અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/ઓગણચાળીસ – सचिवेषु महादेव:

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઓગણચાળીસ – सचिवेषु महादेव:

મહાત્મા ગાંધીના રહસ્યમંત્રી કે અંગત સચિવ થવા સારુ જેવા વ્યક્તિત્વની જરૂર હતી તેવું વ્યક્તિત્વ મહાદેવભાઈમાં ખીલી ચૂક્યું હતું.

ગાંધીજી આગળ અંગત કે ખાનગી જેવી કોઈ વસ્તુ નહોતી, તેથી તે શબ્દ તો માત્ર ગાંધીજી સાથેનો તેમનો અંતરંગ સંબંધ બતાવવા પૂરતો જ વપરાતો હતો. જેનું જીવન જ ખુલ્લી કિતાબ હતું તેને વળી ખાનગી શું અને જાહેર શું?

સચિવ શબ્દની વ્યાખ્યા ગાંધીજી આગળ આવીને એની સામાન્ય કલ્પનાને ક્યાંય આંબી જતી. જેના જીવનમાં ઘર અને કાર્યાલય બંને અભિન્ન છે, જ્યાં બંને યજ્ઞસ્થળ જ બની રહે છે, ત્યાં સચિવ એટલે માત્ર કાર્યાલયનો ભાર ઉપાડનાર કે સલાહકાર શી રીતે હોઈ શકે? ખુદ મહાદેવભાઈએ ગાંધીજી સાથે જે સંબંધ કેળવ્યો હતો તેને લીધે આ સચિવપણું સચિવ શબ્દની રૂઢ ધારણાને ઓળંગી જતું હતું. એ સંબંધ હતો ભક્તનો, જે છેવટે તદ્રૂપતા ને તન્મયતામાં પરિણમ્યો હતો. તેથી બંને એક જીવ બે ખોળિયા સમા બની રહેતા. રાજાજીએ મહાદેવને ગાંધીજીના ‘વધારાના અંગ’ તરીકે વર્ણવ્યા હતા, તે ‘સચિવ’ કરતાં ઘણું વધારે ઉચિત વર્ણન હતું.

મોટા માણસના સચિવોમાં સામાન્યપણે મોટાઈ હોય. કોઈ કોઈ વાર તો સૂર્ય કરતાં પણ એના તડકામાં તપેલી રેત વધુ દઝાડે! પણ ગાંધીજી આગળ મૂલ્ય મોટાઈનું નહીં, નમ્રતાનું હતું. તેથી ગાંધીજીના સચિવ કેવા રુઆબદાર હોય એમ નહીં પણ કેટલા વિનમ્ર હશે એમ જ વિચારવાનું રહેતું. ખરું જોતાં ‘સચિવ’ શબ્દ ભદ્ર સંસ્કૃતિનો છે, સંત સંસ્કૃતિના૧ ગાંધીજી સાથે એ બહુ શોભતો નથી. એની સાથે તો ‘ભક્ત’ શબ્દ જ શોભે.

ગાંધીજીના સચિવનું કાર્યક્ષેત્ર માત્ર એમના કાર્યાલય પૂરતું સીમિત નહોતું અને એમનું કાર્યાલય પણ કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત નહોતું. એમનું કાર્યાલય ગાંધીજીની સાથે હરતુંફરતું અને એમનું કાર્યક્ષેત્ર માત્ર કાગળપત્તર, ફાઇલ, હિસાબ પૂરતું સીમિત નહોતું રહેતું.

તે એક સાધનાનો પથ હતો. એ પથ ‘ક્ષુરસ્ય ધારા’શો દુર્ગમ હતો. ગાંધીજીના અંતેવાસી થવું એ જ્વાળામુખીના મોં પર રહેવા જેવું દુષ્કર કામ હતું એમ મહાદેવભાઈ વારંવાર કહેતા.

ગાંધીજીના અંતેવાસી થવું એટલે જે નિત્ય વિકાસશીલ હતા, જે નિત્ય પ્રયોગશીલ હતા, જે સદા ખુલ્લા મનવાળા હતા તેના વિકાસશીલ, પ્રયોગશીલ ખુલ્લા વ્યક્તિત્વ જોડે તાલ મેળવીને જીવવું. તોયે પ્રત્યક્ષ સચિવના કામ તરીકે આપણે એમનાં કેટલાંક કામો ગણાવી શકીએ.

એક તો કામ ટપાલનું. સેગાંવમાં પોસ્ટઑફિસ નહોતી તેથી મહાદેવભાઈ ગાંધીજી સાથે સેગાંવ ન જતાં મગનવાડી રહ્યા હતા, એ આપણે જોઈ ગયા. પણ તેથી ટપાલ અંગેનું એમનું કામકાજ ઓછું થયું નહોતું. બલકે રોજ મગનવાડીથી સેગાંવ સુધીનું સાડા પાંચ માઈલનું અંતર કાપીને એ ટપાલ બાપુ પાસે પહોંચાડવી એ ટપાલીનું કામ ઉમેરાયું હતું. ગાંધીજીની ટપાલ એટલે માત્ર એના ઢગલા જ નહીં — જોકે ઢગલા એટલા થતા કે પાછળથી એને લીધે ટપાલખાતાને સેવાગ્રામમાં ખાસ પોસ્ટઑફિસ ખોલવી પડેલી. પણ એમાં વૈવિધ્ય પણ પુષ્કળ હતું. ભાષાનું વૈવિધ્ય, વિષયનું વૈવિધ્ય, શૈલીનું વૈવિધ્ય. એમાં ગંભીરમાં ગંભીર આધ્યાત્મિક વિષયો અંગેની સાત્ત્વિક ચર્ચા કરતા પ્રશ્નો હોય; દેશના સળગતા રાજનૈતિક પ્રશ્નો અંગેના રાજસી દસ્તાવેજો હોય; અને ગાંધીજીને ગલીચ ગાળો ભાંડનાર તામસી કચરાયે હોય. એમાં પોતાના આરોગ્ય અંગેના પ્રશ્નો પૂછીને ઉપાય સુઝાડવા વિનંતી થઈ હોય, દેશનો ઉદ્ધાર કરવાના નુસખાઓ સૂચવ્યા હોય (જેમાં કર્તૃત્વ બધું ગાંધીજીને જ સોંપાયું હોય!), એમાં વાઇસરૉય કે મુસ્લિમ લીગ સાથેના આંટીઘૂંટીવાળા પ્રશ્નો હોય; એમાં ખરે, નરીમાન કે સુભાષ બોઝ સાથેના વિખવાદના પ્રશ્નોયે હોય. એકબે લીટીઓના પત્તાથી લઈને ૮૦-૧૦૦ પાનાંના લાંબાલચક પત્રોનો પણ એમાં સમાવેશ થાય. આ પત્રોમાં ગાંડાના પત્રો હોય; ડાહ્યાના પત્રો હોય અને દોઢડાહ્યાના પણ હોય. આ પત્રો જોઈને એનું ઝપાટાબંધ વર્ગીકરણ કરવું એ મહાદેવભાઈનું પહેલું કામ. કેટલાક પત્રો તો બાપુ પાસે જવા જ જોઈએ; કેટલાક વિશે એમની સાથે વાત કરીને એમની સલાહ મુજબ મહાદેવભાઈ જ લખી દે. ઘણા જવાબ તો મહાદેવભાઈ જાતે જ લખી નાખે; કેટલાક કનુ કે બાબલાને જવાબ આપવા સારું સોંપાય. કેટલાક પત્રોના જવાબ આપતા પહેલાં બીજે ક્યાંક લખીને પુછાવવાનું હોય, કેટલાકનો જવાબ આપતા પહેલાં થોડું ખમી ખાવાનું હોય, થોડાકના જવાબ તો જરૂર હોય તો લેટ-ફી ભરીને પણ તેને તે જ દિવસે જવા જોઈએ, કેટલાકને તારથી પણ પહોંચી વળવું પડે.

સીધી ગાળો દેતા પત્રોનું સ્થાન કચરાપેટીમાં હતું — ખાસ કરીને આવા પત્રો લખનાર પોતાનાં નામઠામ આપતા નહીં હોય તેથી. ક્રોધયુક્ત પત્રોના જવાબ પ્રેમપૂર્વક અપાતા.

એ પત્રવ્યવહાર વિશે ખુદ મહાદેવભાઈ જ કહે છે:

ગાંધીજીની ટપાલમાં રોજ કૂડીબંધ કાગળો આવે છે. એ કાગળો હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતમાંથી અને જગતના જુદા જુદા ભાગમાંથી, અઢારે વર્ણના અને અનેક ધર્મના લોકો તરફથી આવે છે. આમાંના કેટલા ટકા કામસર લખાયેલા, કેટલા નકામા લખાયેલા, કેટલા મુદ્દાસર અને કેટલા મુદ્દા વિનાના, કેટલા વાંચનારની દયા જાણીને લખેલા અને કેટલા વાંચનારનો વિચાર કર્યા વિના લખેલા. કેટલા ટૂંકા અને કેટલા પુસ્તકાકારના, કેટલા મોતીના દાણા જેવા અક્ષરે લખેલા અને કેટલા આંખો ફોડે એવા, કેટલા મધુરા અને કેટલા કડવા હોય છે તેનું પ્રમાણ તો કદી નથી કાઢ્યું પણ ઉપર વર્ણવેલા અને વર્ણવવા રહી ગયેલા સર્વે પ્રકારો અમારી ટપાલમાં મોજૂદ હોય છે.૨

ફાઇલિંગનું કામ મોટે ભાગે સહાયકોને સોંપાતું, પણ યાદ રાખવાનું કામ ઘણુંખરું મહાદેવભાઈની સ્મરણશક્તિનું જ ગણાતું.

બીજું કામ લેખો લખવાનું. એ કામ પ્રવાસમાંય ચાલતું. મહાદેવભાઈના સાપ્તાહિક પત્રોથી તો नवजीवनના જમાનાથી વાચકો ટેવાયેલા હતા. ઉપરાંત કોઈ વિષયનું અધ્યયન કરીને લેખ તૈયાર કરવાનો હોય તો તે કામ પણ સામાન્ય રીતે મહાદેવભાઈ પર આવતું. પોતાના બધા લેખો हरिजनबंधु કે અંગ્રેજી हरिजनમાં છપાવવા સારુ મોકલતા પહેલાં મહાદેવભાઈ ગાંધીજીને બતાવતા. ગાંધીજી પણ પોતાના લેખો મહાદેવભાઈને બતાવતા. એને લીધે કોઈ વિષય બેવડાતો નહીં; વિચારોની સફાઈ થઈ જતી અને વિચારોનો સૂર બેસૂર થતો નહીં. સેવાગ્રામ ગયા પછી નારાયણને સારુ એક દૃશ્ય જેવું લગભગ રોજેરોજનું થઈ પડ્યું હતું. મહાદેવભાઈ તો બાપુકુટિમાંથી જમવા સારુ આવતી વખતે હરખાતા હરખાતા પ્રશ્ન પૂછે કે, ‘બોલ તો બાબલા, આજે શું થયું હશે!’ તો નારાયણ બેધડક પહેલું અનુમાન એ જ કરતો, કે ‘તમારા હરખ પરથી તો કાકા, એમ લાગે છે કે તમારા કોઈ લેખને બાપુએ પોતાના તરીકે માની લીધો હશે.’ અને મહાદેવભાઈ સંતોષપૂર્વક કહેતા, ‘સાવ સાચું. આખા લેખમાં એક જ જગાએ છેકો માર્યો — એમ.ડી. છેકીને બાપુએ ત્યાં એમ.કે.જી. લખી દીધું!’ બાપુના નામમાં પોતાના નામને મિલાવી દેવું, મિટાવી દેવું એ મહાદેવભાઈનો સૌથી મોટા હરખનો વિષય હતો. ‘ભારત છોડો’ આંદોલનની વાતો શરૂ થઈ ત્યાર પછી પ્રગટ થયેલો ‘ટુ એવરી બ્રિટન’ નામનો ગાંધીજીનો લેખ આ રીતે લેખકના નામપલટાથી ગાંધીજીનો બનેલો લેખ હતો.

મોટું કામ તો હતું મુલાકાતોનું. અલબત્ત, વર્ધા છોડીને ગાંધીજી સેગાંવ ગયા ત્યાર પછી તેમના મુલાકાતીઓની સંખ્યા પ્રમાણમાં થોડી ઘટી હતી. કારણ, ત્યાં પહોંચવા ને પાછા ફરવા સારુ કાં તો દસ-અગિયાર માઈલની દડમજલ કરવી પડતી, કાં ખાસ ભાડું ખરચીને ટાંગો કરવો પડે. પણ એમ ચળાવણી થઈ ગયા પછી પણ મુલાકાતીઓ કાંઈ સાવ ઓછા નહોતા. કેટલાકને લેવા મહાદેવભાઈ જાતે સ્ટેશને જતા, તેમને મગનવાડી લાવી ચા-નાસ્તો કે ભોજન કરાવતા અને પછી પોતાની સાથે ટાંગા પર સેવાગ્રામ લઈ જતા. જેમને ગાંધીજીની વાત સમજી લેવી હોય પણ તેમનો ઝાઝો સમય ન લેવો હોય તેઓ મહાદેવભાઈ સાથે આખી વાત કરી લેતા અને ગાંધીજીનો ઘણો સમય બચાવતા. કેટલાક ગાંધીજી સાથેની મુલાકાત પછી મહાદેવભાઈ સાથે વિસ્તારથી વાતો કરી વધુ વિગતો જાણી લેતા. ‘બાપુનાં લાડકાં છોકરાંઓ’ વચ્ચે મહાદેવભાઈને માથું મારવા જ નહોતા દેતાં. પણ તેમનામાંથી કેટલાકને પાછળથી ગાંધીજી મહાદેવભાઈ પાસે મોકલતા. વાતચીત પતાવે જ નહીં, એકની એક વાત ફરી ફરીને કરે, દલીલ ખાતર દલીલ કરે એવા લોકોથી મહાદેવભાઈ ઘણી વાર કંટાળતા અને ઘડીભર એમના ચહેરા પર રીસ કે કંટાળાની રેખાઓ પણ દોરાઈ જતી. પણ તે સહેજ જ વાર. બાપુનો સમય આ રીતે બચી રહ્યો છે એ વાતનું ભાન મહાદેવભાઈને ગમે તેવા ગુંદરિયા લોકો સાથે પણ ધીરજપૂર્વક વાત કરવાની ધારણાશક્તિ બક્ષતું.

કેટલાક ક્રોધી મુલાકાતીઓ જોડે પણ પનારો પડતો. એ લોકો જો ગાંધીજીનો સમય નાહકનો જ બગાડવાના છે એવી મહાદેવભાઈને ખાતરી થાય તો એમને મળવાની ના પાડવાનું અપ્રિય કામ પણ મહાદેવભાઈને કરવું પડતું. આવો એક મુલાકાતી એક વાર જતાં જતાં મહાદેવભાઈને ગોળી મારવાની ધમકી આપતો ગયેલો. જવાબમાં મહાદેવભાઈએ માત્ર સ્મિત કરેલું. જોકે દુર્ગાબહેનના મનમાં બેત્રણ દિવસ સુધી ફાળ રહી હતી ખરી.

સેવાગ્રામની બાપુકુટિમાં ગાંધીજીની બેઠકની પછવાડે જ ભીંત પર એક નાનું સરખું પાટિયું લટકાવવામાં આવ્યું હતું. એમાં લખી હતી એક ઉપયોગી ત્રિસૂત્રી : Be Quick, Be Brief, Be gone!-ઝડપ કરો! ટૂંકમાં પતાવો! ચાલવા માંડો! મુલાકાતીઓને આપેલો સમય પૂરો થાય, ને ગાંધીજી એકાદ વાર ઘડિયાળ તરફ પણ જોઈ લે પછી પણ જો મુલાકાતી ત્યાંથી ચસકવાનું લક્ષણ ન દેખાડતા હોય તો ગાંધીજી પોતે જ પેલા પાટિયા તરફ આંગળી કરી પોતાના બોખા મોંએ ખડખડાટ હસી પડતા!

ગાંધીજીના સચિવ એટલે માત્ર સમય અંગે જ નહીં, પણ વસ્તુના વપરાશ અંગે અને ધનના વ્યય વિશે પણ કરકસર કરી જાણનાર. ગાંધીજી એક બાજુ વપરાયેલો કાગળ, બીજી બાજુ ફરી વાપરતા, ટાંકણીને બદલે ઘણી વાર બાવળની શૂળ વાપરતા, પેન્સિલ સાવ ઘસાઈ ન જાય ત્યાં સુધી એને વાપર વાપર કરતા. ગોળમેજી પરિષદમાં જતી વખતે સાથીઓનો વધારાનો સામાન એડનથી પાછો મોકલાવેલો એ કિસ્સો તો ઘણો જાણીતો છે. સાદું જીવન કેટલું સુચારુ અને શોભનીય બની શકે એનો નમૂનો ગાંધીજી પોતાની રહેણીકરણીથી પૂરો પાડતા. એવા પરિસરમાં એમના સચિવ મોટા ખરચ કરવાની તો હિંમત જ શે કરે? પણ ગાંધીજીની અને એમના સચિવની કરકસર વિવેકહીન નહોતી. જરૂર પડી ત્યારે ગાંધીજીએ વાઇસરૉયને કહીને સ્પેશિયલ ટ્રેન દોડાવેલી; જરૂર પડી ત્યારે તેમણે ખાસ્સા લાંબા લેખ જેટલો લાંબો તાર પણ કરેલો. બાકી તારની ભાષામાં લાઘવ એ મહાદેવભાઈનો ખાસ ગુણ હતો. જોકે એ બાબત પણ મૂળ પાઠ તો તેમણે ગાંધીજી પાસે જ લીધેલ. ગાંધીજી પોતાના ઘણા તારમાં માત્ર એક શબ્દ વધારાનો ખરચતા: ‘પ્યાર’. તે વખતે એક શબ્દ પાઠવવાનો એક આનો બેસતો. ગાંધીજી એક આનાના વધારાના ખર્ચે માનવીય સંબંધોની અમૂલ્ય કમાણી કરી લેતા.

સાબરમતીમાં, સેવાગ્રામમાં અને પ્રવાસમાં મહાદેવભાઈનું એક કામ હતું કાર્યકર્તાઓના પરસ્પરના સંબંધોને સ્નેહસ્પિગધ કરવાનું. સામેના માણસમાં ગુણો જ જોવાની મહાદેવભાઈની ટેવ, એમની મૃદુ શબ્દાવલી, એમનો મધુર સ્વભાવ વગેરે ગુણો આ અઘરા કામને અમુક અંશે સહેલું બનાવતા. જોકે ‘બાપુનાં લાડકાં દીકરા-દીકરીઓ’ના ઝઘડા પતાવવાનું કામ તો માત્ર ગાંધીજીનું જ ગણાતું.

રાજનૈતિક ક્ષેત્રમાં મતભેદ ધરાવનાર કે પ્રતિપક્ષીઓ સાથે વાર્તાલાપ એ ઘણી વાર ઘરઆંગણાના કજિયા કરતાં મુશ્કેલ થઈ પડતો. પણ આવા કિસ્સાઓમાં ગાંધીજીની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરનાર તથા મડાગાંઠ પડે ત્યાં વાટાઘાટને આગળ વધારનાર તરીકે મહાદેવભાઈ જાણીતા હતા.

ગાંધીજી વિશે આદર ધરાવતા હોય છતાં કોઈ કોઈ બાબતમાં ગાંધીજી સાથે મતભેદ ધરાવતા હોય એવા લોકો એક વિશેષ ગુણને માટે મહાદેવભાઈની ખાસ કદર કરતા. તેમને હમેશાં એ વિશ્વાસ રહેતો કે જો મહાદેવ આગળ આપણે આપણા મતભેદો પ્રગટ કરીશું તો તે ગાંધીજી આગળ તેમાં કદાચ આપણા કરતાં પણ વધુ સારી રીતે રજૂ થશે. આ ગુણની ચર્ચા રાજાજી, વલ્લભભાઈ અને જવાહરલાલ જેવાઓએ પણ કરી હતી.

આમ બાહ્ય કામોની દૃષ્ટિએ આ સચિવશિરોમણિને અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાની હતી.

ઘણી વાર લોકોના મનમાં એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે મહાદેવભાઈ એકલે હાથે આટલાં બધાં કામો શી રીતે કરી શકતા હશે?

કર્મ જ્યારે યોગ બની જાય છે ત્યારે મામૂલી કામ કરતાં તે અનેકગણું શક્તિશાળી બની જાય છે. મહાદેવભાઈની રોજેરોજની ક્ષણેક્ષણ એમના ભક્તિરસે રસાયેલી હતી તેથી તેમના કર્મમાં યોગની શક્તિ પ્રગટ થતી.

એમનું કામ વ્યવસ્થિત હતું તેથી અવ્યવસ્થાને લીધે બગડતો સમય તેઓ બચાવી લેતા. ગાંધીજીનાં કાર્યો વિશે તેઓ એકાગ્ર હતા તેથી ચિત્તવૃત્તિના ભટકવાથી થતા શક્તિના બગાડ થકી તેઓ બચી જતા.

લખવા અને વાંચવા બાબતમાં મહાદેવભાઈની ઝડપ અસાધારણ હતી. તેથી તેઓ ઓછા વખતમાં ઝાઝું લખી કે વાંચી શકતા.

તેઓ પોતાના દિવસને ગાંધીજીની સાથેના તોફાની કાર્યક્રમોમાંય સૂક્ષ્મ અર્થમાં નિયમિત રાખતા, તેથી ક્ષણેક્ષણનો ઉપયોગ કરી શકતા. દાખલા તરીકે, તેઓ નિયમિત રીતે કાંતતા. છેલ્લાં વર્ષોમાં તેઓ એ કાંતણનો જ સમય સાથે સાથે દીકરાને ભણાવવામાં આપતા. તેઓ નિયમિત રીતે ફરવાનું રાખતા. ફરતી વખતે જ તેઓ આખી ગીતાનો પાઠ કરી જતા. આમ એમની કાર્યક્ષમતા બેવડી થઈ જતી.

એમની અસાધારણ સ્મરણશક્તિ પણ તેમને કમ્પ્યૂટર જેવી કાર્યક્ષમતા આપી દેતી. એક ભ્રમભરેલી કલ્પના એવી છે કે તેઓ આખો દિવસ પતે પછી ડાયરી લખતા. પણ એમ નહોતું. તેમની ડાયરીમાં મોટે ભાગે તો ગાંધીજીના વાર્તાલાપો, પત્રો કે ભાષણોની નોંધ છે. આ બધી નોંધ તેઓ દિવસ દરમિયાન જ ગાંધીજી બોલે ત્યારે સાથે સાથે કરતા જતા. કોઈ કોઈ વાર જ પાછળથી યાદ કરીને લખવાનું થતું. ઘણી વાર તો તેમની પાસે લખવાને સારુ કાગળ ન હોય તો છાપાંના હાંસિયામાં કે બીજા કોઈ નકામા કાગળ પર ટાંચણ કરી લેતા. કોઈ કોઈ વાર તો પોતાના નખ પર આખા વાર્તાલાપના મહત્ત્વના શબ્દો ટપકાવી દેતા. પાછળથી એની વ્યવસ્થિત નોંધ લખી લેતા.

આજના કોઈ કામને આવતી કાલ પર ન ટાળનાર માણસ આજની કિંમતને અનંતગણી વધારી દે છે. મહાદેવભાઈએ એ યોગ સાધ્યો હતો. તેથી તેઓ આટઆટલું કામ કરી શક્યા.

ગાંધીજીના સચિવ તરીકે વર્ષો સુધી જેમણે મહાદેવભાઈની સાથે કામ કર્યું હતું અને મહાદેવભાઈના મૃત્યુ પછી પણ જેમને એ ભાર ઉઠાવવો પડ્યો હતો તેવા શ્રી પ્યારેલાલે મહાદેવભાઈને શ્રદ્ધાંજલિ આપતો એક લેખ हरिजन પત્રમાં જેલમાંથી છૂટીને આવ્યા પછી ૧૯૪૬માં લખ્યો હતો. તેમાં એમણે વિગતવાર દાખલાઓ આપી એ જણાવ્યું હતું કે ગાંધીજીના મંત્રી થવાને જેવો આદર્શ હોવો જોઈએ તેવા મહાદેવભાઈ હતા. આ આદર્શ એટલે શું એ પ્યારેલાલ કહે છે:

તેમના આદર્શ મંત્રીએ પોતાના વડાના આદર્શને જીવનમાં ઉતારવાની ઝંખના રાખવા ઉપરાંત બીજી કોઈ જાતની વૃત્તિ રાખવાની નથી… એણે તો શૂન્યવત્ થઈ જઈને પોતાના સરદારમાં સમાઈ જવાનું છે. એનો અર્થ એ નથી કે એણે પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દેવાનું છે. ટૂંકમાં, તેણે એની સાથે બે શરીરમાં એક પ્રાણ થવાનું છે. મંત્રી વિશેના ગાંધીજીના આદર્શનું આ મધ્યબિંદુ છે.૩

हरिजनबंधुમાં બે હપતે પ્રસિદ્ધ થયેલા લેખને અંતે પ્યારેલાલ અનેક દાખલાઓથી પોતાની વાતને પુષ્ટ કર્યા પછી છેવટે કહે છે:

ગાંધીજી અને તેમના આદર્શોમાં અપૂર્વ અને અનન્ય ભક્તિથી તરબોળ એવું મહાદેવભાઈનું જીવન હતું. ગાંધીજી જગત માટે જીવે છે, પણ મહાદેવભાઈ ગાંધીજી માટે જીવતા હતા… મહાદેવભાઈ કેવળ એક હોદ્દાધારી ન હતા. તેઓ એક સંસ્થારૂપ હતા. તેમના હોદ્દાનો આરંભ અને અંત તેમની પોતાની સાથે જ આવ્યો. …૩

નોંધ:

૧. કિ. ઘ. મશરૂવાળા: समूळी क्रांतिमां बे संस्कृतिओ.

ર. महादेवभाईनी डायरी – ૯ : પૃ. ૪૧-૪૨.

૩. પ્યારેલાલ : हरिजनबंधु ૧૭–૩–’૪૬ ને ૧૪–૪–’૪૬.