અપરાધી/૧૭. ત્રાજવામાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭. ત્રાજવામાં


અજવાળીને ઠેકાણે પાડ્યા પછી બે જ દિવસે શિવરાજની અદાલતમાં એક નાજુક મુકદ્દમો આવીને ઊભો રહ્યો. કેમ્પની વસુમતી મિલના શેઠના પુત્ર પર એના એક મજૂરે ખૂની હુમલો કર્યો. મજૂરની છરી શેઠ-પુત્રને પૂરી ઈજા ન કરી શકી, ત્યાં તો પઠાણ દરવાનો આવી પહોંચ્યા અને મજૂરને ગૂંદી ગૂંદી કબજે કર્યો. મહાવ્યથા અથવા લઘુવ્યથાની કલમ હેઠળ થયેલો ગણાતો એ ગુનો શિવરાજની ન્યાય-ત્રાજૂડીમાં તોળાવાને માટે આવી પહોંચ્યો. કાઠિયાવાડની એ જૂજજાજ મિલો માયલી એક મિલ હતી. માલિકના મગજમાં અમદાવાદી ઉદ્યોગપતિનું શાણપણ હતું. શહેનશાહના જન્મદિને તેમ જ તાજપોશીની વર્ષગાંઠે શેઠની નાદર સખાવતો જાહેર થતી; અને નાતાલના ઉત્સવમાં શેઠ-ઘરની ભેટસોગાદો ખુદ મોટા સાહેબ સુધીના એક પણ અમલદારી ઘરને ન વીસરતી. શેઠે શહેરની ક્લબને ગ્રાંટ બાંધી આપી હતી. શેઠના અહેસાનથી વંચિત એક દેવનારાયણસિંહ સિવાય ભાગ્યે જ કોઈ એજન્સી અધિકારી રહ્યો હતો. શેઠની મોટરો માગી જનારા એક ઓફિસરે એક વાર પોતાના પદરથી પેટ્રોલ ભરાવેલું તેને તો શેઠે પોતાની અવમાનના સમજીને એ અધિકારી પર મોટો ધોખો ધર્યો હતો. હુમલાના કારણરૂપે મિલનાં રજિસ્ટરો અને ચોપડાઓની સાહેદી ટાંકીને બતાવવામાં આવ્યું કે કામમાં બેદિલી રાખીને સંચાને નુકસાન કરવા બદલ એના પગારમાં કાપ મૂકવામાં આવેલ તેનો એ મજૂરે કિન્નો રાખેલ હતો. મિલ-મજૂરો દારૂડિયા, જુગારી અને સ્વભાવે હિંસક પ્રાણીઓ સમા હોય છે, એવી છાપ શિવરાજના દિલ પર પાડવાના શક્ય તેવા તમામ યત્નો થઈ ચૂક્યા. સૌને લાગ્યું કે મુકદ્દમો નાનું બાળક પણ પહેલી જ નજરે સમજી શકે તેવો સાવ સાદો હતો. વકીલોની ઊલટતપાસમાંથી એ જ સાર નીકળતો હતો. મજૂરના પક્ષે સાહેદી પૂરનાર કોઈ નહોતું. આ બધી દલીલોની ભીડ વચ્ચેથી જુવાન મૅજિસ્ટ્રેટનું મન માર્ગ કાઢતું કાઢતું આરોપીની પાસે પહોંચતું હતું. આરોપીની સામે વીતેલા આઠ દિવસો એને દિલે કોઈક બીજી જ ગંધ લાવતા હતા. “આરોપી,” શિવરાજે કેદીને આખરની સુનાવણી વખતે પૂછ્યું: “તારે તારા બચાવમાં કાંઈ કહેવું છે?” “ના, સાહેબ.” “તેં ગુનો શા માટે કર્યો છે?” કેદીએ જવાબ ન વાળ્યો. શિવરાજનું દિલ સ્વચ્છ નહોતું. પડેલા પુરાવા અને કેદીની બચાવ વિશેની બેપરવાઈ એને એક વાત કહેતાં હતાં, કેદીનું આઠેઆઠ દિવસનું મૌન એને બીજી વાત કહેતું હતું. “કેદી, તું રહમ પણ માગતો નથી?” “રહમ તો માગી’તી પરભુની કને, સાહેબ! પણ એણે અધૂરી સાંભળી.” “એનો અર્થ?” “અરથ એ કે મારે એને જાનથી મારીને ફાંસીએ જાવું’તું.” “તારે બાળબચ્ચાં છે?” “ત્રણ.” “માબાપ છે?” “બેય જીવતાં મૂઆં છે.” “તું દારૂ પીએ છે?” “ના, સાહેબ.” “તારે કાંઈ નથી કહેવું?” “કોને કહું? ક્યાં કહું?” શિવરાજે અદાલતને વિખેરી નાખી. વળતે દિવસે કેદીને પોતે પોતાની ચેમ્બરમાં એકાંતે તેડાવ્યો. કેદી રવાના થયા પછી એના પર ડેપ્યુટીસાહેબના ચપરાસીએ આવીને એક ચિઠ્ઠી મૂકી. લખ્યું હતું: આ કેસમાં વધુ ઊંડા ઊતરવામાં સાર નથી. ઠેઠ ઉપરથી એવી ઇચ્છા મને પહોંચાડવામાં આવી છે. તમારી કારકિર્દીને પ્રથમ પહેલે પગથિયે થાપ ન ખાઈ બેસતા. સરસ્વતી પણ એ જ ઇચ્છે છે. શિવરાજનું યુવાન લોહી આગની ભઠ્ઠી પર મુકાયું: ‘ઠેઠ ઉપર’વાળા, સરસ્વતીના પિતા અને સરસ્વતી, બધાં જ અમુક વાત ઇચ્છે છે – એનો શો અર્થ? શિવરાજ સીધો પોતાને ઘેર ગયો. એણે કપડાં બદલ્યાં. એ બહાર નીકળ્યો. તે પૂર્વે શહેરના બે પ્રતિષ્ઠિતોએ એને પકડી પાડ્યો, ને કહ્યું: “આ શું કરી રહ્યા છો, સાહેબ? પોથી માયલા વેદિયા થવાનું હોય આમાં? શેઠની લાગવગો, સખાવતો, ધર્માદાઓ, શહેરમાં પાણીની રાડ બોલતી તેનો એણે કરેલ મિટાવ – એ બધું તો વિચારો. મજૂરની બહુ દયા આવતી હોય તો તેને ટૂંકી સજા કરો.” “મારું મન નથી કબૂલતું. આમાં જે ફરિયાદી છે તે જ અપરાધી છે.” “તમે ચેપળાઈ છોડો. કાંઈક અમારાં ધોળાં સામું તો જુઓ. અમે સાઠ-સાઠ વર્ષ પાણીમાં નથી કાઢ્યાં.” “આ બાબત પર આપણી ચર્ચા નકામી છે.” એટલેથી વાતનો છેડો લાવીને શિવરાજ સ્ટેશને પહોંચ્યો ત્યારે સ્ટેશન પર મળનાર એક સ્નેહીએ એના કાનમાં કહી નાખ્યું કે, “આરોપીને ચેમ્બરમાં એકલો તેડાવીને તમે તમારા સામે ભયંકર સંદેહ નોતર્યો છે.” “થાય તે સાચું.” વધુ વાર્તાલાપ કર્યા વગર એ પિતાજીની પાસે પહોંચ્યો, ને મજૂરના મુકદ્દમાની વાત ઉચ્ચારી. મોં પરની એકેય રેખાને કૂણી પાડ્યા વિના દેવનારાયણસિંહ વાત સાંભળી રહ્યા. શિવરાજે વિગતોની સમાપ્તિ કરી. “વધુ કાંઈ?” બાપે પૂછ્યું. “ના.” “બસ ત્યારે, જાઓ.” “મારે શું કરવું?” “કોને પૂછો છો? શા હિસાબે પૂછો છો?” શિવરાજ પિતાના મનની વેદના કળી શક્યો. પોતે પોતાના પ્રત્યે પિતાનો આવો કોપ પહેલી જ વાર નિહાળ્યો. “ડરો છો? કાયદાનાં થોથાં ગોખીને જ ન્યાયાસને બેસી ગયા છો? મને પૂછો છો? પ્રભુને નથી પૂછ્યું? એ તો મારા કરતાં તમારી વધુ નજીક છે.” શિવરાજ સ્તબ્ધ બન્યો. “જાઓ.” દેવનારાયણસિંહે ‘જાઓ’ શબ્દ જિંદગીમાં બીજી વાર આવી કરડાઈથી ઉચ્ચાર્યો. એક વાર છાપાની દમદાટી દેવા આવનાર દેવકૃષ્ણ મહારાજ ‘જાઓ’ સાંભળીને આ પિતાને દ્વારેથી પાછા ગયા હતા. પાછા કેમ્પમાં જઈને વળતા દિવસની ભરચક અદાલતમાં શિવરાજે ફેંસલો સંભળાવ્યો. ફેંસલો ટૂંકો અને ટચ હતો: “મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે આરોપીના અપરાધ પાછળ ઉશ્કેરણીનું જે કારણ આંહીં ફરિયાદી તરફથી રજૂ કરવામાં આવેલ છે તે પૂરતું નથી. તેની પાછળ વધુ તીવ્ર ઉશ્કેરાટનો એક પ્રદેશ મને દેખાયો છે. પણ તેની અંદર ઊતરવાની જરૂર કોર્ટ જોતી નથી. આરોપીને છોડી મૂકવામાં આવે છે.” ચુકાદો સાંભળનારાઓમાં ગંભીર લાગણીનો ગરમ વાયુ ફૂંકાયો, અને શેઠના, શેઠ-પુત્રના, આરોપી મજૂરના ને વકીલમંડળનાં મોં પર તાતા તમાચા ચોડતો આ મિતાક્ષરી ફેંસલો સુણાવીને શિવરાજ સીધો ઘેર ગયો. “આપ મહેરબાની કરીને થોડા મહિનાની રજા પર ઊતરી જશો?” સ્નેહીઓએ આવીને એને ભય બતાવ્યો. “જરૂર નથી.” “તો રાતના બે ચોકીદારો ગોઠવશો?” “શા માટે?” “આપ દુનિયાને ઓળખતા નથી.” “ન્યાયકર્તાને બહોળી ઓળખાણ ન જ હોવી જોઈએ.” આઠેક દિવસ વીત્યા. શિવરાજ ઇરાદાપૂર્વક પિતાજીની પાસે ન ગયો. એ ઘરમાં પણ ન પેસી રહ્યો. એના આત્માની અંદર ઠંડું વીરત્વ પ્રસન્નતાના ઘોષ કરવા લાગ્યું. એ વીરત્વની નૂતન પ્રભા નચવતે ચહેરે પોતે એકાકી જ સવાર-સાંજ ફરવા નીકળ્યો. એકલપંથી બનીને ફર્યો. ન કોઈ સ્નેહીના ઉંબર પર ચડ્યો, ન સરસ્વતીના આંગણા સામે પણ એણે નીરખ્યું. ‘સરસ્વતી ઇચ્છે છે કે...’ એ વાક્યનો વીંછી-ડંખ એનાથી વીસરાતો ન હતો. સરસ્વતી એવું ઇચ્છનારી કોણ? કયો અધિકાર? એક મજૂરની ઓરત શું શેઠ-પુત્રની પથારીનું રમકડું હતી? ‘ત્યારે અજવાળી શું મારું રમકડું?’ એ વાક્ય કોણ બોલ્યું અંદરથી? કોઈક એની અંદર જાગ્રત હતું? કોઈક એના આરોપની અદાલત ભરીને બેઠું હતું? શિવરાજે લલાટ પર હાથ ફેરવ્યો, એ ભૂંસવા મથ્યો. લલાટ પર પડેલા દસ્તખતો ન લૂછી શકાયા. આઠમા દિવસે શિવરાજને પ્રાંતસાહેબનું તેડું આવ્યું. પોતાને ભણકારા વાગી ગયા. તૈયાર થઈને ગયો, પણ અજાયબી તો ત્યાં પણ એની વાટ જોઈ રહી હતી. ગોરા અધિકારીનો સન્માન અને સ્તુતિભાવભર્યો પંજો એના પંજાને પકડીને ધૂણી ઊઠ્યો. “તમને મારાં અભિનંદન છે. તમારું આચરણ બહાદુરને છાજે તેવું હતું. તમને હું બીજા ખુશખબર આપું? અત્યારના ડેપ્યુટીને દફતરદારી સંભાળવાની છે. તમને એના ખાલી પડતા સ્થાન પર કામચલાઉ નીમવાનો હુકમ રાજકોટથી આવી ગયો છે. પણ હમણાં વાત ખાનગી રાખવાની છે.” શિવરાજને શ્રદ્ધા બેસતાં થોડી વાર લાગી. ગોરા અમલદારોનો એને અનુભવ નહોતો. ગોરાઓ ડરકુઓને અને ખુશામદખોરોને ગુલામો બનાવી દબાવે છે, પણ વીર્યવંતોની શેહમાં ગોરાઓ ઓઝપાય છે – એ ગુપ્ત વસ્તુ શિવરાજને શીખવી બાકી હતી. ઘેર જઈને શિવરાજે તે રાત્રિએ કાગળ ને પેનસિલ લીધાં. પેનસિલ એણે ડાબા હાથમાં પકડી, અને એક વધુ છેતરપિંડીનો દસ્તાવેજ તૈયાર કરવા માંડ્યો. એ લખી રહ્યો હતો અજવાળીનો એની મા પરનો બીજી વારનો કાગળ. ફરી વાર એ-ના એ જ ભાવો: ‘માડીને માલૂમ થાય કે તમારી દીકરી અંજુડી ખુશી ખાતે છે. તમારો જમાઈ એને મારતોકૂટતો નથી. ઘઉંનાં ઓરણાં હાલે છે. પેલકી વારના દાણા ખપેડી ખાઈ ગઈ છે, બીજી વાર વાવીએ છયેં. વાણિયો બી ઉધાર માંડતો નો’તો તેથી, માડી, મેં તમારા જમાઈને મારા કાનનું ઠોળિયું દીધું છે. મેં કહ્યું કે, ભૂંડા, તારે ઘઉં થાય તયેં આપણે ઈ ઠોળિયું વાણિયા પાસેથી છોડાવી લેશું. એમાં તું ના ના શું પાડ છ? તું હેમખેમ રૈશ તો ઠોળિયાં તો મને લાટ મળશે. પછેં એને માંડ માંડ મનાવ્યો છે. અમારી ગાયના ગોધલાને હવે ચડાઉ કરવા છે. તમારો જમાઈ બળૂકો છે તોય ગોધલા એના હાથમાં રે’તા નથી. ગોધલાને મારી સાસુએ ભેંસનું દૂધ પાઈને મોટા કર્યા છે. તમારો જમાઈ કહે કે, ઠોળિયું નૈ, એક ગોધલો વાણિયાને વેચી દઈયેં. મેં કહ્યું કે, તો તો ગોધલાના પગ હેઠ કચરાઈને જ મરું. ઘઉંનાં ઓરણાં થઈ જાશે પછી હું તને મળી જાશ. માડી, તું દખી થાતી ના.’ કેટલી પ્રકાંડ બનાવટ! શિવરાજને લાગ્યું કે પોતે આ બનાવટ કરવામાં પાવરધો થઈ ગયો છે. પોતાને ખેડૂતની છોકરીની ભાષા લખતાં આવડી ગઈ. પોતે આ કાગળને ધારે તેટલો લાંબો કરી શકે. પોતે ફસાવેલી એક છોકરીની ઝૂરતી માતાને કેવું કેવું મીઠું હળાહળ પાઈ રહ્યો છે! આ છલનાનો કોઈ અંત જ નથી આવવાનો હવે શું? અજવાળીને પોતે જીવનમાં જે દિવસ પરણશે, તે દિવસ આ જનેતા આ બનાવટી કાગળો ક્યાંથી લખાયાની કલ્પના કરશે? આજનું અમૃત તે દિવસે તંબોળિયા નાગનું વિષ નહીં બની જાય? કાગળને સ્ટેશને જઈ પેટીમાં નાખ્યા પછી પાછા ફરતાં રેલવેના પાટા પાસે ડેપ્યુટી-સાહેબ અને સરસ્વતીને લટાર મારતાં જોયાં. પોતે માર્ગ તારવીને છટકવા ગયો. સરસ્વતી એને દેખી ચૂકી હતી. સરસ્વતી ઊપડતે પગલે એની કેડી રૂંધીને ઊભી રહી. હવે શિવરાજથી ન-જોયું કરવાનો ઢોંગ થઈ શકે તેવું રહ્યું નહીં, એણે ઠંડાગાર નમસ્કાર કર્યા. “મારે તમને ખબર આપવા હતા.” સરસ્વતીએ એક શુષ્ક કારણ કહેવાને બહાને આ મેળાપની ઉરવ્યથા મિટાવી. “હા,” શિવરાજે ખાસ કશી જ ઇંતેજારી ન બતાવી. ને બાજુમાં ખેતરની વાડ્યે ‘કિલકિલા... કિલકિલા... કિલકિલા’ કરતું એક તેતરપક્ષી ઊડીને દૂર નાસી ગયું. “મેં પેલી ખેડૂતબાઈને કક્કો શીખવવા માંડેલ છે. એ તમારું નામ લઈને આવી હતી.” “સારું કર્યું.” “બહુ જલદી શીખી શકે છે. શીખવાનું કારણ પણ અતિ પ્રબળ છે, ખરું ને?” “બાપુજી એકલા ઊભા છે. ચાલો, ત્યાં જઈએ.” શિવરાજે આડી વાત નાખી. “ચાલો.” બેઉ ચાલ્યાં, ને સરસ્વતીએ વાતનો તૂટેલો ત્રાગડો સાંધ્યો: “એની છોકરીના કાગળ આવે છે. છોકરી તો કોઈ જુવાનની જોડે નાસી ગઈ છે ને? બાઈએ મને બધી વાત કરીને છોકરીનો કાગળ પણ બતાવ્યો છે. તમે એ બાઈને દિલાસો આપ્યો છે.” શિવરાજને લાગ્યું કે હમણાં જ સરસ્વતી મારા કલેજા પર હાથ મૂકીને મારું ગુપ્ત પાપ પકડી પાડશે. “આ લોકો,” સરસ્વતીએ પાછું ચલાવ્યું: “કેટલાં સરલ ને સાદાં છે! દીકરી નાસી ગઈ તેની કશી જ બદનામી ગણ્યા વિના જ આ મા દીકરીનો પ્રેમ-વ્યવહાર ચલાવી રહી છે. આપણી કોમમાં બન્યું હોય તો હેત ને લાગણી ક્યાંનાં ક્યાં ઊંઘી જાય, એકબીજાને મારી નાખવા જેટલાં ઝનૂની વેર બંધાય!” “ખરું છે.” “તમે કેમ આવા ઠંડા જવાબ આપો છો?” સરસ્વતીએ નીચેથી નજર ઉઠાવીને શિવરાજના મોં પર જોયું. શિવરાજની નજર તો નીચે જ રહી. “કેમ સામે પણ જોતા નથી?” “તમે શું એમ માનો છો કે ઇન્સાફના કામમાં પણ મારે તમારી ઇચ્છા જોવી રહે છે?” શિવરાજે એકાએક સરસ્વતીને ઊધડી જ લીધી. “બાપુજીની ચિઠ્ઠીમાં મેં મારા તરફથી ઉમેરાવ્યું હતું તેની જ વાત કરો છો ને?” “હા જી.” “મારી ઇચ્છા તો તમારું ક્ષેમકુશળ રહે એ પૂરતી જ હતી. બાકી તો, હું ન્યાયના કામમાં શું સમજું?” શિવરાજે અજાયબીથી ઊંચે જોયું. અમદાવાદથી આઘાત ખાઈને પાછી વળેલી સરસ્વતી સાચોસાચ નવો જીવન-પલટો કરી શકી હતી કે કેમ તેની એને શંકા હતી. બાપની મોંએ ચડાવેલી લાડકી પુત્રી – અને તેમાં પાછો જાહેર ભાષણોનાં વ્યાસપીઠો પરથી પીધેલો તાળી-ગગડાટોનો નશો: એ નશાની પ્યાસ ફરી વાર સરસ્વતીને લાગશે ત્યારે પાછી એ અમદાવાદ ઊપડશે, એવી એને દહેશત હતી. પણ સરસ્વતીના આ નરમ પ્રત્યુત્તરે શિવરાજને વિમાસણમાં નાખ્યો: પોતે કંઈ વધુ પડતો સખત થયો હતો. સરસ્વતીએ ઉમેર્યું: “એ લોકોએ તમને કેમ જતા કર્યા છે તેની જ અમને તો નવાઈ લાગી છે. મારી છાતી આખી રાત ફફડતી રહે છે. તમારા મકાનમાં હું દીવો પણ મોડી રાતે દેખતી નથી.” “મોડી રાતે તમે ઊઠીને શું મારી ચોકી કરો છો?” “ના, જાસૂસી કરું છું.” સરસ્વતી હસી. “તો તો સારું. ચોકીદાર ઊઠીને જાસૂસ ન બની જાય તેટલું જ જોવાનું છે.” “તમે બત્તી નથી રાખતા, નથી માણસને સુવરાવતા. એમ શા માટે?” “અંધારામાં મને મારવા આવનાર ગોતી જ ન શકે તે માટે.” “ઠીક, વધુ તો શું કહેવું?” “તમે ઉજાગરા ન કરતાં. હું તો ઘસઘસાટ ઊંઘું છું.” “દુનિયામાં ઊંઘની અછત છે. કોને ખબર છે – મારી ઊંઘ જ તમને મળતી હશે તો!” વાર્તાલાપ લંબાવવાની લાલચ સરસ્વતીના પગને વજનદાર બનાવતી હતી. વાતોમાંથી નાસી છૂટવા ઇંતેજાર શિવરાજ ‘બાપુજી’નું બહાનું કાઢી પગ ઉપાડતો હતો. “કાં, ભાઈ!” ડેપ્યુટીએ પણ પેલી ચિઠ્ઠી લખ્યાના અપરાધયુક્ત ભાવે નમસ્કાર કર્યા. શિવરાજ કેમ નથી ડોકાતો એ પ્રશ્ન જ ન છેડ્યો, પણ સાદા સમાચાર આપ્યા: “અમે તો હવે અહીંથી ઊપડીએ છીએ.” “હા જી, મેં જાણ્યું.” સરસ્વતીએ જોયું કે જાણ્યા છતાં શિવરાજ આ વિદાયનો એક પણ વેદના-સ્વર કાઢતો નહોતો. “સરસ્વતીની સંભાળ,” ડેપ્યુટીએ બોલતાં બોલતાં ગળું ખરડ્યું: “દૂર બેઠે પણ લેતા રહેજો. હું તો હવે પેન્શન માગતો હતો, પણ આ લોકો છોડતા નથી. પેન્શન લઈને પણ ક્યાં જાઉં? સરસ્વતીની સાથે જ રહું તો ઠીક. રહેવાય ત્યાં સુધી તો રહું. પછી તો તમારા બાપુજીને જ ભળે છે ને—”