલીથી તમને ખેંચી લે એટલે એ મહત્ત્વનું છે. દિગીશ મહેતા અમુક રીતે લખતા, સુરેશ જોષી અમુક રીતે લખતા, બુદ્ધદેવ બસુ જુદી રીતે લખે. દરેકના નિબંધોમાં વિશિષ્ટતા. બુદ્ધદેવ બસુના નિબંધોમાં પ્રિસીસન અને સેન્સિબિલિટીનો અદ્ભુત સમન્વય છે. એ કવિ છે ને ! આમ લેખનશૈલી મહત્ત્વની છે. તેના દ્વારા તમે વાચકોને તમારા ભાવજગતમાં ખેંચી જાઓ છો. એટલા માટે વારેવારે લખવું – સુધારવું પડે. ઘણી વાર એક પેરેગ્રાફ પાંચસાત વાર લખ્યો હોય, છતાં એમ લાગે કે, ના, આ કૃત્રિમ બની જાય છે, મારે જે કહેવું છે તે સારી રીતે કહી શકાયું નથી. આમ શૈલીનું મહત્ત્વ તો છે જ.

યજ્ઞેશ : ભોળાભાઈ, પ્રવાસનિબંધમાં બહિરંગ એ સર્જકના અંતરંગ ઝિલાય. ફોટોગ્રાફીની ભાષામાં વાત કરીએ તો, સંવેદનના સર્જનશક્તિના દ્રાવણમાં એ પ્રોસેસ થાય અને પછી પ્રવાસનિબંધની છબી બહાર આવે. તેને સર્જકશક્તિનો પુટ પણ મળેલો હોય. એથી જ કાકાસાહેબ, સ્વામી આનંદ અને ભોળાભાઈ એ ત્રણેનો હિમાલય એક જ હોવા છતાં જુદો હોવાનો. આપે વાત કરી કે, સર્જનમાં વસ્તુનું રૂપાંતર થતું હોય છે. મૂર્તનું અમૂર્તમાં રૂપાંતર થતું હોય છે. છતાં મૂર્ત રહે છે. ભ્રમણનો શોખ તમને ઘણો છે. ઘણું ઘણું ફર્યા છો. હસતાં હસતાં તમે કહો છો પણ ખરા કે, તમારા પગની નીચે ચક્ર હશે. તો આ ફરવાનો શોખ, એ સ્થાયીભાવ પહેલેથી હતો ? નિમત્તો મળ્યાં કે કેળવ્યાં ? ભોળાભાઈ : આ ભ્રમણવૃત્તિ, જેને ‘વોન્ડર લસ્ટ' કહે છે. લસ્ટ શબ્દ જ બરોબર છે. એટલે કે બહાર નીકળી જવું, જોવું એ મનમાં ૨હે. ખાસ કરીને, તમે માનશો, મને ખંડેર, પ્રાચીનનગર અને પ્રકૃતિ જોવાની સતત ઇચ્છા. નગરો - મૉડર્નનગરો જોવામાં મને બીજાની જેમ ૨સ ન પણ પડે. પણ પહાડ પરથી ઝરણું પડતું હોય કે સાગરિકનારો હોય - કન્યાકુમારી જેવો, આ બધી વસ્તુ મને ઉન્મત્ત બનાવી દે. આઈ ડુ નોટ રિમેઈન ઈન માય સેન્સીઝ - બધું ભૂલી જાઉં. આને સૌંદર્યચેતના કહો કે વિરાટચેતના સાથે અનુસંધાન કહો તે મારી અંદર પડેલી છે. બહાર નીકળીએ અને ઝરણું આવે એટલે લોસ્ટ, કે સામે પહાડ આવ્યો હોય તો ગયા. આ વોન્ડર લસ્ટ મારામાં રહેલી છે અને પોસાતી રહી છે. જુદીજુદી રીતે પ્રવાસો કર્યા છે. ક્યારેક નિમિત્ત હતું ને કર્યા છે, ક્યારેક પોતે ગોઠવીને કર્યા છે. નર્મદાની પરિક્રમાની મેં અને રમેશભાઈ દવેએ કેટલી વાર યોજના બનાવી હશે કે આ દિવસે અહીં, આ દિવસે ત્યાં, પણ એ સફળ નથી થતી. હવે તો લાંબું ચાલવામાં થોડી મુશ્કેલી છે. હિમાલયમાં ટ્રેકિંગ પણ કર્યું. યુરોપ અમેરિકા જવાનુંય થયું. આમ, ચિત્ત વૃત્તિ ખરી કે તક મળતાં બહાર નીકળી જવું. છતાં, ઘર તો બોલાવતું હોય. કારણ કે આમ તો આપણે ગૃહ-સ્થ છીએ. એવું પણ નથી કે નીકળ્યા એટલે નીકળી પડ્યા.

યજ્ઞેશ : પૂર્વોત્તરની યાત્રા વિશે ? ભોળાભાઈ : પૂર્વોત્તર – અસમ નાગાલેન્ડના વિસ્તારોમાં જવાનું મનમાં વરસોથી મન હતું. નિમિત્ત મળ્યું ને જવાયું. ઉમાશંકરભાઈએ અસમ - તે પછી નાગાલેન્ડ ને પછી મણિપુર... ત્યાં કોને મળવું તે નક્કી કરી આપ્યું. આ પ્રદેશ વિશે મનમાં આકર્ષણ તો હતું જ. સાત પ્રદેશ, સાત ભણીનો – બહેનોનો દેશ, તેનું કલ્ચર, તેનું સાહિત્ય, ત્યાંના લોકો, તેમના ચહેરાઓ એ બધું હું ‘પૂર્વોત્તર’ની અંદર લાવી શક્યો. કહો કે એ આવ્યું. ઉમાશંકરભાઈએ પ્રવાસે નીકળતાં મને ડાયરી આપી. મને કહે : રોજની વાત રોજ લખ્યા વગર સૂવાનું નહીં. આ રીતે એ ભ્રમણવૃત્ત લખાયું. એ ભ્રમણવૃત્તિ મને યુરોપ સુધી લઈ ગઈ. યુરોપ જવાનું તો વરસોથી મનમાં હતું જ. મને કોઈ સરકારી પ્રતિનિધિમંડળ કે ડેલીગેશનમાં જવાની તક ન મળી. એટલે આપણા સામાન્ય બજેટમાંથી પૈસા બચાવીને અનિલાબહેન ને અમે ત્રણેક મિત્રોએ યોજના કરી, અતિમહેનતપૂર્વક પ્લાન કર્યો કે યુરોપમાં ક્યાં ક્યાં જવું ને શું શું જોવું, ક્યાં ઊતરવું, ક્યાં સસ્તી હોટલો અને પેન્સિઓને છે – બધી જ વિગતો. અમે યુરોપમાં પાંત્રીસ દિવસ ફર્યાં, જાતે જ બધું આયોજન કર્યું. એ અનુભવ વિરલ રહ્યો. જર્મન શીખતો ત્યારથી જર્મની જવાની જે ઇચ્છા હતી તે પણ પૂરી થઈ. કેટલીક તો પાગલ કરી મૂકે તેવી અનુભૂતિઓ થઈ. એ જ રીતે અમેરિકાની યાત્રા કરી. અમેરિકામાં સ્વજનો – મિત્રો હોવાને લીધે સુવિધા રહી. અમેરિકામાં પણ નગરો ન જોયાં પણ નાયગ્રા ફોલ્સ, અમેરિકાનાં મેદાનો, જંગલો, દરિયાકિનારા - આમ અમેરિકાને તેની વાઇલ્ડરનેસમાં વધારે જોયું.

યજ્ઞેશ : તમારા યુરોપપ્રવાસને દસકાથીય વધારે સમય થયો, પણ એનું પુસ્તક હજી સુધી આવ્યું નથી. ભાવક તરીકે અમારી અપેક્ષા છે કે તે જલદી આવે. ભોળાભાઈ : ૨૦૦૨માં તે આવી જશે. તેના લગભગ એકવીસ નિબંધો તો લખાઈ ગયા છે. કેટલાક પ્રગટ પણ થઈ ગયા છે, માત્ર તેની શરૂઆત અને અંત નિરાંતે લખવાનાં છે. અને ખાસ કરીને ઈંગ્લૅન્ડમાં લંડન, શેક્સપિયર, કવિ વર્ડ્ઝવર્થ સાથે સંકળાયેલા લેઈકવિસ્તારો વિશે લખવાનું છે. એ જો લખાઈ જાય એટલે પુસ્તક પ્રગટ કરવું છે. તમે યાદ કરાવ્યું એટલે એક સંકલ્પ થયો કે, ૨૦૦૨ સુધીમાં તો તે પ્રગટ કરી જ નાખવું છે.

યજ્ઞેશ : ભોળાભાઈ તમે ‘પૂર્વોત્તર'ની વાત કરી કે એ સાત પ્રદેશની વિશિષ્ઠ સંસ્કૃતિની વાત સારી રીતે આવી, પણ ભાવક તરીકે એવું લાગે છે કે, તમારા બીજા પ્રવાસનિબંધોને તમારી સર્જકતાનો લાભ વધારે મળ્યો છે ? એ વાત સાચી કે પ્રમાણમાં ઉપેક્ષિત અને છેવાડાના પ્રદેશની વાત એમાં આવી છે પણ ક્રિટિકલી જોતાં તમારી સર્જકતાનો લાભ તેને ઓછો મળ્યો છે ? ભોળાભાઈ : (હસતાં હસતાં) સર્જકતા...

યજ્ઞેશ : એટલે તમારી વિકસિત થયેલી, ઈવોલ્વ થયેલી સર્જકતાનો લાભ એને નથી મળ્યો કે ઓછો મળ્યો છે. ભોળાભાઈ : એવું નથી. આમ જુઓ તો, પહેલાં તો ‘વિદિશા' લખાયેલું. પછી પૂર્વોત્તર એક પ્રકલ્પ તરીકે - પ્રોજેક્ટ તરીકે હાથમાં લીધું.

યજ્ઞેશ : પણ ભોળાભાઈ ‘દેવોની ઘાટી', ‘દેવતાત્મા હિમાલય' કે 'કાંચનજંઘા'ને તમારી જે સર્જકતાનો લાભ મળ્યો છે તે વધારે છે. ભોળાભાઈ : તમે કહો છો તેમાં સર્જકતા છે તેનો આનંદ છે.

યજ્ઞેશ : તમારો પહેલો નિબંધસંગ્રહ પ્રગટ થયો ત્યારથી અત્યાર સુધી તમે તમારા સર્જનની વિકાસરેખા જોઈ શકો છો ? ભોળાભાઈ : 'વિદિશા' તો ‘વિદિશા’ છે, એક આખો સ્વપ્નલોક હોય તેવું લાગે. પણ હું એને રિપિટ ન કરું. એ પછી વર્તમાનપત્રોમાં કે મૅગેઝિનમાં લખવાનું શરૂ કર્યું. એ એક કંપલ્ઝન હતું, પણ હું એ કંપલ્ઝનને અવસરમાં પલટી નાખવા માગતો હતો. સમયબદ્ધતા અને સીમાબદ્ધતાને કારણે ઘણી વાર ન પણ લખાય. પણ સીમાબદ્ધતાને કા૨ણે મારામાં અનુશાસન આવ્યું કે મારે જે કહેવાનું છે તે આટલામાં જ કહેવાનું છે. એ રીતે નિબંધો લખાયા. કેટલાક સારા થયા છે, પ્રગટ કર્યા છે તો કેટલાક પ્રગટ નથી કર્યા. તેના પર કામ ક૨વાનું બાકી છે.

ભોળાભાઈ પટેલ - યુવાન વયે
'ISHA UPANISHAD' સાથે
માણસા હાઈસ્કૂલના બગીચામાં સાથે
પુત્ર મધુસૂદન પૌત્ર અનન્ય અને પૌત્રી ભૂમિકા સાથે દિલ્હીમાં
ઉત્તરાયણ - પુત્ર મધુસૂદન સાથે
ઉત્તરાયણ - આગાશીમાં પુત્રી મંજુ અને તેના દિકરા જગત સાથે
યુવાન ભોળાભાઈ
શિક્ષક ભોળાભાઈ પટેલ, વિદ્યાર્થી રઘુવીર ચૌધરી અને અન્ય સાથે - માણસા
મુગ્ધ પ્રવાસી ભોળાભાઈ
અમૃતલાલ વેગડ સાથે ભોળાભાઈ અને પરિવાર નર્મદા કિનારે
ગુરુ નગીનદાસ પારેખ સાથે
ગુરુ નગીનદાસ પારેખ અને યશવંત સાથે
મિત્ર નરોત્તમ પલાણ અને ભોળાભાઈ - દ્વારકા
પરિવાર સાથે - નર્મદા નદી ભેડાઘાટ
રઘુવીર ચૌધરી - પારુબહેન, શકારી બહેન પુત્ર મધુસૂદન અને પુત્રવધુઓ શર્મિષ્ઠા - તોરલ સાથે અસ્મિતા પર્વ - મહુવા
વતન સોજા - ભોળાભાઈ પટેલનું ઘર
અસ્મિતા પર્વમાં - વ્યાખ્યાન
અસ્મિતા પર્વ - ૧૨માં મોરારીબાપુ અને સુમના શાહ
શાંતિનિકેતનમાં ધુળેટી , બંગાળી - આસામિયા સાહિત્યકારો સાથે
આનંદની પળો - પ્રોફેસર્સ કૉલોની
'મીટ ધ ઑથર' ૮-૯-૨૦૦૧ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા આયોજિત કાર્યક્રમ - અમદાવાદ
'મીટ ધ ઑથર' - ભોળાભાઈ પટેલ ૮-૯-૨૦૦૧
પદ્મશ્રી - ઍવોર્ડ સ્વીકારતા ૧૦-૦૫-૨૦૦૮
પદ્મશ્રી ઍવોર્ડ - તસવીરો
'મીટ ધ ઑથર' - ભોળાભાઈ પટેલ ૮-૯-૨૦૦૧
આરામની પળોમાં - સ્ટડી રૂમ - ૩૨, પ્રોફેસર્સ કૉલોની
સુંદરજી બેટાઈ ભોળાભાઈ પટેલ ગગનવિહારી મહેતા
કવિશ્રી 'અજ્ઞેય' અને ભોળાબાઈ પટેલ
કવિશ્રી 'અજ્ઞેય' સાથે
કવિશ્રી 'અજ્ઞેય' અને ઉમાશંકર જોષી સાથે
સાહિત્ય ગૌરવ પુરસ્કાર - ગાંધીનગર
સુનીલ ગંગોપાધ્યાય અને ભોળાભાઈ અમદાવાદમાં
(૧) નગીનદાસ અને દિગિશ મહેતા સાથે (૨) સિતાંશુ યશચંદ્ર સાથે (૩) ઉમાશંકર જોષી સાથે તેમના ઘરે (૪) નગીનદાસ પારેખ સાથે બંગાળી ભા શીખતાં
પત્ની શકારી બહેન સાથે અભ્યાસ ખંડમાં
પ્રબોધ જોષી સાથે અસ્મિતા પર્વ મહુવામાં.
રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ સાથે
યુરોપ પ્રવાસ
સાહિત્ય પરિષદ નું જૂનાગઢ મુકામે મળેલ અધિવેશન
જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન
જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન - પ્રમુખીય પ્રવચન
જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં - ભોળાભાઈ પટેલ સાથે મોરારીબાપુ - રઘુવીર ચૌધરી
જુદા જુદા ઍવોર્ડ
રવીન્દ્રનાથ ટાગોર સાર્ધ શતાબ્દી નિમિત્તે નિરંજન ભગત - ભોળાભાઈ પટેલ
અકાદમી ફેલોશીપ ઍવોર્ડ ગ્રહણ
દિલ્હી સાહિત્ય અકાદમી ફેલોશીપ ઍવોર્ડ સમારોહ

યજ્ઞેશ :' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે

અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય. ભોળાભાઈ : મને ઘણા મિત્રોએ એ સૂચન કર્યું છે કે, મારે વાર્તા કે નવલકથા લખવી જોઈએ. પ્રિયકાંત (પરીખ) કહે કે, ‘તમારી જેમ મેં પ્રવાસ કર્યો હોત તો હું નવલકથા લખી નાખું. થોડી સિચ્યુએશન મૂકી દો, થોડાં પાત્રો, ઘટનાઓ મૂકી દો અને નવલકથા થઈ જાય. મને પાત્રો તો મળ્યાં. દાખલા તરીકે, મારા અસમ પ્રવાસ દરમિયાન એક વૈષ્ણવ પરિવારમાં મારે રહેવાનું થયું. ત્યાં અમારી પરિચર્યા કરતી એક અનુપમ કન્યા – રૂપા – લાગે કે કોઈ નવલકથાના પાનામાંથી પાત્ર જીવતું થયું કે શું? બે દિવસ ત્યાં રહ્યો. એની નમનીયતા, વિનીતતા હાલચાલમાંય ડોકાય. અમે વિદાય લીધી ત્યારે, એણે જે રીતે અસમિયા આદરના પ્રતીકરૂપ ગમછો મારે ગળે વીંટાળી પ્રણામ કર્યા અને પારિજાતનાં ફૂલો ધર્યાં – મનમાં એક ચિરંજીવ છબી. આંકતી ગઈ. આવાં ઘણાં પાત્રો મળ્યાં. તમે કહો છો, તેમ આમાંથી વાર્તા થઈ શકે, પણ વિશ્વસનીયતાનો સવાલ આવે છે. ચં. ચી. માટે એમ કહેવાતું કે, તે ન ગયા હોય તેવી જગ્યા વિશે પણ લખે, ન મળ્યા હોય તેને મળ્યા વિશે પણ લખે અને દિવંગતો વિશે પણ લખે! આમાં વિશ્વસનીયતા ક્યાં આવી ? ભ્રમણવૃત્ત જેવા આત્મકથનાત્મક લખાણોમાં વિશ્વસનીયતા બહુ મોટી વાત છે. એટલે ઘણી વાર - એમ થાય કે આની વાર્તા લખી નાખું. એવું પ્રલોભન થાય પણ એ વિશ્વસનીયતાનો ભંગ કર્યો કહેવાય. એટલે એ અનુભવોની સચ્ચાઈને એમ જ નિબંધરૂપે રહેવા દીધી છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે બંગાળ ઘણી વાર ગયા છો. શાંતિનિકેતનમાં તો ઘણુંબધું રહ્યા છો. રવીન્દ્રની સવા શતાબ્દી, જીવનાનંદ શતાબ્દી, નઝરૂલ શતાબ્દી નિમિત્તે પણ જવાનું થયું છે. એક રીતે કલ્ચરલી સ્નોબિશ હાઇબ્રો ઉન્નાસિક બંગાળીજઓનો આદર પણ તમે મેળવ્યો છે. તેમના લેખકો સાથેનો નજીકનો ઘરોબો કેળવ્યો છે તો તેના વિશે કહેશો ? ભોળાભાઈ : બંગાળી સાહિત્યકારો સાથે નિકટ પરિચયના અવસરો આકસ્મિક હતા. જેમકે, પતિયાળા (પંજાબ)માં ભરાયેલી પીઈએન ક્રૉન્ફ્રન્સમાં આખા દેશમાંથી પ્રતિનિધિઓ આવેલા, તેમાં બંગાળી કવિ જગન્નાથ ચક્રવર્તી, આશિષ સાન્યાલ હતા. અધિવેશન પૂરું થયા પછી અમે ભાખરાનાંગલ, ચંડીગઢ આદિ સ્થળે સાથે પ્રવાસ કર્યો અને મિત્રતા સ્થપાઈ. પછી ન્હાનાલાલ શતાબ્દી વખતે અમદાવાદમાં સુબી૨ રાયચૌધુરી અને સુભાષ મુખોપાધ્યાય આવ્યા હતા. તેમને મારે ઘરે પણ નિમંત્રિત કર્યા. જગન્નાથ ચક્રવર્તી વયમાં થોડા મોટા, પણ સુબીર તો મારી વયના. અમારી મૈત્રી પત્રવ્યવહારથી દૃઢ થઈ. જગન્નાથ ચક્રવર્તી તો ગુજરાતી પણ વાંચે. ઉમાશંકર સાથે એમનો સંબંધ. હું કલકત્તા જાઉં ત્યારે આ બન્ને મિત્રોને મળું. બન્ને જાદવપુર યુનિ. કલકત્તામાં. જગન્નાથ ચક્રવર્તી અંગ્રેજીના, સુબીર તુલનાત્મક સાહિત્યના અધ્યાપક. ઘણી વાર ચક્રવર્તીને ઘરે જ જાદવપુરમાં રહું. સુબીરનું જોધપુરનું નાનકડું નિવાસ પણ મારા કલાકો ગાળવાનું સ્થળ. સુબીરને કા૨ણે આખું તુલનાત્મક ડિપાર્ટમેન્ટ જાણે મિત્ર. તેમાં ફાધર આંત્વા, શુદ્ધશીલ બસુ, શિવાજી બંધોપાધ્યાય, અલોકરંજન દાસગુપ્ત, સ્વપન મજમુદાર, નવનીતા દેવસેન. બંગાળી વિભાગમાં શંખદા (શંખ ઘોષ), પવિત્ર સરકાર અને અન્ય મિત્રો. એક વાર ત્રણેક અઠવાડિયાં યુનિવર્સિટીના અતિથિગૃહમાં અભ્યાસ અર્થે રહ્યો હતો. બધા બંગાળી મિત્રો સાથે નૈકટ્ય. ઘણી વાર કૉલેજ સ્ટ્રીટના પુસ્તક ભંડારોમાં મને સાથે લઈ જાય. સુનીલ ગંગોપાધ્યાયને નક્ષત્ર ટ્રસ્ટ તરફથી નિમંત્રિત કરેલા. મારે ઘેર જ ચા૨ દિવસ રહ્યા, જાણે ઘ૨ના માણસ. પ્રસિદ્ધ રેશનાલિસ્ટ શિવનારાયણ રાય પણ મારે ઘરે રહેલા છે. કલકત્તામાં સુબીરદા મને બધાંને ત્યાં લઈ જાય. સુભાષ મુખાપાધ્યાયને ત્યાં, મહાશ્વેતા દેવીના ઘરે. બંગાળી મિત્રો સાથે પરિચય કરાવનાર આપણા શિવકુમાર જોષી પણ ખરા, જ્યોતિર્મય દત્ત સાથે એમણે પરિચય કરાવ્યો. બંગાળી દિગ્દર્શક કુમાર દાસ વગેરે સાથે. કેટલાક પરિચયો અલ્પજીવી પણ રહે, જેમકે, બાદલ સરકાર સાથે તેમણે કરાવેલો પરિચય. ઉમાશંકરભાઈને કારણે કેટલાક બંગાળી મનીષીઓને મળવાનું કલકત્તા, શાંતિનિકેતનમાં થયેલું. એક વખત જ્યારે તે વિશ્વભારતીના આચાર્ય (ચાન્સેલ૨) હતા, ત્યારે મને ખાસ શાંતિનિકેતન લઈ ગયેલા. પછી તો ૧૯૮૩નું આખું વર્ષ હું શાંતિનિકેતન રહ્યો. બંગાળી મિત્રોનો પરિવાર વધતો ગયો. કેતકી કુશારીડાયસન, બાંગ્લાદેશનાં સંજીદા ખાતુન - આ નવા પરિચયો પણ નિકટના બન્યા. બંગાળી પ્રોફેસરોનો પણ પરિચય થયો. બધા પોતાને ત્યાં પણ બોલાવે. ૧૯૯૩માં મને સાહિત્ય અકાદેમીનો એવોર્ડ મળ્યો ત્યારે, જાદવપુર યુનિ.ના તુલનાત્મક સાહિત્ય અને બંગાળી વિભાગના બધા મિત્રોએ ‘તમે અમારામાંના એક છો' એવા ભાવ સાથે અભિનંદનનો પત્ર લખી બધાએ સાથે નીચે સહીઓ કરી અભિનંદન-પત્ર પાઠવ્યો હતો, તેવાં અભિનંદન પામી ધન્યતા અનુભવાઈ. પછી પરિચય થયો તે ‘તિસ્તાકાંઠાર વૃત્તાન્ત’ના લેખક દેવેશ રાય સાથે. કલકત્તામાં એમને ઘે૨ પણ પરિવા૨જનોનો પ્રેમ મળ્યો. નવા મિત્રોમાં શુભા દાસગુપ્તા, કવિતા પંજાબી આદિ. છેલ્લા જે મિત્ર બન્યા તે કવિ જય ગોસ્વામી. શાંતિનિકેતનમાં એક પૌષમેળામાં (૭મી પોષ જાન્યુ. ૨૩) મળેલા. શરમાળ જીવ. અત્યારની પેઢીના અગ્રણી કવિ. એ પરિચય અંતરંગ પણ થતો ગયો. દેવેશ રાયને દિલ્હીમાં મેં જીવનાનંદ દાસની કવિતાઓના ગુજરાતી અનુવાદનું પુસ્તક ‘વનલતા સેન’ આપ્યું, તો આશ્ચર્યથી જોઈ રહ્યા. પછી તેમણે એ અનુવાદથી ખુશ થઈ બંગાળી વર્તમાનપત્રમાં લખેલું : ‘પૂર્વબાંગ્લા૨ બનલતાસેન પશ્ચિમ સાગરતીરે’. એ પછી તેમણે કલકત્તાથી મને જીવનાનંદ દાસના સમગ્ર સાહિત્યના ૧૨ ગ્રંથો મોકલી આપ્યા. હું તો આશ્ચર્યચકિત એમની આ ઉષ્માથી. જીવનાનંદના અવસાન પછી તેમની અપ્રગટ કવિતાઓ, વાર્તાઓ, નવલકથા, વિવેચન એ બધા ગ્રંથો તેમણે એડિટ કરી પ્રગટ કર્યા હતા. મને આ મિત્રો સ્નોબિશ કદી લાગ્યા નથી.

યજ્ઞેશ : 'સ્નોબિશ' - એ અર્થમાં કહું છું કે બંગાળીની એ એક મહાન પરંપરા છે. પણ તે અન્ય ભાષા, સાહિત્ય કે અન્ય પ્રદેશની કળાને આવકારવા ઊતરતી હોય તેવું લાગે. એક આભિજાત્ય, એક સંકુચિતતા હોય તેવું લાગે. આપણા જેવું ખુલ્લાપણું કદાચ તેમનામાં ન હોય. તમે તો તેઓની વધારે નજીકના પરિચયમાં આવ્યા છો. તમને શું લાગે છે ? ભોળાભાઈ : એ વાત લગભગ ખરી કે, બંગાળીઓ ઉન્નાસિક છે, ઉન્નતભ્રૂ છે – એવું ક્યારેક મને-તમને ફિલ થાય. બંગાળીમાંથી તેમનાં પુસ્તકોના અનુવાદો થાય છે, પણ ભારતીય ભાષાઓમાંથી બહુ ઓછા અનુવાદો તેઓ બંગાળીમાં કરે છે. પશ્ચિમમાંથી તો કરે છે, પણ ભારતીય ભાષામાંથી અનુવાદો બહુ ઓછા. જોકે દેવેશ રાય જેવા તો માને છે કે, ભારતીય ભાષાઓમાંથી ઉત્તમ સાહિત્યના અનુવાદો થવા જોઈએ. મૂળ ભાષા સુધી ન જવાતું હોય તો અંગ્રેજી મારફત થવા જોઈએ. આમ, હવે બંગાળી સાહિત્યકારોનું મનોવલણ પણ બદલાયું છે. બીજી મુશ્કેલી એ છે કે, સીધા અનુવાદોનો જે બાય-લિંગ્વલ છે - બંને ભાષા જાણે છે, તેમને સાહિત્યમાં રસ નથી અને જેને સાહિત્યમાં રસ છે તેઓ બાય-લિંગ્વલ - દ્વિભાષી નથી. આપણા ગુજરાતીઓ બંગાળી કન્યાઓને પરણ્યા છે તેમણે સાહિત્યમાં રસ લીધો નથી. પણ હવે તક્ષી શિવશંક૨ પિલ્લઈ બંગાળીમાં છે, ગુજરાતી વાર્તાઓ પણ જઈ રહી છે એ એક સારું લક્ષણ રહ્યું છે. જાદવપુર યુનિવર્સિટીએ તો ગુજરાતી સાહિત્યના અનુવાદનો આખો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે, એટલે બંગાળની પહેલાં જેવી એ ઉન્નાસિકતા નથી. પણ હજીય ભારતીય ભાષાઓમાંથી બંગાળી કરનાર સારા અનુવાદકો બંગાળીમાં બહુ તૈયા૨ થયા નથી.

યજ્ઞેશ :' ભોળાભાઈ, તમે શાંતિનિકેતનમાં વરસ રહ્યા, ત્યાં રવીન્દ્રનાથની ભૂમિ અનુભવી. તો તમારો શાંતિનિકેતનનિવાસનો અનુભવ કેવો રહ્યો ? ત્યાં રવીન્દ્રનાથને કેવી રીતે પામ્યા અને તેમણે જે શાંતિનિકેતન ઈચ્છ્યું હતું, જે પરંપરા સ્થાપી હતી તે આજે છે કે નહીં? ભોળાભાઈ :' આજે જૂના કે કલ્પેલા મનોચિત્ર સાથે શાંતિનિકેતન જાઉં તો કદાચ નિરાશ થવાય. શાંતિનિકેતન સાથે ગુજરાત લિંક અત્યારે નથી. ૧૯૩૫માં શાંતિનિકેતનમાં સહુથી વધારે વિદ્યાર્થીઓ ગુજરાતના હતા.

યજ્ઞેશ : એક સમયે કાકાસાહેબ પણ ત્યાં હતા. ભોળાભાઈ : તેઓ તો ૧૯૧૪માં હતા. ગાંધીજીના ભારતઆગમન પૂર્વે. પણ પછી કોસીન્દ્રાના કમળાશંકર માસ્તર અને તેમના ક્ષિતિમોહન સેન સાથેના પરિચયને કારણે ગુજરાત સાથેનો સંબંધ ગાઢ થયો. ત્રીસીમાં મોહનદાસ પટેલ, મણિલાલ અલગારી, જયંતીલાલ આચાર્ય અને બીજા અનેક નાની ઉંમરના છાત્રો પણ ત્યાં હતા. ગુરુદેવ ૧૯૪૧ સુધી જ્યાં રહ્યા તે શાંતિનિકેતન અને આજના શાંતિનિકેતનમાં તો બહુ ફેર છે. જેવું આપણે ત્યાં ગૂજરાત વિદ્યાપીઠમાં બન્યું છે. ગુરુદેવ પોતાના જીવનની હયાતી દરમિયાન પણ થોડા નિર્ભ્રાન્ત થયા હતા. તેમ છતાં પોતાના આ પ્રિય સ્વપ્નને છેવટની ગાંધીજી સાથેની મુલાકાત વખતે તેમને સોંપી જવા ઇછ્યું હતું. પછી ગાંધીજીની ઇચ્છા પ્રમાણે નેહરુએ તે સંભાળ્યું અને વિશ્વભારતીને રાષ્ટ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો, પણ પછી શાંતિનિકેતન અધ્યાપકો માટે નોકરી કરવાનું સ્થાન બની ગયું અને આજુબાજુનાં ગામોના વ્યવસાય વ્યાપાર કરતા લોકોને રહેવાનું સ્થાન પણ બની ગયું. અત્યારે જૂનાં મકાનો, એ રસ્તાઓ, એ વીથિકાઓ, એ દેહલીનું મકાન જ્યાં ગીતાંજલિ લખાઈ એ ‘ઉત્તરાયણ’ અને બીજા આવાસો હજી છે. શાંતિનિકેતનમાં જે વર્ષ દરમિયાન ઉત્સવો પર્વો ઊજવવાની પરંપરા રવીન્દ્રનાથે શરૂ કરી હતી, તેમ હજી છે. પણ રવીન્દ્રનાથના સમયનું વાતાવરણ હવે નથી. એ વાતાવરણ જો વધુમાં વધુ સચવાયું હોય, તો તે નંદબાબુની કલાશાળાનું. હજી રોજ સવારે રવીન્દ્રસંગીત રેલાતું હોય, એ આમ્રકુંજ એ બકુલવીથિ હજી છે. આજે શાંતિનિકેતન એક સંસ્થા છે. એ સારું છે, સુંદર છે, સમૃદ્ધ છે એમ હું નહીં કહું, પણ મારા જેવા માટે તો એ વિરલ અનુભવ હતો. ઘણી જગ્યાએ રવીન્દ્રનાથની સૂક્ષ્મ હાજરી અનુભવાય. એ ‘ઉત્તરાયણ’ હોય કે ‘શ્યામલી’ હોય. ઉમાશંકર અહીં હતા ત્યારે ઉત્તરાયણમાં એક વિવિધભાષી કવિતાપાઠનો કાર્યક્રમ કરેલો, જેનું સંચાલન મેં કરેલું. ત્યારે એમ થાય કે રવીન્દ્રનાથ જ્યાં રહેલા ત્યાં ઉમાશંકરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. આખું શાંતિનિકેતનનું બુદ્ધિધન હાજર. આમ્રકુંજમાં ફરતા હોઈએ કે શાલવીથિને રસ્તે ફરતા હોઈએ ને સ્મૃતિઓ ઊખળે. પ્રહલાદ પારેખની પંક્તિઓ યાદ આવે : ‘શાલની મંજરી ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી !’ એટલે મારા માટે તો શાંતિનિકેતનનો ગાળો સ્મરણીય બની રહ્યો. અહીં જર્મન વિદ્વાન માર્ટિન કેમ્પચેન, કેતકી કુશારી ડાયસન, પ્રો. રામ ગાંધી, યુવામિત્રો સુનીલ દત્ત અને કૈલાસ પટ્ટનાયક જેવા મિત્રો મળ્યા. મારા પડોશી ઇટાલિયન વિદ્વાન ચેઝારે રિઝિ પણ ખરા.

યજ્ઞેશ : માત્ર ગુજરાતના નહીં, પણ સમગ્ર ભારતના સંદર્ભમાં વિચારીએ તો રવીન્દ્રનાથના અભ્યાસીઓમાંના એક આપ છો. સર્જક તરીકે તેમની ધસમસતી પ્રતિભા. ભાગ્યે જ કોઈ એવી વિદ્યા, એવું સ્વરૂપ હશે જેમાં તેમણે કામ ન કર્યું હોય. બુદ્ધદેવ બસુ સાચું જ કહે છે કે, જ્યારે ઉત્તમ નવલકથાકાર વિશે વિચારું છું તો બીજાં નામ સામે આવે છે, ઉત્તમ કવિ વિશે વિચારું છું ત્યારે પણ બીજું નામ યાદ આવે છે, પણ સમગ્ર સર્જક કે જેણે અનેક સ્વરૂપોમાં કામ કર્યું હોય તેના વિશે વિચારતાં રવીન્દ્રનાથ સિવાય કોઈ યાદ નથી આવતું. અને બુદ્ધદેવ ઉમેરે છે કે, આવી પ્રતિભા હોવી તે કાંઈ ગુનો તો નથી (બંનેનું હાસ્ય). તમે તો રવીન્દ્રનાથને હૃદયસરસા રાખ્યા છે. તેમના અનુવાદોય કર્યા છે, તો હજી સુધી એમની ભૂરકી કેમ ગઈ નથી ? તેમના સાહિત્યમાંથી કયા પ્રકારો વધારે ગમ્યા ? ભોળાભાઈ : રવીન્દ્રનાથ એ મારું જીવનદર્શન છે. જોકે એ શબ્દ બહુ મોટો છે; પણ જેમણે મને જીવનદીક્ષા આપી હોય, મારી અનુભૂતિનું વિશ્વ સમૃદ્ધ કર્યું હોય તેમાં પ્રાચીનકાળના વાલ્મીકિ, કાલિદાસ છે, મધ્યકાળના કબીર જેવા સંતકવિ છે અને આધુનિક કાળની વાત કરીએ તો રવીન્દ્રનાથ છે. રવીન્દ્રનાથ મને વિશેષ ગમે. તેમની ગમે તે રચના વાંચો. એમ થાય કે કવિ કેવી ઊંચાઈ પર ચાલી રહ્યા છે અને આપણને એમ થાય કે આપણને મર્મેમર્મને સ્પર્શી રહ્યા છે - સ્વચ્છ જળમાં ઊંડે સુધી ડૂબકી મારી હોય ને ચારે બાજુથી જળનો સ્પર્શ થતો હોય.

યજ્ઞેશ : સર્વાશ્લેષી સ્પર્શ ? ભોળાભાઈ : હા, તેમની રચનાઓ સર્વાશ્લેષી લાગતી. નવરાશમાં મેં તેના કેટલાબધા અનુવાદો કર્યા છે ! એ અનુવાદ માત્ર અનુવાદ માટે નથી કર્યા, પણ ‘જસ્ટ ટુ ગો નિય૨’ - માત્ર તેમની નજીક જવું. તેમની વાર્તાઓ ગમી. દર ચોમાસામાં તેમની વાર્તાઓ વાંચવાનો કાર્યક્રમ ગોઠવું. એમના ‘છિન્નપત્ર'ના નિબંધો એટલા અદ્ભુત છે કે, કોઈક પણ પાનું ખોલી ઊભા ઊભા વાંચી નાખું. રવીન્દ્રનાથની ચોપડીઓ મેં છૂટી રાખી છે. ઊભા હોય તોય વાંચી શકાય. તેમનાં ગીતો તો રોજ સવારે હું કૅસેટ દ્વારા સાંભળતો હોઉં ને મારું કામ ચાલતું હોય. એમ એમનાં ગીતોના સતત સંપર્કમાં હું રહું છું. ‘શાંતિનિકેતન’ના નિબંધો પણ નિયમિત વાંચતો હોઉં છું. ખબર નહીં, પણ (ભાવપૂર્ણ સ્વરે) આ બધી વસ્તુ ઊંડેથી સ્પર્શી રહે છે. કદાચ મારા માનસમાં સાહિત્યનો જે પુદ્ગલ બંધાયો છે તેમાં રવીન્દ્રનાથ કેન્દ્રમાં રહેલા છે. મારા લેખનમાં પણ એ માત્ર અવતરણ તરીકે નથી આવતા. ઇટ્સ લાઈક એન એક્સપિરિયન્સ, જસ્ટ એઝ લવ. તમે કવિ તરીકે વાત કરતા હો કોઈ પ્રેમની કે વેદનાની, એમ માટે રવીન્દ્રનાથની વાત આવે છે. મારે માટે એ કંઈ ‘એડિશન’ ઉમેરણ – ઉદ્ધરણ નથી. એ કોઈ સીધોસાદો લેખકવાચકનો સ્મૃતિસંબંધ નથી. એ સહજ રીતે આવતા હોય છે, જેમ કાલિદાસ અંદર ઊતરીને આત્મસાત્ થયા હોય છે એ રીતની આ પણ વાત છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, જ્યારે બંગાળી સાહિત્યની અને ખાસ કરીને રવીન્દ્રનાથની તેના પર અસરની વાત કરીએ, ત્યારે બુદ્ધદેવ બસુથી માંડીને શંખ ઘોષ અને તે પછી રવીન્દ્રોત્તર સર્જકો છે, તેમણે રવીન્દ્રનાથની મુઠ્ઠીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો અને પોતીકો અવાજ સ્થાપવા પ્રયત્નો કર્યા છતાં શું રવીન્દ્રનાથની પ્રછન્ન અસર એ સર્જકો પર ખરી ? ભોળાભાઈ : બુદ્ધદેવ બસુએ જીવનના અંતિમ સમયમાં એક પુસ્તક લખ્યું છે : ‘સબ પેયેછિર દેશ’. એમાં ૧૯૩૯માં રવીન્દ્રનાથે બુદ્ધદેવને શાંતિનિકેતન રહેવા આમંત્રણ આપેલું એ ગાળાનાં સ્મરણો લખ્યાં છે. એમણે લખ્યું છે : રવીન્દ્રનાથનો વિરોધ તો એમણે એક સમયે કરેલો પણ પછી રવીન્દ્રનાથ વિશે જે જે પુસ્તકો લખ્યાં છે, ‘કબિ રવીન્દ્રનાથ’ ‘રવીન્દ્રનાથનું કથાસાહિત્ય' - એમાં એમણે બતાવ્યું છે કે, તેમના જીવનમાં રવીન્દ્રનાથ એ કેટલી પ્રભાવક સાહિત્યિક હસ્તી હતા. અને બધા કવિઓએ એ વખતે રવીન્દ્રવિરોધ એટલા માટે કરેલો કે મોટા વટવૃક્ષ નીચે નાના છોડ ન ફાલે. એમને માટે એ છાયામાંથી બહાર નીકળવું જરૂરી હતું. પણ રવીન્દ્રનાથથી માત્ર બુદ્ધદેવ બસુની જ નહીં તેમની પછીની પેઢી પણ જુદી જુદી રીતે પ્રભાવિત થઈ. શંખ ઘોષે એક પ્રસંગ નોંધ્યો છે : કેટલાક કવિઓ એક પ્રસંગે ભેગા થયા હતા. રવીન્દ્રનાથ પછી ત્રીજી પેઢીના. વિદેશથી આવેલા અલોકરંજન દાસગુપ્ત અને બીજા અહીંના પાંચ-છ કવિઓ. એ બધા વાત કરતા હતા કે રવીન્દ્રનાથ પાસેથી આપણને કંઈ મેળવવા જેવું મળ્યું નહીં. એમ બધી વાત કરી. શંખ ઘોષ તો આમેય ચૂપ રહેનાર માણસ. પછી કોઈએ કહ્યું કે, ચાલો હવે કોઈ કશું ગાય. અને જે માણસે ૨વીન્દ્રનાથનો સહુથી વધારે વિરોધ કર્યો હતો તેણે જ ગાવાનું શરૂ કર્યું અને પહેલું જે ગીત ગાયું તે રવીન્દ્રનાથનું જ ગાયું, અને એ ગીત એકદમ તન્મય થઈને ગાતા હતા ! એટલે કે કહેવાનો ભાવાર્થ એ કે રવીન્દ્રનાથથી કેવી રીતે છૂટી શકાય ? હમણાં જ મેં બંગાળના અગ્રણી કવિ, જે ટાગોર પછીની ચોથી પેઢીના ગણાય, જય ગોસ્વામીને પૂછ્યું કે, રવીન્દ્રનાથને તમે કઈ રીતે જુઓ છો ? - તમારી ઉંમરના એ કવિ છે. એમણે બીજું કંઈ ન કહ્યું. સાંજે મળ્યા ત્યારે એક પુસ્તક લઈ આવ્યા. એમાંથી એમણે સુનીલ ગંગોપાધ્યાયની એક કવિતા મારી પાસે વાંચી, જેમાં એક નવોદિત કવિ પોતાના સંગ્રહની પહેલી પ્રત પોતાની પ્રેમિકાને આપવા જાય છે ત્યારે એ પ્રેમિકા તો રવીન્દ્રનાથ વાંચતી હોય છે. એટલે પેલો નવોદિત કવિ એમ કહે છે : ‘કેનો રવીન્દ્રનાથ કે બુકે ડિયે બસે આછો, આમિ ક કછુ નાઈ’ તું રવીન્દ્રનાથને છાતીએ વળગાડીને કેમ બેઠી છો ? તો શું હું કાંઈ નથી ? એ વાત કહી એમણે મને બતાવ્યું કે, રવીન્દ્રનાથ બંગાળની સર્જકચેતનાનો એક ભાગ બની ગયા છે – જેને આપણે અસ૨ કહીએ, એટલે માત્ર તેમનું અનુસરણ નહીં. શંખ ઘોષે તેમના જર્નલ ડાયરીમાં નાનો અમથો ટુકડો લખ્યો છે. ‘બસ એકાએક રડવું આવી ગયું. એક માણસે કેટલુંબધું કર્યું છે અમારે માટે ? આ અમારી જોવાની રીત, આ અમારી રહેવાની રીત, આ અમારી વિચારવાની રીત. આ એક માણસ કેટલુંબધું કરી ગયો છે અમારે માટે !' આ એક માણસ એટલે રવીન્દ્રનાથ. આ રીતે રવીન્દ્રનાથ બંગાળી ચેતનાનો એક ભાગ બની ગયા છે એમ કહી શકાય.

યજ્ઞેશ : રવીન્દ્રનાથથી તદ્દન જુદા ચાલતા, મૌલિક અવાજ ધરાવતા જીવનાનંદ દાસ, જેમની જુદી જ આખી રહસ્યમય કાવ્યસૃષ્ટિ. રવીન્દ્રનાથની સૃષ્ટિ, વર્ષા અને વસંતની, તો એમની શિશિર અને હેમંતની. તેમને પણ બહુ ગમતા કવિ. તમે પણ તેમની શતાબ્દી વખતે કલકત્તા જઈ આવ્યા, તો જીવનાનંદ દાસને બંગાળની પ્રજા કઈ રીતે જુએ છે ? અને તમે કઈ રીતે જુઓ છો ? કારણ કે એ તમારા એક અત્યંત ગમતા કવિ છે. ભોળાભાઈ : (હસતાંહસતાં) તમારા ક્યાં નથી ?

યજ્ઞેશ : મારા તો છે જ. મારા પ્રિય કવિ થયા એ તમારા થકી થયા, એટલે તમારો આભાર. બંગાળની પ્રજા રવીન્દ્રનાથને ચાહે છે તે રીતે જ આ એક બીજા કવિને પણ ચાહે છે. ભોળાભાઈ : આ પ્રશ્નનો જવાબ આપી શકું તે માટે સાક્ષી બનવાનું નિમિત્ત મને મળ્યું છે. મારે જીવનાનંદ દાસના શતાબ્દીવ૨સે ૧૯૯૯માં બે વા૨ કલકત્તા જવાનું થયું. તમને આશ્ચર્ય થશે કે, તમે જે બંગાળીઓને ઉન્નાસિક કહો છો તેમણે જ જીવનાનંદ દાસની શતાબ્દી પ્રસંગે આયોજિત પરિસંવાદનું ઉદ્ઘાટન વક્તવ્ય મારી પાસે કરાવ્યું. એ કદાચ જીવનાનંદ દાસ માટેના મારા પ્રેમને કારણે. એ વાત બાજુ પર રાખીએ. એક વખત એવો હતો જ્યારે જીવનાનંદ દાસ લખતા હતા ત્યારે બુદ્ધદેવ બસુ સિવાય ભાગ્યે જ કોઈ તેમનો સ્વીકાર કરતા હતા. ‘શનિવારેટ ચિઠિ’ના સંપાદક સજનીકાંત દાસ તો જ્યારે વ્યંગવિદ્રુપ કરવાં હોય તો જીવનાનંદની કાવ્યકડીઓ ઉતારી તેમને આઘાત આપવાનો પ્રયત્ન કરતા હતા. એક એવી શરૂઆત આ કવિની હતી કે, જેમાં એમને સ્વીકારનારા બહુ ઓછા હતા. એની એમના જીવન પર વિષાદમય અસ૨ પણ પડેલી. પણ પછીની પેઢી – જીવનાનંદ દાસ પછીની પેઢી એટલે સુનીલ ગંગોપાધ્યાય, શંખ ઘોષ, અલોકરંજન દાસગુપ્ત, શક્તિ ચટ્ટોપાધ્યાય એ બધા જે કવિઓ આવ્યા તેમના પર જીવનાનંદ દાસની સીધી અસર એટલી નથી. પણ આ બધા જીવનાનંદ દાસ પીને આવ્યા. ખાસ કરીને શંખ ઘોષ જેવા કવિ છે, જેમણે જીવનાનંદ દાસ વિશે અનેક બધી વાર જુદી જુદી રીતે લખેલું પણ છે. જીવનાનંદ દાસની શતાબ્દી વખતે મેં જોયું કે તે સમયે ઘણાબધા કવિઓ બાંગ્લાદેશના તેમના ગામ બરિશાલ જઈ આવ્યા.

યજ્ઞેશ : પૂર્વ બંગાળમાં ? ભોળાભાઈ : હા, પૂર્વ બંગાળમાં, એ ધાનસિડિ નદી ને તેમનું એ ઘ૨, જેને પણ ‘ધાનસિડિ' નામ આપેલું છે, અત્યારે મુસલમાન માલિક જે રહે છે - તેણે પ્રેમથી બધાને એ ઘર બતાવ્યું. એ આખી યાત્રા સુનીલ ગંગોપાધ્યાયે લખી છે. શું થયું કે, માર્ક્સવાદી દૃષ્ટિકોણ ધરાવતા જે કવિઓ હતા તે જીવનાનંદન દાસને પલાયનવાદી કવિ તરીકે જોતા- એમની કવિતાની અંદર જે બોધ છે તે મૃત્યુચેતના હોય કે નિરાશચેતના હોય તેનો છે, પણ તેમણે જે રીતે બંગાળી ભાષાને વ્યુત્ક્રત કરી, સંવેદનાને અભિવ્યક્ત કરી, અને ગ્રામ બંગાળની આખી સંસ્કૃતિને ગાઈ અને તે ખાસ કરીને ‘રૂપસી બાંગ્લા’માં - ‘બાંગ્લાર મુખ આમિ દેખિયાછિ તાઈ પૃથિવિર રૂપ ખુંજિતે જાઈના આ૨' – બંગાળનું મુખ મેં જોયું છે તેથી પૃથ્વીનું રૂપ હું શોધવા જતો નથી. આ જે ‘બાંગ્લા૨ મુખ આમિ દેખિયાછિ' એ પંક્તિઓ તો જ્યારે બાંગ્લાદેશનું ૧૯૭૨ આંદોલન થયું ત્યારે રાષ્ટ્રગીત જેવી બની ગઈ હતી. બંગાળને એમણે જે રીતે ગાયું અને બંગાળની આખી તળ સંસ્કૃતિને જે રીતે રજૂ કરી, એટલે બધાને એમ લાગ્યું કે, આ તો અમારા કવિ છે. એટલે કોઈ પણ ફિરકાનો કવિ હોય, એ પછી એમના નજીકનો સમકાલીન હોય કે એ પછીનો હોય – એનીય પછીનો હોય, પણ જીવનાનંદ દાસ એ રવીન્દ્રનાથ પછીના મોટા કવિ હતા તેમ સ્વીકારશે. ડાબેરીઓ, સામ્યવાદીઓ જે એમને પલાયનવાદી કહેતા તેમણે પણ જીવનાનંદની કવિતામાં વ્યક્ત સમયબોધની સરાહના કરી સ્વીકારી લીધા. તેમના ‘ફોલ્ડ’માં કદાચ રવીન્દ્રનાથની ટીકા કરનારા મળી આવશે, પણ જીવનાનંદ દાસની ટીકા કરનારો કોઈ ભાવક કે કવિ નહીં મળી આવે અને તે પણ કોઈ લજ્જાના કારણે નહીં, પણ જીવનાનંદ દાસ પણ એમની ચેતનાનો બાગ બની ગયા છે તે કારણે. એમણે જે રચનાઓ આપી તેને કારણે, અને તેમના મૃત્યુ પછી તો તેમનો અપ્રગટ રહેલો ગદ્યલોક ઊઘડ્યો એની પણ સર્જકતાનો સ્વીકાર બરોબર થઈ રહ્યો છે.

યજ્ઞેશ : એક આદિમ ચેતના તેમની કવિતામાં છે. ભોળાભાઈ : એક કવિ તરીકે તમે એમાં ઘણુંબધું જોઈ શકો. જીવનાનંદ દાસની કવિતાની વાત કરવા બેસીએ તો ઘણું કહી શકાય. મેં એમનું સમગ્ર સર્જન તો વાંચ્યું પણ નથી. બેએક નવલકથાઓ અને થોડા નિબંધ અને કવિતાનો મોટો ભાગ વાંચ્યો છે. પણ સમગ્ર જીવનાનંદ દાસ જ્યારે બહાર પડ્યા તેમાં તો કેટલી બધી કવિતાઓ છે ! આ માણસે પોતાની હયાતી દરમિયાન બહુ ઓછું પ્રગટ કર્યું. ‘રૂપસી બાંગ્લા’ જેવો અત્યારે શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ તે એમણે પોતાના જીવનકાળમાં પ્રગટ જ ન હતો કર્યો. એ પણ બતાવી આપે છે કે તેમની પોતાની કવિતાની અવધારણા કેટલી ઉચ્ચ કક્ષાની હશે.

યજ્ઞેશ : ભોળાભાઈ, જીવનાનંદ દાસની વનલતા સેનનું બંગાળીમાં પઠન કરશો ? ચોપડી છે હાથવગી ? કે મોઢે છે ? ભોળાભાઈ : હા, કદાચ ક્યાંક ભૂલ પડશે પણ, યાદ આવી જશે. હાજા૨ બછ ઘરે આમિ પથ હોંટિતેછિ પૃથિવિર પથે... (આખા કાવ્યનું સુંદર બંગાળી ઉચ્ચારો સાથે ભાવવાહી પઠન)

યજ્ઞેશ : વાહ, 'પાખીર નીડેર મતન ચોખ તુલે.' ભોળાભાઈ : પંખીના માળા જેવી આંખ – એક નવી જ ઉપમા આવી, અને જે માળો – આંખ સાથે તેનું સાદૃશ્ય નથી, પણ માળો જેમ આશ્રય આપે, હૂંફ આપે તેમ આંખો આશ્રય આપે, સમાવી લે એવી એ જે નવી ઉપમા આપી તેનાથી આખું બંગાળ મુગ્ધ થઈ ગયું. કે પછી. ‘ચુલ તા૨ કબેકાર અંધકાર વિદિશાર નિશા’ - એટલે જે લયાત્મકતા આવી આવી લયાત્મક પંક્તિ બંગાળીમાં બીજી લખાઈ નથી એમ એક કાવ્યરસિક સમીક્ષકે કહ્યું છે. આમ તો સાદી વાત છે કે, તેના કેશ પુરાણી વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા હતા. આ પંક્તિમાં જે ‘૨’નું આવર્તન અને તેનાથી તાદૃશ થતી કેશકલાપની નાયિકાની પાની સુધી પહોંચતી કેશઘટા. લયાત્મકતા દ્વારા દીર્ઘતા તો જાદુગર કવિ જ લાવી શકે. એટલે એમ કહો કે એ જાદુગર કવિ છે.

યજ્ઞેશ : તમે બંગાળીમાં વનલતા સેન વાંચતા હતા ત્યારે મારાં બધાં રૂંવાડાં ઊભાં થઈ ગયેલાં, એટલી બધી મજા આવી. એવા જ તમારા બીજા ગમતા કવિ ઉમાશંકર. એક કવિ તરીકે અને એક વ્યક્તિ તરીકે તમે તેમના બહુ જ નજીકના પરિચયમાં રહ્યા છો અને દાયકા સુધી તેમનું સાન્નિધ્ય તમે માણ્યું છે અને તમને ઘણુંઘણું એમાંથી મળ્યું છે. તો આવી એક મોટી વ્યક્તિચેતનાના નજીકના સંબંધમાં તમારે રહેવાનું થયું. તો તેમની સાથેના તમારા સંબંધ વિશે, તેમની કવિતા વિશે કહેશો ? ભોળાભાઈ : પ્રશ્નનો જવાબ લાંબો થશે. અને એ મુશ્કેલ પણ, મુશ્કેલ એ અર્થમાં કે, ઉમાશંકર પાસેથી, જેમ નગીનદાસ પાસેથી, જીવનના પાઠ શીખ્યા, સાહિત્યના પાઠ શીખ્યા. એક સમગ્ર વ્યક્તિ તરીકે તેમને જોયા. ઇંટીગ્રેટેડ વ્યક્તિ તરીકે જોયા. એમાંથી જીવન કેમ જીવવું, એમાં મૂલ્યબોધના પાઠ કેવી રીતે મળે તે શીખ્યા. કશી જ વાત કર્યા વગર પણ પ્રત્યક્ષ જોવાનું મળ્યું કે, કામ કેમ કરવું, તેમાં કેવી રીતે પરોવાવું, બીજાઓ માટે કામ કેમ કરવું, કેમ વિચારવું, રાષ્ટ્ર માટે કેમ વિચારવું, વ્યક્તિ માટે કેમ વિચારવું, આ બધું તેમની પાસેથી મળ્યું. છતાં કોઈના વ્યક્તિત્વની – ન્યૂનતા જોવા મળે તોપણ તેને કેમ આદર આપવો – તે જોવા મળ્યું. તેમનું એક પાસું લોકો જાણતા નથી કે, તે કેટલા વિનોદી અને કેટલા સરસ ‘કોર્ન્વસેશનાલિસ્ટ' – કહો કે વાતકુશળ હતા. બંગાળી શબ્દ છે - ‘આલાપચારી’. તમને પણ અનુભવ છે. કેટલું હસે – પોતાના પર પણ હસે, વિનોદ કરે. ચા બનાવતા હોય તોપણ કેટલો વિનોદ કરે, આપણે કહીએ કે લાવો, હું ચા બનાવું, તો કહેશે કે ચા તો હું જ બનાવીશ. હું તો રસોઈ કરી તમને જમાડી શકું. પ્રાણ રેડીને કામ ક૨વાની રીત તેમની પાસેથી મળી. એ પોતે મોટા સર્જક અને છતાં અનુવાદના કામમાં પણ પરોવાયા હોય. પછી તે શાકુંતલનો અનુવાદ હોય કે ઉત્ત૨રામચિરતનો અનુવાદ હોય. આપણને એમ થાય કે, આ માણસે કેટલુંબધું ગુજરાતીને આપ્યું છે! કેટલાં ક્ષેત્રોમાં તેમણે કામ કર્યું છે ! લોકો સમજતા નથી. ‘શાકુંતલ’ કે ‘ઉત્તર-રામચરિત’નો અનુવાદ શા માટે કર્યો ? શા માટે એ ‘પુરાણી’ સંસ્કૃતિને લઈને આવ્યા ? એ રીતે ‘સંસ્કૃતિ' સામયિક ચલાવીને ગુજરાતીની કેટલી સર્જક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરી. અને જ્યારે લાગ્યું કે હવે બસ, તો ‘સંસ્કૃતિ'ના સંપાદનની પ્રવૃત્તિ આટોપી લીધી – બહુ અઘરું હતું. એમને ‘સંસ્કૃતિ'ના તંત્રી તરીકે કામ કરતા જોવાનો અનુભવ પણ આપણને મળ્યો. આપણને આશ્ચર્ય થાય કે તમે કદી તેમને લખતાં ન જોયા હોય, વાતો જ કરતા હોય. તમે જ્યારે જાઓ ત્યારે મુક્ત જ હોય. ‘મારો આજે સમય બગડ્યો કે, હું કામ કરું છું, સવારે આવજો’ તેવું ભાગ્યે જ કહ્યું હશે. એકાદ-બેવાર બન્યું હશે. એ હંમેશાં મુક્ત જ હોય. તો એમણે ક્યારે આ બધું – આટલું બધું સર્જન કર્યું તેનું આશ્ચર્ય થાય. અને જ્યારે તેમને ૧૯૬૮માં પ્રતિષ્ઠિત ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળ્યો ત્યારે એમને લાગ્યું કે, એ ઍવૉર્ડ તો ગુજરાતી ભાષાને મળ્યો છે. ઍવૉર્ડની ૨કમ પોતા માટે ન રાખતાં ‘ગંગોત્રી ટ્રસ્ટ' કર્યું. એમાંથી કવિતા-સંગમ શ્રેણી શરૂ કરી અને અનુવાદના કેટલા ગ્રંથો જુદાજુદા અનુવાદકો પાસે કરાવી ગુજરાતીમાં આપ્યા! દરેક અનુવાદ પર એમની નજર ફરી વળી હોય. તો આ વસ્તુ તેમણે ગુજરાતી માટે કરી અને ‘સંસ્કૃતિ’ના વિશેષાંકો આપ્યા. આ એમનો એક પક્ષ. બીજી તરફ શિક્ષક તરીકેના પક્ષે કેટલાબધા વિદ્યાર્થીઓ તેમણે આપ્યા ! ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાસાહિત્ય ભવનના અધ્યાપક તરીકે યુનિવર્સિટીમાં તૈયા૨ કર્યા ! અને સમગ્ર દેશમાં ને સમગ્ર દુનિયામાં ગુજરાતી સાહિત્યનું પ્રતિનિધિત્વ કર્યું. સર્જનપક્ષે તેમની કવિતાઓ, તેમની વાર્તાઓ, તેમનું વિવેચન, તેમના નિબંધો - કેટલુંબધું આપ્યું ! ગુજરાતીમાં વિવેચનને આટલી બધી રીતે અને આટલી સમગ્રતાથી કોઈએ જોયું નથી. રા. વિ. પાઠકે પણ નહીં. રા. વિ. પાઠકે જોયું છે, પણ તે કવિતાનું. બીજા બ. ક. ઠા. એ, પણ મોટેભાગે કવિતાનું વિવેચન કર્યું છે - બીજાં સાહિત્ય સ્વરૂપોનું ખાસ કર્યું નથી. સુરેશ જોષીએ પણ અમુક પ્રકારનું જ વિવેચન કર્યું છે. એ બહુ ‘ચુઝી’ હતા. ત્યારે વિવેચનમાં અખો જેવા કવિથી માંડીને (કાલિદાસ વગેરેની વાત તો તમે બાજુ પર મૂકી દો) રાવજી પટેલ સુધી લખ્યું છે. નરસિંહ મહેતા પરનો તેમનો સો પાનાંનો નિબંધ, અખા પર તો આખો ગ્રંથ લખી એના છપ્પા અને અખેગીતા સંપાદિત કરી એને ઊંચા ગજાના કવિ તરીકે સ્થાપ્યો. અન્ય મધ્યકાલીન રચનાઓને આપણી સામે મૂકી. આધુનિક કવિમાં ‘ક્લાંત કવિ’ બાલાશંકર કંથારિયા પર કામ કર્યું. નવલકથામાં સરસ્વતીચંદ્ર પર લખતા હોય, પન્નાલાલ પર, દર્શક પર લખતા હોય, મેઘાણી વિશે લખતા હોય, રાધેશ્યામ શર્મા વિશે લખતા હોય, એ રીતે કવિતાના ક્ષેત્રની અંદર લખતા હોય. એકાંકી લખ્યાં. તેમાં પહેલી વાર ગ્રામપ્રદેશમાં બોલાતી ભાષાનો વિનિયોગ કર્યો. ઉમાશંક૨ ન હોય તો પન્નાલાલ ન હોઈ શકત. એમની હિંમત ન ચાલત આ ગ્રામીણ બોલચાલની ભાષાનો પ્રયોગ કરવાની. ખરેખર તો પન્નાલાલની ‘મળેલા જીવ' એ ઉમાશંકરની ‘શ્રાવણી મેળો' વાર્તાનું એક્સટેંશન છે – હું તો એમ કહું. ‘શ્રાવણી મેળો'નો મેળો તેનું ચગડોળ એ ‘મળેલા જીવ'નો આરંભ છે. પન્નાલાલને ત્યાંથી ધક્કો લાગ્યો છે. પછી એમનો આખો અનુભવ જુદો છે - પન્નાલાલનો પોતાનો છે. અને કવિતા ! આજે ‘સમગ્ર કવિતા' જ્યારે આપણે વાંચીએ અને ‘વિશ્વશાંતિ’થી માંડીને ‘પંખીલોક' સુધી આવીએ ત્યારે લાગે કે આ જે લગભગ પચાસ વરસ તેમણે જે કવિતા કરી, તેમાં ગુજરાતી કવિતાની વિવિધ પ્રકારની ક્ષમતાઓ તાગી છે અને સમયે સમયે તેમાં આવતાં વિવિધ આંદોલનોમાં ક્યારેક એ આગળ રહ્યા છે, તો ક્યારેક આધુનિકોની પાછળ રહીને પણ તે આગળ નીકળી ગયા છે. કવિતામાં સહુથી મોટી વસ્તુ તે તેમની નિષ્ઠા, કાવ્યરચના પ્રત્યે. એમાં કવિનું એક ‘વિઝન’ ડોકાય. અત્યારે ગુજરાતી કવિતા જાણે ગીતગઝલમાં સીમિત થઈ ગઈ છે. એની સામે આપણે ઉમાશંકરને મૂકીએ ત્યારે આપણને લાગે કે મોટો કવિ – મેજર પોએટ કોને કહેવાય. આજની સંસ્કૃતિ આજની રાજનીતિ, આજની સમાજનીતિ આખું રાષ્ટ્ર અને ‘સ્પિરિટ ઑફ ટાઇમ, સ્પિરિટ ઑફ સ્પેઇસ' એ પોતાની રચનામાં લઈ આવવાની વાત છે. તે રીતે બહુ મોટા કવિ છે. પછીના કવિઓ આ કક્ષાએ પહોંચેલા નથી. સુંદરમ્ હતા એક સમયે ૧૯૫૦ સુધી. પણ પછીના સુંદરમ્ તો - પ્રતિબદ્ધ આધ્યાત્મિક રચનાઓમાં જ સરી ગયા અને એમાં પણ કોઈ મહાન રચના તેમણે આપી નથી. જ્યારે ઉમાશંક૨ ઓગણીસો એક્યાશીમાં ‘સપ્તપદી’ લઈને આવે, ‘પંખીલોક' જેવી કૃતિ લઈને આવે – એ રીતે સતત વર્ધમાન કવિ લાગે. એમાં પણ તમે જુઓ : એવી રીતે કવિ વાત કરતા હોય, તમને પણ કદાચ કોઈ પંખી વિશે પૂછ્યું હશે કે આ પંખી કયું છે ? એટલે એ રચના કરતા ગયા અને એમણે જોયું કે, હું, ‘છિન્નભિન્ન છું' તો આમાંથી એકકેન્દ્ર થવું હોય તો શું ? તો મારા માટે એક કવિ માટે, ક્રિયેશન-સર્જન એ માત્ર જ જોડનાર વસ્તુ છે. અને એ સર્જકતા તેમણે સિદ્ધ કરી. કુલપતિ તરીકેનાં કામોમાં અને બીજા એડમિનિસ્ટ્રેટિવ કામોમાં એ ન ભરાઈ પડ્યા હોત તો કદાચ કવિતામાં તેમણે વધારે કામ કર્યું હોત, પણ એ તો માને છે કે રાજનીતિ કે આ બધી વસ્તુઓને પણ હું જીવનનો એક ભાગ ગણું છું અને એમણે કોઈ આભડછેટ રાખ્યા વિના માત્ર ને માત્ર હું કવિ ને મારે બીજું કશું નહીં જોવાનું તેવું રાખ્યું નથી. આ પણ એક વસ્તુ જાણવા જેવી તેમનામાંથી મળે કે, એક સમગ્ર માણસ કેવો હોઈ શકે, પૂરો માણસ કેવો હોઈ શકે? ‘મેન ઈન ટોટાલિટી'- તેનું વિઝન કેવું હોઈ શકે તે ઉમાશંકરના જીવનમાંથી જોવા મળે. એ કુલપતિ તરીકે હોય, એ શિક્ષકો સાથે હોય, બાળકો સાથે હોય, ઘર-ગૃહસ્થ કુટુંબ સાથે હોય, એ લગ્નપ્રસંગે ગયા હોય ને પછી ખિસ્સામાંથી રૂપિયા કાઢી ચાંદલા કરતા જોયા હોય, છોકરાઓને મળ્યા હોય, ટેબલ પર લખતા હોય ને તમને ચા બનાવીને પાતા હોય અને યુનિવર્સિટી અને વિશ્વ સેમિનારોની અંદર એ રશિયામાં તૉલ્સ્તૉયના વતન યાસ્નાયા પોલ્યાના ગયા હોય, કે જાપાન પી. ઈ. એન. કોન્ફરન્સમાં ગયા હોય... ત્યાં આગળ જઈને ઊભા રહીને બોલતા હોય અને રશિયન પ્રધાનો જે મંચ પર બેઠેલા હોય ત્યાં એ જ મંચથી પોતાની વાત કરતા હોય એ ઉમાશંકર અને ચા-ટેબલ પર બેસીને હસતા ને ચા પીતા અને વિશ્વના આવા બૌદ્ધિકોને રાજનીતિજ્ઞોને મળતા ઉમાશંકર. આ એક સમગ્ર માણસ તરીકેનું એક વિઝન છે તે ઉમાશંક૨માં આપણને જોવા મળે છે. કવિતા તો એમની છે જ. બીજી બધી વસ્તુ કદાચ ચાલી જાય પણ તેમની કવિતા અને સાહિત્ય તો એમના આ સમગ્ર બીઈંગમાંથી પ્રકટ્યાં છે. એ પ્રેમાળ પિતા, પ્રેમાળ પતિ, પ્રેમાળ ગુરુ – આ બધું છે ને છતાં એક વ્યક્તિ તરીકે એવું લાગે કે તેમનામાં ઊર્ધ્વ એવી કંઈક વસ્તુ છે જ્યાં આપણે પહોંચી શકીએ નહીં. એવી વસ્તુ પણ એમનામાં રહેલી છે. એટલે આ જે હેલો (આંત૨ વ્યક્તિત્વનું આભામંડલ) ક્યારેક તમે અનુભવો પણ આ હેલો તેમણે ઊભો કરેલો નથી – જે ધર્મગુરુઓ કરે છે તે રીતે. પણ આપણને થાય ઘણા મિત્રોએ પણ અનુભવેલું લખેલું છે કે, ઉમાશંક૨ ક્યાંક આપણાથી બહુ દૂર છે એવું પણ લાગે. આ જે સમગ્ર ઉમાશંકર છે તે વિરલ છે. એ એમના સમકાલીન બંગાળી સમર્થ કવિ બુદ્ધદેવ બસુમાં મેં નથી જોયું. હિન્દી કવિ અજ્ઞેયજીમાં મેં થોડુંક જોયેલું છે. એ રાજનીતિમાં પડવું, એ જેલોમાં સબડવું, એ હિંદીભાષા માટે કામ કરવું. બુદ્ધદેવે પણ એ જ રીતે બંગાળી ભાષા માટે કામ કર્યું, પણ રાજનીતિથી અલિપ્ત રહ્યા. તો આ જે ત્રણ સમકાલીનો છે એમને સાથે રાખીને જુઓ તો થાય કે, બૌદ્ધિક સ્તરે, સર્જનાત્મક સ્તરે પોતાની ભાષાને એ સૌએ ઉન્નત કરી છે, પણ તેમાં ઉમાશંકર જરા જુદા પડી જાય. અજ્ઞેયજી અને ઉમાશંક૨માં ફે૨ એ કે અમુક જે નૈતિક મૂલ્યો છે, જે અમુક સંબંધોની વ્યાખ્યા એ જે રીતે કરે છે અજ્ઞેયજી તેમાંથી થોડા મુક્ત છે. બહાર છે, એ કલાકાર જીવ છે તેમ તમને લાગે.

યજ્ઞેશ : પણ સમગ્ર માણસ, જે આપણને જૂજ દેખાય, તેમાંના એક ઉમાશંકર હતા. ભોળાભાઈ : હા, અવશ્ય.

યજ્ઞેશ : જેમ ઉમાશંકર એમ ભાયાણીસાહેબ. સાક્ષરોની છેલ્લી પેઢીના એ વિદ્વાનો કહી શકાય. તમે ભાયાણીસાહેબના પણ નજીકના પરિચયમાં આવ્યા. એમની સાથે નજીકનો ઘરોબો થયો. તો, ભાયાણીસાહેબની કઈ વિશેષતા તમને આકર્ષી ગઈ અને આજે ભાયાણીસાહેબ નથી ત્યારે તમે તેમને કઈ રીતે જુઓ છો? ભોળાભાઈ : યજ્ઞેશભાઈ, ઘણી વાર આપણને મનમાં કાંઈ પ્રશ્ન ઊઠે, ત્યારે થાય કે કોઈકને જઈને પૂછી આવીએ. જો ઉમાશંકર છે તો એમને પૂછી આવીએ. એવા જ ભાયાણીસાહેબ હતા. કોઈ પણ વિદ્યાક્ષેત્રનો કોઈ પણ પ્રશ્ન હોય, તો તેનો કંઈક ઉપાય, એનો કોઈ જવાબ આપણને જોઈતો હોય તો તેમની પાસેથી મળે. જેમનું જ્ઞાન આપણને આલોકિત કરી શકે. એમાંના એક વિદ્વાન હતા ભાયાણીસાહેબ. એ આમ તો કહેવાય ભાષાવિજ્ઞાનના, ભાષાના, ભાષાના ઐતિહાસિક વિકાસના, વ્યાકરણના, સંસ્કૃતના, મધ્યકાલીન ગુજરાતીના વિદ્વાન, પણ એમને કેટકેટલા વિષયોમાં રસ ! સાહિત્યની તો બધી જ ધારાઓમાં રસ હતો. બધા જ પ્રકારના સાહિત્યમાં એમને રસ. વિદ્વાનોમાં સામાન્ય રીતે શૃંગા૨ માટેનો અભાવો હોય છે, કંઈ નહીં તો એ વિશે સંકોચ કરતા હોય, જ્યારે ભાયાણીસાહેબ તો શૃંગા૨૨સની ગાથા આપણી આગળ એનું સમગ્ર સૌંદર્ય પ્રગટ થાય તે રીતે રજૂ કરે. એટલું જ નહીં, તેનો ગુજરાતી અનુવાદ પણ કરે અને ક્યારેક તો એકલા બેઠા હોય અને આવી કોઈ ગાથા યાદ આવી ગઈ હોય તો સીધું કોમ્યુનીકેશન શક્ય ન હોય તો આપણને એક પોસ્ટકાર્ડ લખી નાખે. એવાં અનેક પોસ્ટકાર્ડ મારી પાસે છે જેમાં તેમણે ગાથા લખી હોય ને તેનો તાત્કાલિક અનુવાદ કરી કાઢેલો હોય. એટલે કહેવાનો આશય એ છે કે એ પણ એક રીતે સમગ્ર જીવનનો સ્વીકાર કરનારા હતા. એમને કલાઓમાં રસ હતો, સ્થાપત્યમાં રસ હતો. એટલે મધુસૂદન ઢાંકી જેવા માણસ એમની સાથે કલાની, સ્થાપત્યની, પ્રાચીન સ્થાપત્યવિષયક ગ્રંથોની પણ ચર્ચા કરી શકે. અને દલસુખ માલવણિયા જેવા એમની જોડે બેસે ત્યારે જૈન દર્શનોની, જૈન ગ્રંથોની, હસ્તપ્રતોની, એના વાચનાની વાત કરે. ભાયાણીસાહેબ સાથે પંડિત સુખલાલજી પાસે જવાનો મોકો મને બે-ત્રણ વા૨ મળેલો. પંડિતજી જોડે વાત કરતા હોય ત્યારે એમનું જુદુ વ્યક્તિત્વ પ્રગટ થાય. એ જ રીતે વિશેષ કરીને મુનિ જીવનવિજયજી સાથે વાત કરતા હોય ત્યારે પણ. ભારતીય વિદ્યાભવનમાં ભાયાણીસાહેબ વિદ્યાર્થી હતા અને જ્યારે તેમણે મુનિ જિનવિજયજી પાસે પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું ત્યારે મુનિજી કેવી રીતે કામ કરતા, અને જૈન મુનિ હોવા છતાં કેવી રીતે જર્મની ગયા, અને ત્યાંથી વિદ્યા શીખીને આવ્યા અને સાધુનાં બધાં બાહ્ય લક્ષણો જૈન ધર્મનાં હોય તે છોડીને કેવી રીતે વિદ્યાની ઉપાસના કરી એની જ્યારે વાત કરે, ત્યારે વિદ્યોપાસના એ કઈ વસ્તુ છે તેનો આપણને ખ્યાલ આવે. અને એ જ રીતે ભાયાણીસાહેબ સંગીતની ચર્ચા હોય, સંગીતનો આનંદ લેતા હોય આ બધું પણ તેમના વ્યક્તિનો ભાગ હતો. રામપ્રસાદ બક્ષી જોડે તો એમનો સંસ્કૃતમાં પત્રવ્યવહાર ચાલે. ભાયાણીસાહેબ સંસ્કૃતમાં લખે તો સામેથી સંસ્કૃતમાં જવાબ આવે. મુંબઈની આખી મંડળીની વાત કરે. એ સાહિત્યકાર મિત્રોની, એમાં સુરેશ જોષી પણ હોય, સુરેશ દલાલ પણ હોય, ક્યારેક મુનશીની વાત હોય, ગુલાબદાસ બ્રોકરની વાત હોય. ભાયાણીસાહેબમાં પણ જીવનની ટોટાલિટીનાં દર્શન થાય. તમને આશ્ચર્ય થશે કે વ૨સાદ પડે ને જાંબુ આવે તો જાંબુ ખાવાનાં હોય. એ પછી અન્ય ૠતુ આવે તો એનાં ફળ હોય, માત્ર ખાવાનાં નહીં, એના સ્વાદની, એના રંગની ચર્ચા કરવાની હોય. પછી એમનો સહજોદ્ગાર એમ... એમ... એમ... !!! અનિરુદ્ધ હતા ત્યારે અમારે એક વાર ચક્રવાકની ચર્ચા થઈ. ચક્રવાક એવું પક્ષી છે જે સામાન્ય રીતે જોવા ન મળે. ચક્રવાક જોવા અમે ખાસ કાંકરિયા ઝૂમાં ગયા અને ચક્રવાકને આયડેન્ટિફાય કર્યું. અનિરુદ્ધ તો ખરા જ, સાથે ભાયાણીસાહેબ પણ હતા. એવો જ રસ તેમને વિવિધ બોલીઓમાં, ઉત્તર ગુજરાતની બોલી કેવી છે તે સાંભળવા મેળો ભરાય ત્યારે જવાનું નક્કી કર્યું. અહીંથી ખાસ ગયા અને ટ્રકમાં મેળામાં એમને ફેરવ્યા અને લોકોના સમુદાય વચ્ચે ફર્યા. ઉત્તર ગુજરાતમાં લોકો કેવી રીતે બોલે છે તે ધ્યાનથી સાંભળ્યું. તો આ જે વસ્તુ છે - જીવન માટેનું કૌતુક તે તેમનામાં હતું, જે બાણભટ્ટમાં હતું. બાણભટ્ટને રાજાના દરબારમાંથી કહેણ હતું. કહેણ એવી રીતનું હતું કે જાણે રાજા ઠપકો આપવાના છે. બાણભટ્ટને તેની ખબર હતી. તોપણ દરબારમાં જતા પહેલાં લઈ જનાર દ્વારિકને પૂછે છે કે, ‘આ શું છે ?’ દ્વારિક કહે છે કે, ‘આ રાજા હર્ષના હાથીનો વાડો છે.' બાણભટ્ટ કહે, ‘હા એમના હાથી દર્પશાત વિશે મેં ઘણું સાંભળ્યું છે. તને વાંધો ન હોય તો આપણે એ હાથીને જોતા જઈએ.' પછી એણે જે હાથી જોયો, પોતાના ‘હર્ષચિરત'માં હાથીનું સડસઠ લીટીના એક કાવ્યમાં વર્ણન કર્યું છે. આવું કૌતુક, જે બાણભટ્ટમાં હતું તે ભાયાણીસાહેબમાં દેખાય. એ જ્યારે હાઈલેન્ડપાર્ક સોસાયટીમાં રહેવા ગયા ત્યારે એ બંગલો હતો. ત્યાં આંગણામાં ઝાડ વાવે. એને ફૂલો આવે, પછી કહે : જો આ સફેદ ફૂલ છે તે કાંચનારનું ફૂલ છે. આ આનું ફૂલ છે. એ ફૂલની વાત કરે. પછી એ વિષેનો શ્લોક શોધી કાઢે, પછી એની વાત કરે. કોઈ જાપાની હાઈકુ હોય તો એ હાઈકુ અને આપણા મધ્યકાલીન મુક્તકને જોડે મૂકીને કહે કે, જુઓ, આ વાત બંનેમાં કેવી રીતે આવે છે. એનો આસ્વાદ કેવી રીતે લેવો, તે પ્રક્રિયા કેવી હોય તે વાત પણ એમાં આવે. પછી કૃષ્ણકવિતાની વાત નીકળે. પહેલી કૃષ્ણકવિતા ક્યાં ? ગુજરાતીમાં પહેલી કૃષ્ણકવિતા કોની, કેવી રીતની? એમાંથી ભાગવતની વાત નીકળી કે ભાગવતની રચનારીતિ કઈ છે ? તો એ રચનારીતિ માટે અમે એનો દશમસ્કંધ વાંચવાનું શરૂ કર્યું – મૂળ સંસ્કૃતમાં. પછી તો તેમણે કૃષ્ણકવિતા વિશે પુસ્તક પણ કર્યું. આમ એમનાં અનેક કામોની વચ્ચે આ વાતો ચાલે. ભાયાણીસાહેબનાં તો સંસ્કૃતનાં, પ્રાકૃતનાં, જૂની ગુજરાતીનાં, ઐતિહાસિક વ્યાકરણનાં, વ્યુત્પત્તિશાસ્ત્રનાં અનેક કામો ચાલતાં હોય. એ બધાં કામોની વચ્ચે એ આ બધા વિષયોમાં રસ લે. અને સૌથી મોટામાં મોટી ખૂબી એ કે ગમે તેવું કામ કરતા હોય પણ તમે જાઓ એટલે કે જાણે અનંત અવકાશ છે, ફુરસદ છે અને વાતો કર્યા સિવાય કશું કામ જ નથી એ રીતનો એપ્રોચ. આપણે ગયા છીએ ને તેમનો સમય બગડે છે એવી કોઈ વાત નહીં. નગીનદાસ (પારેખ) આગળ એવું હતું કે તમારી કામની જ વાત થાય. કામ પૂરું થાય એટલે ઊભા થઈ - સામાન્ય રીતે - નીકળી જવું પડે અને ભાયાણીસાહેબ આગળ એવું હતું કે જ્યાં સુધી તમે બેઠા હો ત્યાં સુધી વાતો ચાલે ને હાસ્યના ફુવારાઓ ઊડે. ઉમાશંકર એમ કહેતા કે રસ્તે જતાં જતાં કોઈ માણસ ઊભો રહીને જોરજોરથી દલીલો કરતો હોય તો તરત ખબર પડી જાય કે ભાયાણીસાહેબ છે. અને જો દલીલમાં વિરોધનો સૂર આવે તો એકદમ લાલઘૂમ થઈ જાય એવી દલીલો કરતા. પણ એમનું મુક્ત હાસ્ય... એના ફુવારાઓ જોઈ એવું લાગે કે આવું જે ફ્રેગાઈલ બોડી એમાંથી આવો જોરદાર ફુવારો કેવી રીતે નીકળે છે ? આશ્ચર્ય થાય. તો આવો તેમનો જીવનમાં રસ. એ સાથે જૈન મુનિશ્રીઓ શીલચંદ્રસૂરી મહારાજ છે કે આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ છે તેમની સાથે ભળે. એમની જોડે સૈદ્ધાંતિક વિવાદ પણ થાય. એ પોતાનો મત રજૂ કરે, પણ સાથેસાથે બધાની સાથે એમને સંબંધ હોય. એમના વ્યક્તિત્વનું બીજું એક પાસું. હાઈલેન્ડ પાર્કમાં રહેતા ત્યાં આંગણામાં હીંચકો બાંધેલો. આસપાસના ઘણા છોકરાઓ આવે અને ભાયાણીસાહેબને વળગે. ‘દાદા વાર્તા કહોને.' તો બધાં છોકરાંઓને વાર્તા કહેતા હોય. પંડિત સુખલાલજી સાથે સંવાદવિવાદ કરનારા માણસ છોકરાંઓને વાર્તા પણ કહેતા હોય. એવું એમનું વ્યક્તિત્વ. પરદેશના વિદ્વાનો સાથે સતત પત્રવ્યવહાર ચાલે. પ્રોફેસર રાઈટ જે અત્યારે ટર્નરની નેપાલી ડિક્ષનેરીનું સંપાદન કરી રહ્યા છે તેમની સાથે ભાયાણીસાહેબનો સતત પત્રવ્યવહાર ચાલે. એમના જ્ઞાન-પ્રદાનને કારણે લંડન યુનિવર્સિટીની પ્રસિદ્ધ ઓરિયેન્ટલ સ્કૂલની ફેલોશિપ એમને આપવામાં આવી, જે બહુ વિરલ સન્માન છે. એવાં તો અનેક સન્માનો તેમને મળ્યાં... તેની વાત આપણે નહીં કરીએ. આવાં માનસન્માનને વળોટીને એમની વિદ્યોપાસના સતત ચાલુ જ. આવા એક વિદ્વાનની નજીક જવાનું મળ્યું. એમની જોડે વાર્તાલાપ ક૨વાનું મળ્યું. કેટલીક વખત તો વહેલી સવારે અમે ભ્રમણ કરવા નીકળતા. જ્યારે તેઓ મહાદેવનગરમાં રહેતા હતા ત્યારે નક્કી કર્યું કે, સાથે ચાલવા માટે જઈએ. પછી અનેક વિષયો પર વાર્તાલાપ ચાલે. કેટલીક વખત સાંજે ચાલવાનું નક્કી કરે. ક્યારેક એમની વાત સાથે મતભેદ પણ થાય. ક્યારે ઉગ્ર ભાષામાં વાત પણ કરે. આ બધી જ વસ્તુઓ હોવા છતાં આવા એક જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓમાં સર્વતોમુખી રસ લેતા વિદ્વાન, અને ગુજરાતી ભાષાની અંદર આ બધી વસ્તુઓ લઈ આવતા અને અંગ્રેજી ભાષામાં પણ મૂકતા. આવા વિદ્વાન, એમની પેઢી, તમે કહ્યું તેમ વિરલ થઈ ગઈ છે. હવે એવા માણસો લગભગ રહ્યા નથી. એ સતત કામ કરતા રહેતા. છેલ્લા દિવસોમાં તો એઓ જ્યારે બહુ દુર્બળ બની ગયા હતા તોપણ જાણે કે એમને ખબર પડી ગઈ હોય તેમ એક પછી એક કામ આટોપવા માંડ્યા હતા. એક કામ પતે પછી બીજું કામ, પછી ત્રીજું કામ. પ્રૂફ સતત જોતા. ક્યારેક વિનોદ પણ કરતા કે સામાન્ય રીતે માણસનું અવસાન થાય ત્યારે નનામીની ચારે બાજુ શ્રીફળ રાખવામાં આવે, તો આપણે તો એમ કહેવાનું કે મારા અવસાન પછી ચારે બાજુ પ્રૂફનાં બંડલ બાંધજો. (હાસ્ય) છેલ્લે સુધી જ્ઞાનચર્યાની વચ્ચે જ જીવ્યા અને એમના જ્ઞાનનો લાભ - એક રીતે કહો તો ઉપનિષદ રચાતું રહ્યું. રઘુવીરના તો એ પડોશી હતા. પહેલાં જ્યારે મહાદેવનગરમાં રહેતા ત્યારે તો બંને એક જ બ્લોકમાં રહેતા હતા. એ રીતે રઘુવીરની સાથે હું એમને મળવા જાઉં. ૧૯૬૩-૬૪થી માંડીને છેલ્લે સુધી લગભગ ત્રણ-ચાર દાયકા સુધી એમની સાથે રહેવા મળ્યું. એમની પાસેથી ગુરુજ્ઞાન મળતું. જઈએ એટલે નવી ચોપડી આપણા હાથમાં ધરી દે, અને હિંદીની પણ એવી ચોપડીઓ જે અમને હિંદીના અધ્યાપકને પણ ખબર ન હોય, અને એમાં પશ્ચિમના વિદ્વાનોએ સંશોધન કરેલું હોય તે આપે. ફ્રેન્ચ વિદુષી વૉદવિલનું ‘કબીર’તમારા હાથમાં આપે કે ‘કૃષ્ણકાવ્ય’ વિશે કંઈ કામ થયેલું હોય તે આપે. તો આ હતી તેમની એક વિશેષતા.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે બંગાળના તો ઘણા જ સાહિત્યકારો વિદ્વાનોના પરિચયમાં આવ્યા, હિંદીના પણ વિદ્વાનોના પરિચયમાં આવ્યા જેમ કે, નામવર સિંહજી, વિદ્યાનિવાસ મિશ્ર, અજ્ઞેયજી છે. એવી રીતે ભારતની બીજી ભાષાઓના જે વરિષ્ઠ સાહિત્યકારો છે તેમાંથી કોની સાથે તમારે વધારે ટ્યુનિંગ થયું હોય, મજા આવી હોય ? ભોળાભાઈ : જેમને મળવાનું ઓછું થયું હોય, પણ જેમની સાથે ટ્યુનિંગ થયેલું હોય એવા સાહિત્યકારોમાં અસમિયા ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર છે. જે પછી સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ થયેલા તે વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય. જ્યારે હું ગુવાહાટી ગયેલો ત્યારે ઉમાશંક૨ભાઈએ તેમને જાણ કરી રાખેલી કે હું ત્યાં જવાનો છું એટલે ખાસ મળવા માટે આવ્યા, અને જુદા જુદા વિદ્વાનોને મળવા માટે લઈ ગયા. એમના ઘરે લઈ ગયા. ગુવાહાટીમાં બ્રહ્મપુત્રને તીરે જે ખરગુલી પહાડી છે અને જ્યાં નવગ્રહનું મંદિર છે ત્યાં એમનું ઘર છે. ત્યાં બેસીને બ્રહ્મપુત્રનો પ્રવાહ વહેતો હતો તે મને બતાવ્યો અને બ્રહ્મપુત્ર વિશેની પોતાની કવિતાઓ વાંચી. અને પછી જે બે-ચાર દિવસ એમની સાથે રહેવાનું થયું તે, અને પછી જ્યારે જ્યારે મળવાનું થયું, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ થયા ત્યારે... એક સરસ, સહજ, સજ્જન હોય એ રીતનો એમની સાથેનો એક પરિચય થયો. બીજો પરિચય નિર્મલપ્રભા સાથે. એ પણ અસમિયાનાં કવયિત્રી. સાહિત્ય અકાદેમીની કાર્યવાહક સમિતિમાં જ્યારે હું હતો ત્યારે એ પણ હતાં. એમને પણ જ્યારે ગુવાહાટી મળવાનું થયું ત્યારે ગુવાહાટી યુનિવર્સિટીમાં યુથફેસ્ટીવલ ચાલતો હતો. એમણે કહ્યું : ચાલો આપણે ત્યાં જઈએ. અમે પગરિક્ષામાં બેસીને યુનિવર્સિટી પહોંચી ગયાં. એના એક વિભાગનાં એ અધ્યક્ષ હતાં. ત્યાં અનેક લોકોને મળ્યાં ને ચર્ચાઓ થઈ. પછી રૂમ પર આવીને એમની કવિતાનું વાચન. એમ એમની સાથે એક ટ્યુનિંગ થયું. બીજાં લેખિકા, જેમની સાથે ટ્યુનિંગ થયું તે કેતકી કુશારી ડાયસન. હું શાંતિનિકેતન હતો તે વખતે તે ત્યાં ઑક્સફર્ડથી ફેલો થઈને આવેલાં- શોર્ટ ટર્મ ફેલો. પણ એમની સાથે એકદમ ટ્યુનિંગ થઈ ગયેલું. એ દ્વિભાષી કવયિત્રી. અંગ્રેજીમાં પણ કવિતાઓ લખે, બંગાળીમાં પણ કવિતા લખે. એમનું શિક્ષણ કલકત્તામાં અને ઑક્સફર્ડમાં. નોવેલિસ્ટ અને શોર્ટ સ્ટોરીરાઈટર ખરાં. મોટાં રિસર્ચ સ્કોલર. વિક્ટોરિયા ઓકામ્પો અને ટાગોરના પત્રવ્યવહારનું પુસ્તક ઍડિટ કર્યું છે, ‘ઈન યોર બ્લોસમિંગ ફ્લાવ૨ ગાર્ડન'. એ પુસ્તક અંગેનું સંશોધન એ વખતે કરતાં હતાં. ટાગો૨-ઓકામ્પોના પત્રો એ વાંચતાં. રવીન્દ્રભવનમાં અમારાં બંનેનાં ટેબલ પાસે એટલે એની વાત કરે. એટલું જ નહીં, વરસાદ પડે એટલે કહે : ભોળાભાઈ ચાલો વરસાદ પડી રહ્યો છે. અને પછી રવીન્દ્રભવનની બાલ્કનીમાં બહાર જઈ... ઊભાં રહીએ. પછી વરસાદ અને વ૨સાદમાં નાહતા ચંપા જોતાં એ પોતાના પ્રેમની પણ વાત કરે અને કિશોરાવસ્થાનાં આવાં બધાં ‘એડવેન્ચર’ની પણ વાત કરે. આ એક ટ્યુનિંગ, એટલે સુધી કે અમદાવાદમાં પણ થોડો સમય આવીને રહ્યાં. અને પછી જ્યારે ઑક્સફર્ડ પાસેનું તેમનું ગામ છે કિડલિંગ્ટન – જવાનું થયું ત્યારે થોડો વખત માટે પણ મળવા ગયો. પછી ફરી જ્યારે મારે ઇંગ્લૅન્ડ જવાનું થયું ત્યારે લંડનમાં બેત્રણ કલાક સુધી આવીને વાતો કરી. એ રીતે એમની સાથે સતત ટ્યુનિંગ આજે પણ ચાલુ છે. એમનો પત્ર આવે જ. હવે ઈ- મેઈલને લીધે સહેલું પડે છે. હવે આ બધાં તો મારાં સમવયસ્કો કહેવાય. કેતકી થોડાં નાનાં. એક અસમિયા ભાષાના મિત્ર છે સુનીલકુમાર. એ લેખક નથી, એક અધ્યાપક છે. એમની સાથે મારું એ રીતનું ટ્યુનિંગ થયું કે, અસમિયા ભાષા થોડી મને આવડતી તો હતી, પણ એમણે મને વ્યાકરણ સહિત અસમિયા ભાષાનો બેઝિક કોર્સ કરાવ્યો, અને પછી એનું લોકસાહિત્ય, ભક્તિસાહિત્ય અને સમગ્ર સાહિત્યનો પરિચય કરાવ્યો. અમે લગભગ ત્રણસો ચારસો અસમિયા કવિતાઓ સાથે વાંચી હશે. પછી અમે અસમમાં સાથે ફર્યા. એ માઝુલી દ્વિપ હોય કે શિવસાગર હોય, અમે સાથે ફર્યા. એમણે મને અસમની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. તમારી જ વયના છે. મારા કરતાં ઘણા નાના છે. પણ એમની સાથે અમારો ‘ડાયલોગ’ ચાલે છે. આજે પણ સાંજે રાત્રે ફોન કરું તો પૂછું કે ‘જમ્યા કે નહીં ?’ તો કહે ‘ના, હજી બની રહ્યું છે. - એ મોડા જમે એટલે. એવા મિત્રોમાં કૈલાસ પટનાયક ઓડિશાના, તેમની સાથે પણ ડાયલોગ ચાલે છે. આમ જુદી જુદી ભાષાઓના લોકો સાથે સંવાદ સધાયો. આવો છેલ્લો સંવાદ બંગાળી ભાષાના પ્રસિદ્ધ લેખક દેવેશ રાય સાથે થયો. મને ખબર નહીં, કે જીવનાનંદ દાસના આવા ચાહક હશે ! આમ, આ બધા લેખકો સાથે સંવાદ સધાયો. દેવેશ રાયની વાત તો આ મુલાકાતમાં અન્યત્ર પણ કરી છે.

યજ્ઞેશ : 'પરબ' સાથે તમે દસકાઓ સુધી સંકળાયેલા રહ્યા. તમે 'પરબ'ને ઘડ્યું અને 'પરબ'ને ઘડતાં ઘડતાં તમે પણ ઘડાતા ગયા હશો. તમે જે પ્રસાદી પીરસી તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી' અને ‘આવ, ગિરા ગુજરાતી' પુસ્તકોરૂપે અને બીજા રૂપે પણ ભાવકોને વહેંચી. એ બહાને આપને નિયમિત લખવાનું થયું. અનેક પ્રકારના સાહિત્યના પ્રવાહોના વિહંગાવલોકનોનો પણ મોકો મળ્યો તો તમારો એ અનુભવ કેવો રહ્યો ? ભોળાભાઈ : હા, હું એને એક શિક્ષણ ગણું છું, આત્મઘડતરનું એક માધ્યમ પણ ગણું છું અને તમે કહ્યું તેમ ‘પરબ’ને ઘડવા કરતાં પરબે મને ઘડ્યો એમ કહેવું યોગ્ય થશે.

યજ્ઞેશ : ના, ભોળાભાઈ બંને પ્રક્રિયા સાથે જ ચાલતી હોય છે. ભોળાભાઈ : પણ હું એમ માનું છું કે, હું ઘડાયો વધારે પરબને લીધે. વિચારવાની એક દિશા, લખવાની એક દિશા, સર્જાતા સાહિત્યનો સંપર્ક રાખવાની અને એના વિવેકશીલ સંપાદનની આખી દિશા મને મળી. આ પહેલાં સંપાદનનું પ્રશિક્ષણ ઉમાશંક૨ભાઈ સાથે રહેવાને કારણે મળેલું. એ ‘સંસ્કૃતિ’નું સંપાદન કરતા હતા. ક્યારેક ‘સંસ્કૃતિ'નો અંક તૈયા૨ ક૨તા હોય ત્યારે તેમની સાથે હું બેઠો હોઉં. તેમનું એક સૂત્ર હતું : કોઈ પણ અંક હોય એ જાણે છેલ્લો અંક હોય તેમ આપણી પાસે જે સામગ્રી આવી છે તેમાંથી જે ઉત્તમ હોય તે વ્યવસ્થિત મૂકી દેવી જોઈએ અને દરેક અંક ‘જીવંત’ બનવો જોઈએ. જો અંક જીવંત ન બને તો આપણું કામ બરાબર નહીં. બધી વસ્તુ શીખવા મળી. વાંચવું, ક્યાંક સુધારવું, લેખકનું સ્વાતંત્ર્ય રક્ષવું, લેખક આપણા પર તેની કૃતિ મોકલે છે તે આપણા પર ઉપકાર છે, નહીં કે, આપણે છાપીએ છીએ એવો ભાવ. આ બધી ‘સંસ્કૃતિ’- સંપાદનની રીતિ આ સંપાદનકાર્યમાં એક અનૌપચારિક સહાયક તરીકે પાંચ-સાત વરસ જોડાવાનું બન્યું હતું તેથી સાહિત્યિક સામયિકના સંપાદનનો ખ્યાલ આવતો ગયો હતો. ‘પરબ’ આરંભમાં ત્રૈમાસિક હતું. તેનું મુખ્ય કામ અન્ય અંકો સાથે જ્ઞાનસત્રનો વિશેષાંક કરવો. થોડાક લેખો આવે, તેમાંથી પસંદગી કરવી. વર્ષમાં સભ્યોને કંઈ નહીં તો ૧૨૮ પાનાનું વાચન આપવું. એ ત્રણ મહિને નીકળે પણ ખરું ને ન પણ નીકળે. પણ મેં એને ત્રૈમાસિક રૂપે વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો. ૧૯૭૭થી રઘુવીર ચૌધરીના આગ્રહે એ માસિક થયું. પછી દર મહિને વ્યવસ્થિત રીતે પ્રકટ થવાને કારણે એનું રૂપ બંધાતું ગયું. એ વખતે તે સંશોધન અને સ્વાધ્યાયનું માસિક હતું, વિવેચનનું હતું. પછી એને સર્જનાત્મક બનાવવામાં આવ્યું. તેમાં પણ રઘુવીર ચૌધરીનો આગ્રહ મુખ્ય હતો. ‘પરબ’ સર્જનાત્મક સામયિક બનવાની સાથે મારી જવાબદારીઓ વધી. કાવ્યો, વાર્તાઓ, વિવેચન આદિના લેખો તો હોય જ, અન્ય સ્વરૂપોય આવે. એ વાંચવું, એમાંથી પસંદ કરવું અને એ પસંદ કરેલી સામગ્રી દર અંકે વૈવિધ્યસભર બને એ રીતે ગોઠવવી. આ એક રીત હતી. ‘પરબ’ કદી ભારરૂપ લાગ્યું નથી. તેના વિશેષાંકો કાઢવાના હોય, તો તેનું આગોતરું આયોજન કરવું પડે, પણ એમાં મજા પડતી. એની સાથે અન્ય ગુજરાતી સામયિકો નીકળે છે તેના સંદર્ભમાં એનો વિચાર ક૨વો. લેખકમિત્રોને લખવા માટે અંગત રીતે પણ કહેવું અને તેમની પાસેથી મેળવવું અને જે યોગ્ય ન લાગે તે સાહિત્યકાર મિત્રોને માઠું ન લાગે તે રીતે પાછું વાળવું - આ બધી આખી પ્રક્રિયા હતી, જેની અંદરથી પસાર થવાનું મને મળ્યું. પછી એનું સંપાદકીય લખાતું. ઘણી વાર યજ્ઞેશભાઈ એવું થાય કે શું લખવું સંપાદકીય ? મહિનાથી વિચાર ચાલતો હોય કે અત્યારનો આ જે પ્રશ્ન છે એ વિશે લખું ? આખા દેશમાં જે ચર્ચા ચાલી રહી છે તેને વિશે ? આપણી ભાષાઓની સમસ્યા વિશે ? આપણા સાહિત્યકારોના વ્યવહાર વિશે ? સાહિત્યના અસ્તિત્વ વિશે...આમ લખવાનું ચાલ્યું. ક્યારેક સરસ્વતી સન્માન, ક્યારેક જ્ઞાનપીઠ પુરસ્કાર, ક્યારેક નોબેલ પુરસ્કાર મળ્યો હોય તે વિશે સાહિત્યના વિશાળ ફલક પર, સલમાન રશદી જેવાએ ભારતીય ભાષાઓના સાહિત્ય વિશે જે વિધાનો કર્યાં હોય તેને અંગે પણ લખવાનું હોય. આ બધી વૈશ્વિક સાહિત્યિક ઘટનાઓ અને ભારતીય, ગુજરાતી સાહિત્યિક ઘટનાઓ... આવા કોઈ વિષય વિશે વિચારો વ્યક્ત કરવાનો અવસર ‘પરબ’ના સંપાદક તરીકે મને મળ્યો. પાયાની વાત હતી... ગુજરાતી ભાષા માટેનો પ્રેમ. એને આપણા ગુજરાતી વાચકોમાં અને ભાષકોમાં એનું મહત્ત્વ અને ગૌરવ વધારેમાં વધારે કેમ જાગૃત કરવું તે મારું લક્ષ રહેલું. સામાન્ય રીતે માતૃભાષા અંગે આપણે વાત કરીએ, પણ મેં એ જોયું છે કે એક બંગાળી કે એક મરાઠી જે રીતે પોતાની ભાષા સાથે વળગેલા છે - ઈવન હું તો પંજાબી પણ કહીશ - એ રીતે આપણે આપણી ભાષાને વળગેલા નથી. એ વસ્તુને સતત કહેતા જઈને એના માટે કંઈક કરી શકાય તેવા લેખો સંપાદકીયમાં લખ્યા. એમાં સ્વાધ્યાયલેખો પણ લખ્યા છે. આ રીતે ‘પરબ’નું કામ ચાલ્યું. એમાં બધાનો સહકાર મળ્યો, ટેકો મળ્યો. યુવાન મિત્રોની કવિતા, વાર્તાઓના વાચનનો લાભ એના સંપાદનનિમિત્તે મને મળેલો છે. ‘પરબ’ સાથે સંપાદન અંગે ક્યારેક વાંધો-વિરોધ થયેલો તે ગીત અને ગઝલ વિશે. ગુજરાતીમાં અતિમાત્રામાં લખાતાં ગીત-ગઝલ વિષે મેં એક સંપાદકીય કરેલું, ત્યારે ગઝલ લખનારા ઘણા મિત્રો નારાજ થયેલા. પણ હું માનું છું કે માત્ર ગીત કે ગઝલમાં જ ગુજરાતી કવિતા સીમિત થઈ જશે તો આપણે જે મોટા ગજાના કવિઓ પેદા કરવાના છે તે કરી શકીશું નહીં.

યજ્ઞેશ : ગીત-ગઝલમાં પણ જે પ્રકારનું કામ થવું જોઈએ તે ન થતું હોય. ફોર્મ તો સરસ જ છે. ભોળાભાઈ : ફોર્મ સારું છે. રચના પણ સારી હોય, પણ કવિનો સમગ્ર સંગ્રહ સામે આવે ત્યારે લાગે કે, એક ને એક ગઝલ જ જુદી જુદી રીતે લખેલી છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે સાહિત્યપરિષદ જેવી પ્રજાકીય સાહિત્યસંસ્થા સાથે પણ વચ્ચેથી જોડાયેલા છો. ઉમાશંકરભાઈને આવી સંસ્થાઓના સંદર્ભમાં પ્રશ્ન પૂછેલો, ત્યારે તેમણે ટકોર પણ કરેલી કે, ‘આવી કોઈ સંસ્થાઓ સર્જનની આડે ન આવે તોય ઘણું.' એ એમની કહેવાની રીત હતી. એમણે પણ એનો મહિમા કરેલો. તો આટલી જૂની સંસ્થા, તેની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા છો તો એ અનુબંધની થોડી વાત કરશો ? ભોળાભાઈ : સાહિત્યપરિષદ સાથે જોડાવાનું તો આકસ્મિક જ થયેલું. ૧૯૫૫માં જ્યારે હું ૨૦-૨૧ વર્ષનો તે વ૨સે નડિયાદમાં ગોવર્ધનરામની શતાબ્દી વખતે પરિષદનું સંમેલન હતું એ કેટલામું હતું તે યાદ નથી. એ વખતે પહેલી વાર અધિવેશનમાં ગયેલો. એ વખતે પરિષદ ક. મા. મુનશીના હાથમાંથી લઈ તેને લોકતાંત્રિક બનાવવાનું ઉમાશંકર, કિશનસિંહ ચાવડા, જયંતિ દલાલ, ચૂનીલાલ મડિયા, નિરંજન ભગત વગેરે લેખકોએ આંદોલન કરેલું. એમાં ૨ઘુવી૨ મારી સાથે વિદ્યાર્થી તરીકે જોડાયેલા. એ પછી સાઠમાં તેનું નવું કલેવર બંધાયું. પછી જ્ઞાનસત્રો થવા લાગ્યાં, અધિવેશનો થવા લાગ્યાં. મેં જ્ઞાનસત્રોમાં ભાગ લેવાની શરૂઆત કરી. એ વખતે બધા ઉમાશંકર, સુરેશ જોષીથી માંડીને જ્યોતીન્દ્ર દવેથી માંડીને ભાયાણીસાહેબ જેવા વિદ્વાનો આવે. અમે એ વખતે જુવાન કહેવાઈએ. જ્ઞાનસત્રમાં જુવાન લેખકોને વાત ક૨વાની, રજૂઆત કરવાની તક મળતી. પરિષદે સાહિત્યનું વાતાવરણ ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે અને સાહિત્યને જુદે જુદે સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી અમે કેટલાક મિત્રોએ નિયમિત રીતે અધિવેશનોમાં અને જ્ઞાનસત્રોમાં જવા માંડ્યું. પછી પરિષદના બીજા કાર્યક્રમો હોય, શતાબ્દીઓ હોય, પરિસંવાદો હોય તેમાં સક્રિય થવાનું બન્યું. પરિષદની કાર્યવાહક સમિતિમાં કે પદાધિકારી તરીકે કામ કરવાની મેં ઇચ્છા નહોતી રાખી. પછી ૧૯૮૬થી માંડી ચારેક વર્ષ માટે એક મંત્રી તરીકે કામ ક૨વાનું આવ્યું. એ કામ એક જવાબદારી તરીકે સ્વીકાર્યું, એ એટલા માટે કે આવી સંસ્થાઓ ચાલવી જોઈએ. રઘુવીરના પ્રયત્નોથી જે સંસ્થા એચ. કે. કૉલેજના એક ખંડમાં બેસતી હતી તેનું આખું વિશાળ ભવન થયું, પ્રજાનો ટેકો મળ્યો. અનેકવિધ પ્રવૃત્તિઓ, ગ્રંથાલય, પ્રકાશન આ બધું શરૂ થયું. આ બધામાં સૌ લેખકમિત્રો સાથે રહેવાનો આનંદ છે. મને લાગે છે કે ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવાનું ઘણુંબધું કામ ગુજરાતી સાહિત્યપરિષદે કર્યું છે. રઘુવીરે એક વાર વ્યંગ કરેલો કે, સંસ્થા હોય એટલે બસ કામ કરવાનું હોય નહીં. પણ સંસ્થા હોય અને પ્રવૃત્તિઓ થાય. તમે આજે જોઈ શકો છો કે, કેટલી બધી પ્રવૃત્તિઓ થાય છે ! કેટલા બધા લોકો તેની સાથે જોડાયેલા છે ! અઢી હજાર જેટલા તો આજીવન સભ્યો છે. એ રીતે પરિષદે એક વાતાવરણ ઊભું કર્યું છે. આજે હિંદીભાષી પ્રદેશોમાં પણ આવી કોઈ સંસ્થા નથી. હિંદી સાહિત્ય સંમેલન હતું પણ ઝઘડાઝઘડીમાં લગભગ મૃતઃપ્રાય અવસ્થામાં છે. ‘બંગભાષા પરિષદ’ છે. પણ લગભગ મૃતઃપ્રાય અવસ્થામાં છે. એક મરાઠી સાહિત્ય સંમેલન છે, પણ એમાં રાજનીતિ ઘણી છે. રાજનીતિ તો આપણે ત્યાં હશે, પણ એ સાહિત્યને વિઘાતક નથી. થોડી તો હોય, તે વગર મજા ન આવે. અત્યારે તો એવી સ્થિતિ છે કે જુવાન મિત્રો એમાં ભાગ લઈ રહ્યા છે. એક વખતે ચિંતા થતી હતી કે હવે પછી પરિષદનું શું થશે. ઉમાશંકર, યશવંત શુક્લ વગેરે હતા. પછી રઘુવીર ચૌધરી ને બીજા મિત્રો. પણ પછી શું ? એવી ચિંતા ન રહે તે રીતે યુવાન મિત્રો ભાગ લઈ રહ્યા છે. એટલે પરિષદનું કામ સતત ચાલતું રહેશે અને સારી રીતે ચાલતું રહેશે તેવી આશા બંધાઈ છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, પરિષદ પછી દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમી સાથે સંકળાવાનું થયું. હાલમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છો. તેના લીધે ઘણી પ્રવૃત્તિઓ પણ વિકસી છે. વ્યક્તિનો ફેર તો પડે. તમે વાત કરી કે, ‘પરબ’માં તમે માત્ર ગુજરાતમાં નહીં, પણ દેશ-વિદેશમાં શું ચાલતું તેનો પડઘો પાડતા. તમારી એ દૃષ્ટિનો લાભ હાલ ગુજરાતી સાહિત્ય અકાદમીને પણ મળી રહ્યો છે. એ સંદર્ભમાં તમારા દિલ્હી અકાદમી અને અહીંના ગુજરાત સાહિત્ય અકાદમી સાથેના સંબંધોની વાત કરો. અહીંની અકાદમીમાં હાલ જે કરી રહ્યા છો તેનો આનંદ અને કરવાની ઇચ્છા હોય તેના આયોજનની વાત. ભોળાભાઈ : ગુજરાત સાહિત્ય અકાદમી તો ૧૯૮૪માં સ્થપાઈ હતી. તેનું સામયિક ‘શબ્દસૃષ્ટિ’ પણ નીકળતું હતું. પણ ઉમાશંકર આદિનું કહેવું હતું કે, આ સરકારે સ્થાપેલી સંસ્થા છે, સરકારે નીમેલા પ્રમુખ અને સભ્યો છે. એ સ્વાયત્ત સંસ્થા નથી. રાજ્યના શિક્ષણમંત્રી હોય તે અકાદમીના પ્રમુખ થાય એવી એક પરિસ્થિતિ હતી. એમાંથી કેવી રીતે અકાદમી – ભલે એ સરકારે સ્થાપેલી હોય – એ સ્વાયત્ત બને એવી એક વાત હતી. અને જ્યારે એ માટેની એક સમિતિ નિમાઈ, તે સમિતિના એક સભ્ય તરીકે હું જોડાયો. ત્યારે મનુભાઈ પંચોળી ‘દર્શક’ એના અધ્યક્ષ હતા. અકાદમીનું નવું બંધારણ ઘડવામાં આવ્યું, એની અંદર સાહિત્યકારોના પ્રતિનિધિઓ, સાહિત્યિક સંસ્થાના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સરકારના પ્રતિનિધિઓ એમ મળી ૪૦ સભ્યોની એક સમિતિ બને અને એમાંથી જ પ્રમુખ બને અને એ ચૂંટાઈને આવે એવું આયોજન થયું. ભારતમાં સરકારથી ચાલતી બીજી કોઈ અકાદમીનું આવું લોકતાંત્રિક બંધારણ નથી. સ્વાયત્ત અકાદમીના પહેલા પ્રમુખ મનુભાઈ ‘દર્શક’ હતા. એમની સાથે કારોબારીના સભ્ય તરીકે પાંચ વર્ષ કામ કરતાં મને લાગ્યું કે, અકાદમીમાં ઘણુંબધું કામ થઈ શકે તેમ છે. એટલે પછી જ્યારે બીજા સત્રની ચૂંટણીની વાત આવી ત્યારે મેં વિચાર્યું કે હું પ્રમુખ તરીકે ઊભો રહું તો કદાચ થોડું કામ કરી શકાય. અને એ રીતે અનેક મિત્રોનો ટેકો મળ્યો. અકાદમીના અધ્યક્ષ તરીકે નિર્વાચિત થયા પછી અમે બધી પ્રવૃત્તિઓ વહેંચી નાખી. તમને આશ્ચર્ય થશે કે, અકાદમી દ્વારા અત્યારે દર પંદર દિવસે એક પુસ્તક પ્રગટ થતું હોય છે. લગભગ દર પંદર દિવસે એકાદ પરિસંવાદ થતો હોય અને વરસમાં સો જેટલા સાહિત્યકારોને પ્રકાશન માટે અમે સહાય કરતા હોઈએ છીએ. પુસ્તકપ્રકાશન માટે મુશ્કેલી હોય તેવાં શિષ્ટ પુસ્તકોના પ્રકાશન માટે સહાય કરીએ છીએ. ઉત્તમ પુસ્તકોને ઇનામ આપવાની યોજનામાં પણ ફે૨ફા૨ કર્યો. પહેલાં ઇનામ પેટે વિજેતાઓને ચૅક તેમને ઘરે મોકલાવી દેતા, પણ તેમાં સુધારો કરી સાહિત્યકારોનું ઉચિત સન્માન થાય તે રીતે જાહેર સમારંભ યોજીને એ પારિતોષિક અર્પણ કરવાની પ્રથા દાખલ કરી. આમ ઘણાં નવાં પ્રસ્થાનો કર્યાં. પરિસંવાદો પણ જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદા જુદા વિસ્તારોમાં થાય. આ પરિસંવાદો યુનિવર્સિટી, સાહિત્યિક સંસ્થાઓ, આશ્રમોના સહકારથી કર્યા. આ રીતે પરિસંવાદનું સ્વરૂપ વ્યાપક બનાવ્યું. જે કોઈ સંસ્થાને સમારોહ – પરિસંવાદ કરવો હોય તો અકાદમી ત્યાં જઈને ઊભી રહે તે રીતનો એક એપ્રોચ લીધો. આના કારણે એવું થઈ ગયું છે કે, ક્યારેક તો અમે બધે પહોંચી પણ નથી વળતા. આમ અકાદમી બધે પહોંચી અને તેની પ્રવૃત્તિ બધે પહોંચી. વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આવા કાર્યક્રમોમાં જોડાય તે માટે પણ ખાસ જુદા કાર્યક્રમો કર્યા. જેમકે, છેલ્લાં ત્રણ વરસથી ભાવનગર યુનિવર્સિટીના સહયોગ - સહકારથી વિનોદ જોશી અને મિત્રોએ પાલિતાણા, ભાવનગર અને જૂનાગઢમાં વિશિષ્ઠ કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમોમાં ૧૦૦થી ૧૫૦ વિદ્યાર્થીઓ આવે, ત્રણ દિવસ સુધી રહે, સાહિત્યની ચર્ચા કરે અને એ લોકો જ બધા કાર્યક્રમો ચલાવે. બીજી જગ્યાએ પણ આવા પ્રયોગો કર્યા. વાચનશિબિર, લેખનશિબિરના પ્રયોગો કર્યા. એ રીતે મને એમ લાગ્યું કે, ચર્ચાઓ દ્વારા, શિબિરો દ્વારા, વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા, યુવા લેખકોના સહયોગ દ્વારા આપણે ગુજરાતી ભાષાને જીવંત બનાવી શકીએ. આ પ્રવૃત્તિઓમાં પરિષદ આદિ સંસ્થાઓની સાથે રહીને કામ કર્યું. તેની સાથે સ્પર્ધાનો તો કોઈ ભાવ હોય જ નહીં. આ જ રીતે જુદી જુદી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના સહકારથી પણ કામ કર્યું, જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ થઈ શકે. બીજું પ્રકાશનના ક્ષેત્રમાં અમે મહત્ત્વનું કામ કર્યું. અપ્રાપ્ય અને મહત્ત્વના ગુજરાતી ગ્રંથોના પ્રકાશનનું કામ હાથ ધર્યું. દા. ત., દલપતરામ ગ્રંથાવલી. અમે દલપતરામના સમગ્રસાહિત્યનાં પાંચ વૉલ્યુમ સુંદર રીતે પ્રગટ કર્યાં. અમે એ પણ નક્કી કર્યું કે પ્રકાશનો ઉત્તમ થવાં જોઈએ. સુંદર પૂંઠું, સરસ કાગળ, સરસ મુદ્રણ. આમ દલપતરામ ગ્રંથાવલી આખી પ્રગટ કરી. એ પહેલાં રા. વિ. પાઠક ગ્રંથાવલી પ્રગટ થઈ હતી. પછી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગ્રંથાવલી પ્રગટ કરી. પછી કલાપીના સમગ્ર ગ્રંથો અમે પ્રગટ કર્યા. આનંદશંક૨ ધ્રુવની ગ્રંથાવલી અમે પ્રગટ કરી રહ્યા છીએ જે હવે થોડા વખતમાં પૂરી થશે. કવિ નાનાલાલની આખી ગ્રંથાવલીનું આયોજન કર્યું છે. સુરેશ જોશીના સમગ્ર સાહિત્યની ગ્રંથાવલીનું આયોજન કર્યું છે. આમ બધા સર્જકો પ્રગટ થાય અને જે જૂના લેખકોની રચનાઓ પ્રગટ ન થવાના કા૨ણે મૃતઃપ્રાય થઈ ગઈ છે એવી - દા. ત., મહીપતરામ રૂપરામની સાસુ-વહુની લઢાઈ - જે આપણી પહેલી સામાજિક નવલકથા અમે નવેસ૨થી સંપાદિત કરીને છાપી. એવી રીતે કરસનદાસ મૂળજીનો ‘ઇંગ્લૅન્ડનો પ્રવાસ’, જે ૧૮૬૪માં પ્રગટ થયેલો તે પણ અમે સરસ રીતે મુદ્રિત કરીને પ્રગટ કર્યો છે. એ રીતે ૧૯મી સદીનું જે સાહિત્ય અત્યારે ઉપલબ્ધ નથી એ છાપવાની આખી યોજના અમે ઘડી કાઢી છે. એક યોજના એવી પણ ઘડી કાઢી છે કે, પુસ્તકો મોંઘાં હોવાને લીધે લોકો ખરીદી નથી શકતા એવા રિસક વાચકો માટે ‘શિષ્ટ સાહિત્ય પ્રકાશન શ્રેણી’નો આરંભ કર્યો છે જેમાં અગાઉ પ્રગટ ગ્રંથનું પુનઃમુદ્રણ કરવું પડે તોપણ કરવાનું, પણ આશરે ૨૦૦-૨૫૦ પાનાનું પુસ્તક માત્ર ૫૦ રૂપિયામાં જ મળે એવું આયોજન કર્યું છે. આ શ્રેણી એટલી લોકપ્રિય થઈ ગઈ કે અમારે એ શ્રેણીમાં પુસ્તકો ફરી છાપવાં પડે છે. ‘કલાપીનો કેકારવ’ જેવો ૬૦૦ પાનાનો દળદાર ગ્રંથ માત્ર ૧૨૫ રૂપિયામાં અમે આપ્યો છે. એ એટલા માટે કે લોકો સુધી કલાપી પહોંચે. એ સિવાય પણ ‘શિષ્ટ સાહિત્ય શ્રેણી’નાં જે સંપાદનો પ્રગટ કર્યાં તે પણ માત્ર ૫૦ રૂપિયામાં આપ્યાં અને એનો બહુ સારો પ્રતિભાવ મળ્યો. સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ની વાત કરીએ તો તેને એક નવું કલેવર આપ્યું. એવું નહીં કે માત્ર પત્રિકા બહાર પડે છે. પણ, ‘શબ્દસૃષ્ટિ' અકાદમીનો ગુજરાતી પ્રજા સાથે જીવંત સંપર્ક છે. હર્ષદ ત્રિવેદી એના સંપાદક છે. એમને અમે બધી સ્વતંત્રતા આપી છે. એનું સારું એવું બજેટ નક્કી કર્યું છે. ઉત્તમ કાગળ ઉપર છપાય, સરસ પૂંઠું હોય અને લવાજમ માત્ર ૧૦૦ રૂપિયા હોય જે આમ ગણો તો પોસ્ટેજ કહેવાય – અને સાહિત્યકારોને, લખનારાઓને પણ યોગ્ય પુરસ્કાર મળે એવી વ્યવસ્થા અમે કરેલી છે.

યજ્ઞેશ : ભોળાભાઈ તમે હંમેશાં જેનો આગ્રહ સેવ્યો છે એ મુખ્ય અનુવાદપ્રવૃત્તિ. તો એ સંદર્ભમાં કાંઈ અકાદમીએ વિચાર્યું હોય, કારણ કે આપ ઘણુંબધું ઉત્તમ બીજી ભાષાઓમાંથી અહીં લઈ આવ્યા છો, તો અહીંનું ઉત્તમ બીજે જાય અને ત્યાંનું ઉત્તમ પણ અહીં આવે. અરસપરસ આદાન-પ્રદાનની પ્રવૃત્તિ જ અનુવાદથી ચાલતી રહે એ બાબતમાં કાંઈ વિચાર્યું હોય તો તે વિશે કહેશો ? ભોળાભાઈ : એ અંગે વિચાર્યું છે. અકાદમીની એક પરંપરા તો હતી જ, પણ અમે અનુવાદપ્રવૃત્તિને વ્યવસ્થિત કરી. ગુજરાતી સાહિત્યને બહારના ગમે તેવા અનુવાદોથી ભરી નથી કાઢવું, કારણ કે અનુવાદની કોઈ એક નકામી ચોપડી આવે એટલે એનો અર્થ એવો થાય કે તે ગુજરાતીની તળ ચોપડીને રીપ્લેસ કરે છે. એટલે કે ગુજરાતીની એક ચોપડી ઓછી છપાય. એટલે અનુવાદો કરવા, પણ સિલેક્ટેડ ક૨વા. છતાં અમે એક જે નવી યોજના કરી છે તે એ છે કે ગુજરાતી સાહિત્ય પણ અનૂદિત થઈને બહાર જાય અને એ માટે પહેલી યોજના અમે એ કરી કે ગુજરાતી સાહિત્યના અંગ્રેજીમાં અનુવાદો કરાવવા અને છાપવા. તમને આનંદ થશે કે આ બે વર્ષમાં લગભગ છ-સાત પ્રકાશનો તો અંગ્રેજીમાં થયાં છે. ‘સિલેક્ટેડ પોએમ્સ ઑફ ઉમાશંકર જોશી', ‘સિલેક્ટેડ પોએમ્સ ઑફ સુંદરમ્' પછી નરસિંહ મહેતાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ, પછી ગુજરાતની લેખિકાઓએ લખેલી વાર્તાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘ન્યુ હોરાઈઝન્સ’ પ્રકાશિત થયું. આ ઉપરાંત રા. વિ. પાઠકની વાર્તાઓ, જયંત ખત્રીની વાર્તાઓ અને સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાના અંગ્રેજી અનુવાદનું કામ સોંપેલું છે. આ રીતે ગુજરાતી કાવ્યો, વાર્તાઓ અંગ્રેજીમાં આવે તે રીતે આયોજન કર્યું છે; કા૨ણ બહાર ઘણા લોકો માંગતા હોય છે કે ગુજરાતીનું અમે શું વાંચીએ? અમે તો એટલે સુધી કર્યું છે કે ગુજરાતીનું ઉત્તમ પુસ્તક હિંદી અનુવાદમાં પ્રગટ કરવું અને એટલે સુધી કે જો ગુજરાતી પુસ્તકનો બંગાળી કે ઊડિયામાં અનુવાદ થતો હોય તો આપણે આર્થિક સહાય આપીને એ પ્રગટ કરીને ત્યાંના પુસ્તક વિક્રેતાને વેચવા માટે આપવું. હમણાં જ અમે કેટલાંક પુસ્તકના મરાઠી અનુવાદ કરાવવા, કેટલાંકના બંગાળીમાં કરાવવા, કેટલાંકના ઉડિયામાં કરાવવા એની પણ ચર્ચા વિચારણા કરી છે.

યજ્ઞેશ : ભોળાભાઈ, કેન્દ્રીય અકાદમી સાથે તમે ઘણાં વરસો સંકળાયેલા રહ્યા. તમારો એ અનુભવ કેવોક રહ્યો? ભોળાભાઈ : કેન્દ્રીય અકાદમી સાથે સંકળાવવું સદ્ભાગ્ય એ અર્થમાં હતું કે આખા દેશની સાહિત્યિક ચર્ચાઓની અને સાહિત્યિક પ્રવૃત્તિઓની કેન્દ્રભૂમિ છે. મને આમેય સમગ્ર ભારતીય સાહિત્યમાં પહેલેથી રસ હતો. ઘણા બંગાળી સાહિત્યકારોને કે ઉડિયા સાહિત્યકારોને ઓળખતા હોઈએ, ઘણા મલયાલી સાહિત્યકારોને ઓળખતા હોઈએ, પણ એ આપણને કડી જોવા ન મળે. પણ સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિમાં મારી પાંચેક વર્ષ માટે પસંદગી થઈ અને એને કારણે દિલ્લી સાહિત્ય અકાદમીમાં વારેવારે જવાનું થતું ગયું અને એ બધાં લેખકોને મળવાનું થતું ગયું. એના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોડાવાનું થતું ગયું. આ એક બહુ વિશિષ્ઠ અનુભવ હતો, જેના કારણે એમ થતું કે આ સ્તર પર ગુજરાતી ભાષામાં પણ આપણે કંઈક કરી શકીએ. એ અનુભવ મને અહીં ગુજરાત સાહિત્ય અકાદમીમાં કામ લાગે છે. ત્યાં સાહિત્યની રાજનીતિ પણ જોઈ. ઘણી વખત દક્ષિણની ભાષાઓવાળા, ઉત્તરની ભાષાઓવાળા ભેગા થાય અને હિન્દી જેવી ભાષાનો કોઈ પ્રમુખ ન બની શકે તેવી જોગવાઈઓ થાય કેન્દ્રની દિલ્લી અકાદમીનાં છેલ્લાં કેટલાંક વર્ષોનાં સુંદર પ્રકાશનો, ઉત્તમ પ્રકાશનો અને અનેક કાર્યક્રમો સચિવ ઈન્દ્રનાથ ચૌધરી આવ્યાં પછી થયાં અને વિશ્વમાં એક ઉત્તમ અકાદમી તરીકે નામના કાઢી છે. પણ, દરેક વસ્તુની બે બાજુઓ હોય તેમ એની કેટલીક મર્યાદાઓ પણ છે. પણ, સમગ્ર રીતે જોઈએ તો કેન્દ્રીય અકાદમીનું પ્રદાન ઘણું મહત્ત્વનું છે. ૨૨ ભાષાઓની તે અકાદમી છે. આજે તો એમ કહી શકાય કે કેન્દ્રીય અકાદમીનું રોજ એક પુસ્તક પ્રગટ થાય છે. અકાદમી માટે એક સૂત્ર લખાય છે કે, ‘ભારતના સૌથી મોટા પ્રકાશક’. એટલે આટલાં બધાં પુસ્તકોનું પ્રકાશન, ને તે પણ આટલી બધી -૨૨- ભાષાઓમાં, તેને સાંકળવાની પ્રવૃત્તિ, તેના પરિસંવાદો, તેના સંયોજનો એમ અકાદમીનું પ્રદાન વિશિષ્ટ ગણી શકાય.

યજ્ઞેશ : ભોળાભાઈ, આપ સતત અભ્યાસુ અને રસિક વાચક રહ્યા છો. આજે પણ જોઈએ છીએ કે તમારા ટેબલની આસપાસ, તમારી દીવાલ સાથેના ઘોડાઓ... બધું પુસ્તકોથી જ ભર્યું છે. કેટલાંક પુસ્તકો તો તમે અહીં જગ્યા ન હોવાથી બીજે પણ ખસેડ્યાં છે અને ત્યાંથી જરૂર પડે અહીં લાવો છો. તમે સતત વાંચતા જ રહો છો. તો તમારી આટલા વરસની વાચનયાત્રા કેવી છે ? એ એકમાર્ગી છે ? અનેકમાર્ગી છે ? પતંગિયા જેવી છે ? મન પડે ત્યારે વાંચો છો? આ બધા પ્રશ્નો છે. ભોળાભાઈ : (હાસ્ય) પતંગિયા જેવી વૃત્તિ તો ખરી કે ભાઈ, જ્યાંથી મધ મળે ત્યાંથી એકઠું કરવું અને એ રીતે ઊડાઊડ કરવી. પણ એ ઊડાઊડ મધુ એકઠું કરવા માટેની ઊડાઊડ હોય અને કંઈક નવીન પ્રકારનો આસ્વાદ લેવા માટેની હોય. પણ યજ્ઞેશ, વાત કંઈક એવી છે કે, આ શરી૨માં કશુંક રસાયણ છે કે હું કોઈ નવું પુસ્તક જોઉં અને એની ભાષા ન જાણતો હોઉં તોપણ મને રોમાંચ થતો હોય. આમ રસ્તે ચાલ્યા જતા હોઈએ ને રસ્તે ચાલી જતી અજાણી યુવતીનો ચહેરો - સુંદર સારો ચહેરો - ભલે એક ક્ષણ માટે આપણે જોયો હોય અને આપણા મનમાં એ છબી રહી જાય એમ કોઈ સરસ પ્રકાશન, સુંદર પુસ્તક જોયું હોય તો મનમાં વસી જાય. એટલે પહેલી પાયાની વસ્તુ તો મારા માટે પુસ્તકપ્રીતિ છે, વાચનની વાત પછી આવે છે. નાનપણથી જ વાચનની ટેવ પડી ગયેલી. વાચનનો શોખ પછી તો ધીમે ધીમે વધતો ગયો. વાચનયાત્રાની સાથે સાથે બીજી ભાષાઓ ભણવાનો પણ એક શોખ વધતો ગયો. શરૂઆતનું વાચન છે કે સ્વાભાવિક રીતે જ રામાયણ – મહાભારતનું, ખાસ કરીને નાનાભાઈ ભટ્ટે લખેલાં પુસ્તકો મારા બાપુજીએ મારા હાથમાં આપ્યાં. બાપુજી શિક્ષક હતા, તેથી એ વાતાવરણ હતું જ. પછી વ્યાસ વલ્લભરામનું ‘મહાભારત’ હાથમાં આવ્યું. એ પછી મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’. પછી તો સર્વવિદ્યાલય જેવી સ્કૂલની અંદર વ્યવસ્થિત રીતે વાચન શરૂ કર્યું. શિક્ષકોની દોરવણી અને માર્ગદર્શન મળ્યું. સ્કૂલમાં ઓપન શેલ્ફ લાઇબ્રેરી હોવાને કારણે આખો દિવસ ગ્રંથાલયમાં બેસીને વાંચવાનું. એ ગાળાનું વાચન એ રીતે થયું. પછી અધ્યાપક થવાને કારણે સાહિત્યનું સતત વાચન અને પછી વ્યવસ્થિત વાચન તો અંગ્રેજીનું પણ કર્યું, સંસ્કૃતનું કર્યું. બંગાળી ભાષાનો અભ્યાસ નગીનદાસ પારેખ પાસે કરીને એ ભાષામાં પણ જેટલા ઊંડા જવાય તેટલું તેનું પણ વાચન કર્યું. આ સાથે ગુજરાતીનું વાચન તો સતત ચાલતું રહ્યું. આજે પણ હિન્દી, બંગાળી, ગુજરાતી, અંગ્રેજીનાં લગભગ ૩૫થી ૪૦ જેટલાં જર્નલ્સ ઘરે આવે છે. બધું જોઈ ન પણ શકાય. પણ એ નિમિત્તે લખાતા સાહિત્યના પરિચયમાં રહેવાનું થાય છે. નવા નવા મિત્રો, નવાં નવાં પુસ્તકોની વાત કરે. એ પુસ્તકો જે બધાં લઈ આવે તે પુસ્તકો પણ વાંચવાનું મળે છે. એટલે મારો પ્રથમ પ્રેમ વાચન છે. લેખન તો કેવી રીતે આવી ગયું તેનું મને આશ્ચર્ય છે. આજે પણ કોઈ સરસ મજાનું પુસ્તક મળ્યું હોય તો મને એમ લાગે કે આજનો દિવસ બહુ આનંદમાં ગયો અને સરસ વંચાયું.

યજ્ઞેશ : વાચનમાં પણ તમે ઘણી વાર વાત કરો છો તે -કેથોલીસીટી ઑફ ટેસ્ટ- રુચિ-ઔદાર્યનું મહત્ત્વ કેટલું ? કારણ કે એ ન હોય તો વાચન એકાંગી થઈ જાય. ભોળાભાઈ : મેં ઘણા એવા વાચકો જોયા છે કે, જે ધાર્મિક હોય તો ધાર્મિક સાહિત્ય જ વાંચે અથવા એમ કે, માર્ક્સવાદી હોય તો પછી એ ‘મેઘદૂત’ જેવા કાવ્યનો આસ્વાદ ન લઈ શકે. અથવા રોમૅન્ટિક હોય તો એકદમ ‘રિયાલિસ્ટીક’ નવલકથાનો આસ્વાદ ન લઈ શકે. ખરેખર તો એવું હોવું જોઈએ કે જે ‘મેઘદૂત’ વાંચી શકે તે બૉદલેરની પોએમ્સ પણ વાંચી શકતો હોવો જોઈએ અને એ ‘મહાભારત' વાંચી શકતો હોય, ઇલિયડ ને ‘ઓડેસી' વાંચી શકતો હોય અને ‘વૉર એન્ડ પીસ' જેવી નવલકથા પણ વાંચી શકતો હોય. દરેક વાચકની રૂચિ પોતાની અંગત હોય. પણ જો એ રુચિનો વિસ્તાર કરેલો હોય, તો દરેક સાહિત્યકૃતિ અનન્ય છે. પોતાના વિચારો અને પોતાનું દર્શન જેમાં પ્રગટ થાય એ જ વાચન કરવું એ જાણે કે વાચનને સીમિત કરી નાખવા જેવું છે. એટલે હું મહિમા કરું છું ‘રુચિઔદાર્ય'નો કે તમારા ટેબલ પર જો ‘ફ્લાવર્સ ઑફ ઇવિલ' હોય તો એની સાથે ‘શાકુંતલ’ પણ હોય અને એની સાથે જીવનાનંદ દાસની કવિતા પણ પડેલી હોય.

યજ્ઞેશ : ભોળાભાઈ, તમે કહો છો કે મારે લેખક થવું નહોતું, પણ તમે લેખક છો, એક સારા સર્જક છો, તો એ સર્જનના સંદર્ભમાં જ એક વાત. સર્જન એ પ્રેરણા નામની માયાવિની છે. તમારો તેના પર કશો અધિકાર નથી એમ પણ કેટલાક લોકો કહે છે. કેટલાક એમ પણ કહે છે કે, એ પરિશ્રમ અને પુરુષાર્થ નામની માનુષી છે. તો સત્ય કદાચ એ બે છેડાની વચ્ચે ક્યાંક છે એમ લાગે. તમને એક સર્જક તરીકે શું લાગે છે ? ભોળાભાઈ : હા, તમારા પ્રશ્નમાં જવાબ નિહિત જ છે. એ માયાવિની એ અર્થમાં છે કે સર્જન... ખરા અર્થમાં સર્જન અને વિશેષ કરીને કાવ્યસંગીત જેવાં સ્વરૂપોનું સર્જન છે એ જન્મજાત છે. તમારી એક ઇંદ્રિય છે. પણ એની સાથે એક સંસ્કાર અને સંમાર્જન હોય તો તે ઉત્તમ રીતે પ્રગટ થાય છે. સંગીત કે ચિત્રકલાના સંદર્ભમાં, સાહિત્યકલા એક એવી કલા છે કે તમે એને કેળવણીથી પણ પામી શકો છો. પણ એમાં જે કાંઈ ઉત્તમ છે એ તો સર્જકને પોતાને પણ ખબર ન પડે તે રીતે ઊતરી આવે છે. અને જ્યારે આપણે જીવનાનંદ દાસ, રવીન્દ્રનાથ કે કાલિદાસ જેવા મોટા સર્જકને વાંચતા હોઈએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે, આ કેવી રીતે આવ્યું હશે? એ અર્થમાં એ માયાવિની છે. એમ જો ન હોત તો એક લેખકની બધી જ કૃતિઓ ઉત્તમ જ હોય અને એ જે કાંઈ લખે એ ઉત્તમ જ થઈ જાય એવું કેમ નથી થતું ? એક જ કવિની પહેલી રચના બહુ સુંદર હોય અને પછીની ન હોય, અથવા તો એવુંય બને કે શરૂઆતની કાચી સામગ્રી જેવી હોય ને પછી ઉત્તમ થાય. એનો અર્થ એવો કે દર વખતે એક લેખક ઉત્તમનું સર્જન ક૨શે એવી પ્રતિજ્ઞા નથી થતી. એ માનુની માનુષી પણ છે, એ અર્થમાં કે જેમ સંગીતમાં કેટલાબધા કલાકોના રિયાઝ પછી એક સરસ સૂર એની અંદરથી નીકળે છે. કેટલાબધા કલાકોની પ્રેક્ટિસ પછી એક ચિત્રકાર એક સાર્થક રેખા દોરે. એક જાપાની ચિત્રકાર ચિત્ર દોરતાં દોરતાં એંસી વર્ષના થયા ત્યારે છેવટે તેમણે કહ્યું : ‘Now atleast can say that I can draw a line.’ એ અર્થમાં સર્જન માનુની માનુષી છે. તમારે સતત એનું આરાધન કરવું પડે છે. એ એવી પ્રેયસી છે કે જેની આરાધના કરો, અને માનુષી તરીકે પણ એની સાથે વ્યવહાર કરો તો તમે એનો પ્રેમપ્રસાદ પામી શકો.

યજ્ઞેશ : મને યાદ છે કે તમે એક વાર કહેલું કે સર્જન એ એવી માનુની છે કે, You have to woo her constantly. ભોળાભાઈ : (હાસ્ય) હા. મેં કહ્યું હતું. એક બીજું બહુ જાણીતું વાક્ય છે કે, ‘Every art is a jealousmistress' એટલે તમે એને જરા વા૨ પણ છોડી અને બીજી બાજુ નજર કરો, તો પછી એ તમને છોડીને જતી રહે અથવા તમારા તરફથી મોં ફેરવી લે. એમ આ કલા કે કવિતા એવી વસ્તુ છે કે તમારે સતત એનું સંવનન કરવું પડે. રવીન્દ્રનાથ છેલ્લી ઘડી સુધી લખતા રહ્યા. સતત સંવનન હોય તો એ... તમને છોડીને નહીં જાય. પણ તમે જો એને છોડવાનો પ્રયત્ન કરશો, તો એ તમારાથી થોડીક વધારે દૂર ચાલશે. એટલે સતત પ્રેમ અને સતત સંવનનની પ્રક્રિયા છે સર્જન.

યજ્ઞેશ : ભોળાભાઈ, ઘણુંબધું બદલાતું જાય છે. આપણે પણ બદલાયા છીએ, ભાષા પણ બદલાતી જાય છે, સમાજ, એ નગર... ઘણું બધું બદલાયું છે એ સંદર્ભમાં ખાસ કરીને ગુજરાતી ભાષા, એનું ભાવિ તમને કેવું લાગે છે અને બીજા જે બદલાવો આવ્યા છે એમાંથી કયા બદલાવો તમને ગમ્યા છે ? ભોળાભાઈ : આ પ્રશ્ન વિશે પહેલી વખત સભાન ત્યારે થયો કે જ્યારે કન્નડ સાહિત્યકાર અનંતમૂર્તિએ ગુજરાતી સાહિત્ય પરિષદના કોઈમ્બતુર અધિવેશનમાં... કહેલું કે, 'Indian languages have no future' ત્યારે હું એકદમ ચોંક્યો હતો. મને થયું કે, અનંતમૂર્તિ જેવા પ્રબુદ્ધ સાહિત્યકાર કેમ આવું વિધાન કરે છે. પણ હવે હું જોઈ શકું છું કે જે રીતે કૉમ્પ્યુટર, નવા પ્રકારનાં કોમ્યુનિકેશનનાં સાધનો અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીની અંદર માત્ર એક જ ભાષાનું આધિપત્ય થતું જાય છે - ખાસ કરીને અંગ્રેજીનું – એના સંદર્ભમાં ઘણી બધી ભાષાઓ, માત્ર ભારતીય ભાષાઓ કે... ગુજરાતી જ નહીં, પણ વિશ્વની ઘણીબધી ભાષાઓ માટે ખતરો ઊભો થયેલો જ છે. પણ, આપણે એમ વિચાર કરીએ કે ભાષા એ કોઈ એક માધ્યમ માત્ર નથી, તેથી વિશેષ છે. જેમ આપણાં મા-બાપ છે, આપણું ગામ-ઘર છે. એમ માતૃભાષા પણ એ રીતે આપણા જન્મ સાથે જોડાયેલી વસ્તુ છે. આપણા વ્યક્તિત્વનો એક ભાગ છે. એ આપણા સમાજ અને સંસ્કૃતિની વાહક છે. એટલે સર્જનાત્મક મૌલિક અભિવ્યક્તિ માટે માતૃભાષા જેવું કામ બીજી શીખેલી ભાષા ભાગ્યે જ આપી શકે. એ રીતે ભાષાઓ ટકશે. પરંતુ બીજી બાજુ સામાન્ય માણસનું વ્યવહારજગત છે, જેમાં જે ભાષા એને રોટલો રળી આપવામાં મદદરૂપ થાય, એને અન્ન મેળવવામાં મદદરૂપ થાય, એ ભાષા આધિપત્ય ભોગવશે અને માણસ એ ભાષા ત૨ફ જશે. ટૂંકમાં, જે ભાષા ‘લેંગ્વેજ ઑફ પાવર' બને છે, ‘લેંગ્વેજ ઑફ કોમ્યુનિકેશન' બને છે, ‘લેંગ્વેજ ઑફ કોમર્સ’ બને છે તે ભાષા અપનાવવા તરફ લોકોનું વલણ વધતંુ જાય. એવી ભાષા અત્યારે આખી દુનિયામાં અંગ્રેજી છે. એને કા૨ણે ગુજરાતમાં રહીને પણ ગુજરાતી ભાષા પ્રત્યે વિમુખતા કેળવાય તેવું વલણ આપણે જોઈ રહ્યા છીએ. આમેય ગુજરાત તો વાણિજ્યપ્રધાન છે. ગુજરાતના વિદ્વાનો એક સમયમાં ફારસી ભણતા હતા. કારણ કે, મુસલમાની શાસનમાં ફારસી રાજભાષા હતી અને એ શીખે તો જ તેમને રાજની નોકરી મળી શકતી. અગાઉ જેમ ફારસી, તેમ હવે અંગ્રેજી છે. તેમ છતાં હું માનું છું કે, ગુજરાતી જેવી ભાષા જેના પાંચ કરોડ જેટલા ભાષકો છે, એ ભાષા જીવંત રહેશે અને અંગ્રેજી ભાષા તથા અન્ય વિશ્વભાષાઓના સંપર્કથી ગુજરાતી સાહિત્યમાં પણ નવી ઊર્જા આવશે. તેમાં અભિવ્યક્તિના નવા આવિષ્કારો થશે. હું એને ‘ક્રોસ ફર્ટિલાઈઝેશન’ કહું છું, જેના થકી તેનાં નવાં સ્વરૂપો પ્રગટ થશે. આપણે ગુજરાતી ભાષાસાહિત્ય પ્રત્યે અભિમુખ રહીશું, તેને સતત પ્રેમ કરતાં રહીશું, એમ લાગે છે.

યજ્ઞેશ : એક યક્ષપ્રશ્ન છે. યક્ષે પૂછેલા યુધિષ્ઠિરને જગતના પરમ આશ્ચર્યનો : અને તેને જવાબ મળેલો ‘મૃત્યુ’. આપણે બધાં જ એમ માનીએ છીએ અને તે રીતે વ્યવહાર ચલાવીએ છીએ કે મૃત્યુ કોઈ અવરનું - બીજાનું છે. - મારું તો નથી. તો અંગત રીતે મૃત્યુને તમે કેવી રીતે જુઓ છો ? એ ફિનોમિનન સાથે તમારી લડાઈ છે, સમાધાન છે, સાથે ચાલો છો ? તમારો અંગત સંઘર્ષ - અંગત સંવાદ કેવો છે મૃત્યુ સાથે - એ ઘટના સાથે ? ભોળાભાઈ : એ તો સ્વીકારીને જ આપણે ચાલ્યા છીએ કે એ વસ્તુ અને આપણે એ સ્વીકાર્યું છે. પણ એને કારણે કોઈ વૈરાગ્ય- ભાવ આવી જાય કે આ બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે, માયા છે – એવો વિચાર મારા મનમાં હજી આવ્યો નથી. એને કારણે દરેક વસ્તુ મને આનંદ આપે છે. રાતે આકાશમાં જોઉં ને તારા દેખાય. એના એ તારા છે પણ જાણે નવી ઓળખાણ થઈ, મજા પડી ગઈ. (હાસ્ય) પાછળ બાલ્કનીમાં જોઉં કે કરેણને નવું ફૂલ બેઠું છે, તો તેનો આનંદ અનુભવાય. કોઈ સુંદર ચહેરો જોઉં, તો તેનો ય આનંદ.

'યજ્ઞેશ : એક વાર તમે એક અલગ બિલાડી જોઈ હતી ને જે સહજ આનંદ થયો હતો તેનો એક નિબંધ મને યાદ આવે છે. ભોળાભાઈ : (સહજ હાસ્ય સાથે) બરોબર છે. મારું તો એવું છે કે રસ્તા પર ચાલતો હોઉં તો બધી વસ્તુ હું જોઉં. કવિતાની લીટી એક હોઠે ચઢી જાય ને સવારથી આખો દિવસ ગાંડા થઈને ગુંજ્યા કરીએ. થાય, વાહ! આજનો દિવસ સરસ ગયો ! તેમ કોઈ સરસ દર્શન થયું હોય, કોઈ સરસ વાર્તાલાપ થયો હોય, કોઈ વાક્ય વંચાઈ ગયું હોય તો એ ગમે છે. ચારે બાજુ જે નવી ફિલ્મસૃષ્ટિ આવી રહી છે, નવું સ્થાપત્ય આવી રહ્યું છે, નવી ક્લાસૃષ્ટિ આવી રહી છે. આપણને એમ થાય કે આપણને થોડાં વધારે વરસો મળે. જો વધારે વ૨સો મળે તો કદાચ આ જગતમાં જે નવું આવી રહ્યું છે તેના અનુભવનો આનંદ મળે. આ જગતમાં કેટલું નવું આવી રહ્યું છે. આ જગતમાં કેટલું બધું નવું જોવાનું છે અને કેટલા બધા સુંદર પહાડો, સુંદર નદીઓ આપણી રાહ જોઈ રહ્યાં છે કે જ્યાં આપણાં પગલાં પહોંચ્યાં નથી. કેટલાં એવાં નગરો છે ! મેં પેરિસમાં ૨૧મી જૂને તેમનું વિશિષ્ટ પર્વ હોવાથી આખું યુવા પેરિસ રસ્તાઓ ઉપર ઊમટી પડેલું તે મેં જોયેલું, ત્યારે લાગ્યું કે, જીવન એટલે જ આવું એક જ્યૂબીલેશન, જીવન એટલે એક પ્રકારનો આવો ઉલ્લાસ અને આનંદોત્સવ. એટલે હું માનું છું કે, જ્યારે પણ મૃત્યુ આવે તેને માટે આપણે તૈયાર છીએ. પણ જીવન માટેનો ૨સ ઓછો નથી થયો. હા ક્યારેક વેદના, નિરાશા, ક્યારેક એકલતાનો અનુભવ કર્યો હોય તેવા દિવસો આવ્યા છે. ત્યારે એમ લાગ્યું છે કે આ બધું શા માટે છે ? કોના માટે છે ? પણ એ ભાવ બહુ લાંબો ટક્યો નથી, કારણ કે મારામાં એક રોમૅન્ટિક પણ બેઠેલો છે. એને કારણે પણ હોય. વેદના-વ્યથા ને એવું બધું જોઈને, આ તોફાનો જોઈને, આ મહામારી જોઈને બેચેન અને વ્યગ્ર બની જવાય અને છતાંય માણસમાંથી શ્રદ્ધા ન ખોવાય. આ એક બહુ ચવાઈ ગયેલી વાત છે, પણ મારા માટે તો એ અનુભૂતિની વાત છે. આ જીવન છે. તે બહુ જીવવા જેવું છે, આનંદ લેવા જેવું જીવન છે. પ્રેમ ક૨વા જેવું જીવન છે. હજી થોડાંક વરસો મળે, તમારા જેવા મિત્રો સાથે ગોષ્ઠિઓ કરીએ તેનો કેટલો આનંદ મળતો હોય છે. અને અધ્યાપક હોવાને નાતે યુનિવર્સિટીમાં મેં ત્રીસ વરસ ભણાવ્યું તો મેં હંમેશાં વીસ- બાવીસ વરસનાં યુવક-યુવતીઓને જ ભણાવ્યાં કર્યું છે. જરા-વ્યાધિ જોઈને ગૌતમ બુદ્ધને વૈરાગ્ય આવેલો, પણ મેં તો આ યુવાન જગતના સંપર્કમાં રહી પ્રસન્નતાને જોઈ છે, જાણી છે.

યજ્ઞેશ : પુનર્જન્મ જો હોય તો અહીં ફરી આવવાની ઇચ્છા ખરી ? ભોળાભાઈ : હા, એ જ. જીવનાનંદ દાસની પેલી પંક્તિ છે ને... ‘આબાર આસિબો ફિરે...’, ‘હું આવીશ ફરીથી કદાચ સવારનો કાગડો થઈને.’ એટલે કે ફરીથી તો આવવું જ છે. અને જીવનાનંદ દાસે તો વેદના પામ્યા પછી પણ કહ્યું હતું કે, ‘આ જગત એટલું સુંદર છે કે હું ફરી પાછો આવીશ.’

યજ્ઞેશ : ટાગોરે પણ એવું કહ્યું છે ને ? ભોળાભાઈ : ટાગોરે પણ એ જ ભાવનું કહ્યું છે. કાલિદાસે પોતાના આરાધ્ય દેવ શિવ પાસે એમ ઈચ્છ્યું હતું કે મારો પુનર્જન્મ ટળે. શાકુંતલમાં શિવને એવી પ્રાર્થના કરી હતી. પણ એ તો ભરતવાક્ય તરીકે કવિ બોલે, પણ જે સુંદર મનુષ્યલોક એમણે જોયેલો છે એ સુંદરલોક જ એમને પૃથ્વી પર ફરી આવવા બાધ્ય કરે. એટલે આ ધરતી કર્મસ્થળ છે, આ રંગસ્થળ છે. એ રીતે આ પૃથ્વીને જોઈએ. એક માનવસંસારની અંદર જે આટલુંબધું સર્જન થયું છે, સંશોધન થયું છે એનું વિપુલ આયતન છે, તેનો આપણે કંઈક થોડો અંશ પણ પામીને પણ પ્રસન્ન છીએ, તો આપણે જે નથી જોયું, જે નથી પામ્યા તે પામવા માટે તો કેટલા બધા અવતારો લેવા પડશે ? અને અવતારે અવતારે કેટલી પ્રસન્નતા હશે? માત્ર પ્રસન્નતા જ હશે? ન જાને. યજ્ઞેશભાઈ તમે ચેતનાની અંદર-બહાર એક ડોકિયું કરવાની તક આપી એ માટે કેટલો આભાર માનું?

યજ્ઞેશ : આભાર તો મારે તમારો માનવાનો છે, કે તમે આમ સહજ રીતે ખીલ્યા, ખૂલ્યા. ફરી ફરી આભાર.