અનેકએક/ઘોડા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઘોડા


અડધી રાતે
ઝબકી જવાય
ઊછળતા શ્વાસ અને સન્નાટાને વીંધતો
દૂર ઊંડાણેથી આવે છે
ઘોડાઓના ડાબલાનો એકધારો ધીમો અવાજ
પછી તો આછી આછી હણહણાટી પણ
ઓરડાની ચૂપકીદી
ઓરડાને વધુ ખાલીખમ્મ બનાવે છે
બારી બહાર
જંપી ગયા નગરની નીરવતા
હણહણી ઊઠે છે
સ્તબ્ધ ઝાડીઝાંખરાંમાં
સૂમસામ રસ્તાઓ પર
ન હવાની ન અજવાળાની અવરજવર
ઘોડાઓનો અવાજ
વધુ નિકટ થતો જતો
વધુ સ્પષ્ટ થતો જતો
અંધકારને વધુ વિહ્‌વળ કરતો
વધુ વેગીલો થતો જતો
અવાજ
એકાએક આકાર ધારણ કરે એમ
અનેક ઘોડાઓ મને ઘેરી વળે છે
ઘોડા જેવા ઘોડા
થોડા ઘરડા
કરચલિયાળ બરછટ પીઠ
ઢળી પડતી પૂંછ
બરડ બુઠ્ઠી કેશવાળી
ઊંચકાઈ ઊંચકાઈ પછડાયા કરે પગ
હું હથેળીઓમાં એ ડાબલા ઝાલી લઉં છું
હાંફતા શ્વાસ
મોંમાં ફીણ
આંખોનાં ઝળઝળિયાંમાં
ગબડ્યે જાઉં છું હું