અથવા અને/નકરો
નકરો
ગુલામમોહમ્મદ શેખ
વન નથી, ના કંદરા, ના વૃક્ષનો અણસાર,
રણ નથી નહિ કેડીઓ નહિ સાંજનાં ધણ ધૂળનાં,
નિ:શ્વાસ ના, આશ્વાસનો
સ્પર્શના કટિમૂળને છંછેડતી
શ્વાસની આ શૃંખલા તૂટી પડી.
સ્વપ્ન ના, નહિ શબ્દ ક્યાં સરકી જવા કોઈ ભોમ કાંઠે
બારી નથી ઉપર નથી નીચે નથી ક્યાં બાર
ચલિત ના મરુતે વળી.
આકાશ આથમણું ઊગમણું
રોજની જેમ જ વિલાયું.
ચન્દ્ર ચડતો સૂર્ય ચડતો તેજના ગોટા ચડે
ને ઊતરે.
વર્ષા ઢળે ટપકે અને ચૂવે ગળે
આ સમષ્ટિમાં કશી ના ચૂક –
કશું ખાલી નથી,
હું જ ઠાલો સૃષ્ટિનો કચ્છો ઉતારી
નફકરો નકરો પડ્યો છું.
૨૭-૧૦-૭૭
અને