અથવા અને/વીતેલી વેળનો પડછાયો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વીતેલી વેળનો પડછાયો

ગુલામમોહમ્મદ શેખ





ઝીણી જાળી ભરેલી સફેદ ચોળી ને
મલાઈ જેવી બ્રેસિયરમાં બાંધેલા
અકળ આછા અધગોળા
કબૂતરનાં શિર કાચાં જામફળ,
અડ્યાં અડ્યાં ને ઊડી ગયાં.
મહિનાઓ પછી મળ્યા ને તું સફાળી દોડી આવી
નાખી દીધી દુનિયા સરતી સાડી સાથે.
હું ચાંપવા ગયો છાતીએ
ત્યાં નજર ફેરવી તેં ઝીલી લીધા મારા હાથ
આપણા દબાતા દેહની વચ્ચે
દબાઈ ગઈ દુનિયા.
ઊંધા હાથે અડધાં દબાયાં સ્તન
ડીંટડી ક્યાં ગઈ?
છાતી ને સ્તનની વચ્ચે અધીરા અનાથ હાથ હાંફે
ને છૂટ્યો ફુવારો
માથે સણકો
પાળેલું પશુ સફાળું જાગ્યું ને રોમરોમમાં રણકાર –
તારા આરદાર શરીરમાં પરસેવો ફૂટ્યો
ક્ષણવારનો સંચાર.
પછી તો છૂટાં પડ્યાં ને ખબરઅંતર,
ખમીસ ખંખેરતા ગળાનો મેલ કાઢ્યો, તેં સાડી સરખી કરી
છોતરા જેવા સવાલો ને ચવાતા જવાબો
વચ્ચે ચચરતું રહ્યું વણથયું
ચુંબન ને ધધકતી રહી
અખૂટ વીજળીની ધારા
આપણે કલાકો લગી મલોખા જેવા માણસોને મમળાવ્યા કર્યા.




અડધ અડધ દાંતમાં ઊઘડી કળી
અણસાર આવ્યો અલપઝલપ
મરકલું આવ્યું ને ઊતરી ગયું
પાછું
ગૂંચળું વળી ખભે થઈ છૂપેલ સ્તનોમાં
સરકી ગયું સમૂળગું.
બંને પગે ઝીણી જરકશ ફરફરી,
ઊના અંગે નવસેકી લ્હેરખી ફરી વળી, ટાઢુકડી થઈ.
મૃગશીર્ષ વેળા
તૃણ પર કિરણનું
મરઘલું, માથે ઊડાઊડ

બધું અડાય
કૂણો હિરણ્યસ્પર્શ
ઊઘડે દ્વાર
ઊભો થાય સૂતો સંસાર
સરકેલી ક્ષણ સળવળે કણકણે, ઝણઝણે
ઝીણુંઝીણું પ્રસ્વેદ ઝમે આભ.

૧૯૮૦નો દશક (?)
અને