અપરાધી/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન
[પહેલી આવૃત્તિ]

નિવેદન હંમેશાં પુસ્તકના પ્રારંભમાં મુકાય છે: અહીં અંતમાં મૂકેલ છે. આશય એટલો જ છે કે આ વાર્તા એક અંગ્રેજી કૃતિને આધારે ગુજરાતીમાં ઉતારવામાં આવી છે તે હકીકતનું જ્ઞાન વાચકની રસવૃત્તિમાં, એનું વાચન થવા દરમ્યાન, કશો વિક્ષેપ ન કરે. આવો વિક્ષેપ થાય છે એ લેખકની માહિતીની વાત છે. કૃતિ જો અસલ લખાણનું શબ્દશ: ભાષાન્તર હોય તો આવી માહિતી પ્રથમથી જ આપી દેવી આવશ્યક બને છે; કેમ કે ભાષાન્તરમાં – તરજુમામાં તો મુખ્ય આશય અસલ કૃતિનું હાર્દ સમજવા-સમજાવવાનો છે. રૂપાન્તર થાય છે ત્યારે મુખ્ય જવાબદારી રૂપાન્તરકારની બને છે. પોતે અસલ કૃતિનો ઉપકારભાવે ઋણસ્વીકાર કરે છે, અને નવી રચનાના યશનો ધણી પોતે એકલો જ ન બની જાય એટલી એની પ્રામાણિક ફરજ છે. પરંતુ સાંગોપાંગ રચના તો એની પોતાની જ લેખે પરીક્ષામાં મુકાવી ઘટે. એની ખૂબીઓ તેમ જ ખામીઓના કડક તોલનનું પરિણામ એણે એકલાએ જ બરદાસ્ત કરવું રહે છે. આવું તોલન નિરંતરાય તો જ બને, જો વાચકને વાચન કરતે કરતે, આખે રસ્તે, એકને બદલે બે લેખકોનો વિચાર કર્યા કરવો ન પડે. મૂળ કૃતિ ‘ધ માસ્ટર ઓફ મૅન’ નામની, સદ્ગત અંગ્રેજ સાહિત્યમણિ હૉલ કૅઈનની છે. એ કૃતિની લીલાભૂમિ ઈંગ્લંડ પાસેનો આઇલ ઑફ મેન નામનો એક અર્ધસ્વરાજ ભોગવતો ટાપુ છે. મેં એમાંથી ઘણા અંશો કાઢી નાખીને કાઠિયાવાડની જીવન-સ્થિતિને બંધ બેસે તે રીતના ઘણા ફેરફારો કર્યા છે. ક્યાંક ક્યાંક તો મૂળનાં ચિત્રોને શબ્દશ: પણ મૂકવાનો લહાવ લીધો છે, જ્યારે ઘણુંખરું મેં મારી વાર્તાને એની સ્વતંત્ર ગતિએ રમવા દીધેલ છે. આ કૃતિ વાંચ્યા પછી મૂળ લેખક પર જો વાચક મોહિત થાય તો માહિતી આપું કે હૉલ કેઇનનાં નીચે લખ્યાં પુસ્તકો પરિચય કરવા લાયક છે: ‘ધ ડીમસ્ટોર’, ‘વ્હાઇટ પ્રફેટ’, ‘બાર્બ્ડ વાયર’, ‘પ્રોડીગલ સન’, ‘ધ મૅન્ક્સમૅન’, ‘ધ વુમન ધાઉ ગેવેસ્ટ મી’ વગેરે. જેના પરથી ‘અપરાધી’ની રચના થઈ છે તે વાર્તાએ હૉલ કેઇનને હ્યૂગો, ઝોલા અને ટૉલ્સ્ટૉય સરીખા વાર્તાસ્વામીઓની હરોળમાં મુકાવેલ છે. હજારો હૈયાંને આ વાર્તાએ ધબકતાં કરેલ છે. કોઈ વિવેચકોએ એને લેખકની ઉત્કૃષ્ટ કૃતિ કહેલ છે. હૉલ કેઇન ઇંગ્લંડના નહીં પણ આ ‘આઇલ ઑફ મૅન’ નામે ટાપુના પુત્ર હતા. પોતાની કેટલીય કૃતિઓની લીલાભૂમિ એણે આ નાનકડી માતૃભૂમિને બનાવેલ છે. સંસ્કૃતિના સારામાઠા ખળભળાટોથી વેગળા અને એકાકી પડેલા આ ટાપુનું લોકજીવન જે ખૂબીઓથી રંગાયેલું છે તેની એ કૃતિઓમાં અદ્ભુત ભાત ઊઠી છે. લેખકનું સ્વભૂમિ સાથેનું ઓતપ્રોતપણું એમાંથી મળે છે. ‘અપરાધી’ મૂળ ૧૯૩૬-૩૭ના ‘ફૂલછાબ’માં ચાલુ વાર્તા લેખે વર્ષ-સવા વર્ષ સુધી પ્રકટ થઈ હતી. શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ પુસ્તક નહોતું ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો. મૂળમાં જોતો ગયો તે તો પછી. બોટાદ: ૧-૯-૧૯૩૮
ઝવેરચંદ મેઘાણી

[બીજી આવૃત્તિ]

એક રાજકોટવાસી ભાઈએ, આ વાર્તા પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારે ખેદ દર્શાવી કહેલું: “અમે તો ચાલુ વાર્તા વાંચતા હતા ત્યારે આખી ઘટના કાઠિયાવાડની મૌલિક હોય તેમ જ માનતા હતા, એટલું જ નહીં પણ પ્રત્યેક પાત્રનો પણ અમુક ચોક્કસ કાઠિયાવાડી સાથે મેળ બેસારી શકતા હતા. હૉલ કેઇનના ‘માસ્ટર ઑફ મૅન’ પરથી ઉતારી છે તે તો તમે જણાવ્યું ત્યારે જ જાણ્યું.” ઉપલું પ્રમાણપત્ર મૌલિકતાનો દાવો આગળ કરવાના આશયથી નથી ટાંક્યું. અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી, એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી. મારી અનુકૃતિમાં શુદ્ધ સોરઠી જીવનની સ્વાભાવિક જીવનછબી ઊપસતી હોય તો તે સંપૂર્ણ સંતોષનું કારણ છે. હૉલ કેઇનનું ઋણ અદા કર્યાનો એ પરમ સંતોષ છે. પણ પેલા રાજકોટવાસી ભાઈના કહેવા પાછળ તો ધ્વનિ કંઈક આવો હતો કે મૂળ લેખકનો આવો ઋણસ્વીકાર કરવા બેસવું શું નૈતિક દૃષ્ટિએ જરૂરનું હતું? કયા સર્જકના મન પર આ કે તે સાહિત્યસ્વામીની કૃતિઓની છાયા નથી રમતી હોતી? એવી છાયાઓનો ઋણસ્વીકાર કરવા બેસવું એમાં સાહિત્યકીય પ્રામાણિકતાનો કંઈક અતિરેક – તેમ જ એવા અતિરેકનું પ્રચ્છન્ન મિથ્યાભિમાન – નથી? અથવા આજે સાહિત્યકારો કરતાં ચોરી પકડવાવાળા જાસૂસો વધી પડ્યા છે, તેનો મનમાં પડેલો ડર તો નથી? કદાચ એ પણ હોય! એ ચર્ચામાં નહીં ઊતરીએ. આપણું ગુજરાતી વિવેચન ડગુમગુ પગ માંડી રહેલ છે, તેવી સ્થિતિમાં એ વિવેચનને દૂર દૂરની પણ ચોરીની વાતથી ન સતાવવાની સંભાળ લેવી જોઈએ એમ હું માનું છું; અને પ્રામાણિકતાના ડોળ અથવા પકડાઈ જવાના ડર કરતાં વધુ મોખરે જો હું મારી બાબતમાં આ કારણને વધુ ભાર સાથે મૂકું, તો એને પણ ડોળ ન ગણી લેશો એટલી અરજ છે. આપણા વિવેચનને જેમ એક બાજુ આવી સિફતભરી ચોરીથી સતામણી થવાનો ડર છે, તેમ બીજી બાજુ આ એક સાચી ભીતિ છે કે અમુક કૃતિ અમુક બીજી કૃતિ ‘પરથી’ ઊતરી છે એવું વિધાન વિવેચનને વિનાકારણ જકડી બેસે છે. મૂળ સાથે અનુકૃતિને શબ્દશ: નહીં તો પ્રકરણવાર પણ મીંડવવા બેસનારા વિવેચકો એક તો છે નહીં, તેમ એટલી વેઠ એમના પર લાદી શકાય નહીં. પરિણામે ‘અનુકૃતિ છે’, ‘રૂપાન્તર છે’, એટલાથી વિવેચકની ગેરદોરવણી થાય છે એ ન ઉવેખી શકાય તેવું એક ભયસ્થાન છે. એવા ભયસ્થાનનો ભોગ ‘અપરાધી’ને પણ થવું પડ્યું છે, એટલા કારણે જ થોડી સ્પષ્ટતા આ વખતે જરૂરી છે, કે પાત્રહિસાબે જોઈએ તો માલુજી ને ચાઉસ જેવાં પાત્રો હૉલ કેઇનમાં નથી. પ્રસંગના હિસાબે મેળવીએ તો દેવનારાયણસિંહનું નર્મદા સાથેનું લગ્ન, અને એ લગ્નનો આનુષંગી કોઈપણ બનાવ મૂળમાં છે નહીં. અજવાળીને જેમાં મૂકેલ છે તેવો કોઈ મહિલાશ્રમ મૂળમાં છે નહીં. શિવરાજ જે બે-ત્રણ અચ્છા મુકદ્દમા ચલાવે છે તે અસલમાં છે નહીં. ‘રાવસાહેબની પુત્રવધૂ’ વગેરે પ્રકરણો મારાં જ છે. અને તે સર્વ કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો તો આખી લખાવટનો છે. પ્રથમાવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે અમુક પાછલાં પ્રકરણો બાદ કરતાં સળંગ શબ્દશિલ્પ મારું જ છે અને તે મૂળ ચોપડીને જૂના કાળમાં વાંચ્યા પછી ફરી વાર કદી જોયા વગર જ આલેખ્યું છે. પણ આખરે તો હું હારું છું, ને ‘આ તો મારું અને આ કોક બીજાનું’ એવાં ચૂંથણાંથી શરમ સુધ્ધાં પામું છું. તાત્ત્વિક સવાલ તો એક જ છે, કે આમાં વાચકને એનું પોતાનું, એના હૈયાસરસું, એને તદ્રૂપ તદાકાર ને તન્મય બનાવનારું કેટલું છે? એને પોતાનું લાગે તેટલું જ સાચું છે – બાકીનું સર્વ, મારું હો કે હૉલ કેઇનનું, મિથ્યા છે. ૧૩-૨-૧૯૪૪
ઝવેરચંદ મેઘાણી