અનુનય/દુઃખનું નામ પાડવાની કવિતા
જે દુઃખનું કંઈ નામ નહીં તે કેમ કરીને ક્હેવું!
નામ વગરની નદીઓને તો છાનાંમાનાં વ્હેવું.
એક ખરે જો તારો નભથી, ગરે આંખથી આંસુ
સીધું સરખું વેણ હૃદયને વાગે થઈને ત્રાંસું
કારણની દુનિયાને અમથું તે આપણને સ્હેવું.
અમથું અમથું કોઈ વહેંચે મોંઘા મૂલનું વ્હાલ
હસતા મુખમાં જોઈ જવાતી કરચલિયાળી કાલ
રાજીપાના કોલાહલમાં મેરુમુનિવ્રત લેવું.
સુખશય્યામાં અકળ અંજપો રાત બધી આળોટે
ખોબાનું મીઠું જળ ખારું-ઊસ, અડે કે હોઠે
વસ્તર નીચે અસ્તર જેવું દુઃખ દબાવી રહેવું.
૧૦-૮-’૭૬