અનેકએક/વાગીશ્વરીને
વાગીશ્વરીને
પવનમાંથી
સરી રહ્યો છે વેગ
તરંગ જળમાંથી
ન અગ્નિ અગ્નિમાં
ન ધરા ધરી પર
બુંદ...બુંદ... આકાશ
ન નેત્રમાં તેજ ન બળ ગાત્રમાં
ન લય રક્તમાં
ન કંપ કર્ણવિવરમાં
જિહ્વા પર મૂર્છિત વાણી
શ્વાસ નિષ્પ્રાણવાયુ
અંગુલિઓ અચેત
હે વાગીશ્વરી!
કરકમળે ખંડિત વિશ્વો લઈ આવ્યો છું
આમ તો
પવન અગ્નિને આકુળ કરે
જળ ઠારે
આકાશ જળ થઈ
વીંટળાઈ વળે પૃથ્વીને
ધરા
ધારે અગ્નિ જળ પવનને
આકાશ
અગ્નિ જળ પવન વરસે
આમ તો
અગ્નિ જ તેજ
જળ રક્ત
છતાં વાગીશ્વરી
તેં દીધાં વારિ અને વાણીને
કદરૂપાં કર્યાં છે
અગ્નિને રાખ
શ્વાસને અંગારવાયુ
પ્રાણને અશબ્દ કર્યા છે
લે પવન
લે જળ
લે અગ્નિ આકાશ લે ધરા
દે
વરદે
વર દે... દે શાપ
અશક્ત છું
છું અવાક્