અથવા અને/કોણાર્ક
કોણાર્ક
ગુલામમોહમ્મદ શેખ
મોજાંનાં ફીણની સફેદી
ખડકનું આવરણ બને છે.
રેતીના ઢગલા સરુની સળીઓથી છવાઈ જાય છે
એના પર જ્યારે આથમતો સૂર્ય આળોટી પડે છે
ત્યારે સમુદ્રથી સૂર્યમંદિર લગીની પગદંડી પર
રતુંબડું આકાશ પુંકેસરની કણીઓની જેમ વેરાઈ જાય છે
અને સરુના જંગલમાંથી પસાર થતો પવન વૃક્ષરાજિને
નાયિકાના કામજ્વલિત દેહના વિરાટ ચાંચલ્યમાં
ફેરવી નાખે છે.
સાગરના ધીરા ધીરા ઘુઘવાટની સામે પડેલા તરાપાની તિરાડોમાં
હું પતંગિયાની જેમ ફડફડી રહું છું.
૧૯૬૧
અથવા