અથવા અને/રોજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રોજ

ગુલામમોહમ્મદ શેખ


સાંજે સવારે રોજ બેસું
ખુરશીમાં
પડખાં ફરું
દૂર બેઠો બારણાં – પડદા ખસેડું,
હડસેલવા માંડું દીવાલો
વૃક્ષ ઊંચકી આંહી માંડું ત્યાં ધરોબું
ઘાસનાં બીડેય વીડું:
પાછો ફરું
પગ ખુરશીના વ્હેરું
વળી રોપું ઉગાડું છોડ
ઉપર છોડ પરથી વૃક્ષમાંથી વૃક્ષ ને
થથરાવતાં આ પક્ષીઓનાં ઝુંડ લિસોટા કરે
ત્યાં આમ ઊડું તેમ લસરું,
પગ પલાંઠી પર ચડાવી
ઉદરમાંયે ઊતરું:
આમ ભટકું તેમ છટકું
રસ્તે સડક પર ટ્રેનટોળામાં
વળી ક્યાં એકલો
પાછો ફરું ઘર બંધ બારે ઊંઘવા આવું.
જો આમ ને આમ જ સદા રખડું પડું ભૂલો
પડું રવડી
ફરી પાછો વળું જો આમ ને આમ જ
ચબરખી ફાડતો રહું દિવસની,
રોજ અંધારે ઉતારું વસ્ત્ર સાથે આંખ,
કાન સંકોરું
અને પગહાથ સંકેલી
મને આખો ઉતારી
આથમું –

૨૭-૧૦-૭૭
અને