અથવા અને/સમરકંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમરકંદ

ગુલામમોહમ્મદ શેખ

કલ્પેલું એને ધૂળિયું
ઢેફાં અને ભેખડથી ભરેલું
આવતાં જતાંની અડફેટે ભાંગતું
અને કીડિયારાની જેમ ઊભું થતું
રણમાં રસ્તો ભૂલેલા ઊંટની જેમ ગાંગરતું.

આજે શિયાળાની સાંજે મળ્યું મને
ઠંડુંગાર બરફમાં અકબંધ
અડધું સાચું અડધું ઝાંઝવું.
આખે રસ્તે ચિનારની હાર
નીચે સિકંદર-ચંગેઝ-તિમૂરની વણઝાર
પાંદડાં ખરે ખખડે હથિયાર
રેગિસ્તાનના ખંડેરમાં પડછાયા જેવી પ્રાર્થનાના લિસોટા
તિમૂરની કબર પર લંગડા પગે લીલોકચ જેડ પથ્થર
માંસના ટુકડાની વ્હેંચણી કરતા
શહેનશાહોના દાંત જેવા પ્રકાશનાં ચોસલાં
મ્યુઝિયમમાં થીજેલા લોહીની ભાતવાળી જાજમ
ભરતકામમાં તરબૂચ જેવડા મોટા બુટ્ટા,
અલ્લાહના અવાજનું પડછંદ રૂપ પહેરી
ઇમારતો ઊભી અડીખમ
ઉઝબેક સ્ત્રીના ચહેરા પર રેતીનાં રમખાણ.
બધું જીવે છે
ઉલૂક બેગની કબરમાં ધડ (માથું તો હત્યારા લઈ ગયા)
અને ઊડતા આકાશની સળો સેરવતું યંત્ર,
શાહ ઝિન્દાના ભોંયરે
કસમ અબ્બાસ
કપાયેલું માથું ખોળે ધરી બેઠા છે
કે પાંજરે પૂરેલા જાનવરની જેમ આંટા મારે છે.

મોસ્કોમાં નોંધેલું, ૩-૧૨-૧૯૭૪
અને