અથવા અને/જવું...
જવું...
ગુલામમોહમ્મદ શેખ
જવું
દરેક વેળા, વિદાય વખતે
નિ:શ્વાસે ખરડાયેલા પગે.
દરેક વાર કરવા ઇચ્છેલી વાત
પાછી ગડી કરીને મૂકી ખિસ્સામાં.
પત્રમાં લખાઈ નહિ
કારણ કે રૂબરૂ કહેવી’તી.
હાથમાં હાથ મેળવીને કહેતાં શરમ આવી.
આંખમાં આંખ પરોવતાં ઊડી ગઈ.
આડીઅવળી વાતો કરતા હતા
ત્યારે એને ખૂણામાં ટૂંટિયું વાળી બેઠેલી જોઈ હતી
તેથી કશુંક વાગવાની –
લોહી નીકળતા, ચિત્કાર સાથે
મોંમાંથી ખરી પડશે, એમ માની –
રાહ જોતાં બેસી રહ્યા.
આજે
એકાન્તમાં અવાવરુ પડેલી વાત
પાટલૂનમાં ગરોળીની જેમ ચડી ગઈ છે.
૨૩-૩-૧૯૭૩
અથવા